મમ્મી કેમ મારા દિકરાની ખુશીમાં ખુશ ન થયા એ વિશે હું હજી વિચારતે નહીં પણ એ અડધા દિવસમાં લગભગ દસેક વખત અલગ અલગ ફળિયાવાળાની આગળ મમ્મી એક જ શબ્દ વારંવાર બોલ્યા કે આને તો એની મમ્મી કરાવે પણ ભાણિયા ને કોણ કરાવે ? એ પણ હોશિયાર તો છે જ. કોઈએ પણ મમ્મીને એમ નહોતું કહ્યું કે આ દિકરો કરે છે એવું ભાણિયાએ પણ કરવું જોઈએ. કોઈએ ભાણિયા સાથે એની સરખામણી કરી ન હતી તો પછી મમ્મી કેમ વારંવાર આ બોલ્યા. તમે પણ તો બહાર જ હતા જ્યારે મમ્મી બોલતા હતા પણ તમને જાણે કંઈ ફરક જ પડતો ન હતો. પણ આ વિશે મેં તમને ત્યારે પણ નહીં કે પછી પણ કોઈ દિવસ કહ્યું નથી. હું એમ વિચારતી કે દિકરીનો દિકરો છે એટલે મમ્મીને દુઃખ થાય એમ કંઈ મન પણ લેવાની જરૂર નથી. પણ હું ખુશ હતી. અને આમ જ દિવસો પસાર થતા હતા. ગણપતિના તહેવારમાં દર વરસની જેમ હું દિકરાને લઈને મારા ઘરે ગઈ હતી કારણ કે ત્યાં ગણપતિનો તહેવાર ઉજવાતો અને વળી એક બે દિવસ રજામાં ત્યાં રહીએ તો દિકરાને ગણપતિ જોવા પણ લઈ જવાય. એ દિવસોમાં તમે પણ મારા ઘરે આવતા અને ત્યાં રહેતા પણ ખરા. ત્યાંથી આવીને ફરી પાછી રોજિંદી જીંદગીની દોડધામ શરૂ થઈ ગઈ હતી. પછી શ્રાદ્ધ, નવરાત્રિ આવ્યા. પપ્પાનું શ્રાદ્ધ કરવાનું હોય બેનને બોલાવીએ પણ એ આવે નહીં આપણે જ રસોઈ બનાવી હોય એ આપવા જવાનું હોય. નવરાત્રિમાં બાજુમાં કાકાને ત્યાં જવારા હોય એટલે એક દિવસ ગરબા ગવાય એ સિવાય નવરાત્રિમાં બીજું કંઈ ખાસ ગામમાં કંઈ થતું નહીં અને છેલ્લે દશેરાના દિવસે માટલી પધરાવવા જઈએ બસ. નવરાત્રિ પૂરી. પછી ચંદની પડવો આવે એટલે ધારી બનાવવાની. દર વખતે તો હું ઘરે હતી એટલે આપણી અને બેનના ઘરની ધારી બનાવતી પણ આ વખતે તો દિકરાની શાળા સાથે મારા પણ ટ્યુશન ચાલુ હતા. એટલે મારે ધારી બનાવવી ન હતી પણ મમ્મીએ કહ્યું કે બેનના ઘરે તારી બનાવેલી ધારી જ ભાવે છે એટલે તારે બનાવવી તો પડશે. અને હું થોડી થોડી તૈયારી કરીને બે દિવસે ધારી બનાવી રહી. પણ દર વખતની જેમ આ વખતે પણ મમ્મીએ ગણીને આપણા ઘરમાં પાંચ ધારી રહેવા દીધી અને બીજી બધી બેનના ઘરે મોકલી આપી. તમે તો કોઈ દિવસ કંઈ બોલતા જ ન હતા. મારે બોલવું હતું પણ હું ચૂપ જ રહી. આમ કરતાં દિવાળી નજીક આવી. આ વખતે પણ મમ્મીએ મને કહી દીધું કે તું દિકરાને લઈને તારા ઘરે ચાલી જા, હું ઘર સાફ કરી દઈશ. મેં કહ્યું આપણે સાથે મળીને કરી દઈશું પણ એ ન જ માને. એમ જ કહે કે ના મને નહીં ફાવે. હું એકલી જ કરી લેવા. અને મારી અનિચ્છાએ પણ મારે દિકરાને લઈને જવું જ પડે. એ વખતની દિવાળી લગ્ન પછીની પહેલી દિવાળી હતી જ્યારે આપણી પાસે દિવાળીમાં પહેરવા નવા કપડા લેવાના પૈસા હતા અને તમે કહ્યું હતું કે રજા પડે એટલે આપણે નવા કપડા લઈ આવીશું. અને વેકેશન પડતા જ આપણે કપડા લેવા ગયા હતા. આપણા કપડા લીધા અને મમ્મી માટે પણ સાડી લીધી હતી. ઘરે જઈને આપણે મમ્મીને કપડા બતાવ્યા અને એમના માટે જે સાડી લીધી હતી તે એમને આપી તો એમ બોલ્યા કે મારા માટે શું કામ સાડી લાવ્યા મારી પાસે તો ઘણી બધી છે. તો પણ તમે કહ્યું કે કંઈ વાંધો નહીં તો પણ તું રાખ. અને દિવાળી, નવું વર્ષ પૂરા થયા. ભાઈબીજના દિવસે બેનના ઘરે જમવા જવાનું હોય એટલે આપણે દર વખતે મારા ભાઈને બીજા દિવસે બોલાવતા. આ વખતે પણ એવું જ કર્યુ. આ વખતે મમ્મીએ કહ્યું હતું કે બેનને કહેજો કે બીજા દિવસે એટલે કે મારો ભાઈ આવે એ દિવસે આપણે ત્યાં જમવા આવે. તમે કહ્યું પણ હતું કે કાલે જ શું કામ ? વેકેશન છે એને સમય મળે એટલે એ આવશે જા રહેવા માટે. પણ મમ્મીએ કહ્યું કે ના એમ કહેજે કે નવા વર્ષનું જમવા આવવાનું છે કાલે.