Bhool chhe ke Nahi ? - 77 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 77

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 77

મિત્રો,

સમય સંજોગો પ્રતિકૂળ હોવાથી આગળનો ભાગ લખવામાં ઘણો વિલંબ થઈ ગયો છે. એ માટે આપ સૌની માફી માગુ છું. ફરીથી બેનની ડાયરી માં આગળ શું લખ્યું છે તે તમને જણાવું છું. તમને લાગતું હશે કે આ વાર્તાનું નામ ભૂલ છે કે નહીં ? એમ આપ્યું છે પણ ક્યાંય કોઈ ભૂલ હજી સુધી દેખાઈ નથી રહી. મને પણ ડાયરી વાંચતા વાંચતા આ જ સવાલ થયેલો પણ એનો જવાબ મને ડાયરીના અંત ભાગમાં મળ્યો હતો. તમારે પણ ધીરજ રાખવી પડશે અંત સુધી પહોંચવામાં. કારણ કે એ ભૂલ માટે બેનની જીંદગીનું દરેક પાનું વાંચવું પડશે. આગળ શું લખ્યું છે તે જણાવું.

રક્ષાબંધનનો તહેવાર પૂરો થયો. ફરી પાછું જીંદગીની રોજની દોડધામ શરૂ થઈ ગઈ. જન્માષ્ટમીનો તહેવાર આવવાનો હતો. દિકરાની શાળામાં તહેવાર નિમિત્તે હરીફાઈ હતી. મેં દિકરાનું નામ એમાં લખાવ્યું હતું. અને દિકરાને એ પ્રમાણે તૈયાર પણ કર્યો હતો. હરિફાઈ ના દિવસે હું જે શાળામાં જતી હતી ત્યાં આચાર્યને કહીને રજા લીધી હતી. આચાર્યએ પણ કંઈ પણ કહ્યા વગર રજા આપી દીધી હતી. ફક્ત એટલું કહ્યું હતું કે બધાને જણાવી દઉં કે એમણે ટયુશન માટે એ દિવસે આવવાનું નથી. અને દિકરાની હરિફાઇના દિવસે હું એની સાથે એની શાળામાં જ રોકાઈ હતી. હરિફાઈ સારી રીતે પૂરી થઈ ગઈ અને દિકરો એમાં પ્રથમ નંબરે વિજેતા બન્યો હતો. હું ખૂબ ખુશ થઈ હતી. એ દિવસે એની શાળાના દરેક શિક્ષકોએ મારી પાસે આવીને દિકરાની જીત માટે મને અભિનંદન આપ્યા હતા. એ દરેકને ખબર હતી કે હું ત્રણ કલાક ત્યાં બેસી રહેતી હતી અને હવે કોઈક જગ્યાએ ટયુશન કરાવું છું. દરેકના મોઢામાંથી એ દિવસે એક જ વાક્ય નીકળ્યું હતું કે તમારા દિકરાની હોશિયારી અને તમારી મહેનત રંગ લાવી. આ જ રીતે મહેનત ચાલુ રાખજો. દિકરો ખુબ હોશિયાર છે. દિકરાની આ જીત મારા માટે ખૂબ મોટી હતી કારણ કે એ જીત અમને બંનેને ગામથી શાળા સુધી પહોંચવા માટેનું નવું પ્રોત્સાહન આપે એવી હતી. ક્યારેક આવવા જવાથી કંટાળી જઈએ તો નવી ઉર્જા આપે એવી હતી. અમારા બંનેના ચહેરા પર એક અલગ જ ખુશી હતી. એને જે ઈનામ મળ્યું એ તેણે હાથમાં જ પકડી રાખ્યું અને ઘર સુધી એમ જ આવીશ એમ કહ્યું. અમે ઘરે જવા બસ પકડવા માટે નીકળ્યા અને બસમાં બેઠા. રોજ એક જ બસમાં આવીએ એટલે ડ્રાઈવર કંડકટર અને રોજ જે આવતા હોય એ બધા પેસેન્જર ઓળખતા થઈ ગયા હતા. દિકરાએ તો બસમાં ચઢયો કે તરત જ ડ્રાઈવર કંડકટરને ઈનામ બતાવી કહ્યું હું પ્રથમ નંબરે જીતી ગયો. પેસેન્જરો પણ જે રોજ એને બોલાવતા એમને કહ્યું હું જીતી ગયો. બધા જ ખુબ ખુશ થઈ ગયા. એની ખુશી જોઈને હું ખુશ થતી હતી. અમે ઘરે આવ્યા ને દિકરાએ તો ફળિયામાં આવતા જ મમ્મીને બૂમ મારી. બા હું જીતી ગયો. મને ઈનામ મળ્યું. એટલે ફળિયામાં જે બહાર બેઠા હતા એ બધા જાણે એને ખુશ જોઈને ખુશ થતા હતા. એણે મમ્મીને ઈનામ બતાવ્યું. એ પણ ખુશ થઈ ગયા. પછી દિકરાને જમાડીને હું જમી અને એને સુવાડી દીધો. તમે નોકરીએથી આવ્યા ત્યારે એ જાગી ગયો અને તમને પણ એ જ ઉત્સાહથી એણે કહ્યું કે હું જીતી ગયો. ને તમે પણ ખુશ થઈ ગયા હતા. પણ સાંજે જ્યારે મમ્મી બહાર ઓટલા પર ફળિયાવાળા સાથે બેઠા ત્યારે ફરી એ જ વાત નીકળી ને બધા એમ કહેતા હતા કે દિકરો જીતીને આવ્યો એ ખૂબ મોટી વાત કહેવાય. તો મમ્મી તરત જ એમ બોલ્યા કે એ તો એની મમ્મી તૈયારી કરાવતી હતી એટલે જીતી જ જાયને. તો બધાએ કહ્યું કે તૈયારી કરાવે પણ સ્ટેજ પર બધાની સામે જઈને કરવું એ કંઈ નાની વાત નથી. દિકરો પણ હિંમત વાળો કહેવાય. પણ મમ્મી એ કહ્યું કે એમાં શું ? એ તો અમારો ભાણિયો પણ કરી જ શકે પણ એને કરાવે કોણ ? મમ્મીના મોઢે આ વાત સાંભળીને મને નવાઈ લાગી કે એમને દિકરાની જીતની ખુશી નથી પણ ભાણિયો આવું કંઈ ન કરી શકે એનું દુઃખ છે. એને બેન કરાવે કે ન કરાવે એમાં મારા દિકરાની ખુશીમાં મમ્મી ખુશ કેમ ન થયા ?