MOJISTAN - SERIES 2 - Part 34 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 34

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 34

હેલો, મારા વહાલા વાચક મિત્રો! મને ખબર છે કે આપ સૌ મારાથી નારાજ રહેતા હશો કારણ કે હું નિયમિત રીતે લખતો નથી. શેરડીના સાંઠો ખાતી વખતે માંડ મજા આવે ત્યારે જ ગાંઠ આવે એમ આ મોજીસ્તાનમાં મોજ જામે જામે ત્યાં જ નવું પ્રકરણ આવતું બંધ થઈ જાય છે. આપ સૌનો વારંવાર રસભંગ થઈ રહ્યો છે એ હું જાણું અને સમજુ છું. પણ મોજીસ્તાનમાં આગળની વાર્તા રચવા માટે ઘણું વિચારવું પડે છે. કારણ કે ઉતાવળ કરું તો રસોઈ કાચી રહી જાય. પહેલા ભાગમાં તો શું હતું કે વાર્તા આખી તૈયાર હતી. આપ સૌને એમાં ખૂબ મજા આવી અને ભાગ 2 માટે ઘણા મિત્રોએ વારંવાર ડિમાન્ડ કરી એટલે હું આ બીજી સિઝન લખવા તૈયાર થયો. પણ જે રીતે સિઝન 1 લખાઈ રહી હતી એ રીતે આ સીઝનમાં લખી શકાતું નથી. નવા પાત્રો અને નવી ઘટનાઓ લાવીને એમાં કઈ રીતે મનોરંજન ઊભું કરવું એ બધું બહુ અઘરું પડે છે. કારણ કે મોજીસ્તાનનો જે ટેસ્ટ છે એ જળવાઈ રહે એ પણ જોવું પડે. નહિતર આપ સૌ એમ જ કહેશો કે હવે મજા નથી આવતી! એટલે મજા લાવવા માટે મારે ધજા ઊંચી રાખવી જ પડે.  વળી સમયનો પણ અભાવ રહે છે. વચ્ચે થોડી તબિયત બગડેલી. પાછું આ જન્માષ્ટમીની રજાઓ! આ બધું ભેગું થયું છે એટલે આ વખતે બહુ લેટ થયું છે તો માફ કરશો. પણ આપ સૌ માટે આ 34મુ પ્રકરણ જોરદાર કોમેડી સાથે લાવ્યો છું. આમ તો બે પ્રકરણ જેવડું લાંબુ લખ્યું છે જેથી આપ સૌને એમ ન થાય કે એક તો મોડું મોડું લાવ્યા અને જરાક અમથું જ લાવ્યા.  તો, માણો મોજીસ્તાનની મોજીલી રસધારનું આ પ્રકરણ 34!પ્રકરણ 34.પોચા સાહેબે, ગામમાં ઘર ભાડે મળે ત્યાં સુધી રૂપાલીને રહેવાની વ્યવસ્થા પોતાના ઘરે જ કરી દીધી. નમણી નાજુક ને રૂપાળી રૂપાલીને જોઈ પોચા સાહેબનું પાકટ અને કઠણ દિલ પણ પોચુ પડી ગયું હતું. પોચા સાહેબના પત્નીએ થોડા દિવસ પૂરતું જ એમના ઘરે રહેવાની હતી એટલે બહુ માથાકૂટ કરી નહોતી.  બીજે દિવસે સ્કૂલમાં રૂપાલીએ કાર્યભાર સંભાળ્યો. એને ધોરણ એકનો વર્ગ અપવામાં આવ્યો. પ્રાર્થના સમૂહમાં થતી. વિધાર્થીઓ આંખ બંધ કરીને પ્રાર્થના ગાતા. પણ આજ તો બધા વિદ્યાર્થીઓ નવા ટીચરને જોઈ આંખ બંધ કરવાનું જ જાણે કે ભૂલી ગયા. નિશાળના બગીચામાં વસંત બેઠી હતી. મુકુંદરાય, ચંદુલાલ, બાબુલાલ અને ઉકાલાલ વગેરે માસ્તરો નવી જોડાયેલી સુંદર શિક્ષિકાને તમામ પ્રકારની મદદ કરવા મન બનાવી ચૂકયા હતા. ચંદુલાલને આજ વાળમાં તેલ નાખીને આવવા બદલ અફસોસ થતો હતો. તો બાબુલાલને સફેદ શર્ટ અને લેંઘો ખુંચી રહ્યો હતો. ઉકાલાલને કપાળમાં કરેલો કંકુનો ચાંદલો આજ પહેલીવાર નહોતો ગમતો. મુકુંદરાયને જાડા કાચના ચશ્મા આજ પહેલીવાર વજનદાર જણાતા હતા!   લીલાબેન શરીરે જાડા હતા, એમને રૂપાલીના સ્લિમ બોડીની ઈર્ષા થઈ હતી. રેખાબેનને આજ પોતે વધુ પડતા શ્યામ હોવાનું લાગી રહ્યું હતું. લાજવંતીબેનને એમની નાની અમથી અંબોડીનો ભાર લાગતો હતો. અંબાબેનને જરાક જાડી હોત તો સારું હતું એવી લાગણી આજ પહેલીવાર થઈ હતી. પ્રાર્થના તો ગવાઈ રહી હતી પણ સૌ કોઈનું ધ્યાન રૂપાલી તરફ હતું.  પોચા સાહેબે પરિચય કરાવ્યો ત્યારે એ તમામ શિક્ષકો ખુશ થયા હતા પણ શિક્ષિકાઓ ખુશ નહોતી. 'આવા ગામમાં શહેરમાં ભણેલી ને શહેરમાં જ ઉછરેલી ને ઉપરથી એકદમ રૂપાળી છોકરી શું જોઈને આવી હશે?'  શિક્ષિકાઓના મનમાં ઉભો થયેલો આ સવાલ હેઠો બેસવાનું નામ લેતો નહોતો. જ્યારે 'વાહ હવે મજા આવશે. કાળી કુબડીઓના ડાચા જોઈને છોકરાઓને ભણાવવાનો મુડ માર્યો જતો હતો. આવું રૂપાળું માણસ આજુબાજુ હોય તો થોડું ઠીક લાગે' એમ વિચારતા દરેક શિક્ષકને શું ઠીક લાગતું હતું એની ખબર નહોતી. રૂપાલી, હમણાં તો પોચા સાહેબના ઘરે જ રહેવાની હતી એ જાણીને ઉકાલાલ મનોમન ઉકળ્યા હતા. 'આ પોચો ક્યાંક 'લાભ' ન લઈ લે તો સારું. મારો બેટો અમથો તો કોઈને પાંચિયાનોય લાભ કરાવે એમ નથી પણ રૂપાળું બૈરું જોઈને લપસવાનો ખરો. પણ હજી ઉકો બેઠો છે, બાબુનું નાક લાંબુ છે, મુકુંદ તો જાડા ચશ્મામાંથી સરખું જોઈ પણ શકતો નથી, અને ચંદુ ક્યાંય ચાલે તેમ નથી. એટલે ઉકા સિવાય સ્ટાફમાં કોઈ ગમે તેવું નથી. મારે જરા ધ્યાન આપવું પડશે!'  બાબુલાલે પણ રૂપાલી સાથે નજર મેળવવા એક બે વાર નજર ફેંકી હતી. પણ રૂપાલી તો વિદ્યાર્થીઓને જોઈ રહી હતી. 'આજ દિવસ સુધી આવી શિક્ષિકા ગામડામાં જોઈ નથી. મારા ઘરની બાજુમાં રહેતા પરસોત્તમનો ઉપલો માળ ખાલી છે! એને ત્યાં રૂપાલીને રહેવાની વ્યવસ્થા કરી શકાશે. ઉકો લાંબો અને જાડીધાર છે, મુકુંદનો મેળ પડવાનો કોઈ ચાન્સ નથી અને ચંદુનો દેખાવ દેખવા જેવો નથી. પોચાલાલ તો સાવ પોચા છે એટલે બેટા બાબુ, બલમ બનવાની તકો આવતી જણાય છે. બીજો કોઈ બેકાબુ બને તે પહેલાં ગોઠવણ કરી લેવા જેવું છે!'મુકુંદરાયે જાડા બિલોરીકાચ જેવા ચશ્મા પાછળ મોળી પડી ગયેલી આંખોમાં અરમાન આંજતા વિચારવા માંડ્યું હતું.'બિંદુમાં હવે કાંઈ બળ રહ્યું નથી. પ્રેમ કરવાનું કહીએ તો હવે હેઠા બેસવાનું કહી દે છે. હજી ક્યાં ઘરડા થયા છીએ. ભૂખી ને તરસી થયેલી દિલની ભોમકા પર આવી કોઈ વાદળી ભલે ધોધમાર ન વરસે પણ ઝરમર ઝરમર વરસે તોય ભયો ભયો થઈ જશે. ઉકલો હંમેશા ઉકળતો રહે છે, કોઈને સરખા જવાબ પણ દેતો નથી. ભાષાનો શિક્ષક છે છતાં એની ભાષા તો ભૂગોળ જેવી જ છે. બાબુ ક્યારેય સાબુ વાપરતો નથી એટલે કાયમ ગંધાતો હોય છે. ચંદુ એકદમ ચાલુ માણસ છે એટલે નવી શિક્ષિકાને માર્ગદર્શન આપે એવું કોઈ હોય તો આ સ્ટાફમાં એકમાત્ર મુકુંદરાય જ છે. ભલે જાડા ચશ્મા પહેરુ છું, પણ ચહેરા કરતા માણસનું દિલ વધુ સુંદર હોવું જોઈએ. જે મારી પાસે જ છે એટલે હવે પાનખરમાં વસંત બેસશે તો મુકુંદ તારા જીવનમાં જ બેસવાની! કદાચ ઉપરવાળાએ એટલે જ આવું નમણું માણસ અહીં મોકલ્યું છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.' ચંદુલાલ આ બધાથી ઉંમરમાં બે વરસ નાનો હતો. બોટાદથી એ અપડાઉન કરતો કારણ કે એની પત્નીને ગામડું ગમતું નહોતું. વળી એના બે બાળકો શહેરની શાળામાં ભણે તો જ આગળ વધી શકે એમ એ માનતો હતો. પ્રાર્થના શરૂ થવાની હતી ત્યારે જ એ ચોક્સાઈ રાખીને જરા ઉતાવળો ચાલીને રૂપાલીની બાજુમાં ગોઠવાઈ ગયો હતો. જોકે ઉકાલાલે એને ખસવાનું કહ્યું હતું પણ એ ખસ્યો નહોતો એટલે ઉકાલાલે એની કમરમાં ચિંટીયો ભર્યો હતો.'રૂપાલી જેવી શિક્ષિકાને આવા ગામડામાં તો નહીં જ ફાવે. હું બોટાદથી અમથો અપડાઉન કરતો હઈશ? બોટાદમાં જ રહેવાય. રૂપાલીને બોટાદમાં મારી સોસાયટીમાં જ રૂમ ભાડે અપાવી દઈશ. પછી રોજ સાથે જ આવશું ને જાશું. બસમાં આવું છું પણ પછી બાઈક લઈ લેવું છે. ભલે પેટ્રોલ બળે પણ રૂપાલી જેવું કોઈ મળે તો જામો જ પડી જાય. સાલું આજ દાઢી કરવાની આળસ ન કરી હોત તો સારું હતું. પણ કંઈ વાંધો નહિ, ઉકાલાલ, બાબુલાલ કે મુકુંદરાય, કોઈમાં કંઈ લેવાનું નથી. એટલે રૂપાલીનો ખાસ મિત્ર કોઈ બની શકે એમ હોય તો ચંદુલાલ જ છે.'  પ્રાર્થના પુરી થઈ. બાળકો ગ્રાઉન્ડમાંથી ઊભા થઈ લાઈનસર વર્ગમાં જવા લાગ્યા. શાળામાં શિસ્ત સારી હતી, બાળકો ઘોંઘાટ કર્યા વગર પોતપોતાના વર્ગમાં જઈને બેસી ગયા. શિક્ષકો પણ એમના હાજરી પત્રકો લઈ વર્ગમાં જવા લાગ્યા.  શાળાનું મકાન વિલાયતી નળિયાવાળું હતું. જેમાં લાંબી લોબીમાં દરેક વર્ગના દરવાજા અને બારી પડતા. પાછળ નાનો બગીચો હતો જેમાં દરેક વર્ગની બારીઓ પડતી. આગળના ભાગમાં મોટું ચોગાન હતું. શાળા ફરતે છ ફૂટ ઊંચી પથ્થર અને ચુનાથી ચણેલી દીવાલ હતી. એ દીવાલે શાળાની અંદરના ભાગમાં વૃક્ષો ઊભા હતા. મોટાભાગના વૃક્ષો લીમડાના હતા.  લોબીની ધાર પાસે મહેંદીના છોડને કાપીને નાની દીવાલ જેવી રચના કરેલી હતી. જેમાં વચ્ચે વચ્ચે લાઈનમાં આસોપાલવ હતા. તુલસી ક્યારો પણ હતો. લોબીમાં શાળાના વર્ગોના બારી બારણાં વચ્ચે વિવિધ પ્રકારના બોર્ડ હતા. જેમાં એક બોર્ડમાં આજના સમાચાર, બીજામાં જાણવા જેવું, ત્રીજામાં સુવિચારો અને કવિતાઓ લખવામાં આવતી. શાળાના દરવાજાથી શાળાનું મકાન વીસેક ફૂટ દૂર હતું. શાળા ફરતેની દીવાલ અને શાળાના મકાનની દીવાલ સુધી લાઈનમાં મહેંદીના મોટા છોડનું કોતરકામ કરીને રચેલી દીવાલમાં કમાન આકારનો દરવાજો બનાવેલો હતો. એ દરવાજામાંથી શાળાના મકાનની પાછળના ભાગમાં આવેલા બગીચામાં જઈ શકાતું હતું.   શાળાનું ગ્રાઉન્ડ એકદમ ચોખ્ખું હતું. બાળકો પોતપોતાના વર્ગ અને ગ્રાઉન્ડની સફાઈ નિયમિત રીતે કરતા.   શાળાના દરવાજા તરફની લોબીમાં સૌથી પહેલા રૂમમાં ધીરણ એકનો વર્ગ હતો જેની કલાસ ટીચર હવેથી રૂપાલી હતી. એ પછી ધોરણ બે, ત્રણ, ચારના વર્ગો હતા. જેની વર્ગ શિક્ષિકાઓ અનુક્રમે લીલાબેન, લાજવંતીબેન અને અંબાબેન હતા.   એ પછીના રૂમમાં શાળાનું કાર્યાલય અને આચાર્યશ્રીની ઓફીસ, અને સ્ટાફરૂમ પાર્ટીશન કરીને બનાવવામાં આવ્યો હતો. ઓફીસ પછીના રૂમોમાં ધોરણ પાંચથી આઠના વર્ગો હતા, જેમાં રેખાબેન, બાબુલાલ, ચંદુલાલ ઉકાલાલ અને મુકુંદરાય ભણાવતા.આ સિવાયના સ્ટાફમાં મોહનભાઈ કારકુન અને ઉદો પટ્ટાવાળો પણ ફરજ બજાવતો જે ઓફિસના દરવાજે ટેબલ નાંખીને બેસી રહેતો. સમય પત્રક મુજબ બેલ પાડવો, રિસેસમાં સાહેબો માટે ચા પાણી કરવા, કયારેક નાસ્તો લઈ આવવો વગેરે કામો ઉદો કરતો. ખાખી પેન્ટ શર્ટ અને ખાખી ટોપી એને સરકાર તરફથી યુનિફોર્મ તરીકે મળેલી.  એક સફાઈકામદાર ઘુઘો પણ સ્ટાફમાં સામેલ હતો જે ગ્રાઉન્ડના ખૂણે આવેલી મુતરડી અને સંડાસ સાફ કરી જતો.   તો, આ હતી ગામની પ્રાથમિક શાળા! શિક્ષકો સારું શિક્ષણ આપતા નહોતા એવું નહોતું પણ મન ન હોય ત્યારે છોકરાઓને લખવાનું આપીને ખુરશીમાં આરામ ફરમાવી લેતા. પોચા સાહેબ પાન ચડાવીને શાળાના દફતરમાં ગુંચવાયેલા રહેતા. ક્યારેક મૂડ ચડે તો રાઉન્ડ મારતા ખરા પણ કોઈને કંઈ ટોકવાનું એમને બહુ ગમતું નહિ. સાતમા અને અઠમાં ધોરણમાં હિન્દી ભણાવવાનું એમણે માથે રાખેલું પણ વિદ્યાર્થીઓને એમણે હિન્દીનો હ પણ શીખવાડયો નહોતો. એટલે જો તમને યાદ હોય તો મોજીસ્તાનના પહેલા ભાગમાં ટેમુએ પોચા સાહેબને સરખું હિન્દી ન શીખવવા બદલ ખીજવેલા. ચંદુલાલ એ જવાબદારી નિભાવતો અને પોચા સાહેબની કૃપાના બદલામાં એમનો કોર્સ પૂરો કરી આપતો. બોટાદથી આવવામાં વહેલુમોડુ થાય તો પોચા સાહેબની કૃપા કામ લાગતી.  કાર્યાલયમાંથી રજીસ્ટર લઈને નીકળતી વખતે ચંદુલાલે વર્ગમાં જતી રૂપાલીને અટકાવીને હસીને પૂછ્યું, "મિસ રૂપાલી, તમે આ અગાઉ કઈ સ્કૂલમાં જોબ કરતા?"  રૂપાલી ઊભી રહી એટલે પોતપોતાના વર્ગ તરફ લોબીમાં ચાલ્યા જતા ઉકાલાલ, બાબુલાલ અને મુકુંદરાય તરત પાછા વળીને  ચંદુલાલ જોડે આવીને ઊભા રહ્યા. ચંદુ ક્યાંક મેદાન મારી ન જાય એ જોવાની એ સૌની જવાબદારી જો હતી! ચંદુને જે પૂછવાનું સુજ્યું એ પોતાને ન સુજવા બદલ મનને ઠબકો આપ્યો."હું એકદમ ફ્રેશ છું સર. આઈ હેવ નો એક્સપિરિયન્સ, બટ યુ નો, આઈ કેન હેન્ડલ ઈટ. ટ્યૂશન કલાસીસમાં ટીચિંગ કરેલું છે સો નો પ્રોબ્લેમ." રૂપાલીએ ટોળે વળેલા સ્ટાફ પર નજર નાંખીને ચંદુલાલને જવાબ આપ્યો. 'તું એકદમ ફ્રેશ છો એ તો અમને ખબર જ છે..!' ઉકાલાલ બબડયો.રૂપાલીએ જવાબમાં જે અંગ્રેજી ઝાડયું હતું એની અસરમાં લગભગ બાધા જેવા થઈ ગયેલા ચંદુલાલે કારણ વગર ખડખડાટ હસીને કહ્યું,"અરે વાહ..તમે તો બહુ સરસ અંગ્રેજી બોલો છો હો. મોટા ધોરણમાં તમારા અંગ્રેજીનાં તાસ ગપઠવા પડશે. બાકી જુઓ, તમને  કંઈપણ ન સમજાય તો તરત મને કહેજો. અમે બધા નવા શિક્ષકને તકલીફ પડવા નહિ દઈએ. હું ધોરણ છઠ્ઠું લઉં છું." "મારી પાસે પાંચમું છે. મેં સાહેબ પાસેથી જાણ્યું છે કે તમારે રહેવાની વ્યવસ્થા કરવાની છે. એક કામ કરો આજે જ સાંજે છૂટીને આવો મારા ઘેર, મારા ઘરની બાજુમાં જ એક સરસ મકાન છે. ત્યાં તમારી વ્યવસ્થા થઈ જશે." બાબુલાલે તક ઝડપીને બોલ ફેંક્યો. "તમારી બાજુમાં તો ઓલ્યો અડધા આંટાનો પશવો રહે છે. એના મકાનની વાત કરી તમે? અલ્યા બાબુલાલ, એવા ખંડેરમાં આ રૂપાલીજી થોડી રહેશે? મેડા પર તો એ નીરણ ભરે છે. નાહવા ધોવા માટે બાથરૂમની પણ સગવડ નથી, શું યાર બાબુલાલ તમેય ખરા છો." ઉકાલાલે  મકાનનો મુદ્દો  હાથમાં લઈ બાબુના બોલને બહાર ફેંકી દીધો. પછી આગળ વધી રૂપાલીને કહ્યું, "તમે કોઈના પર જલ્દી ભરોસો કરીને ભેરવાઈ ન જતા. સાંજે આપણે મારા ઘેર જ જઈશું. બંગલા ટાઈપ મકાન છે, જેમાં શહેરમાં હોય એવી બધી જ સુવિધા છે, મકાનમાલિક મનુભાઈ મુંબઈ રહે છે. એક રૂમમાં તો એસી પણ ફિટ કરાવ્યું છે. મારો ખાસ મિત્ર છે એટલે તમને એ બંગલો નજીવા ભાડામાં આપી દેશે, બરાબર? તો ચાલો બધા વર્ગમાં જાવ હવે.""અરે એ મનુનું કંઈ નક્કી નહિ, મેં બે વખત મોઢે માગ્યું ભાડું આપવાની વાત કરેલી તોય નથી આપ્યું. ઉકાલાલને તો એ ઓળખતોય નહોતો એ વખતનો મારે સબંધ છે તોય મને નથી આપતો બોલો. મનું તો માલેતુજાર માણસ છે, એને ભાડામાં રસ જ નથી. એની ઘરવાળીને કોઈ મકાન બગાડે એ સહેજ પણ ગમતું નથી. એક કામ કરો રૂપાલીની ચિંતા તમે છોડો. એની વ્યવસ્થા હું કરી આપીશ. ચાલો હવે પોતપોતાના વર્ગમાં જઈએ." મુકુંદરાયે માસ્ટર સ્ટ્રોક મારતા કહ્યું.  "આના કરતાં બોટાદ જ આવી જાવ ને. હું ત્યાંથી જ અપડાઉન કરું છું. શહેરનું શહેર ને ગામનું ગામ. આવતા રવિવારે આવો તમે મારી જોડે. હું મકાન જોઈ રાખીશ. એમ જ કરજો, આ બધા તો ગામડામાં ટેવાયેલા છે, આપણને ના ફાવે બરાબરને?" ચંદુએ 'આપણને' શબ્દ પર ભાર દઈને કહ્યું. લોબીમાં રૂપાલીને રોકીને એના માટે મકાનની વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફને જોઈ પોચા સાહેબ કઠણ થયા. ઓફિસમાંથી બહાર નીકળીને કોઈ દિવસ ન ખિજાયેલા આચાર્ય એકદમ ખિજાઈ ગયા, "અલ્યા એની રહેવાની વ્યવસ્થા થઈ જશે. ગોળના દડબા ફરતે મકોડા ભેગા થાય એમ શું ચોંટી પડ્યા છો. ભણાવવા આવ્યા છો કે મકાનની દલાલી કરવા? જાવ આમ વર્ગ ભેગા થાવ નકર સાંભળશો મારા મોઢાની." પોચા સાહેબની હાકલ સાંભળીને દરેકના મોં પડી ગયા. નવી શિક્ષિકા સામે પોતાનું હળહળતું અપમાન થયેલું જોઈ દરેક શિક્ષકને પોચા સાહેબ પર દાઝ ચડી. પણ પોચા સાહેબની આંખોમાં ભભૂકી ઉઠેલો ક્રોધ જોઈ દરેક જણ પોતાના વર્ગ તરફ ચાલવા માંડયા. "સોરી સર. હું તો મારા ક્લાસમાં જ જઈ રહી હતી. પણ સ્ટાફે મને હેલ્પ કરવા માટે રોકી હતી. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી સર.." રૂપાલીએ પોચા સરની માફી માંગવા માંડી."અરે.. નહિ..! તારો કંઈ વાંક નથી ડિયર. પણ પ્રિન્સિપાલ તરીકે મારે જરા આ બધું જોવું પડે સમજી. જા તું તારો વર્ગ સંભાળી લે. કંઈ ન સમજાય તો ઓફિસમાં આવી જજે.." પોચા સાહેબે ક્રોધને તરત ગાયબ કરીને એની જગ્યાએ વ્હાલ ભરીને સસ્મિતવદને કહ્યું.  "જુઓ તો ખરા... શું કળીયુગ આવ્યો છે. દિકરી જેવડી છોકરીને ડિયર ડિયર કરીને લાળું પાડે છે એ પોચો. પાછું એ છોકરીને ઘરે રાખી છે બોલો! માખણને સાચવવા મીંદડું બેઠું છે આ તો. આચાર્ય તરીકેનું એક લક્ષણ મને તો એનામાં દેખાતું." ઉકાલાલ વર્ગમાં જતા જતા ઉકળ્યો."આ તો શું છે કે બિચારી ગામડાથી અજાણી છે, એટલે મદદ કરીએ એમ. આપડા પેટમાં થોડું કંઈ પાપ છે. પણ એણે આપણને મકોડા કીધાં મકોડા. સાલું આવી રીતે અપમાન કરી નાંખે એ કઈ રીતે ચલાવી લેવાય?" મુકુંદરાયે પણ દાઝ ઠાલવી."અલ્યા ચંદુ, તું એ છોકરીને ગામમાં જ રહેવા દેજે હો. બોટાદ ફોટાદ લઈ જઈને એને હેરાન નથી કરવાની સમજ્યો?'' બાબુલાલે અપમાનવાળા મુદામાં રસ લેવાને બદલે ચંદુને પકડ્યો. "એ તો એને ન આવવું હોય તો હું થોડો પરાણે લઈ જવાનો? આ તો શું કે એ અમદાવાદમાં રહેલી છે એટલે ગામડામાં કદાચ એને અનુકૂળ ન આવે એટલે કહ્યું હતું. એની ઈચ્છા બોટાદ રહેવાની હોય તો હું કે તમે શું કરી લેવાના.." ચંદુએ ચાલ ચાલતા કહ્યું."એમ નહિ, પણ તારે બોટાદની વાત જ ન કરાય. એ ગામડામાં આવી છે તો એને ગામડા વિશે બધી ખબર જ હોય, કદાચ એને ગામડું ગમતું હોય. તને કંઈ અક્કલ જ નથી." બાબુલાલે જરા ખિજાઈને કહ્યું. "તો બાબુલાલ તમે તો અક્કલના કુવા છો એમ? પેલાં લઘરવઘર પરસોતમના મેડા પર એને રાખવી છે એમ?" ચંદુ પણ ગરમ થયો."તમે બેય રહેવા દો. હું ને ઉકાલાલ એની વ્યવસ્થા કરીશું, કેમ બરાબરને ઉકાલાલ? આપણું ગામમાં વજન પડે છે.." મુકુંદરાયે લડતમાં ઉકાલાલને ભાગીદાર બનાવવો જરૂરી સમજ્યો. ઉકાલાલને એ ગમ્યું. મુકુંદરાય તો જાડા ચશ્માવાળો. સરખું જોઈ પણ  શકતો નહોતો. એટલે રૂપાલી સાથે પાકી દોસ્તી કરવામાં નબળો હરીફ સાબિત થવાની પૂરેપૂરી સંભાવના ઉકાલાલને દેખાઈ.''હા બરાબર છે, બાબુ તું ને ચંદુ એ ટેંશન છોડી દો. જાવ હવે વર્ગમાં પધારો નહિતર હમણે પેલો પોચો ફરી કઠણ થશે'' કહી ઉકાલાલ હસી પડ્યો."એટલે તમે એમ કહેવા માંગો છો મેં અમારું વજન ગામમાં નથી પડતું એમ? જુઓ મુકુંડરાય પોદળા પર પગ તમે મુકો કે હું મુકું, પોદળો ચેપાઈ જ જવાનો સમજ્યા? એટલે એ સાબિત થાય છે કે તમારું જેટલું વજન ગામમાં પડે છે એટલું જ અમારું પણ પડે જ. એટલે એ વાત રહેવા દો. હું ને ચંદુ કંઈ રોડે રખડતા રોમિયા નથી સમજયા? અમે રૂપાલીને સાચવી લેશું. જાવ હવે તમે તમારા વર્ગમાં. ચાલ ભાઈ ચંદુ મગજ વગરના લોકો સાથે મગજમારી કરવામાં આપણું મગજ ખરાબ થઈ જશે.'' બાબુલાલ બમણો નારાજ થઈને બોલ્યો.    રૂપાલીના મુદ્દે ચાર જણનો સ્ટાફ બે પક્ષમાં ફેરવાઈ ગયો.  ઉકાલાલ અને મુકુંડરાયનો એક પક્ષ. અને બીજો પક્ષ ચંદુ અને બાબુલાલ! પાછું બંને પક્ષમાં દરેક જણ બીજાને નબળો હરીફ સમજીને રૂપાલીના દોસ્ત તરીકે પોતાની જાતને જ યોગ્ય સમજી રહ્યું હતું.  બાબુલાલે 'મગજવગરના લોકો' જેવા અણીદાર શબ્દનો ઘા કર્યો એટલે ઉકાલાલે ઉષ્ણ કટીબંધમાં પડતી આગ જેવી આગ ઓકવા મોં ખોલ્યું. પણ એ જ વખતે પોચા સાહેબે પાંચમા ધોરણના વર્ગ પાસે ઉભેલા સ્ટાફને જોયો. રોજ ચુપચાપ પોતપોતાના વર્ગમાં જઈ અભ્યાસ કાર્ય શરૂ કરી દેતા શિક્ષકો આજ લોબીમાંથી હટી રહ્યા નહોતા."અલ્યા ત્યાં કેમ ચોટયા છો? આજે હડતાળ પાડવાનો ઈરાદો છે કે શું?  સર્વિસબુકમાં ગેરવર્તણૂકની નોંધ કરાવવી છે? રૂપાલીની ચિંતા છોડીને વર્ગમાં ગુડાવ તો સારું, હું કંઈ કહેતો નથી એટલે એમ ન સમજી લેવું કે હું કંઈ કહી કે કરી શકતો નથી. ભલમનસાઈનો દુરુપયોગ કરશો તો આ પોચા જેટલું કોઈ કઠણ નથી એ યાદ રાખજો. જાવ જલ્દી, હાજરી પુરીને ભણાવવા માંડો.""બાબુ તને હું જોઈ લઈશ. આ પોચો ગાંગરે છે એટલે અત્યારે તને જવાબ નથી આપતો, પણ આ ઉકો ઉકળતા પાણી જેવો છે એ તને ખબર નથી." કહી ઉકાલાલ ચાલવા લાગ્યો."તો આ બાબુ પણ કંઈ પીગળેલો સાબુ નથી સમજ્યા? બાબુએ ડોળા કાઢ્યા."અને આ ચંદુ પણ ચુંથાયેલું ચીંથરુ નથી એ પણ ધ્યાનમાં રાખવું." ચંદુએ પોતાની હાજરીનું મહત્વ સમજાવવા મુકુંદરાય સામે ડોળા કાઢ્યા."મુકુંદરાયને મૂડદાલ મીંદડું સમજવાની ભૂલ પણ ન કરવી. કારણ કે હું શાંત પાણી છું પણ મારું તળિયું ક્યાં છે એની માત્ર મને જ ખબર છે. એટલે ભૂસકો મારતા પહેલા હજારવાર વિચાર કરવો જરૂરી છે અન્યથા ડૂબી જશો."  શાળામાં રૂપાલીનો પહેલો જ દિવસ હતો. રોજ સાથે નાસ્તાપાણી કરતા, હસી મજાક કરતા શિક્ષકમિત્રો આજે એકબીજાને પોતાની હેસિયત બતાવી રહ્યા હતા! પોચા સાહેબને સ્ટાફનો ગર્વ હતો પણ આજ એ જ સ્ટાફ માટે 'ગોળના ગાંગડા ફરતે ફરતા મકોડા' જેવો શબ્દ વાપરીને કઠણ થવું પડ્યું.   હજી આ ખેલથી બેખબર લીલાબેન, લાજવંતીબેન,રેખાબેન અને અંબાબેનના પ્રતિભાવો તો આવવાના જ બાકી હતા. પટ્ટાવાળાએ પહેલો પિરિયડ શરૂ થવાનો બેલ માર્યો. મોહનભાઈ ક્લાર્ક કાગળકામમાં વ્યસ્ત થયા. કોઈ દિવસ નહીં ને આજે પોચા સાહેબ લોબીમાં રાઉન્ડ મારવા નીકળી પડ્યા. એમના ગલોફામાં સુગંધી તમાકુનું પાન એમણે ચડાવ્યું હતું. ધોરણ એકના વર્ગમાં નવી આવેલી રૂપાલી ટીચરને અનુભવ ન હોવાથી માર્ગદર્શનની જરૂરીયાત હોવાનો ખ્યાલ એમને તરત જ આવી ગયો. ક્યારેય કોઈ બાળકને ઊંધો એકડો પણ જેમણે શીખવ્યો નહોતો એવા પોચા સાહેબ ધોરણ એકમાં કેવી રીતે અભ્યાસ કરાવવો જોઈએ એનું જ્ઞાન આપવા તત્પર થયા. પણ એમને ખબર નહોતી કે આવનારા દિવસોમાં આ રૂપાલી કેટલી ભારે પડવાની હતી!(ક્રમશઃ)