3. વિરાટ સામે બાથ
આ ચીંથરેહાલ, દાઢી વાળ વધેલો, પુરતું ખાધાપીધા વિના પાતળો પડી ઉંમરથી ક્યાંય ઘરડો લાગતો હું કોણ છું? તમને દેખાય છે એ તો મારું આજનું સ્વેપ છે. એ મારો આજનો સમયે પરાણે ધારણ કરાવેલો વેશ છે.
આવા વેશમાં હું ઘણા વખતથી છું. કેટલો સમય વિત્યો હશે? કદાચ દસ વર્ષ થયાં હશે, એ એક વખતની મેં ઉડાવેલ પ્લેનની સીટના અવશેષો રેકઝીનનાં ચિંથરાં અત્યારે મારા અંગે વીંટ્યાં છે.
મારી દાઢીવધી ગઈ છે, મૂછો ઘાસના પૂળા જેવી વિચિત્ર દેખાય છે. હું કોઈ વિકરાળ આદિમાનવ જેવો દેખાઉં છું ને? પણ હું કોણ છું? હું છું… એક પાયલોટ..
અજાણ્યા ટાપુ પર ક્રેશ થયેલાં છતાં મેં બચાવી લીધેલાં પ્લેન નો પાયલોટ. કોઈ નહીં ને , આંતરરાષ્ટ્રીય સ્તરે એક ખૂબ ચર્ચિત ફ્લાઇટનો પાયલોટ.
જો દૂર દેખાય મારા પ્લેનના અવશેષો. આવો, આ ઝાડી ઝાંખરાં દૂર કરતો તમને ત્યાં સુધી લઈ જાઉં.
આ મારું પ્લેન. તો હું?
તો હું છું.. કુઆલાલુમ્પુર થી બૈજિંગ જતી ફ્લાઇટ MH370નો ભારતીય પાઇલોટ. મારા આ દેખાવની જગ્યાએ આવો, મને જુઓ 8.3.2014 ના રોજ. હું ક્લીન શેવ, મલેશીઅન એરલાઇનના યુનિફોર્મમાં સજ્જ સોહામણો, આત્મવિશ્વાસથી છલકાતો ભારતીય પાઇલોટ છું. ચોંકી ગયા ને?
જે મારી અને મારા સાથીઓ પર વીતી છે એ તો કોઈને કહીએ તો પણ જલ્દી માને નહીં . અમુક ચેલેન્જ હું જ ઉપાડી શકું ને આ વખતે ઉપાડી છે. બાળપણથી એક કુશળ પાઇલોટ બનવાનું મારું સ્વપ્ન હતું. એ મેં સિદ્ધ કર્યું. ગમે તેવાં કપરાં ચડાણ ઉતરાણ, આ છેલ્લાં નિર્જન ટાપુ પરનાં સહીત મેં સફળતાથી પાર પાડયાં છે.
આ ટાપુ કદાચ ઓસ્ટ્રેલિયાની નજીક ક્યાંક કોઈ દેશની નહીં એવી, કોઈ નકશામાં ન દેખાતી ભૂમિ પર હિન્દી મહાસાગરમાં છે. તેના પર પણ ખુદ ગુગલ મેપ કે આંતરરાષ્ટ્રીય એવિયેશન મેપમાં માંડ ટપકું દેખાય એવો ટાપુ.
હમણાં ગાયું એ ગીતની એક પછી એક કડી હું જીવ્યો છું, બસ એ ગીતની અંતિમ કડી મુજબ મુકામે પહોંચવાનું બાકી છે. અહીં તો મેં જોખમી રીતે ઉતરી સહુને એક વાર સલામત ઉતારેલાં. આખું પ્લેન અહીં ઉતર્યું એટલે 320 મુસાફરોથી ભરેલું હતું.
મેં તો ક્રેશ લેન્ડિંગ કરી સહુને સલામત ઉતાર્યાં જ હતાં. કમભાગ્ય કે એમાંનાં ઘણાનો પત્તો નથી. હવે પત્તો લાગવાની કોઈ શક્યતા બચી નથી. ઉતર્યા હતા તો બધા પણ બધાના નશીબમાં જીવનરેખા લાંબી ન હતી.
બધી એ ગીતની કડીઓ જો હું જીવી શક્યો તો હવે એ આખરી કડી હું જીવીશ જ. સહુ સાથે. જેટલા જીવ્યા છે એમની સાથે.
તો અમારી એ ફ્લાઇટ, અનંત લાંબી ફલાઇટની વાત કહું છું. સંજોગ ની વાત છે. બાકી મારી ઉડાવેલી ફ્લાઇટ ક્યારેય મોડી પડે જ નહીં.
આ અમારી વાત અત્યંત દિલધડક છે. ક્યારેય બની નથી ને હવે ક્યારેય બનશે નહીં. એવું શક્ય જ નથી.
છાપામાં તો વાતો આવેલી કે એલિયન્સ અમને ખેંચી ગયા, કોઈ મેગ્નેટિક ફિલ્ડ અમને વાતાવરણની બહાર ખેંચી ગયું, કોઈ કહેવાતી દિવ્ય દૃષ્ટિથી જોનારે વિશાલ પક્ષી અમને ખેંચી ગયું એવું જોયું.. કલ્પના દોડી શકે એવી દોડી, ગપગોળાઓ ખૂબ ચગ્યા..
પ્રશાંત મહાસાગરમાં, ઇન્ડિયન ઓશન માં, હિમાલયના શિખરો પર ને બધે અમારી આ ફલાઇટની શોધખોળ ચાલેલી. કોઈને ફલાઈટના ભંગારનો એક ટુકડો પણ હાથ નહોતો આવ્યો.
આવે એમ જ નહોતું. અમે જતા હતા ક્યાંક અને ખેંચાઈ આવ્યા ક્યાંક, પૃથ્વી પર છે પણ કોઈ નકશામાં અસ્તિત્વ જ નથી એવી જગ્યાએ. હવાના ગોળામાં પુરાઈને એમ કહું તો ખોટું નથી. આવ્યા એમ કહો ને?
તો હું આ વાત કહું છું અને તમે સાંભળો છો.
તો હજુ થોડા પાછળ જઈએ સમયના ચક્રમાં.
ક્રમશ: