MOJISTAN - SERIES 2 - Part 32 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 32

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 32

મીટિંગ તો થઈ પણ લોકોની જે અપેક્ષા હતી એ પ્રમાણે મીટિંગમાં કંઈ નિર્ણય લેવાયો નહિ. બાબાએ કંઈક યોજના બનાવી હોવાની વાત કરી પણ યોજના શું છે એ કહ્યું નહિ. પાછું ક્યારેય કશું પૂછવાની પણ મનાઈ ફરમાવી. એટલે સ્કીમમાં નાણાં ગુમાવનારા હતાશ હતા.  તખુભાની ડેલીએ આવીને આજે જાદવો, ખીમો ને ભીમો આવીને બેઠા  તો હતા પણ કોઈના મોં પર નૂર નહોતું."જાદવ રસોડામાં દૂધ પડ્યું છે. ચા તો બનાવ ભાઈ." તખુભાએ કહ્યું.જાદવો કમને ઉઠીને ચા બનાવવા ગયો. ગમે તેટલી કોશિશ કરવા છતાં કોઈના મનમાંથી સ્કીમ ખસતી નહોતી. તખુભા સામે બેઠેલા ભીમો ને ખીમો પણ ચૂપ હતા.  થોડીવારે એક રીક્ષા તખુભાની ડેલી આગળ આવીને ઉભી રહી. રીક્ષામાંથી પાંત્રીસેક વર્ષની એક યુવાન સ્ત્રી ઉતરી. એના લાંબાવાળને   પાછળ ભેગા કરીને ઢીલા રહે એમ રબર નાંખીને બાંધ્યા હતા. એની પીઠ છેક કમર સુધી એના ભરાવદાર અને કાળા વાળથી ઢંકાઈ ગઈ હતી. પર્સમાંથી પૈસા કાઢીને રિક્ષાવાળાને એણે ભાડું ચૂકવ્યું. અવળું ફરીને એણે તખુભાની ડેલીમાં નજર નાંખી.  કપાળમાં ફેણ માંડીને બેઠેલા સાપ આકારની બિંદી એ સ્ત્રીએ લગાવી હતી. એના આઈબ્રો કરેલા નેણ ધનુષ્ય અકારના હતા. એ નેણ નીચે પાણીદાર માંજરી આંખો પરની પલકો પર આછો ગુલાબી રંગ ચમકતો હતો. એના નાકમાં એક પાતળી ગોળાકાર વાળી આખા ચહેરાને અનેરો ઓપ આપતી હતી. ભૂખરા રંગની લિપસ્ટિક કરેલા એના કોમળ હોઠના બંને ખૂણા સહેજ ઉપર તરફ વળી જતા હતા. એની ચિબુક પર એક નાનું છૂંદણું (ટેટુ) પડાવ્યું હતું.  એની પાતળી અને લાંબી ગરદનમાં એક પાતળા ચેનમાં દિલ અકારનું પેન્ડલ લટકતું હતું. જે એના સ્તનયુગલોની વચ્ચે જઈ પડ્યું હતું. એકદમ ચુસ્ત સાડી બ્લાઉઝમાં એની પાતળી કાયા એના વ્યક્તિત્વને ખૂબ આકર્ષક બનાવી રહી હતી. કમર પર એણે નાભિ દેખાય એ રીતે ચણીયો પહેર્યો હતો. થોડી ઊંચી હિલના સેન્ડલમાં એના નાજુક પગ નખ પર કરેલી લાલ પીળી નેઈલથી એકદમ ધ્યાનમાં આવતા હતા.    ડાબા હાથના કાંડે સ્માર્ટવોચની બ્લેક સ્ક્રીન, આંગળીઓમાં પહેરેલી તદ્દન નવી ડિઝાઈનની રીંગો, જમણા હાથમાં સર્પાકાર બ્રેસલેટ પણ એકદમ અનોખું હતું. પહેલી નજરે જોતાં જ એ સ્ત્રી પરથી નજર હટાવવી મુશ્કેલ જ નહીં પણ સાવ અશક્ય હતી. કોઈ જાજરમાન, ધનવાન અને સ્વરૂપવાન મહિલા હોવાનું અનુમાન થઈ જાય એવું એ વ્યક્તિત્વ હતું.  એ હતી રૂપાલી મિશ્રા! એનો પરિવાર મૂળ તો ઉત્તરપ્રદેશનો હતો. પણ રૂપાલીના દાદા ગુજરાતમાં આવીને સ્થાયી થયેલા. એમણે કાપડનો ધંધો અમદાવાદમાં જમાવી દીધેલો. ગુજરાતને સંપૂર્ણપણે અપનાવીને રામનાથ મિશ્રા પુરેપુરા ગુજરાતી બની ગયેલા. એટલે એમનો દીકરો મોહન મિશ્રા ગુજરાતીમાં જ ભણ્યો અને બાપાએ લગાવેલો કાપડનો ધંધો પણ ખૂબ ઊંચાઈ પર લઈ ગયેલો. રૂપાલી આ મોહન મિશ્રાની સૌથી નાની દીકરી એટલે ખૂબ લાડકોડમાં ઉછરેલી. એને સ્કૂલમાં ટીચર બનવું હતું. પીટીસી કરીને એ ગ્રેજ્યુએટ પણ થયેલી. અને સરકારી ભરતીમાં લાળીજા ગામમાં પડેલી ખાલી જગ્યા પર એની ભરતી કરવામાં આવેલી. રૂપાલી ગુજરાતીમાં જ ભણી હતી છતાં ઘરમાં હિન્દી બોલાતી એટલે એની ભાષામાં થોડી હિન્દીની છાંટ રહેતી. કેટલાક શબ્દોની એને સમજણ પડતી નહિ. તો કેટલાક શબ્દો એ હિન્દીમાં જ બોલતી. એની જેટલી પણ ફ્રેન્ડ હતી એ બધી જ અમદાવાદની જ હતી. એટલે એ બધીએ ગામડામાં નોકરી ન લેવાની જ સલાહ એને આપી હતી. પણ રૂપાલીને ગામડાનો પણ અનુભવ લેવો હતો. રૂપાલીના જીવન વિશે આપણે પછી જાણીશું કારણ કે અત્યારે તખુભા સહિત ભીમાં ને ખીમાના આંખના ડોળા બહાર નીકળી રહ્યા છે. ઢાળીયામાં ચા બનાવવવા બેઠેલો જાદવો પણ ચા હલાવવાનું પડતું મૂકીને તખુભાના ખાટલા પાસે આવીને ઊભો રહી ગયો છે!  રૂપાલીએ બે ડગલાં ચાલીને તખુભા સામે સ્મિત વેરતા પૂછ્યું, "ટખુભાનું ઘર આ જ છે કે? મારે ટખુભાને મલવાનું છે..ટખુભા ક્યાં મલશે?"  અપ્સરાને આંટી મારે એવી એ સ્ત્રીનો અવાજ પણ જાણે ગાયના ગળે બાંધેલી ઘંટડી રણકતી હોય એવો હતો. એણે તખુભા ને ટખુભા કહ્યું તેથી જાદવો, ભીમો ને ખીમો હસી પડ્યા. તખુભા જરાક ખિજાઈને ખાટલામાં ટટાર થઈ એ ત્રણેય ઉપર વઢતી નજર નાંખીને રૂપાલી સામે પાણી ભરેલી ડોલ આડી પડે ને પાણી જેમ ઢોળાઈ જાય એવું હાસ્ય ઢોળી નાંખતા બોલ્યા,  "હું પોતે જ ટખુ.. અરે નહિ નહિ હું તખુભા..મારુ નામ તખુભા દરબાર. આ ગામમાં મને પૂછ્યા વગર ચકલુય નો ઉડે." મૂછો પર હાથ ફેરવીને તખુભાએ ઉમેર્યું, "આવો...આવો..એય ભીમા જા દોડાદોડ ઓસરીમાંથી ખુરશી લઈ આવ્ય.."   "હા હા.." કહી ભીમો ઉઠ્યો. ઓસરીમાં ખુરશી લેવા જતા પહેલા રૂપાલી તરફ ફરીને બોલ્યો,  "મારું નામ ભીમજી. મહાભારતમાં ભીમ આવે સે ને? તમે જોયું જ હસે. આપડે એવા જ બળુંકા છવી હો. કંઈપણ કામ હોય તો કે'વુ તમતમારે. લ્યો હું તમારી હાટુ ખુડશી લિયાવું.." કહી ભીમો બાવડા બતાવીને ઓસરી તરફ ભાગ્યો. ભીમાએ એનો પરિચય આપ્યો એટલે ખીમો તરત બોલ્યો, "મારુ નામ ખીમજી..હાચું નામ તો ખીમસેન પણ ગામડામાં બધાને બોલતા નો આવડે અટલે આપડને ખીમો કેય સે. આ ગામમાં અડધી રાતે કાંઈ તકલીફ હોય તોય લોકો મને જ હાદ પાડેસ હો. તમે મારો મોબાઈલ નંબર લખી લ્યો.. ચુંમોતેર...બોતેર.."  ખીમાને પેલી તરફ ખસતો જોઈ જાદવો ઝાલ્યો રહે? ખીમાને મોબાઈલ નંબર બોલતો અટકાવીને એનું બાવડું પકડીને પાછળ ખેંચતા કહ્યું, "અલ્યા હજી ઈવડા ઈમને બેહવા તો દે.. હાલ આમ આઘો રે.  અડધી રાતે કોઈ કૂતરુંય તને ભંહતું નથી..નંબર દેવા ઉતાવળું થામાં.." એમ કહી રૂપાલી સામે હસીને બોલ્યો, "આ બેય તો સાવ નવરીના છે હો. મને ઓળખી લેજો.. હું જાદવ. તખુભાનું જે કામ હોય ઈ પેલા મને કહેવું. કારણ કે તખુભા એમ સીધા કોઈ અજાણી બાયું હાર્યે વાત નો કરે હમજયા?"રૂપાલી જાદવ અને ખીમાની ખેંચતાણ જોઈ હસી પડી.  ભીમો ખુરશી લઈ આવ્યો. એ ખુરશી ઘણા સમયથી ઓસરીમાં ધૂળ ખાતી પડી હતી. એમાં બેસી શકાય એમ નહોતું. એ જોઈ તખુભા ખીજાયા.."અલ્યા મહેમાનને આવી ધૂળવાળી ખુરશી દેવાય? સાફ કરીને લાવ..""ભીમલો સાવ અક્કલ વગરનો છે. અલ્યા માણહ તો જો.." કહી ખીમજીએ માથે બાંધેલા ફાળિયાથી ખુરશી ઝાપટવા માંડી. પછી બીજા છેડાથી સાફ કરીને રૂપાલી તરફ ખસેડીને બોલ્યો, "આવોને..બેહોને.જોવો મેં એકદમ સાફ કરી નાંખી સે. મારુ નામ ખીમજી સે, હમણે જ કીધું, યાદ રેહે ને?""તમે ખીમાજી ને પેલા ભાઈ ભોમાજી. આ જાડાવભાઈ ને તમે ટખુભા.. રાઈટ? ઓકે તુમ લોકો બહુત સારા માનસો લાગો છો."  કહી રૂપાલી હસીને ખુરશીમાં બેઠી.  "લ્યો હું પાણી લેતો આવું.." કહી ભીમો ઓસરીમાં ભાગ્યો. એ વખતે એનું ધ્યાન ઢાળીયામાં ગયું. જાદવો રૂપાલીને જોઈ ગેસ બંધ કરવો ભૂલી ગયો હતો. ચા ઉકળીને ઉભરાઈ ગઈ હતી."એ જાદવા..આ તારી ડોહી ચા તો ઉભરાયને વય જઈ. હવે મેડમ માટે નવી ચા બનાવવી પડશે.."   તખુભા આ ત્રણેયની દોડાદોડી જોઈ રહ્યા હતા. રૂપાળી બાઈને જોઈ ત્રણેય પરિચય કરવા ઘાંઘા થયા હતા. ચા પણ ઉભરાઈ ગઈ હતી."અલ્યા કોઈ દી રૂપાળા બયરા નથી ભાળ્યા? જા આમ ફરીવાર બનાવ ચા.." જાદવા પર ગુસ્સે થઈ તખુભાએ રૂપાલી તરફ સ્મિતનો લોટો ઢોળ્યો, "ચા પીશો ને?" રૂપાલી ફરી ખીલખીલ હસી પડી. જાદવો, ખીમો ને પાણીનો લોટો લઈને આવતો ભીમો મીંદડું માખણના પિંડાને તાકી રહે એમ તાકી રહ્યા. તખુભાના હાથમાં ઝગાવેલો હોકો તો ક્યારનો ઠરી ગયો હતો."તમને કિસને બતાવ્યું કે મારું નામ રૂપાળા બયરા છે. મેં તો રૂપાલી મિશ્રા છું. ચા મને નથી પસંદ..આઈ લાઈક કોફી..મેં કોફી પીવુંગી." કહી રૂપાલીએ આંખો પટપટાવી અને ભીમાના હાથમાંથી પાણીનો લોટો લીધો. ભીમો જાણીજોઈને લોટો આપતી વખતે રૂપાલીની આંગળીઓને અડયો ને મનોમન બબડયો 'ઓહો..હો ચેવો કુણો કુણો હાથ સે..ભારે માયલી કુંણપ સે..હો' "જા જાદવા..મેડમ હાટુ કોફી બનાય.." ભીમાએ મેડમને કોફી ભાવે છે એ સમજી જઈ તરત જાદવાને હુકમ કરતો હોય એ રીતે કહ્યું. પછી રૂપાલી તરફ હસીને બોલ્યો, " આ જાદવો સે..આ ડેલીમાં નાનું મોટું કામ કરે સે. તખુભાએ એને રાખેલો સે. બિચારો બવ ગરીબ માણસ છે હો.""ઓહો..એમ વાત છે કે. જાડેવભાઈ તમેં ટખુભાના માનસ સો બરાબર ને. ઓકે." રૂપાલીએ વળી પાછું હાસ્ય વેર્યું.  જાદવાને ભીમાએ આપેલો પરિચય માફક આવ્યો નહોતો. એણે ભીમાનો કોલર પકડીને ઢાળીયા તરફ ખેંચ્યો."બવ વાયડું થિયા વગર્ય આમ હાલ્ય તો. સાના વાસણ તારે ધોવાના સે.""જાદવા કાંઠલો મૂકી દે. હું કાંય નવરીનો નથી હમજ્યો? આવું રૂપાળું બયરૂ બેઠું હોય ને હું ઈની હામે વાહણ ઘહું ઈમ? ઈ કોય દી નો બને હમજ્યો..?" કહી ભીમાએ જાદવાના હાથમાંથી કોલર છોડાવીને જાદવાનો હાથ મરડ્યો.  તખુભાને જાદવ અને ભીમાની હરકતો સમજાઈ રહી હતી. જો તરત એ લોકોને અટકાવવામાં નહિ આવે તો બંને વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના હતી.  "ખીમજી, જા જરા કોફીની વ્યવસ્થા કર. આ બેય હવે બથોબથ નો આવે તો સારું.." કહી તખુભાએ જરા ઊંચા અવાજે કહ્યું, "જાદવ અને ભીમા તમે બેય ઘર ભેગીના થય જાવ. આંય તમારું કાંય કામ નથી.""કાં..? ચીમ કાંય કામ નથી. તખુભા આવું નો હાલે હો. રોજ તો ડેલીમાં કાગડા ઉડતા હોય સે. ઈ વખતે જાદવો વા'લો લાગે સે. ને આજ હંસલી આવી સે અટલે ઘર ભેગીનો થા..વા..તખુભા વા..અમે ઘરે વ્યા જાવી ને ખીમલો કોફી લેવા જાય. પસી તમે એકલા લાભ લ્યો ઈમ? ભારે આયડ્યા માર્યો હો. પણ અમે હંધુય હમજવી છવી. ભીમલા હાલ્ય બેહ હેઠો. આપડેય જોવી કે મડમને તખુભાનુ સુ કામ પડ્યું સે." કહી કાયમ નીચે બેસતો જાદવો તખુભાની બાજુમાં ખાટલા પર જ બેસી ગયો. એનું જોઈ ભીમો ઓસરીમાંથી બીજી ખુરશી લઈ આવ્યો. ખુરશીની ધૂળને ગણકાર્યા વગર જ ખુરશી ઢાળી, એક પગ પર બીજો પગ ગોઠણમાંથી વાળીને બેઠો બેઠો પગનો પંજો હલાવવા લાગ્યો.તખુભાએ ગુસ્સાથી એ બેઉ પર એક નજર કરીને ખીમજી સામે જોયું એટલે એ તરત બોલ્યો,  "અત્યારે કોફી ચ્યાં મળે? ગામમાં તો કોય પીતું નથી. મારા ઘરે તો હું રાખુંય નય. કારણ કે કોફી પીવાથી મને ઝાડાબંધ થઈ જાય સે. એક દી મેમાન હાર્યે પીધી'તી તે તણ દીએ ડબલે જાવા જ્યો. બળ કરી કરીન ટુટી જ્યો તારે માંડ પચ્ચા ગરામ જેટલું ઉતરીયું બોલો. પસી દાગતરે ગોળીયું દઈને શેરણું કરાવી નાંખ્યું તારે રાગે પડીયું'તું. અટલે હું કોફીથી તો આઘો જ રવ સુ. બીજા કોકને કયો..હું કોફી બોફી લેવા નો જાવ." ખીમજીએ મૂળભૂત કારણો રજૂ કરીને કોફી લેવા જવાની ઘસીને ના પાડી દીધી.   "રહેને દો.. કોઈ જરૂર નથી. ટખુભા મારે આ ગામમાં ઘર જોઈતા છે. બીકોસ મેં આ ગામ કી સ્કૂલમાં ટીચરની જોબ કરને આવી છું. કોઈએ તમારા નામ દિયા તો સીધા તમને મલવા જ આવી છે. તમે મને ઘર આપવી શકશો?"  "નિશાળમાં માસ્તરણી સો? અમારા ગામમાં લાગ્યા સો? ઘર જોવે સે ભાડે? ઈ તખુભાનું કામ નથી. હાલો મારી હાર્યે..આપડે એક ઓસરીમાં ચાર ઓરડામાં સે. ધાબાવાળું મકાન સે. મોટું ફળિયું સે. ભેંસ શોતે રાખવી સી. હેય ને ઘી દૂધ ને માખણ શોતે દેશું.. તમારી જેવા માસ્તરાણીનું ભાડું થોડુંક લેવાનું હોય? હાલો જોય લ્યો ઘર..." એમ કહી જાદવો ખાટલા પરથી ઊભો થઈ ગયો.   "ના ના..ન્યા નો જાતા. ઈનું ઘર બવ ગોબરુ સે. ભેંસના પોદળા ગંધાશે. મચ્છર તોડી નાખશે. તમારે તો એકદમ નોખું ને સગવડવાળું મકાન જોવે.. સંડાસ બાથરૂમ માલિકોર હોય એવું. હાલો મારી હાર્યે. આપડે ધાબા ઉપર્ય બે મસ્ત રૂમ હમણે જ ઉતારી સે. એકમાં રહોડું કરજો ને બીજીમાં સુવાનું રાખજો. સંડાસ ને બાથરૂમ હેઠે સે, કાંય વાંધો નય. ઈ તમે વપરજો.  અમે તો હલવી લેશું. હાલો એકફેરા આપડું ઘર જોય લ્યો.." ખીમજી પણ તરત જ ઉઠ્યો. હવે વારો ભીમાનો હતો. ભીમો તરત જ ડેલી બહાર નીકળીને બોલ્યો,"તમે આ લોકો વસાળે ખોટા હલવાઈ જાસો. તમારે જેવું જોવે સે એવું મકાન મારી પાંહે પડ્યું સે. ધાબે બાબે નહિ..નીચેથી જ મકાન સે. આગળ નાની ખડકી સે, પસી ફળિયું સે. ઈમાં ફુલઝાડ વાવજો. સંડાસ બાથરૂમ, કિસન, ઓસરી ને બેડરૂમ. તમે જોસો એટલે તરત ગમી નો જાય તો કેજો..લ્યો હાલો જલ્દી..પસી કોઈને દેવાય જાહે તો? આમાં નક્કી નો રેય. સારી વસ્તુ જલ્દી ઉપડી જાય..લ્યો ઉભા થાવ ને?"   રૂપાલી એ ત્રણેય સામે વારાફરતી તાકી રહી. તખુભા એને તાકી રહ્યા હતા. આજ તખુભાને ડેલીના માણસો ખટકી રહ્યા હતા, 'મારા બેટા મારો વારો આવવા દેતા નથી. આની કરતા તો એકલો બેઠો'તો ઈ વખતે આ બાઈ આવી હોત તો સરખી વાત તો થાત.."  "ટખુભા તમે સાથે આવો તો આ લોકોનું ઘર દેખવા કે લિયે જઈએ. કારણ કે હું કોઈને પહેચાન નથી કરતી." રૂપાલીએ મુંજાઈને કહ્યું.  તખુભા પણ મુંજાયા હતા. ગામમાં આમ અજાણી ને રૂપાળી બાઈ સાથે જવું એમના માટે ઠીક કહેવાય એમ નહોતું. તખુભાનું પોતાનું ઘર પણ ખાલી જ હતું. એમનો દીકરો બહાદુર ભાઈ તો ધંધુકા રહેતો હતો છતાં આવી જુવાન બાઈને ઘર ભાડે આપી શકાય તેમ નહોતું. ગામમાં નકામી વાતો થયા વગર રહે નહીં. મરેલું દેડકું જોઈ કાગડા એને ઉપાડવા અધિરા થાય એમ જાદવો, ખીમલો અને ભીમલો રૂપાલીને પોતપોતાના મકાન ભાડે આપવા ઉતાવળા થયા હતા.તખુભા કંઈ જવાબ આપે એ પહેલાં પોચા સાહેબ એમનું લુના લઈને આવી પહોંચ્યા. શાળામાં ખાલી પડેલી જગ્યા પર અમદાવાદની કચેરીએથી કોઈ શિક્ષિકાની નિમણુંક થઈ હોવાનો ફોન એમના પર આવ્યો હતો. એ શિક્ષિકા આજે જ ગામમાં આવવવાની હતી એને રહેવાની વ્યવસ્થા કરવાની સૂચના પણ ઉપરથી એમને મળી હતી. પોચા સાહેબ એ શિક્ષિકાને બસસ્ટેન્ડ પર લેવા ગયા ત્યારે રીક્ષામાં બેસીને કોઈ બેન તખુભાનું ઘર ક્યાં આવ્યું એવું પૂછીને ગયા હોવાનું એમને જાણવા મળ્યું હતું.  પોચા સાહેબ મારતે લુને તખુભાની ડેલીએ ધસી આવ્યા હતા. મશીનમાંથી મંજીરા વગાડતા લુનાને માંડ બ્રેક મારીને પોચા સાહેબે બહાર ઉભેલા ભીમાના બે પગ વચ્ચે આગળનું વહીલ ઘુસી જતું માંડ અટકાવ્યું."ખોસી દયો..આખું પૈડું.. માળા માસ્તર બરીક તો મારો." કહી ભીમાએ લુનાનું હેન્ડલ પકડી લીધું. પોચા સાહેબે ભીમાં તરફ ધ્યાન આપ્યા વગર સીધું જ ડેલીમાં જોયું. ખુરશીમાં બેઠેલી રૂપાળી રૂપાલીને  જોઈ પોચા સાહેબનું દિલ વધુ પોચુ પડી ગયું. ખુશ થઈને લુના પાછું વાળીને એમણે કહ્યું,"રૂપાલી મિશ્રા..? આવો તમારા આગમનની સૂચના મને મળી ગઈ છે. હું શાળાનો આચાર્ય પોપટલાલ. તમારી વ્યવસ્થા મારે જ કરવાની છે. તેથી હું તમને લેવા આવ્યો છું." "ચાલો સરસ..આભાર આપનો." કહી રૂપાલી ઊભી થઈ પોચા સાહેબના લુનાની પાછળની સીટ પર બેસી ગઈ. પોચા સાહેબે લીવર આપ્યું એટલે મંજીરા વગાડતું લુના ઉપડ્યું. રૂપાલીએ પડી ન જવાય એનું ધ્યાન રાખવા પોચા સાહેબના ખભા પર હાથ મુક્યો. પોચા સાહેબના પોચા દિલમાં નવીન પ્રકારના મંજીરા વાગવા માંડયા. એમણે તખુભા સામે પણ જોયું નહિ.  જાદવો, ખીમો, ભીમો ને તખુભા! જાણે હાથ આવેલો મણી કોઈ લૂંટી ગયું હોય એમ એકબીજાના મોં જોતા હાથ મસળતા રહ્યા.  (ક્રમશઃ)