MOJISTAN - SERIES 2 - Part 29 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 29

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 29

ભાભા હવે મુંજાયા હતા. ભેંસના શીંઘડા જેવી સ્કીમમાં પગ નાંખતા નખાઈ ગયો હતો. તખુભાને હા પાડતા પડાઈ ગઈ ને તખુભા હવે જળોની જેમ ચોંટયા હતા. પૂછ્યા વગર જ તખુભાએ ફોર્મ ભરી દીધું હતું અને હવે બે લાખની ઉઘરાણી કરી રહ્યા હતા. બાબાથી છુપાવીને આ કામ કર્યું હતું એટલે બાબો પણ ખિજાવાનો હતો. હવે હુકમચંદને રોકવો જ પડે એમ હતો. ભાભા તરત જ હુકમચંદના ઘરે જવા ઉપડ્યા. ભાભા હુકમચંદના ઘરે પહોંચ્યા પણ હુકમચંદ ઘરે નહોતો. એની પત્નીએ પાણી આપીને ભાભાને બેસાડ્યા."બેન, હુકમચંદ મારો ફોન ઉપાડતા નથી. તમે જરીક ફોન કરીને મને આપો; મારે એમનું ખાસ કામ છે." ભાભાએ હુકમચંદની પત્નીને કહ્યું.  હુકમચંદની પત્નીએ તરત ફોન લગાવ્યો. હુકમચંદે ફોન ઉપાડ્યો એટલે 'ચાલુ રાખજો' એમ કહી ફોન ભાભાને આપ્યો. "અલ્યા ભાઈ તમે મારો ફોન કેમ ઉપડતા નથી. ભલામાણસ તમે તખુભાના કહેવાથી સ્કીમમાં મારુ ફોર્મ ભરી દીધું એ તો બહુ અન્યાય કહેવાય. તમારે એકવાર મને તો પૂછવું જોઈએને! મારે તમારી આ સ્કીમમાં જોડાવું નથી. મહેરબાની કરીને તમે ફોર્મ કેન્સલ કરી દેજો. હું રૂપિયા આપવાનો નથી." ભાભાએ અકળાઈને કહ્યું."ભાભા હું થોડો કામમાં હતો એટલે ધ્યાન ન રહ્યું. સ્કીમમાં તમારે જોડાવું કે ન જોડાવું એ તમારી ઈચ્છા. પણ મને તખુભાએ બે લાખ આપીને તમારું ફોર્મ ભરી દેવાનું કીધું હતું એટલે મેં ફોર્મ ભરી દીધું છે. સ્કીમના નિયમ પ્રમાણે ફોર્મ કેન્સલ તો નો થાય. જો કેન્સલ કરીએ તો પચાસ ટકા રૂપિયા કપાઈ જશે. મારે તમારી સાથે કંઈ વાત થઈ નથી એટલે તમને જવાબ આપવા હું બંધાયેલો નથી. તમે ને તખુભા જે સમજવું હોય એ સમજી લો ભાભા." હુકમચંદ ડોકટરનો ફોન લઈ ગામ આવવા નીકળતો હતો. ભાભા એને ફોન કરી રહ્યા હતા પણ એ જાણી જોઈએ ફોન ઉપાડતો નહોતો. ભાભાનું ફોર્મ ભરાયું નહોતું પણ ભાભા જરીક લપસ્યા હતા એટલે પુરેપુરા ખેંચી લેવા માટે હુકમચંદે જાળું રચ્યું હતું."પણ મારી સહી વગર ફોર્મ કેવી રીતે ભરાય? હુકમચંદ હું ના પાડું છું. ચોખ્ખી ના છે મારી સમજ્યા? તમે મહેરબાની કરીને મને સ્કીમમાં ન ફસાવો. મેં તખુભાને હા પાડી હતી પણ મારા વતી રૂપિયા ભરવાનું કીધું નથી. મેં સ્કીમ માટે રૂપિયા પણ ગોત્યા હતા પણ મને મળ્યા નહિ. એટલે મારે ન જોડાવું જોઈએ એવો સંકેત મને મળ્યો કહેવાય. ઉપરવાળો મને આ બાબતથી દૂર રહેવાનો સંકેત મોકલે તોય હું એ સંકેત ન સમજુ તો પાયમાલી આવ્યા વગર ના રહે. તમે બધા ભલે લખેશરી થાવ; પણ મારા નસીબમાં એવી રીતે ધન કમાવાનું લખ્યું નથી એની મને ખબર પડી ગઈ છે. એટલે તમે ને તખું દરબાર મળીને મને પરાણે સંડોવશો તો હું જીવ દઈ દઈશ સમજ્યા? બ્રહ્મહત્યાનું પાપ માથે લેવું હોય તો જ આગળ વધજો." ભાભાએ ગુસ્સે થઈને કહ્યું."આ સ્કીમમાં સહીની જરૂર પડતી નથી ભાભા. વ્યક્તિની મૌખિક મંજૂરી હોય અને રોકડા રૂપિયા જમા કરવામાં આવે એટલે ફોર્મ ભરાઈ જાય છે. તમે નાના છોકરાની જેમ ઘડીકમાં હા પાડો ને ઘડીકમાં ના પાડો એ ન ચાલે. તખુભાને તમે મૌખિક મંજૂરી આપી હતી. તખુભાએ એમને ભરવાના હોવા છતાં તમને ફાયદો કરાવી આપવા રૂપિયા ઉછીનાં આપ્યા છે. એટલે હવે કંઈ થઈ ન શકે. તમે જીવ આપવાની ધમકી આપીને હવે ના પાડો એ ન ચાલે. આમાં બધું નિયમ પ્રમાણે જ થતું હોય છે. હવે સારો રસ્તો એ જ છે કે તમે સોમવારે તમારા ખાતામાંથી બે લાખ ઉપાડીને તખુભાને આપી દો. આમાં કોઈ નુકસાન નથી; તમને ફાયદો જ થઈ રહ્યો છે. જુના ભાવે તમને યુનિટ આપ્યા છે ભાભા. એટલે છોકરમત છોડીને ગંભીર બનો. તમારા જેવા બુદ્ધિશાળી માણસને વધુ સમજાવવાનું ન હોય." હુકમચંદ પણ ઓછો નહોતો. ભાભા બે લાખ માટે કંઈ જીવ આપે એવા નહોતા એ હુકમચંદ સારી પેઠે જાણતો હતો."હું તમને સાવ એટલે સાવ એકદમ ચોખ્ખા શબ્દોમાં કહું છું કે મારે કોઈ કાળે તમારા આ કાંડમાં પડવું નથી. મહેરબાની કરીને મારી વાત માનો." ભાભાએ ફરી દેકારો કર્યો."એક કામ કરો..તમે તખુભાને કહો. જો એ તમારું એકાઉન્ટ એમના નામે કરે તો તમારે રૂપિયા આપવા નહિ પડે. બાકી ફોર્મ તો ભરાઈ જ ગયું છે એટલે સ્કીમમાંથી તમારું નામ રદ થશે નહિ ભાભા." "ઠીક છે. હું તખુભાને કહીશ પણ રૂપિયા તો આલવાનો જ નથી.." કહી ભાભાએ ફોન હુકમચંદની પત્નીને પરત કરી ભારે હૈયે ઊભા થયા."હું તો ઈમને કહું જ છું કે આવી સ્કીમુ નો કરો. પણ મારું માનતા નથી. જોવોને તમારી ઈચ્છા નથી તોય તમને સલવાડ્યા છે." હુકમચંદની પત્નીએ ભાભાનું પડી ગયેલું મોં જોઈ કહ્યું."બેન, જો મને પરાણે સલવાડશે તો કોઈ દિવસ સુખી નહિ થાવ એ સમજી લેજો. રાતા પાણીએ રોવાનો વારો આવશે. આ બ્રાહ્મણનો શ્રાપ છે જે કદી મિથ્યા થશે નહીં. હું વખ ઘોળીશ પણ સ્કીમમાં જોડાઈશ નહિ." કહી ભાભાએ તખુભાના ઘરની વાટ પકડી.*****    "હેલો તખુભા, ભાભાનો ફોન હતો. એ સાવ ના પાડે છે; જીવ દેવા સુધી આવી ગયા છે. બોલો શું કરવું છે?" હુકમચંદે તરત જ તખુભાને ફોન કર્યો. "માંડ એક બકરો હાથમાં આવ્યો'તો. મને એમ કે ગોર મારી નીચે જોડાય તો એમના જજમાનોમાં ફરે તો કમિશન કમાઈ શકું. પણ જવા દો એના ભાગ્યમાં નહિ હોય બીજું શું! બાકી આપડે તો એમના ભલા માટે જ જોડવા'તા." તખુભાએ કહ્યું."પણ સાવ એમને એમ જવા નો દેવાય. એમ કરો તમારું કમિશન વીસ હજાર થાય છે એ માંગી લો. ભાભાને એટલો દંડ તો દેવો જ જોઈએ. ફરી વખત કામ કરતા પહેલા સો વખત વિચાર કરશે." હુકમચંદે હસીને કહ્યું."ના ભાઈ. ભામણના રૂપિયા મારે નો ખપે. એનો જીવ કકળે, વીસ હજાર કંઈ નાની રકમ ન કહેવાય. જાવા દો ને..ભાગ્યમાં હશે તો સ્કીમમાં જ કમાશું. તમે એમ કરો મેં જે બે લાખ આપ્યા છે એ મારા દીકરાના નામે ભરી દો. કમિશન તો તોય મને મળવાનું જ છે ને! ભામણને વધુ હેરાન નથી કરવા." "જેવી તમારી ઈચ્છા. બાકી આમાં તો જે જોડાય છે એ પૈસા કમાવાની લાલચે જ જોડાય છે. ભાભાને પણ લાલચ લાગી જ હતી ને! એટલે એમની પાસેથી વીસ હજાર લઈ લો તો કાંઈ પાપ નહિ લાગે. બે લાખ ભરીને તમે નવું એકાઉન્ટ ખોલાવશો એટલે બીજા વીસ મળશે. ચાલીસનો ફાયદો છે તખુભા." હુકમચંદે સમજાવ્યું."ના ના હુકમચંદ..મારે એવું નથી કરવું. બીચારાએ કથા વાર્તાયું કરી કરીને રૂપિયા ભેગા કરેલા છે. લોકોએ દાન દક્ષિણા આપી હોય. એવા રૂપિયા મારા ઘરમાં આવે તો ભગવાન રાજી નો રહે. આવવા દો ગોરને..હું એમને છુટા કરું છું."  કહી તખુભાએ ફોન મુક્યો.થોડીવારે લોચન લાલ કરીને ભાભા આવ્યા. તખુભાની ડેલીમાં એમના ખાટલા સામે મુકેલા ખાટલે બેઠા. ભાભાની આંખોમાંથી અંગારા ખરતા હતા એ જોઈ તખુભા હસી પડ્યા."દેડકાનો જીવ જાય છે ને કાગડાને હસવું આવે છે? તખું દરબાર હું તભો ગોર, સૂરજ ચંદ્રની સાખે કહું છું કે મારે ઓલી સ્કીમમાં નથી જોડાવું. મને પૂછ્યા વગર મારા નામે ફોર્મ ભરનારો તું કોણ? હું રૂપિયા આપવાનો નથી. તારે ભડાકે દેવો હોય તો આ બેઠો.. મારી નાંખ મને." ભાભાએ રાડ પાડી."પણ ગોર તમે આમ હુંકારા તુંકારા કેમ કરો છો? નો જોડાવું હોય તો મેં ક્યાં માસીના સમ દીધા'તા. સ્કીમ વિશે સાંભળીને તમનેય ગલગલીયા થાવા માંડ્યા'તા. બેંકે ધોડ્યા, વજુશેઠ પાંહે ધોડ્યા..પોચા માસ્તર પાંહે પણ માંગી જોયું. ગામમાં તમને આમ જેની ને તેની પાસે કરગરતા જોઈ મને દયા આવી એટલે તમારું ફોર્મ ઘરના રૂપિયા રોકીને ભરાવડાવી દીધું. એક તો તમારું કામ કરીએ ને ઉપરથી આવી તોછડાઈ કરવાની? આ ખાટલે બેસીને ઊભા ગળે નાસ્તા ઝાપટયા છે ઈ ભૂલી ગયા?  તખુભા તખુભા કરતા તમારી જીભડી સૂકાતી નહોતી ને હવે તખું દરબાર? ગોર તમારા મોઢામાં આવી ભાષા શોભતી નથી."  ભાભા અને તખુભાની બોલચાલ સાંભળીને ડેલી આગળથી પસાર થતા લોકો ઊભા રહી ગયા. ભાભાએ તખુભા પરની દાઝ એ ટોળા પર કાઢી, "અલ્યા આંય મદારીનો ખેલ નથી માંડ્યો. હાલતીના થાવ બધા. નવરીના જ છે બધા. કોક બે માણસ વાતું કરતું હોય ત્યાં ખોડાઈ મરે છે કામકાજ ખોટી કરીને." "બે માણહ વાતું કરતા હોય તો કોઈને નવરાશ નથી. પણ આતો તમે રાડયું પાડો છો. તખુભા હાર્યે બાજવા આયા લાગો સો તે કીધું ઘડીક જોવી..તખુભા તમને ભડાકે દે તો સમશાને લઈ જાવા નઈ પડે?"ભેગા થયેલા લોકોમાંથી એકજણે કહ્યું. એની વાત સાંભળીને બીજા હસી પડ્યા."ગોર જરાક વધુ ગરમ થઈને ભડકે બળી રહ્યા છે; પણ હું એમને ભડાકે નથી દેવાનો. જાવ ભાઈ જતા હોય ત્યાં, અંહી કોઈ ખેલ નથી થવાનો. જાવ બધા અહીંથી." તખુભાએ ઊભા થઈને કહ્યું. તખુભાની વાત સાંભળી ભેગા થયેલા લોકો તરત વિખેરાઈ ગયા. એ પછી તખુભા ભાભા તરફ ફર્યા."હા તો તભાગોર, જે વાત કરવી હોય એ શાંતિથી પણ કરી શકાશે. રાડયું પાડતા તો મનેય આવડે છે. પણ એમ ગાંગરવાથી કોઈ ઉકેલ આવતો નથી સમજ્યા?"  ભાભા હજી ડોળા કાઢી રહ્યા હતા. તખુભાને ભાભાનું મોં જોઈ હસવું આવતું હતું. એમનું હાસ્ય ભાભાના ગુસ્સાની આગમાં ઘીનું કામ કરતું હતું. પણ ભાભાને હવે શાંતિથી વાત કર્યા વગર છૂટકો નહોતો."જુઓ તખુભા..તમે  મને પજવી રહ્યા છો એટલે મારાથી રાડો પડાઈ ગઈ. પણ મેં જે કહ્યું એમાં ફેર નહિ પડે. તમે બે લાખ ભર્યા છે તો ભલે ભર્યા, લાભ થાય તોય તમારો ને નુકસાન થાય તોય તમારું. મારે કંઈ લેવાદેવા નથી. હું સ્કીમના નામે ફદીયુંય દેવાનો નથી એ જાણી લેજો. બસ, મારે હવે તમને કંઈ કહેવું નથી." એમ કહી ભાભાએ ઊભા થઈને ચાલવા માટે પગ ઉપાડ્યો."આમ તો તમારી આ નાગાઈ જ કહેવાય ગોર. મને કૂવામાં ઉતારીને વરત કાપી રહ્યા છો. મારે તો ધરમ કરતા ધાડ પડી. પણ હશે, તમે ભામણ છો એટલે મૂકી દઉં છું. બાકી તખુભાના રૂપિયા દેવાની ના પાડનારને જનમ લેવાનો બાકી છે હો." કહી તખુભાએ ચલમ સળગાવી.ભાભાના પગ થોભ્યા. તખુભાને જવાબ આપવાનું એમને મન થયું. પણ તખુભાએ સ્કીમરૂપી ભેંસના શીંગડામાંથી ભાભાનો પગ મુક્ત કરી દીધો હતો એટલે જીભને લગામ નાંખીને તેમણે ચાલતી પકડી.******  ચાર દિવસ પછી વાવાઝોડા જેવી ઘટના બની.  ભગાલાલ સ્કીમમાંથી આવતા અઢળક નાણાં ભેગા કરી રહ્યો હતો. સાથે સાથે સરકારી અધિકારીઓને હપ્તા પણ પહોંચાડી રહ્યો હતો. બોટાદ સહિત ઘણા જિલ્લાની કલેકટર કચેરીઓમાં અને પોલીસખાતામાં કામ કરતા માણસોને ભગાલાલે ફોડયા હતા. સ્કીમ વિરુદ્ધ ફરિયાદ થાય અને જો તપાસ થવાની હોય તો તરત એને માહિતી મળી જતી. તપાસ અધિકારીને ભગાલાલ રૂપિયા પહોંચાડી દેતો. પણ બધા અધિકારીઓ કંઈ ભ્રષ્ટ હોતા નથી. બોટાદના કલેકટરને જ્યારે બાબા અને ટેમુએ આ સ્કીમ વિશે ફરિયાદ કરી ત્યારે એમણે આ સ્કીમની તપાસ કરવાનું વચન બાબા અને ટેમુને આપ્યું હતું.  કચેરીનો ક્લાર્ક ભગાલાલનો માણસ હતો. એણે તરત જ ભગાલાલને જાણ કરી હતી. ભગાલાલે કલેકટરને સ્કીમ તરફ આંખ આડા કાન કરવા માટે ઓફર કરી પણ કલેકટરે ભગાલાલની ઓફર ફગાવી દીધી.   ભગાલાલે તરત જ એ કલેકટરની બદલી કરાવવા લાગતા વળગતા નેતાને સાધ્યો. પણ ભગાલાલના વળતા પાણી શરૂ થઈ ગયા હતા. ભગાલાલ હવે મેદાનમાં રહેવાનું જોખમ સમજી ગયો હતો. તપાસનો રેલો પોતાના સુધી પહોંચે એ પહેલાં ભગાલાલ અંડરગ્રાઉન્ડ થઈ ગયો. હુકમચંદ જેવા અનેક એજન્ટોની ઓફિસે સરકારી અફસરોએ રેડ પાડીને કરોડો રૂપિયા કબજે કર્યા. હુકમચંદ સહિત તમામની ધરપકડ કરવામાં આવી. હુકમચંદના ઘરે પણ રેડ પાડવામાં આવી. સ્કીમના તો ઠીક પણ હુકમચંદના પોતાના રૂપિયા પણ અધિકારીઓએ કબજે કર્યા. ગામમાં હો હા મચી ગઈ. હુકમચંદના ઘરની આસપાસ લોકોના ટોળેટોળા ભેગા થયા. કેટલાક તો અધિકારીઓના પગમાં પડી ગયા. લગભગ આખા ગામે આ સ્કીમમાં રૂપિયા રૂપિયા રોક્યા હતા. એ બધા યુનિટનો વધતો જતો ભાવ જોઈ ખુશ થઈ રહ્યા હતા પણ આજ એકાએક ફોનમાંથી સ્કીમની જે એપ્લિકેશન હતી એ આપોઆપ ડીલીટ થઈ ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં આ સમાચાર આગની જેમ ફરી વળ્યાં. સ્થાનિક ન્યૂઝ ચેનલો અને સમાચારપત્રોમાં સ્કીમ વિશે સમાચાર વહેતા થયા. કેટલીક ચેનલો પર ન્યૂઝ એન્કરે આવી બાબતોના નિષ્ણાંતોને બોલાવીને ડિબેટ ચાલુ કરી દીધી. તો કેટલીક ચેનલોમાં વિરોધપક્ષના પ્રવક્તાઓએ સરકાર પર આ બાબતે માછલા ધોવાનું પણ શરૂ કરી દીધું. હવે હુકમચંદનું શું થશે? એના ઘર ફરતે ગામે ઘેરો ઘાલ્યો હતો. સ્કીમમાં નાણાં રોકનાર દરેક જણ પાયમાલ થઈ ચૂક્યો હતો. કેટલાક લોકો ટેમુની દુકાને આવીને હોબાળો મચાવવા લાગ્યા. પણ ટેમુએ એ લોકોને ચોખ્ખું જ કહી દીધું કે ભાઈ અમને પૂછીને તમે રૂપિયા રોક્યા હતા?  કેટલાકે ભગાલાલનો ફોન નંબર અને સરનામું પણ માંગ્યું. જે ટેમુએ તરત જ આપી દીધું. પણ ભગાલાલનો એ ફોન આઉટ ઓફ કવરેજ આવતો હતો. કેટલાક લોકો વળી વાહન ભાડે કરીને ટેમુએ આપેલા એડ્રેસ પર ભગાલાલને પકડવા મુંબઈ પણ ધસી ગયા. પણ કોઈના હાથમાં હવે કશું જ આવવાનું નહોતું. ભગાલાલ નામનું વાવાઝોડું આવીને લોકોની માયા મૂડીને વંટોળીયે ચડાવીને ખેંચી ગયું હતું. લોભિયા હોય ત્યાં ધૂતરા ભૂખ્યા મરતા નથી એ કહેવત ભગાલાલે સાચી પાડી હતી. તખુભાની ડેલીમાં  શોકસભા જેવું વાતાવરણ હતું. જાદવો એનું સર્વસ્વ ગુમાવી ચુક્યો હતો. તખુભા ચલમ ફૂંકી રહ્યા હતા.  વજુશેઠ દુકાનમાં માથે હાથ દઈને બેઠા હતા. કેસાશેઠ એમને ખિજાવાને બદલે શાંતિથી સમજાવી રહ્યા હતા કે 'તને તો મેં ના પાડી હતી. ક્યારેક બાપની વાત માનો તો વાંધો નો આવે. પણ હશે વજુ, કદાચ એ લખમી આપણા પાસે અવળા માર્ગે આવી હશે એટલે અવળા માર્ગે જતી રહી. એના માટે હવે રોવાથી કંઈ વળે નહિ. આપણા નસીબમાં ન હોય એ ક્યારેય મળતું જ નથી હોતું, અને મળી જાય તો ટકતું નથી હોતું. વળી કર્મ સંજોગે ક્યારેક ટકી જાય તો પણ જેમ પોદળો ધૂળ લઈને જાય છે એમ અલક્ષ્મી આવે છે ત્યારે બહુ સારી લાગે છે પણ જાય છે ત્યારે ઘણું લેતી જાય છે. એટલે એ ચિંતા છોડી દે બેટા."    ભાભા ખૂબ રાજી હતા. તખુભાની વાતમાં આવીને રૂપિયા રોકવા દોડ્યા તો હતા. પણ આખરે બચી ગયા હતા. ગામમાં સોપો પડી ગયો હતો. હબો દુકાન બંધ કરીને ઘરમાં જ ગોદડું ઓઢીને સુઈ રહેતો હતો. નગીનદાસ હબાની વાતમાં આવીને ફસાયો હતો. દરેકજણ દાઝયો હતો. જેના વધુ રૂપિયા ગયા હતા એને જોઈને ઓછી નુકસાની કરનારા ખુશ થયા હતા. કેટલાક છેલ્લા દિવસે ભરાઈ પડ્યા હતા તો કેટલાકને છેલ્લા દિવસે ભાભાની જેમ રૂપિયા મળ્યા નહોતા એ બચી જવાનો આનંદ લઈ રહ્યા હતા.   હુકમચંદને જામીન મળતા નથી. એણે જે કાંડ કર્યો હતો એ બહુ ગંભીર હતો. બોટાદની નાની જેલમાં એના માટે જીવનું જોખમ હોવાથી સાબરમતી જેલમાં ખસેડાયો હતો.   સ્કીમનું અચ્યુતમ કેશવમ થઈ ગયું હતું. પણ સરકારે એક સ્પેશિયલ ટીમ બનાવીને તપાસ સોંપી હતી. સ્કીમના સૂત્રધાર ભગાલાલનું પગેરું પકડવા પોલીસની એ ટીમ કામે લાગી હતી. લોકોને એમના રૂપિયા પાછા લાવી આપવાના દિલાસા આપવામાં આવ્યા હતા. જે લોકો સમજતા હતા એમણે એમના રોકાણનું ટાઢા પાણીએ નાહી નાંખ્યુ હતું. જે નહોતા સમજતા એ દરરોજ હુકમચંદના ઘર બહાર ભેગા થઈ દેકારો કરતા હતા.   હુકમચંદ રણછોડનો વેવાઈ હતો. હુકમચંદને જામીન પર છોડાવવા એણે એના સંપર્કો કામે લગાડ્યા હતા.(ક્રમશ:)