MOJISTAN - SERIES 2 - Part 27 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 27

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 27

જગો ભરવાડ ડોક્ટરને લઈને એના ઘરે ગયો. આમ તો જગાનું ઘર દવાખાનથી કંઈ દૂર નહોતું. પણ ડોકટરનો ફોન લેવાઈ જાય ત્યાં સુધી એ જીપને ગામમાં ફેરવતો રહ્યો. ગામના પાદરમાં જ ભરવાડો રહેતા. અને એ ભરવાડવાડામાં જ જગાનું પણ મકાન હતું. જગાની મા કંઈ માંદી નહોતી.   

જગાના મકાન ફરતે કાંટાળી વાડ હતી જેમાં કેટલાક ઘેટાં બકરાં ઊભા હતા. કેટલાક ઓસરીમાં ચડીને બેઠા હતા. એક લીમડાનું ઝાડ ફળિયામાં ઊભું હતું. એ ઝાડ નીચે બે ગાયો અને ચાર ભેંસો બેઠી બેઠી વાગોળી રહી હતી. ગાર માટીથી લીંપણ કરેલા ભોંયતળિયામાં કીડીઓ ને મકોડાઓ આંટા મારતા હતા. અને માખીઓ પણ બણબણતી હતી.

 જગાના બે છોકરા અને એક છોકરી ઓસરીમાં રમતા હતા. છોકરીએ પોલકું અને ઘાઘરી પહેરી હતી. એના માથે ગૂંચવાયેલા વાળની બે ચોટીઓ લીધેલી હતી. છોકરાઓએ માત્ર ટૂંકી ચડ્ડીઓ પહેરી હતી. બંનેના નાકમાંથી ઘી હોઠ પર ધસી આવતું હતું. ઓસરીની બરાબર મધ્યમાં ઓરડામાં જવાનું બારણું હતું જેની પર લીલાપીળાં રંગના પોપટ દોર્યા હતા. ગોળ અને ચોરસ આકારની ડિજાઈન વડે એ બારણું થોડુંક શોભતું હતું. ઓસરીના એક છેડે દીવાલ હતી. એ દીવાલની ખીંટીઓ પર જગાના લૂગડાં લટકતા હતાં. ઓરડાવાળી વચ્ચેની દીવાલ પર અનેક દેવીદેવતાઓની છબીઓ ટીંગાતી હતી.   બીજે છેડે પાણિયારું હતું જેમાં એક ગોળો અને એક ગાગરબેડું રાખવામાં આવ્યું હતું. પાણીયારામાં અર્ધકમાન જેવો ઊંડો ખાંચો હતો. જેની દિવાલમાં વાદળી રંગની માળી પર પિત્તળના ચાર લોટા અને ત્રણ ગ્લાસ ઊંધા વાળેલા હતા. ગોળાના બુજારા પર એક સ્ટીલનો લોટો ઊંધો મુકેલો હતો. 


જગો ડોકટરને ફળિયામાંથી ઓસરીમાં દોરી લાવ્યો.  આખા ફળિયામાં ઘેટાં બકરાંની લિંડીઓ અને ગાય ભેંસના પોદળા પડ્યા હતા. ડોકટરે ઘણી સાવચેતી રાખી છતાં બુટના તળીએ એ લિંડીઓ ચેપાયા વગર ન રહી શકી. ડોકટર બુટ કાઢ્યા વગર જ ઓસરીનું પગથિયું ચડ્યા. કાથીની એક નાની ખાટલી પર એમને બેસાડીને જગાએ એની ઘરવાળીને સાદ પાડ્યો.

"અલી એય..આખા દૂધની સા મેલ. જો આપડા ઘીર્યે દાગતર સાયેબ આયા સે. સોખ્ખા વાસણમાં સા મેલજે."  જગાની ઘરવાળી રસોડામાંથી માથે ઓઢીને તરત ઓસરીમાં આવી. ડોકટરે ઘરની આબોહવા જોઈ મોં બગાડ્યું હતું. જગાની ઘરવાળી ડૉક્ટરનું મોઢું જોઈ કદાચ સમજી ગઈ કે ડોક્ટરને ભારે પડતો અણગમો ઉપજયો છે! 


"એ..આવો આવો દાગતર સા'બ, જેસી કર્સણ. આજ તો અમારા આંગણા પાવન કરિયા. લ્યો હું સા મેલું..ભરવાડભાયનું ઘર તો સાબ આવું જ હોય હો. તમને નય ગમે પણ જે સે ઈ આમરે તો આ જ સે."  એમ કહી મીઠીએ બે હાથ જોડયા.પછી ઓસરીમાં રમતી છોકરીને કહ્યું,"અલી રામી..સાબ્યને પાણી ભરી દે. આ સોડીને આખો દી રમવા સિવાય કાંય કામ નો કરવું લ્યો.." 


 રામી તરત ઊભી થઈ. પાણિયારે જઈ ગોળા પર મુકેલો સ્ટીલનો લોટો ઊપાડીને બુજારું ઊંચું કરી એ લોટો ગોળામાં બોળ્યો. લોટો ભરાયો એટલે બુજારું ઢાંકીને એ લોટો લઈ ડોકટર પાસે આવી. એના ગંદી આંગળીઓ લોટાના પાણીમાં ડૂબેલી હતી. મોં પણ બમણતી માખીઓ એક હાથે ઉડાડીને છોકરીએ લોટો ડોકટર તરફ લંબાવ્યો."

લ્યો સા'બ ટાઢું પાણી પીવો. પસી સા પીવી. બા ઘડીક પગ છૂટો કરવા ચ્યાંક બારા જ્યા લાગે સે. હમણે આવે એટલે તપાસી લેજો." ડોકટર સાથે જ ખાટલાની પાંગથે બેઠેલા જગાએ આમ કહી બીડી સળગાવી. 


ડોકટર થોડીવાર પેલી છોકરીને તો થોડીવાર જગાને તાકી રહ્યા. લોટાના પાણીમાં છોકરીની ગંદી આંગળીઓ માંથી મેલ છૂટો પડીને પાણીમાં ભળી રહ્યો હતો. ડોક્ટરને તરત જ અહીંથી ભાગી છૂટવાની ઈચ્છા થઈ ગઈ.

"ભાઈ મારે પાણી નથી પીવું. અને ચા પણ નથી પીવી. તું જલ્દી તારી બાને બોલાવી લે. હું દવા આપી દવ પછી તું મને મૂકી જા. અને પેલા નારસંગને જલ્દી બોલાવી લે. મારો ફોન લઈને એ નાસી ગયો છે નાલાયક..!" ડોકટરે ખિજાઈને કહ્યું. ડોકટરે પાણી પીવાની ના પાડી એટલે જગાએ રામીના હાથમાંથી લોટો લઈ નીચે મુક્યો.


"અરે ઈમ કાંય હોય? સા તો પીવી જ પડે ને. મારી ઘીરેથી કૂતરુંય રોટલો ખાધા વગર્ય નો જાય હો. નાર્યો હમણે આવહે. આજ ઈવડો ઈ રૂપલી હાર્યે પાકું કરી નાખે એટલે તમનેય પુન થાહે. લ્યો જરીક હરખા બેહો..અલી રામી દાગતર સાબ હાટુ બાલોશીયું લીયાય ઘરમાંથી.."   


રામી તરત દોડીને ઘરમાં ગઈ. ઘરમાંથી એક ઓશીકું લઈ આવી. એ ઓશીકું એકદમ મેલું હતું. અને વચ્ચેથી રૂ બહાર નીકળી ગયું હતું. 


જગાએ રામીના હાથમાંથી એ ઓશીકું લઈ બેવડ વાળ્યું. પછી ડોક્ટરની પાછળ મૂકીને ઊભા થતા  કહે, "લ્યો ટેકો દયને આરામથી બેહો. હું બાને ગોતતો આવું.."


 "અલ્યા ભાઈ તારું આ ઓશીકું તારી પાસે જ રાખને. તું જલ્દી તારી બાને લઈ આવ. તારો ફોન આપ મને, પેલા નાલાયકને ફોન કરવો પડશે. હરામખોર મારો ફોન બગાડી નાંખશે."  


"કાંય નો બગાડે. તમે બેહો નિરાંતે. લ્યો હું ઈ બેય કામ કરતો આવું."  કહી જગો એના જોડા પહેરીને ફળિયામાં પડેલી લિંડીઓ કચરતો ઝાંપો ખોલીને જતો રહ્યો.    


ઓસરીમાં બણબણતી માખીઓ હવે ડોકટર પર ધસી આવી. ડોકટરના માથે, મોં પર અને હાથ પર માખીઓ બેસવા લાગી. ડોકટરે ખિસ્સામાંથી રૂમાલ કાઢીને માખીઓ ઉડાડવા માંડી. ડોકટર લાભુ રામણીને આજ ડોકટર બનવા બદલ પસ્તાવો થઈ રહ્યો હતો!   


ઓસરીમાં રમતા જગાના છોકરા અચાનક કોઈ વાતે ઝગડી પડ્યા. એમાં જે મોટું હતું એ નાનકાને ઢીકો મારીને ઓસરીમાં દોડયું. નાનકું મોટો ભેંકડો તાણીને મોટકાની પાછળ દોડયું. મોટું કૂદીને ખાટલે ચડ્યું. ખાટલો કાથીના વાણથી ભરેલો હોવાથી કાથી સ્પ્રીંગનું કામ કરતી હતી એટલે પેલું છોકરું ઉછળીને ડોકટરના ખોળામાં પડ્યું. એના નાકમાં જામેલું પીળું ઘી ડોકટરના ખભે લુછાયું. નાનકું પણ ઢીકો ખાઈને બદલો લેવા મોટકાની પાછળ જ ઠેકીને ખાટલે ચડ્યું. મોટકું ડોકટરના ખોળામાંથી બેઠું થઈને ડોકટરના સફેદ અને એકદમ ચોખ્ખા પેન્ટ સાથે હાથ ઘસીને નીચે ઉતર્યું. એ વખતે ખાટલે ચડેલું નાનકું બેલેન્સ ન જળવાતા ખાટલામાં જ પડ્યું. એનું મોં ડોકટરના સાથળ પર ઘસાયું. મોટું નીચે ઉતરીને એક અંગૂઠો વાંકો કરીને બોલ્યું, "લે લે લેતો જા. ઈમ કાંય હું હાથમાં નય આવું..લે લે લે..એ..." રામી દીવાલને ટેકે બેઠી બેઠી એના ઢીંગલાને રમાડતી હતી.


ઓસરીમાં મચેલો દેકારો સાંભળી રસોડામાંથી મીઠીએ રામીને સાદ પાડ્યો, 

"અલી રામલી..ભયલા બાજયા કે હું? ઝટ સુટા પાડ્ય તારા ડોહાવને.. કોણ જાણે ચિયા ભવના દશમન ભેગા થિયા સે.."  

રામી તરત જ ઢીંગલો મૂકીને ઉઠી. ફળિયું વાળવાનો સાવરણો થામ્ભલીના ટેકે પડ્યો હતો. ભાઈઓની લડાઈમાં સીઝફાયર કરવા માટે એ સાવરણો બહુ કામમાં આવતો. રામી એ સાવરણો લઈને લડતા ભાઈઓ તરફ દોડી. વાંક મોટાનો જ હતો એટલે એ મોટકો જ સાવરણાના પ્રહારનો હકદાર હતો.  


સાવરણાધારી રામીને પોતાના તરફ ધસી આવતી જોઈ મોટો ખાટલા ફરતે જાત બચાવવા દોડવા લાગ્યો. રામી પણ એની પાછળ પડી. નાનકો ભેંકડો બંધ કરીને ડોક્ટરની બાજુમાં બેસીને રાજી થઈ તાળીઓ પાડવા લાગ્યો. એણે એના ગંદા હાથથી ડોકટરના શર્ટની બાંય પકડીને કહ્યું, "જોજો હમને રામીબોન ભુરિયાને મારસે..મને ઢીકો મારીયો'તો ને..લે લે હવે તુંય લેતો જા.." 


ડોકટરે શર્ટની બાંય નાનકાના હાથમાંથી છોડાવીને ડોળા કાઢ્યા,

"તું દૂર બેસ.. મને અડકવાનું નહિ હો..ચલ દૂર હટ.."   

ડોકટરના ખભે અને સાથળ પર જગાના છોકરાઓએ જે પીળુ ઘી ચોંટાડયુ હતું એનો આસ્વાદ લેવા માખીઓનું ઝુંડ આવી પહોંચ્યું. ડોકટર રૂમાલ વડે માખીઓ ઉડાડવા લાગ્યા. એ જ વખતે ખાટલા ફરતે ફરતો મોટકો ડોક્ટરની પીઠ પાછળથી પસાર થયો. પાછળ દોડતી રામી એને આંબી ગઈ. રામીએ સાવરણો મોટકાના માથા પર ફટકારવા જોરથી વીંજયો. પણ મોટકો ચાલાક હતો. નીચા નમી જઈ એણે રામીનો ઘા ચુકાવ્યો. મોટકો તો બચી ગયો પણ રામીનો ઘા ખાલી ન ગયો. ધૂળ અને છાણથી ભરેલો એ સાવરણો ડોકટરની ડોક પર ઝીંકાયો. ડોકટરના ખભે બેસીને ઘી ચૂસતું માખીઓનું ઝુંડ બમણાટી કરીને ઉડયું. ડોકટરના શર્ટ અને પેન્ટ પર ધૂળ અને છાણથી ભરાઈ ગયા.  


ડોકટર તરત જ ખાટલા પરથી ઊભા થઈ ગયા. એ  જોઈ છોકરાઓએ ચિચિયારી કરી મૂકી.."બોને મેમાનને સાવયણો મારીયો.. હે હે હે..મેમાનના લૂગડાં બગડીયા.. હે હે હે.. " 

 નારસંગ ડોકટરનો મોબાઈલ લઈને નાસી ન ગયો હોત તો ડોકટર એક મિનિટ પણ એ ઓસરીમાં ઊભા ન રહેત. ગુસ્સાથી એમનું માથું ફાટી રહ્યું હતું પણ કંઈ થઈ શકે તેમ નહોતું. રામી અને છોકરાઓ સામે ડોળા કાઢીને તેમણે રસોડા તરફ જોઈ રાડ પાડી,

"ઓ બેન તમારા છોકરાઓને દૂર કર..મારા કપડાં ખરાબ કરી દીધા. માજી બીમાર હોવાનું કહી તારો ઘરવાળો મને અહીં લઈ આવ્યો. રસ્તામાં પેલો નાલાયક નારસંગ મારો મોબાઈલ લઈને નાસી ગયો. કેવા લોકો છો તમે.."  


મીઠી તરત જ રસોડામાંથી બહાર આવી. ઓસરીમાં રામી હજી સાવરણો લઈ મોટાની પાછળ દોડી રહી હતી. મીઠીએ ધસીને રામીના હાથમાંથી સાવરણો લઈ ફળિયામાં ઘા કરી દીધો. 


"ઊભા રે'જો હો..મારા રોયા હેઠા જ બેહતા નથી. ઈનો બાપ આખો દી ઘરે નો હોય અટલે લાધુ ફાવી જયું સ." કહી બંને છોકરાઓને પકડીને ઘરમાં પુરી દીધા. રામી એનો ઢીંગલો રમાડવા બેસી ગઈ.

"લ્યો હવે બેહો સાયેબ. હવે સોકરા નય કનડે. નાના સોરું કેવાય ઈતો. તમારા લૂગડાં બગડ્યા પણ હશે હવે."  


ડોકટર કમને ફરી ખાટલે બેઠા. મીઠી ચા બનાવીને લઈ આવી. ચા ભરેલી તપેલી એણે સાણસીથી પકડી હતી. બીજા હાથમાં એક સ્ટીલની રકાબી અને ઝારી લઈ એ ડોકટરના ખાટલા પાસે આવી. ડોકટરના પગ પાસે રકાબી મૂકીને એમાં મીઠીએ ચા રેડી.


 "લ્યો સાયેબ..એકદમ આખા દૂધની મીઠીમીઠી સા પીવો. હંધિય દાઝ નો ઉતરી જાય તો કેજો.." કહી એ રસોડામાં જતી રહી. 

"બેન મારે ચા નથી પીવી. તમે પાછી લઈ જાવ." ડોકટરે અણગમાંથી કહ્યું.

"લે ઈમ કાંય હાલે? અમે ગરીબ છી અટલે અમારા ઘરની સાય નો પીવો. આખા દૂધની બનાવી સે લ્યો ને. પીવોને વળી.. આમ તે સુ કરતા હસો." 

ડોકટર કંઈ બોલ્યા નહિ. હવે ના છૂટકે ચા પીવી જ પડે એમ હતી. એમણે નીચે પડેલી ચાની રકાબી તરફ જોયું તો બે માખીઓ ગરમ ચાનો સ્વાદ લેવા જતા શહીદ થઈ હતી. ડોકટરે રામી સામે જોયું. 

"અરરર...આ માછીયું તો સામાં પડી. અમારે ઢોર હોય અટલે માછીયુંય હોય હો સાયેબ. લ્યો હું સામાંથી માછીયું કાઢી દવ. પસી ઝટ પીય જાજો નકર બીજી પડહે." કહી મીઠીએ ચામાં તરતી માખીઓ આંગળી પર લઈ બહાર કાઢી દીધી.

"બેન તમે આ ચા હવે ફેંકી દો. માખી પડેલી ચા ન પીવાય. બીમાર પડી જવાય" ડોકટરે મોં બગાડીને કહ્યું. માખીઓ પડી એ એક રીતે એમને ગમ્યું કારણ કે ચા પીવાની એમને બિલકુલ ઈચ્છા નહોતી.


"એવું કાંય નો હોય. તમતમારે પીવો. ઈમ કાંય માંદુ નો પડી જવાય. આ તો સામાં પડીસ તે ભાળી, સાકમાં પડી હોય તો ખવય જાય તોય ખબર્ય નો રેય. હંધુય ભાળ્યાનું ઝેર સે સાયબ, લ્યો ઝટ પીય જાવ.."  મીઠીએ મીઠો આગ્રહ કરતા હસીને કહ્યું.


"મેં એકવાર કહ્યું ને તમને? નથી પીવી મારે ચા. તમે સમજતા કેમ નથી..ઉપાડો તમારી ચા અહીંથી.." ડોકટર હવે થાક્યા હતા તેથી એકદમ ગુસ્સે થઈ ગયા."

" તે નો પીવી હોય તો થિયું. ઈમાં આમ રાડયું શેની પાડો સો. જરીક એક માછ પડી ઈમાં?" મીઠીએ રકાબી ઉપાડતા કહ્યું.

"તમારા છોકરાઓએ મારા કપડાં બગાડ્યા. તમે ગંદી ચા પીવાનું કહો છો. તમને લોકોને કંઈ અક્કલ જ નથી. ડોકટર છું એટલે આવવું પડ્યું બાકી આવી જગ્યાએ હું પગ પણ ન મુકું." 


"સોકરા થોડાક હમજે? દાગતર હોય ઈ રાડયું નો પાડે. તમે વળી નવી નવાયના દાગતર." એમ બબડતી મીઠી રકાબી લઈને રસોડામાં ચાલી ગઈ. 


ડોકટર સમસમીને બેસી રહ્યા. થોડીવારે ઓરડાનું બારણું સહેજ ખુલ્યું. ડોકટરે બારણામાં જોયું તો નાનકો અને ભુરિયો પરસ્પર સમાધાન કરીને ડોકટર સામે હોઠ લાંબા ટૂંકા કરી, જીભ બહાર કાઢીને ચાળા કરતા હતા. 


 જગાની ઓસરીમાં સલવાયેલા ડોકટરનો છુટકારો ક્યારે થશે? જગો એની બાને બોલાવીને ક્યારે આવશે? નારસંગ ડોકટરનો ફોન પાછો આપશે? ડોકટર અમદાવાદ ભેગા થઈ શકશે?  


વાંચતા રહો..મોજીસ્તાન 2ની આ સફર! ભગાલાલની સ્કીમના પર્દાફાશ વચ્ચે હાસ્યરસ રેડવાનો પ્રયત્ન કર્યો છે. તો આપને આ એપીસોડ કેવો લાગ્યો? પ્રતિભાવ આપીને જણાવશો.

(ક્રમશ:)