MOJISTAN - SERIES 2 - Part 25 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 25

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 25

  ભાભા ઘરે પહોંચ્યા ત્યારે બાબો એમની રાહ જોઈને જ બેઠો હતો. ગોરાણીને પૈસા રોકવા બાબતે બાબાને કહેવાની ભાભાએ ના કહી હતી એટલે એમણે ગામમાં કંઈક કામે ગયા હોવાનું બાબાને કહ્યું હતું.

"બહુ વાર થઈ..તમે ક્યાં ગયા હતા? હું ક્યારનો તમારી રાહ જોઉં છું." બાબાએ પૂછ્યું."રવજીને ત્યાં ગયો હતો. એને ભાગવત સપ્તાહનું આયોજન કરવું છે તો મને બોલાવેલો. પછી વજુ શેઠ મળી ગયા, પરાણે મને એમના ઘરે લઈ ગયા. જમવાનો સમય થઈ ગયો હતો એટલે મેં ના પાડી પણ માને નહિ ને! બહુ આગ્રહ કર્યો એટલે હું ના ન કહી શક્યો. વજુશેઠને ત્યાં હું જમીને જ આવ્યો છું એટલે તમે મા દીકરો હવે જમી લો બેટા. આટલું મોડું થશે એની ખબર નહોતી નહિતર હું ફોન કરી દેત." ભાભાએ અર્ધ સત્ય ઉચ્ચાર્યુ. 

બાબો થોડીવાર ભાભાને તાકી રહ્યો. ભાભાના મોં પર કંઈક અકળામણ હતી. બાબો પોતાને તાકી રહ્યો છે એ જોઈ ભાભા તરત અંદરના ઓરડામાં જઈ પલંગ પર આડા પડ્યા.  પિતાજી કંઈક વાત છુપાવતા હોય એવું બાબાને લાગ્યા વગર રહ્યું નહિ. છતાં કંઈ બોલ્યા વગર એ જમવા બેઠો.

'દીકરા આગળ ખોટું બોલવું પડ્યું. આ સ્કીમમાં રૂપિયા રોકવા હું કેટલું દોડ્યો પણ મેળ જ ન પડ્યો. શું આ કોઈ કુદરતી સંકેત હશે? પ્રભુની ઈચ્છા જ નહીં હોય, નહિતર આમ કેમ થાય? પહેલીવખત મારે પૈસાની જરૂર પડી. ગામમાં બે નહીને પાંચ જોઈતા હોય તોય આપે એવા ઘણા છે; છતાં સંજોગો જ એવા રચાયા કે ક્યાંયથી જોગ થયો જ નહિ. આનો મતલબ એ જ થયો ને કે મારું ભાગ્ય મને આ સ્કીમમાં નાણાં રોકતા અટકાવી રહ્યું છે. ઈશ્વર રક્ષા કરતો હોય ત્યારે આવા સંકેત મોકલતો હોય છે પણ માણસ એ સંકેતની અવગણના કરીને આગળ વધી જાય તો બિચારો ભગવાન પણ શું કરે?  એ ખુદ આવીને કંઈ હાથ તો ન પકડે ને? માણસે જ સમજવું જોઈએ. હું આટલો જ્ઞાની પુરુષ હોવા છતાં ન સમજ્યો. ઓ પ્રભુ તારો કેટલો પાડ છે મારા પર..વજુશેઠના ઘરે પહોંચાડીને મને જમાડી દીધો. પણ પૈસાનો મેળ પડવા જ ન દીધો. હવે મારે આ સ્કીમમાં રૂપિયા નથી રોકવા. ભલે ગામ આખુ કરોડપતિ થઈ જાય.' ભાભાએ સુતા સુતા વિચાર કર્યો. સ્કીમનો લોભ જેવો જતો કર્યો કે તરત ભાભા હળવાફૂલ થઈ ગયા. થોડીવારે એમના નસકોરા ગાજવા લાગ્યા.

***** 

બાબો જમીને તરત ટેમુના ઘરે ગયો. ટેમુ એની વાટ જોઈને જ બેઠો હતો. બંને આજે બોટાદના કલેકટરને, ધારાસભ્ય ધરમશી ધંધુકીયાને અને વિરોધપક્ષના નેતા ચમન ચંચપરાને પણ મળીને આવ્યા હતા. ચમનભાઈની ઓફિસે હુકમચંદનો વેવાઈ રણછોડ પણ મળી ગયો હતો. ધંધુકા જેવા વિસ્તારમાં કોઈ જ કાર ફેક્ટરી ખુલવાની નહોતી. ભગાલાલ જે સ્કીમ ચલાવી રહ્યો છે એની તપાસ કરવાનું કલેકટરે વચન આપ્યું હતું. વળી કલેકરશ્રીએ બાબા અને ટેમુને આ સ્કીમ વિશે જાણકારી આપવા બદલ ધન્યવાદ આપી આભાર પણ માન્યો હતો. એ પછી બાબો અને ટેમુ ધારાસભ્ય ધરમશી ધંધુકીયાને પણ મળ્યા. હુકમચંદ આવી સ્કીમ ચલાવી રહ્યો છે અને પોતાને જાણ પણ નથી એ જાણીને એમને ખૂબ ગુસ્સો આવ્યો. બાબ અને ટેમુની હાજરીમાં જ એમણે હુકમચંદને ફોન કર્યો. હુકમચંદે રૂબરૂ આવીને બધું સમજવાનું કહ્યું. બાબા અને ટેમુએ પોતાના નામ હુકમચંદને જ કહેવાની વિનંતી એમણે માન્ય રાખી. 

  ધરમશીભાઈની ઓફિસેથી નીકળી બાબો અને ટેમુ વિરોધ પક્ષના નેતા ચમન ચંચપરાને પણ મળ્યા. એમને પણ આવી કોઈ સ્કીમ ચાલી રહી છે એની ખબર નહોતી. ચમન ચંચપરાની ઓફિસે હુકમચંદનો વેવાઈ રણછોડ પણ મળ્યો. ( મોજુસ્તાન ભાગ 1નું મહત્વનું પાત્ર રણછોડ યાદ છે ને મિત્રો!)   

રણછોડે પણ આખી વાત સાંભળીને હુકમચંદને ફોન કર્યો. સ્કીમની જાણકારી સ્થાનિક રાજકારણીઓને આપવામાં આવી નથી એમ ભગાલાલે હુકમચંદને સમજાવ્યું હતું. પણ આજ ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા સુધી વાત પહોંચી હતી. એ લોકોને શું જવાબ આપવો એ હવે હુકમચંદને વિચારવાનું હતું. જો કે એણે આવી તૈયારી તો રાખી જ હતી.

   ટેમુએ શર્ટના પોકેટમાં મોબાઈલનો કેમેરો બહાર રાખીને બધી જ મુલાકત રેકોર્ડ કરી હતી.   ડોકટર, બાબો અને ટેમુ જે માહિતી લાવ્યા હતા એ સાંભળી ખુશ થઈ ગયા. એમણે તરત જ એક વિડીયો બનાવવાની ગોઠવણ કરી.

 "વહાલા ગ્રામજનો. હું ડોકટર લાભુ રામાણી, આપ સૌને એક અગત્યની જાણકારી આપી રહ્યો છું. હાલમાં ધંધુકામાં જે કાર ફેક્ટરી ખુલવાની હોવાનું કહી લોકોને રોકાણ કરવા લોભવવામાં આવી રહ્યા છે એ બાબતમાં સાચી હકીકત આપ સૌને જણાવવી જોઈએ. આપ સૌને ખાસ જણાવવાનું કે આવી કોઈ કાર ફેકટરી ખુલવાની નથી. ગામના અમુક માણસો દ્વારા આંબા આંબલી બતાવીને નાણાં ડબલ કે ત્રણ ગણા કરી આપવાની લાલચમાં આવીને ફસાસો નહિ. આ સ્કીમ તદ્દન બોગસ છે, બોટાદ જિલ્લાના કલેકટર સાહેબ આ સ્કીમની તપાસ કરવાના છે.  આ વીડિયોમાં આપ સૌ જોઈ શકો છો કે આપણા ધારાસભ્ય, વિરોધપક્ષના નેતા અને સ્થાનીક સમજસેવકોને પણ આવી કોઈ કાર ફેક્ટરી બનવાની છે એની કોઈ જ માહિતી નથી. આવનારા થોડાક દિવસોમાં જ ભગાલાલની આ સ્કીમ એક મોટા ભોપાળું સાબિત થવાનું છે. વધુ વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે. પણ હાલમાં આપ સૌને ખાસ સૂચના આપીએ છીએ કે આ સ્કીમમાં કોઈએ રૂપિયા રોકવા નહિ. આપ સૌના હિત ખાતર અમો આ જાણકારી આપી રહ્યા છીએ."    ડોકટરે મોબાઈલના કેમેરા સામે આ રીતે સંદેશ રેકોર્ડ કર્યો.

ગામનું એક વોટ્સએપ ગ્રૂપ ચાલતું હતું એમાં તરત આ વીડિયો મુકતા પહેલા ડોકટરે કહ્યું,"બાબા અને ટેમુ, આજે જો આ વીડિયો બહાર પાડીશું તો હુકમચંદ આપણી ખબર લીધા વગર રહેશે નહીં. વળી ગામના જે લોકોએ પૈસા રોક્યા છે એ લોકો પણ ધસી આવશે. આપણે ભલે સાચા છીએ છતાં લોકો આપણને સમજી નહિ શકે. જવાબ આપવા ભારે પડી જશે. હુકમચંદ કદાચ એના માણસો મોકલીને મારપીટ પણ કરાવી શકે છે. ધારાસભ્યને કહી મારી બદલી પણ કરાવી નાંખે. હુકમચંદ તો ધરમશીભાઈનો ખાસ માણસ છે. સ્કીમમાં આવતા રૂપિયા જોઈને ધંધુકીયા સાહેબ આંખ આડા કાન કરવા તૈયાર થઈ જશે. અને રણછોડ હવે હુકમચંદનો વેવાઈ છે એટલે એ પણ હુકમચંદની વિરુદ્ધમાં કંઈ એક્શન લેશે નહિ. મારી બદલી થઈ જાય કે નોકરી જતી રહે એનો મને ડર નથી પણ ટોળાને સમજાવવું બહુ અઘરું થશે." ડોકટરે વિડીયો જાહેર થવાનું પરીણામ શું આવશે એ જણાવ્યું. 


ડોક્ટરની વાત સાચી હતી. લોકોને હાલમાં તો લાભ જ થઈ રહ્યો હતો. ગાડી રસ્તા પર પુરપાટ જઈ રહી હોય પણ આગળ આવતી ખાઈ વિશે ખબર ન હોય ત્યારે ગાડીની સ્પીડ ઓછી રાખવાનું કે ઊભી રાખી દેવાનું કહેવામાં આવે તો કોને ગમે? વળી હુકમચંદ જેવા ઘણા એજન્ટ હતા એ અલગ અલગ જિલ્લામાં આ સ્કીમ ચલાવી રહ્યા હતા. ભગાલાલે લાગતા વળગતા ખાતાના અધિકારીઓને પણ સ્કીમનો ગોળ કોણીએ લગાવ્યો હતો. સૌ કોઈ પૈસા કમાઈ રહ્યું હતું. ભગાલાલને તો માત્ર કાગળ પર આંકડાઓની માયાજાળ રચવાની હતી. જે લોકો કમીશન કમાઈ રહ્યા હતા એ લોકો કમીશનની રકમ પણ સ્કીમમાં લગાવી દેતા હતા.

ભગાલાલે આ સ્કીમ ચલાવવા એક ખાસ સોફ્ટવેર તૈયાર કરાવ્યું હતું. કોમ્યુટરના નિષ્ણાંત અને હોંશિયાર છોકરા છોકરીઓને નોકરી પર રાખ્યા હતા. જે દરેક રોકાણકારોના મોબાઈલમાં એમણે રોકેલા નાણાંનો હિસાબ મોકલી દેતા. રોજ રોજ વધતી જતી રકમ લોકોને નવા પૈસા રોકવા લલચાવી રહ્યા હતા. જે લોકો આવી સ્કીમમાં બિલકુલ પડવા માંગતા નહોતા એ બધા પણ સ્કીમની પ્રગતી જોઈ લલચાયા હતા. જેમને કશી ખબર જ નહોતી પડતી એ હોંશીયાર માણસોનું રોકાણ જોઈ આગળ વધતા હતા. ભગાલાલની મુંબઈ ખાતેની ઓફિસમાં રોજેરોજ લાખો રૂપિયા જમા થઈ રહ્યા હતા. ડોકટર આ બધું સમજતા હતા. સ્કીમ રૂપી સરોવરને ખાલી કરવા માટે એમની પાસે માત્ર વાટકી જેવડું જ સાધન હતું. ભગાલાલ પૈસાના જોરે ગમે તે કરી શકે એમ હતો.

"તો શું આપણે હાથ પર હાથ રાખીને બેસી રહેવાનું? હુકમચંદ ધારાસભ્યને અને એના વેવાઈને કદાચ સમજાવી દે, પણ આપણે વીડિયોમાં એ લોકોને કંઈ ખબર નથી એ રેકોર્ડ કર્યું છે એની અસર તો થવાની જ છે. કલેકટરે અમને તપાસ કરવાનું વચન તો આપ્યું છે. પણ આપણે સાવ કલેકટરના ભરોસે બેસી તો ન રહેવાય ને?'' બાબાએ કહ્યું. 

 ''કલેક્ટર તપાસ કરશે એટલે ભગાલાલ એમને મોટી ઓફર આપીને તપાસનું કોકડું સંકેલાવી લે એમ પણ બને. પાછું આમાં લોકો પોતાની ઈચ્છાથી નાણાં રોકે છે. ભગાલાલ કોઈ સાથે જબરજસ્તીથી કરતો નથી. આપણી પાસે એની સ્કીમ બોગસ હોવાના કોઈ ઠોસ સબુત પણ નથી."  ડોકટરે ગંભીરતાથી કહ્યું.

"ડોકટર સાહેબ, માફ કરજો પણ મને એમ લાગે છે કે તમે ડરી રહ્યા છો. કાલની અને આજની વાતોમાં ફરક દેખાઈ રહ્યો છે." ટેમુએ કહ્યું.

"ટેમુ, હું ડરી રહ્યો નથી. પણ આપણે બધું વિચારીને આગળ વધવું જોઈએ. કોઈપણ બાબતમાં રહેલા જોખમોને નજરઅંદાજ કરી ન શકાય. તને શું લાગે છે, આવા એક વિડીયોથી લોકો સ્કીમમાં રોકાણ બંધ કરી દેશે? આપણે સ્કીમ સાવ બોગસ છે એના પુરાવા તો હાથવગા કરવા જ પડે. વિડીયો સાથે પુરાવા આપીશું તો આપણી વાતનું વજન પડશે." ડોકટરે કહ્યું.

"પુરાવા ક્યાંથી લાવવા? એક કામ કરીએ..એકવાર આ વીડિયો જાહેર કરીએ. તમે અમદાવાદ જતા રહો. હું અને ટેમુ મુંબઈ જઈને ભગાલાલનું ધ્યાન રાખીએ. પછી વિડીયો ગામના વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુકમાં અને ઈંસ્ટાગ્રામ પર અપલોડ કરીએ. દીવાસળી તો ચાંપી જોઈએ..એમને એમ કંઈ આગ લાગવાની છે? ભગાલાલ આપણે કરેલો ભડકો ઠારી દે તો બીજું કંઈક વિચારીશું." બાબાએ કહ્યું.

"મેં કેન્દ્રીય ઉધોગ મંત્રાલયમાં આર ટી આઈ કરી દીધી છે. ટૂંક સમયમાં આપણને આ સ્કીમ બોગસ હોવાનો પુરાવો મળી જશે. એ પુરાવાને આધારે આપણે જાહેર હિતની અરજી કોર્ટમાં દાખલ કરીશું. ત્યાં સુધી આપણે શાંતિ રાખવી જોઈએ એવુ મને લાગે છે." ડોકટરે કહ્યું.

"પણ ત્યાં સુધીમાં તો લોકોના લાખો રૂપિયા ઉપડી જશે. આપણે વિડીયો તો જાહેર કરી જ દેવો જોઈએ." બાબાએ કહ્યું.

"બાબા રોડ રોલર જેવા મહાકાય વાહનના પૈડાં ઈંટ મુકવાથી થોભી ન શકે. લોકો આપણા વિડીયો પર ભરોસો જ નહીં કરે. ઉલ્ટાનું આપણે જવાબ આપવા અઘરા થઈ પડશે. મારું કહેવું એમ છે કે લડવા માટે મેદાનમાં ઉતરવું હોય તો પૂરતા શસ્ત્ર સંરજામ અને પૂરતી તૈયારી હોવી જોઈએ. આપણો હુમલો એવો સટીક હોવો જોઈએ કે દુશ્મનના દાંત ખાટા થઈ જવા જોઈએ. અત્યારે આપણે વિડીયો મુકીશું તો એ ચેતી જશે. આપણે જુઠ્ઠા છીએ એવું લોકોને સમજાવી દેશે. એ પછી આપણે પુરાવા આપીશું તો પણ લોકો આપણી વાત નહિ માને. તમે બેઉ હજી નાના છો, આવી બાબતમાં કેમ આગળ વધવું એની મને ખબર છે. એટલે હું કહું છું એ બરાબર છે. વિશ્વાસ રાખો આપણે જરૂર આ ભગાને ભગાડીશું." ડોકટરે કહ્યું.

 ટેમુ અને બાબાને ડોકટરની વાત સમજાઈ. કાચી સામગ્રી સાથે લડાઈના મેદાનમાં ઉતરવું ન જોઈએ એ વાત બંનેએ માન્ય રાખી. 

 પુરાવા મળી જાય ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કરીને બાબો અને ટેમુ ઘરે ગયા.  સાંજના ચાર વાગ્યા હતા. ડોકટરે થોડીવાર આરામ કરીને દવાખાને જવાનું નક્કી કર્યું. પણ ડોક્ટર દવાખાને જઈ શકાવના નહોતા એની એમને ખબર નહોતી.

******* 

હુકમચંદ હવે થોડો ટેંશનમાં આવ્યો હતો. જે વાત ધરમશી ધંધુકિયાને કે વેવાઈ રણછોડભાઈને ખબર પડવા દેવાની નહોતી એ વાત એ લોકો સુધી પહોંચી ગઈ હતી. વિરોધપક્ષના નેતા ચમન ચંચપરાને પણ ખબર પડી હતી. ભગાલાલે આ લોકોને ખબર ન પડે એ રીતે જ કામ કરવાનું કહ્યું હતું. પણ એ શક્ય નહોતું કારણ કે લોકોમાં ફેલાયેલી બાબતો લોકોના આગેવાનોથી અજાણી રહે ખરી? વહેલીમોડી વાત જાહેર થવાની જ હતી એની હુકમચંદને ખબર હતી. એટલે એણે તૈયારી તો કરી જ રાખી હતી. બંને પક્ષનો ભાગ પહેલેથી જ એણે તૈયાર રાખ્યો હતો.

  હુકમચંદે ભગાલાલને આ બાબતની જાણ કરી. ભગાલાલે ડોકટર પર શંકા કરીને ડોક્ટરને કાબુમાં લેવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવાની સલાહ પણ આપી. હુકમચંદે જગા ભરવાડ અને નારસંગને કામે વળગાડ્યા.

(ક્રમશ:)

(યાદ છે ને મિત્રો? કે મારી જેમ ભૂલી ગયા છો! એ જગો ભરવાડ અને નારસંગ! પહેલા ભાગમાં હુકમચંદના  ખાસ માણસો હતા. લખમણિયા ભુતે એ બેઉને ધોયેલા.. આ બધું યાદ ન હોય તો મોજીસ્તાનના પહેલા ભાગમાં આંટો મારી આવજો.)