Parampara ke Pragati? - 19 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | પરંપરા કે પ્રગતિ? - 19

The Author
Featured Books
Categories
Share

પરંપરા કે પ્રગતિ? - 19

આગળ આપણે જોયું કે કોઈ નીતા અને જેન્સી પર નજર રાખી રહ્યું હતું.

નીતા નીચે ઉતરે છે અને તે બદમાશની પાછળ દોડે છે. જેન્સી પણ નીચે ઉતરીને હોસ્ટેલની કેરટેકરને કહે છે, "બહાર કોઈ ઊભા હતા."

કેરટેકર કહે છે, "તું ચિંતા ના કર, જે કંઈ હશે તે આ સી.સી.ટી.વી. કેમેરામાં આવી જશે."

એટલી વારમાં નીતા પાછી આવી જાય છે અને કહે છે, "તે તો ભાગી ગયો, હું એનો ચહેરો પણ ન જોઈ શકી. બદમાશ હાથમાં જ ના આવ્યો."

કેરટેકર કહે છે, "તમે ચિંતા નહીં કરો, હું ગાર્ડને કહું છું, તે ધ્યાન રાખશે. તમે બંને તમારા રૂમમાં જાઓ અને રૂમ અંદરથી સરખી રીતે બંધ કરી દેજો. કોઈ જાણીતાનો અવાજ સંભળાય તો જ દરવાજો ખોલજો."

પછી કેરટેકર એન્ટ્રી ગેટની બહાર ઊભેલા બે ચોકીદારોને ખખડાવે છે, "તમે બંને શું આખી રાત ઊંઘતા રહો છો? કોઈ બદમાશ આવીને જતો રહ્યો, તમને બંનેને ખબર નથી? નોકરીમાંથી કાઢી મૂકીશ."

ચોકીદાર કહે છે, "પણ શું થયું મેડમ, કહો તો ખરી."

કેરટેકર ગુસ્સામાં કહે છે, "મિસ નીતાની બાલ્કની પાસે કોઈ અજાણ્યો માણસ ઊભો હતો. હવે આખી રાત ધ્યાન રાખજો, સૂતા નહીં. કોઈ અંદર હોસ્ટેલમાં દાખલ ન થાય, હું ગેટને લોક મારું છું. મારું કંઈ પણ કામ હોય તો ફોન કરજો. કંઈ પણ એવું લાગે તો તરત જ મને ખબર કરજો."

ચોકીદાર કહે છે, "ઠીક છે મેડમ, અમે બંને જણા બરાબર ધ્યાન રાખીશું. હું ગેટ પાસે ઊભો રહીશ અને બીજો ચોકીદાર હોસ્ટેલ ફરતે આંટા મારશે. અમે વારાફરતી ચોકીદારી કરીશું, તમે નિશ્ચિંત રહો."

બીજે દિવસે સવારે જેન્સીને આખી રાત ઊંઘ નથી આવતી. તે વહેલી સવારે ઊઠી જાય છે. નાહી-ધોઈને બ્રેકફાસ્ટ તૈયાર કરી અને પછી તે નીતાને ઉઠાડે છે. નીતા પણ ઊઠીને તરત તૈયાર થઈ જાય છે.

પછી બંને બ્રેકફાસ્ટ કરતા હોય છે ત્યારે નીતા કહે છે, "મારા લેપટોપમાં બધું સેવ કરી નાખ્યું છે, માત્ર ફાઈલ ટ્રાન્સફર કરવાની છે. તે મને કહી દેજે એ પ્રમાણે કરી નાખીશ કે પછી તું તારી રીતે કરી લઈશ. આજે હું જરા બિઝી છું, મારે આજે એક્ઝામ છે."

જેન્સી કહે છે, "કોઈ ઉતાવળ નથી, તારી પરીક્ષા છે તો તું થોડુંક વાંચી લેજે. આજે મારે પણ થોડું વહેલું જવું છે હોસ્પિટલમાં. તારે હજી થોડો ટાઈમ છે તો તું તે સબ્જેક્ટનું વાંચવા બેસી જા."

પછી જેન્સી હોસ્પિટલ માટે નીકળી જાય છે અને નીતા પોતાની એક્ઝામની તૈયારી કરવા લાગે છે.

જેન્સી હોસ્ટેલમાં નીચે ઉતરે છે ત્યારે બહાર એક ચોકીદાર ઊભો હોય છે. તે જેન્સીને ચિંતામાં જોઈને પૂછે છે, "મેડમ, શું વાત છે? કાલે કોઈ તમારી બાલ્કની પાસે હતું. કોઈ પણ પરેશાની હોય તો અમને કહેજો, મદદ કરીશું. આટલા વખતમાં મેં તમને કોઈ દિવસ આવી રીતે પરેશાન જોયા નથી."

જેન્સી કહે છે, "ખબર નહીં, હું તો બાલ્કનીમાં ઊભી હતી તો નીચેથી કોઈ અજાણ્યા માણસે મારો ફોટો લીધો."

ચોકીદાર થોડીક વાર વિચારવા લાગ્યો અને પછી કહે, "કોઈ એમ જ તમારો ફોટો ના પાડે. કોઈને તમારી જાણકારી જોઈતી હશે તો જ આવી રીતે તમારી જાણ બહાર તમારો ફોટો પાડવા આવ્યો હશે. મને એમ લાગે છે મેડમ, તમારે પોલીસની મદદ લેવી જોઈએ."

જેન્સી ચોકીદારની વાત સાંભળીને થોડી ગભરાઈ જાય છે, પણ પોતાને સંભાળતા કહે છે, "એવું કંઈ નથી ભાઈ, હું તો એક સાધારણ માણસ છું. મારાથી કોઈને શું કામ હોય અને હું કંઈ એવા કામ નથી કરતી કે કોઈ ગેંગસ્ટર મારી પાછળ પડે. હશે કોઈ, જવા દો ને." એમ કહીને જેન્સી હોસ્પિટલ તરફ જતી રહે છે.

થોડીક વાર પછી આ બાજુ નીતા થોડીક પરીક્ષાની તૈયારી કરીને પછી ટાઈમ થતા કોલેજ માટે નીકળે છે. નીચે ઉતરીને તે પહેલા પેલી ઇન્સ્પેક્ટરને ફોન કરે છે. ઇન્સ્પેક્ટરને કહે છે કે, "મેં એક લેટરમાં બધી માહિતી લખી નાખી છે. હું કોલેજ માટે નીકળું છું. તમે પોલીસ સ્ટેશનની બહાર ઊભા રહેજો. મને મોડું થાય છે, મારી આજે એક્ઝામ છે. હું તમને લેટર આપીને જતી રહીશ. પછી સાંજે પાછા ફરતા તમારે જે પૂછવું હોય તે મને પૂછી શકો છો." એમ કહીને નીતા ફોન કાપી નાખે છે.

જેન્સી હોસ્પિટલમાં જાનના રૂમમાં પહોંચે છે. ત્યાં ડોકટરો મિસ્ટર જાનનું ચેકઅપ કરતા હોય છે. ડોક્ટર કહે છે, "જેન્સી, આ પેશન્ટ મિસ્ટર જાનના પહેલાના અને અત્યારના બધા રિપોર્ટ છે. તેની એક ફાઈલ તૈયાર કરી અને મારા ટેબલ પર મૂકી દેજો. કલાક પછી મિસ્ટર જાનના અંકલ આવવાના છે, તો તેમને તે ફાઈલ આપવાની છે અને મિસ્ટર જાનનું આજે ડ્રેસિંગ કરવાનું છે. તો ડ્રેસિંગની બધી તૈયારી કરી અને પછી મને ખબર કરો."

જેન્સી કહે છે, "ઠીક છે ડોક્ટર, હું બધી તૈયારી કરી અને તમને બોલાવીશ." પછી ડોક્ટર બીજા પેશન્ટને ચેક કરવા જતા રહે છે.

જેન્સી મિસ્ટર જાનને પૂછે છે, "આજે તમને કેવું લાગે છે?" તો મિસ્ટર જાન કહે છે, "આજે મને થોડું સારું લાગે છે. આજે પ્લીઝ મને ઇન્જેક્શન ના આપતા, મને બહુ દુખે છે."

તો જેન્સી કહે છે, "હા, હમણાં તમને કંઈ નથી આપવાનું. આજે પહેલા તમારું ડ્રેસિંગ થશે પછી ડોક્ટર તમારી દવા ચેન્જ કરશે એટલે અત્યારે કંઈ નહીં આપું."

જાન જેન્સીને પૂછે છે, "તમે કેટલા ટાઈમથી આ હોસ્પિટલમાં છો?" જેન્સી કહે છે, "એક વર્ષ થયું. હું અહીં સર્જરી માટેની ટ્રેનિંગ લેવા આવી છું, હું એક હેડ નર્સ છું. આ કોર્સ પૂરો થઈ જતા મને ગવર્મેન્ટ જોબ મળી જશે."

મિસ્ટર જાન કહે છે, "સારું. તમે મારી ખૂબ સારી રીતે સારવાર કરી છે, થેન્ક્યુ."

જેન્સી કંઈ બોલતી નથી, મિસ્ટર જાનની સામે જોયા રાખે છે અને મનમાં વિચારે છે, "કેટલો મીઠો હોય છે મિસ્ટર જાનનો."

ત્યાં ફોનની રીંગ વાગે છે. જેન્સી જુએ છે, આ તો પ્રિયાનો ફોન આવે છે. જેન્સી ફોન લઈને રૂમની બહાર નીકળી અને પ્રિયા સાથે વાત કરે છે.

પ્રિયા કહે છે, "મારા વિન્ટર કલેક્શન માટે કંઈ પણ મટીરીયલ મળ્યું? મને ખાતરી છે કે તે વિન્ટર કલેક્શન માટે બધું મટીરીયલ કલેક્ટ કરી જ લીધું હશે."

જેન્સી કહે છે, "હા ભાઈ, આ બધું થઈ ગયું છે પણ લેપટોપ હોસ્ટેલે છે. હું તને બપોર પછી તે બધું મોકલી દઈશ. તું પ્રેઝન્ટેશન માટે ચિંતા ના કર, હું પ્રેઝન્ટેશન બનાવી અને ફાઈલ મોકલીશ."

પ્રિયા કહે છે, "મને અત્યારે જ જોઈએ છે. તું હોસ્ટેલ જા અને મને મોકલ."

જેન્સી કહે છે, "અહીં મારી જોબ છોડીને હું ન જઈ શકું. બપોરે ટ્રાય કરીશ, લંચ ટાઈમે જઈને તને મોકલી દઈશ. હવે તું ફોન મૂક."

તે પાછળથી અવાજ આવે છે. "હેલો..."

જેન્સી પાછળ જુએ છે તો ઇન્સ્પેક્ટર તેની સામે ઊભી હોય છે. ઇન્સ્પેક્ટર કહે છે, "હેલો સિસ્ટર, તમને પાછા મળીને આનંદ થયો. મારે તમને થોડાક સવાલ કરવા છે, તમે ફ્રી છો?"

જેન્સી કહે છે, "મારે પેશન્ટને જોવાના છે. હું અત્યારે તમારી સાથે વાત ન કરી શકું."

ઇન્સ્પેક્ટર કહે છે, "એવું છે... હં... તો તો પછી મારે તમારા ડોક્ટર સાથે વાત કરવી પડશે, ક્યાં છે તેમની ઓફિસ?"

જેન્સી કહે છે, "અહીંયાથી સીધા ચાલ્યા જાઓ, સામે જ તેમની ઓફિસ છે."

લેડી ઇન્સ્પેક્ટર કહે છે, "ચાલો મારી સાથે. મારે તમારા ડોક્ટરને પણ થોડા સવાલ પૂછવાના છે અને તમને પણ થોડા સવાલ પૂછવા છે એટલે ખોટો ટાઈમ બગાડવા કરતા બંનેને સાથે સવાલ પૂછી લઉં."

જેન્સી લેડી પોલીસને કહે છે, "તમે આગળ જાઓ, હું હમણાં આવું છું."

લેડી પોલીસ ડોક્ટરની ઓફિસ તરફ જાય છે એટલે જેન્સી તરત જ નીતાને ફોન કરે છે. પણ નીતા ફોન ઉપાડતી નથી. જેન્સીને યાદ આવે છે, "નીતાને તો એક્ઝામ છે એટલે ફોન સાઇલન્ટ ઉપર હશે." પછી જેન્સી ફોન મૂકીને વિચાર કરે છે કે ઇન્સ્પેક્ટરને શું જવાબ આપવો. તે નીતા પાસે જાનના સેક્રેટરીનો લેટર છે તે ઇન્સ્પેક્ટરને કહેવા માંગતી નથી.

પછી તે ઓફિસની અંદર જાય છે. ત્યાં ઇન્સ્પેક્ટર ડોક્ટર સાથે વાત કરતા હોય છે. તે પૂછે છે, "મિસ્ટર જાનના એક્સિડન્ટ પછી તેમને હોસ્પિટલમાં મારવાની કોશિશ કરવામાં આવી છે, તમે તેના વિશે શું કહી શકો છો?"

ડોક્ટર કહે છે, "અમને એના વિશે કોઈ પણ જાણ નથી. હોસ્પિટલમાં તેમના પર એટેક થયો તે પણ અમને ખબર નથી અને એવું બને પણ નહીં, કારણ કે તેમની ઉપર ચોવીસ કલાક એક નર્સ ધ્યાન રાખનારી હોય જ છે. અને બહાર એટલે સીસીટીવી છે, તે ઉપરાંત બહાર ચોકીદારો હોય છે અને સાંજ પછી કોઈને અંદર આવવાની મનાઈ છે. અહીં સાંજ પછી ખાલી સ્ટાફના જ લોકો હાજર હોય છે. કોઈ આવે તો તરત જ ખબર પડી જાય છે. તે છતાંય તમારે સીસીટીવી ફૂટેજ જોવા હોય તો તમે એરેન્જમેન્ટ કરી દેવામાં આવશે. સિસ્ટર જેન્સી મિસ્ટર જાનની નર્સ છે અને એ ઉપરાંત હજી એક નર્સ રાતના ડ્યુટી ઉપર મિસ્ટર જાનનું ધ્યાન રાખે છે."

લેડી ઇન્સ્પેક્ટર જેન્સીને સવાલ કરે છે, "તમારી હાજરીમાં કોઈએ મિસ્ટર જાન પર હુમલો કરવાની કોશિશ કરી હતી? તેમને કોણ કોણ મળવા આવતું હતું?"

તો જેન્સી કહે છે, "તેમને તેમના અંકલ અને આંટી, બીજા લોકો મળવા આવતા હતા. બીજું તો કોઈ મળવા આવતું ન હતું."

ઇન્સ્પેક્ટર પૂછે છે, "એ સિવાય કોઈ મળવા આવ્યું હતું?" તો જેન્સી ના પાડી દે છે.

લેડી ઇન્સ્પેક્ટર ડોક્ટર સાથે વાત કરતા કહે છે, "આ પેશન્ટ જાન છે, તેમને કોઈ મારવાની કોશિશ કરી રહ્યું છે. તેમનો જીવ જોખમમાં છે. તેમનું એક્સિડન્ટ નથી થયું પણ તેમને કોઈ મારવાની કોશિશ કરી છે અને હોસ્પિટલમાં પણ તેમના ઉપર એક વાર હુમલો થયો છે. અને તેમનો જે સેક્રેટરી હતો તે પણ ગાયબ છે. સેક્રેટરીના ગાયબ થવાથી તેમના ઓફિસમાંથી તેમના એક ફ્રેન્ડે તેમના ઘરે પૂછપરછ કરી પણ તે ત્યાં પણ નથી પહોંચ્યા એટલે તેમનો ફ્રેન્ડ આજ સવારે પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ નોંધાવી ગયો છે."

ડોક્ટર કહે છે, "હા, તેમના સેક્રેટરીને જ અમે મિસ્ટર જાનના એક્સિડન્ટની જાણ કરી હતી."

લેડી ઇન્સ્પેક્ટર કહે છે, "હા, તેમના સેક્રેટરી તેમની સાથે થોડાક નજીકના જ ઘરમાં, પાસે જ, તે મિસ્ટર જાન સાથે રહેતા હતા. તેમના ફેમિલીને પણ એક્સિડન્ટની વાત મિસ્ટર જાનના સેક્રેટરીએ કરી હતી પણ નવાઈની વાત એ છે કે તે તેમના એક્સિડન્ટ પછી થોડાક ટાઈમમાં ગાયબ થઈ ગયા. ડોક્ટર સાહેબ, મારે મિસ્ટર જાનના દાખલ કર્યા ત્યારથી અત્યાર સુધીના બધા સીસીટીવી ફૂટેજ જોવા છે."

ડોક્ટર સાહેબ કહે છે, "ઠીક છે, હું પોતે જ કઢાવી અને તમને મોકલાવી દઈશ."

લેડી ઇન્સ્પેક્ટર ફરી એકવાર જેન્સીની સામે જોઈને પૂછે છે, "તમને એ સિવાય કોઈ પણ જાણકારી હોય તો તમે મારી સાથે શેર કરી શકો છો."

જેન્સી લેડી ઇન્સ્પેક્ટરની સામે જુએ છે અને કહે છે, "મારી પાસે જે ઇન્ફોર્મેશન હતી મેં તમને આપી દીધી હતી. એ સિવાય મારી પાસે કંઈ પણ નથી, તો શું હવે હું જઈ શકું છું? મારે બીજા પેશન્ટોને પણ જોવા છે."

લેડી ઇન્સ્પેક્ટરના મનમાં ખટકો બેસે છે પણ તે કંઈ બોલતી નથી. તેને એમ થાય છે કે આ છોકરી કંઈક મારાથી છુપાવે છે. પછી ઇન્સ્પેક્ટર કહે છે, "હા, તું જા. મારું કામ હશે તો હું તને બોલાવીશ."

આગળ શું થશે?

 * શું જેન્સી ઇન્સ્પેક્ટરને બધું કહી દેશે?

 * શું સીસીટીવી ફૂટેજમાં ઇન્સ્પેક્ટરને કંઈ મળશે?

આપણે જાણીશું આગલા ભાગમાં.