આગળ આપણે જોયું, જેન્સી બેડ પર કાગળ રાખે છે.
નીતા કહે છે, "આમાં શું લખ્યું છે તે જો."
પણ જેન્સી વિશ્વાસ રાખીને આપેલ કોઈનો કાગળ કેમ વાંચવો, તે દુવિધામાં હતી.
નીતાથી રહેવાતું નથી એટલે તે કહે છે, "હું વાંચું?"
જેન્સી કંઈપણ બોલતી નથી, પણ ના પણ નથી કહેતી.
નીતા લેટર ખોલીને તેનો ફોટો પાડી લે છે અને વાંચવા લાગે છે.
"જાન સર,
તમારું અકસ્માત નથી થયું, પણ તમને મારવાની કોશિશ કરવામાં આવી છે અને હોસ્પિટલમાં પણ તમારા પર હુમલો કરવાના હતા, પણ હું સમયસર પહોંચી જઈને તે રોકી લીધું. પણ હવે તે લોકો ને મારા પર શંકા ગઈ છે એટલે મારે જવું પડશે, પણ તમે સજાગ રહેજો. હું પુરાવા સાથે તમારી સામે આવીશ, ત્યાં સુધી કોઈ પર વિશ્વાસ ન રાખતા.
તમારો વિશ્વાસુ..."
નીતા જેન્સીની સામે જુએ છે.
જેન્સી કહે છે, "આ બેઠા બેઠા શું ઉપાધિ મેં લઈ લીધી! શું કરવું સમજાતું નથી."
નીતા કહે છે, "આ કાગળ તને જ કેમ આપ્યો હશે? એ મેનેજર તને ક્યાં ઓળખતો હતો?"
જેન્સી કહે છે, "નીતા, હવે તું મને ડરાવી રહી છે."
બંને એકબીજાને ભયથી જુએ છે.
નીતા કહે છે, "તું ભૂલથી પણ આ લેટર ન આપતી, નહીં તો ફસાઈ જઈશ."
બંને આખી રાત સૂઈ શકતી નથી. બીજે દિવસે સવારે જેન્સી વહેલી હોસ્પિટલે જઈને પેશન્ટ જાનને જોવા નીકળી ગઈ.
તો રાતનો જે ચોકીદાર હતો તે જેન્સીને પૂછપરછ કરતા કહે છે, "તમને મળવા કોઈ હોસ્પિટલમાં આવ્યું હતું સિસ્ટર?"
જેન્સી ખોટું બોલતા ન ફાવતા કહે છે, "રાતના હોસ્પિટલમાં એલાઉડ નથી. કોણ હતું? કોઈ ઇમર્જન્સી હતી?"
ચોકીદાર વાત વાળતા કહે છે, "ના, ના, એમ જ પૂછતો હતો. ગુડ મોર્નિંગ સિસ્ટર, તમે જાઓ."
જેન્સી હોસ્પિટલની અંદર જતી રહે છે.
આ બાજુ સવારમાં વહેલા મિસ તારા જાનના સેક્રેટરીને ફોન કરે છે. ફોન ઉપાડે છે, મિસ તારા કહે છે, "આજે તમે આવ્યા નથી, શું તમે ડાયરેક્ટ હોસ્પિટલ ગયા છો?" તો સેક્રેટરી કહે છે, "ના, હું તો કાલે સાંજે જ ઓસ્ટ્રેલિયા છોડીને નીકળી ગયો. મારી પત્ની બીમાર છે, તેને હોસ્પિટલમાં દાખલ કરી છે એટલે હું થોડા દિવસમાં પાછો આવી જઈશ. મેં મારા આસિસ્ટન્ટને બધું સમજાવી દીધું છે. તમને કોઈ પ્રશ્ન હોય તો તમે તેમને પૂછજો, તે તેમનો જવાબ આપી દેશે. ચાર-પાંચ દિવસમાં પાછો આવીશ. સોરી, તમને અડધી રાતે જગાડવું વ્યાજબી ન લાગે તેથી લેટર લખી અને ઓફિસમાં આપી દીધો છે. તમે મને ક્યારેય પણ ફોન કરી શકો છો." મિસ તારા એમ કહી અને સેક્રેટરી ફોન મૂકી દે છે.
મેડમ તારાને મેસેજ ઉપર શંકા જાય છે, "ક્યાંક આને તો મારી રાતની વાત નથી સાંભળી લીધી ને?"
મેડમ તારા તરત તૈયાર થઈ અને બહાર ઊભેલા ગાર્ડને કહે છે, "મને આ ઘરની સીસીટીવી ફૂટેજ કાલ રાત સુધીની બધી જ જોઈએ છે." ગાર્ડ માથું હલાવતા કહે છે, "તમને સાંજ સુધીમાં બધું મળી જશે, મેડમ."
એટલી વારમાં ધનરાજ શેઠ બહાર આવી જાય છે અને તારાને કહે છે, "તમારે હોસ્પિટલ આવવું છે?"
મેડમ તારા કહે છે, "ભાઈ, તમે આગળ નીકળો, હું બીજી કારમાં આવીશ. તમારે ઓફિસે પણ જવું હશે. મારે થોડુંક બહાર કામ છે તો હું તે પતાવી અને પછી આપણે બંને લંચ પર મળીએ."
ધનરાજ કહે છે, "ઓકે, હું નીકળું."
ધનરાજના ગયા પછી મેડમ તારા ફોન ઉપર એક માણસ સાથે વાત કરતા તેને ધમકાવે છે, "તે મારું કામ કર્યું નથી અને હવે મને એમ લાગે છે કે આપણા કામની બીજાને પણ જાણ થઈ ગઈ લાગે છે એટલે હમણાં કંઈ કરતો નહીં. થોડાક દિવસ માટે ઊભા રહી જાઓ. આપણે પાછા ઇન્ડિયા જશું ત્યાર પછી હું તને કહીશ કે શું કરવું. હું તને હવે ફોન નહીં કરું."
આ બાજુ જેન્સી જાન પાસે બેઠી હોય છે અને તેને જોતા વિચાર કરે છે, "આ જાનને શું કામ મારવા માંગતા હશે? શું આ... સારો માણસ નહીં હોય કે પછી આ સારો હશે અને કોઈ એને મારવા માંગતો હશે, પણ શું કામ?" જેન્સીના મગજમાં કેટલાય વિચારો આવે છે. એટલી વારમાં મિસ્ટર ધનરાજ મિસ્ટર જાનના રૂમમાં દાખલ થાય છે અને નર્સને એટલે કે મિસ જેન્સીને પૂછે છે, "કેમ છે હવે મારા દીકરાને? હવે તબિયતમાં કંઈ ફેરફાર ખરો? મારે ડોક્ટર સાહેબ સાથે વાત કરવી છે." તો તે તેમની ઓફિસમાં છે. સિસ્ટર જેન્સી કહે છે, "હા, તેઓ તેમની ઓફિસમાં જ છે. હમણાં જ આવી અને ગયા. હવે મિસ્ટર જાન આરામ કરી રહ્યા છે."
આ બધી વાત થતી હતી ત્યાં મિસ્ટર જાન પાછા ભાનમાં આવે છે અને જુએ છે કે તેના અંકલ તેની સામે છે.
ધનરાજ જાનને જોઈ અને ખુશ થાય છે. તે જાનને પૂછે છે, "કેવું લાગે છે હવે તને? તું બોલી શકે છે? તું મારી સાથે વાત કરી શકે?" તો મિસ્ટર જાન કહે છે, "હા અંકલ, હવે મને સારું છે. તમે મારી ચિંતા ન કરતા, પણ હું બોલું છું તો મને માથામાં દુખે છે."
સિસ્ટર જેન્સી મિસ્ટર ધનરાજને કહે છે, "પ્લીઝ, તમે એની સાથે વાતો ન કરો. તેમને બોલવાની મનાઈ છે. એમના મગજ ઉપર ઈફેક્ટ થાય છે. હવે તેમની દવાનો ટાઈમ થઈ ગયો છે. પ્લીઝ, તમે ડોક્ટર સાથે વાત કરી લો. અત્યારે તેઓ ઓફિસમાં હશે."
ધનરાજ શેઠ કહે છે, "ઠીક છે, હું ડોક્ટર સાહેબને મળી આવું છું."
જેન્સી મિસ્ટર જાનને દવા પીવડાવવા જાય છે તો જાન મોઢે હાથ આપી દઈ અને કહે છે, "મારે આ દવા નથી લેવી, હું એનાથી સૂઈ જાઉં છું. મારે આજે નથી સૂઈ જવું, પ્લીઝ..."
જેન્સી કહે છે, "જો તમે આ દવા નહીં ખાઓ તો તમારા મગજ ઉપર અસર પડશે. તમે જાગતા રહેશો અને વિચાર કરશો એટલે તમારું મગજ એક્ટિવ થશે અને તમને પીડા થશે એટલે તમારા સારા માટે જ તમને આ દવા દેવામાં આવે છે, તેથી તમારા મગજ ઉપર કોઈપણ જાતનું ભાર ન પડે. પ્લીઝ, દવા લઈ લો. બે-ચાર દિવસની વાત છે, તમને સારું થઈ જાય પછી તમારે જે કરવું હોય એ કરજો. મારી ડ્યુટી છે કે મારે પેશન્ટનું ધ્યાન રાખવું. પ્લીઝ, દવા લઈ લો."
મિસ્ટર જાન પહેલીવાર જેન્સીને નિરખીને જુએ છે. તેને આટલું પ્રેમથી ખીજાઈને દવા ખવડાવવાવાળું કોઈ નહોતું. જાન જેન્સીના મોઢા તરફ જુએ છે. સુંદર, રૂપાળો ચહેરો, લાંબા, સુંદર હેર અને થોડા ગુસ્સામાં તે વધારે સુંદર લાગતી હતી. જેન્સી એકદમ નજીક આવે છે અને દવા મિસ્ટર જાનના મોઢામાં નાખે છે અને પાણી પીવડાવે છે. મિસ્ટર જાન કંઈ બોલતા નથી, દવા પીતા પીતા બસ તેને નિરખી રાખે છે.
જેન્સીનું ધ્યાન જાય છે, એને ખબર પડે છે કે મિસ્ટર જાન મને કંઈક અલગ રીતે જોઈ રહ્યા છે.
જેન્સીને મિસ્ટર જાન આવી રીતે જુએ છે તે ગમતું નથી.
જેન્સી મિસ્ટર જાનને પાછા સુવડાવતા કહે છે, "હવે તમે આરામ કરો. મારે બીજા પેશન્ટને પણ દવા પીવડાવવાની છે. હું હમણાં પછી આવું છું. તમારી પાસે એક નર્સ મોકલું છું."
મિસ્ટર જાન પાછો જેન્સીનો હાથ પકડતા પૂછે છે, "તો તમે ક્યારે પાછા આવશો?"
જેન્સી મિસ્ટરની સામે જોઈ અને પોતાનો હાથ છોડાવતા કહે છે, "હું હમણાં પછી આવીશ. હવે તમે આરામ કરો."
એમ કહી અને તે રૂમમાંથી બહાર નીકળી અને નિરાંતનો શ્વાસ લેતા બીજા પેશન્ટને જોવા લાગે છે.
આ બાજુ મિસ તારા પણ હોસ્પિટલે પહોંચે છે. તે બહાર ઊભેલા ગાર્ડને પૂછે છે, "અહીં કોઈ મિસ્ટર જાનને મળવા અહીં કોઈ આવ્યું હતું રાતના?" તો ગાર્ડ કહે છે, "મારી સવારની ડ્યુટી છે. અહીં સાંજે બીજો ગાર્ડ ઊભો હોય છે. તમે તેમને પૂછી લેજો, મને નથી ખબર." મિસ તારા પર્સમાંથી થોડાક રૂપિયા ગાર્ડના હાથમાં મૂકતા કહે છે, "શું તમે મારું કામ કરશો?"
ગાર્ડ પૈસા ખીસામાં મુકતા આજુબાજુ જોતા કહે છે, "મેડમ, બોલો શું કામ છે?"
મિસ તારા કહે છે, "જે ગાર્ડ સાંજે ડ્યુટી પર હતો, તમે તેમને બોલાવી આપશો? મારે તેમની સાથે વાત કરવી છે. હું અત્યારે અહીં હોસ્પિટલમાં જ છું." અને પર્સમાંથી પોતાનું કાર્ડ આપતા કહે છે, "આમાં મારો નંબર છે. તમે તે ગાર્ડ સાથે મને વાત પણ કરાવી શકો છો ગમે ત્યારે..."
એટલું કહ્યું અને મિસ તારા હોસ્પિટલની અંદર દાખલ થાય છે ત્યાં તેને સામે સિસ્ટર જેન્સી મળે છે.
મિસ તારા જેન્સીને પૂછે છે, "અહીં મિસ્ટર જાનને કોઈ રાતના મળવા આવ્યું હતું?"
જેન્સી ચોંકી જાય છે અને મનમાં વિચારે છે, "આને કેમ ખબર પડી કે પેલો મેનેજર અહીં આવ્યો હતો?"
મિસ તારા ફરીથી પૂછે છે, "નર્સ, હું તમને પૂછું છું, અહીં રાત્રે કોઈ મિસ્ટર જાનને મળવા આવ્યું હતું?"
જેન્સી ચોંકીને ના પાડતા કહે છે, "મને નથી ખબર. મારી તો સવારની ડ્યુટી છે. હું તો સાંજે વહેલી નીકળી જાઉં છું. રાતમાં કોઈ આવ્યું હશે તે મને કેમ ખબર પડે?" મિસ તારા કહે છે, "ઠીક છે, મિસ્ટર જાન પાસે રાતના ડ્યુટીમાં કોણ હતી? મને તેમનું નામ આપો, મારે તેમની સાથે વાત કરવી છે."
સિસ્ટર જેન્સી કહે છે, "તે મારું કામ નથી. રાતના કોણ ડ્યુટી પર છે કે નહીં. મારું કામ પેશન્ટનું ધ્યાન રાખવાનું છે. એ સિવાય કોઈ તમારા સવાલ હોય તો પૂછો."
મિસ તારાને પણ ગુસ્સો આવી જાય છે. એ જેન્સી તરફ ગુસ્સા અને શંકાથી જુએ છે.
મિસ તારા એકદમ ગુસ્સામાં આવી અને એટલું બોલે છે, "તમારું કામ છે પેશન્ટનું ધ્યાન રાખો, એની પાસે કોણ આવે છે કોણ નહીં તેની તમને જાણ હોવી જોઈએ."
જેન્સીને ડર લાગે છે. તે મિસ તારાને જોઈને ડરવા લાગે છે, પણ પછી હિંમત રાખતા
જેન્સી કહે છે, "હા, હું મારી ડ્યુટી બરાબર નિભાવું છું, પણ હું હતી નહીં તો તમને કેમ કહું કે કોણ આવ્યું હતું. જે રાતના ડ્યુટી ઉપર હોય તેને જઈને પૂછો. મને મોડું થાય છે, મારે બીજા કેટલાક પેશન્ટને જોવા છે."
મિસ તારાને બહુ ગુસ્સો આવે છે. તેને જોતા એવું લાગે છે તે હમણાં જ જેન્સીને નુકસાન પહોંચાડશે.
મેડમ તારા કહે છે, "સિસ્ટર, તું તપાસ કરીને કહેજે કે રાતમાં કોણ ડ્યુટી પર હતી. હું અહીં ડોક્ટર સાહેબની ઓફિસમાં જ બેઠી છું."
જેન્સી કહે છે, "સુપર... તો પછી તમે ડોક્ટર સાહેબને જ પૂછી લેજો ને! તેમને ખબર હોય છે કે રાતના કોણ ડ્યુટી પર હતું તે આખો દિવસ હોસ્પિટલમાં જ હોય છે."
મેડમ તારાને જેન્સીની હાજર જવાબી ગમતી નથી, ગુસ્સો આવે છે, પણ તારા તેના ગુસ્સા ઉપર કાબૂ રાખે છે અને ડોક્ટરની ઓફિસ તરફ જતા રહે છે.
અને જેન્સી પેશન્ટને જોવા નીકળી જાય છે.
જેન્સી મનમાં વિચારે છે, "આ શું ન જોતી ઉપાધિ મેં લઈ લીધી છે."
આ બાજુ નીતા તૈયાર થઈ અને હોસ્ટેલની બહાર નીકળે છે. તે પોતાનું સ્કૂટર લઈ અને કોલેજ તરફ જતી હોય છે ત્યારે તેને રસ્તામાં પેલી પોલીસ ઓફિસર પાછી મળે છે અને તેને ઊભી રાખે છે. નીતા કહે છે, "મેડમ, મેં કાંઈ નથી કર્યું, હું તો હજી તૈયાર થઈને કોલેજ જવા માટે નીકળી છું. તમે મને કેમ ઊભી રાખી છે? પ્લીઝ, મને જવા દો, મને કોલેજ માટે લેટ થઈ રહ્યું છે."
મેડમ પોલીસ ઓફિસર કહે છે, "હવે ડિસ્કો નાઈટ આઉટમાં જવાનું બંધ કરી દીધું લાગે છે."
નીતા કહે છે, "હા મેડમ, હું હવે સાવ સુધરી ગઈ છું, હું ક્યાંય જતી નથી. પ્લીઝ, હવે હું જાઉં." મેડમ પોલીસ કહે છે, "ઠીક છે, જા, પણ મારી નજર તારા ઉપર જ છે."
નીતા કહે છે, "ઠીક છે મેડમ, મારા ઉપર નજર રાખવાથી કાંઈ ફાયદો નથી, હું હમણાં જતી જ નથી."
નીતાને અચાનક વિચાર આવે છે, "શું મારે આ પોલીસ મેડમ સાથે વાત કરવી જોઈએ?"
નીતા લેડી પોલીસને પૂછે છે, "પોલીસ મેડમ, શું તમે તમારો ફોન નંબર મને આપશો? મારે ક્યારેક કામ હોય તો તમને ફોન કરવા થાય."
લેડી પોલીસ કહે છે, "કેમ તારે ફરીથી ઊંધા ધંધા કરવા છે? હું તને નહીં બચાવવા આવું... જો કાંઈ ખોટા કામ કર્યા તો જેલમાં નાખી દઈશ..."
નીતા કહે છે, "ના મેડમ, હું કંઈ ખોટા કામ નથી કરતી. હું આ તો ક્યારેક ઇમર્જન્સી માટે તમારો નંબર જોઈતો હતો."
મેડમ પોલીસ નીતા તરફ જુએ છે. એને એવું લાગે છે કે નીતા કંઈક છુપાવી રહી છે, પણ તે પૂછતી નથી અને પોતાનો નંબર આપી દે છે અને કહે છે, "માત્ર ઇમર્જન્સી માટે જ આ નંબર આપ્યો છે. એ સિવાય આ નંબરનો ઉપયોગ નથી કરવાનો. મારી પાસે બિલકુલ ફાલતુ ટાઈમ નથી તારી સાથે વાત કરવાનો, સમજાયું?"
નીતા એક્સાઇટમેન્ટમાં કહે છે, "ઓકે, ઓકે મેડમ, થેન્ક્યુ, થેન્ક્યુ." એમ કહી અને મેડમને ભેટી પડે છે. મેડમ કહે છે, "દૂર... દૂર રહે મારાથી. આવી રીતે ઓન ડ્યુટી પોલીસને ગળે મળવું ગેરકાયદેસર છે અને મને તે પસંદ પણ નથી..."
નીતા કહે છે, "સોરી... સોરી પોલીસ મેડમ, હું ધ્યાન રાખીશ. મને મોડું થાય છે, હું જાઉં છું. થેન્ક્યુ... થેન્ક્યુ..."
કહીને તે કોલેજ તરફ નીકળી જાય છે.
આગળ શું થશે? મિસ તારાને ખબર પડી જશે......
આગળ જોશું બીજા ભાગમાં....
Heena gopiyani