Bhool chhe ke Nahi ? - 48 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 48

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 48

મમ્મીએ દવાખાના માટે પૈસા પણ ગણીને જ આપ્યા હતા. મોટે ભાગે આપણે અમારા ફેમિલિ ડોકટર પાસે જતા એટલે વધારે પૈસા થતા ન હતા. આપણે અમારા ફેમિલિ ડોકટરને ત્યાં ગયા. એમણે એમ કહ્યું કે તમે થાઈરોઈડ વાળા ડોકટરને એકવાર મળી આવો. આપણે ત્યાંથી એ ડોકટરને મળવા ગયા. એમણે અમુક રિપોર્ટ કરાવવા માટે કહ્યું. પણ આપણી પાસે વધારે પૈસા ન હતા. એટલે આપણે મારા ઘરે ગયા. મેં મમ્મીને કહ્યું કે અમે તો ખાલી બતાવવા આવેલા પણ ડોકટરે રિપોર્ટ કરવા કહ્યું છે ને અમે વધારે પૈસા નથી લાવ્યા. અત્યારે તું પૈસા આપ પછી હું ફરી આવીશ ત્યારે આપી જવા. ને આપણે રિપોર્ટ કરાવ્યા. રિપોર્ટ આવતા બે ત્રણ કલાક થવાન હતા એટલે આપણે મારા ઘરે જ રોકાય ગયા. રિપોર્ટ લેવાનો સમય થયા પછી આપણે રિપોર્ટ લઈને ફરી પાછા ડોકટરને મળવા ગયા. રિપોર્ટ જોઈને એ ડોક્ટર એમની ખુરશી પરથી એકદમ ઉછળી ઉઠ્યા અને બોલ્યા "ઈટસ અ મિરેકલ. આ ચમત્કાર છે." એ સમયે આપણે બંને એમને આવી રીતે જોઈને અચંબિત થઈ ગયા હતા. આપણે એમને જોયા જ કર્યું. ને પછી ધીરેથી એમણે મને કહ્યું તું મા બનવાની છે. જેની મને કોઈ જ આશા ન હતી. પણ હવે તમારે એક કામ કરવાનું છે. હું જે ગાયનેકોલોજિસ્ટ ને કહું એમને જ બતાવવાનું છે બીજા કોઈને નહીં. આપણને હજી ખબર પડતી ન હતી કે ડોકટર આવું કેમ કહે છે ? એમણે એક ડોક્ટરનું નામ સરનામું આપ્યું અને કહ્યું કે અત્યારે જ એમને બતાવી આવો અને એ જે પ્રમાણે કહે તે જ પ્રમાણે દવા કરજો. આપણી પાસે બીજા ડોક્ટર પાસે જવા માટેના પૈસા ન હતા એટલે તમે એમને કહ્યું કે કાલે બતાવીએ તો ના ચાલે ? પણ એમણે ના પાડી. કે ના અત્યારે જ જાવ. એટલે આપણે પાછા મારા ઘરે ગયા અને મમ્મીને વાત કરી કે આવું છે અને અત્યારે જ બતાવવા જવા કહ્યું છે. મમ્મી એકદમ જ ખુશ થઈ ગઈ અને આપણા વગર કહ્યે એણે પૈસા આપી દીધા અને કહ્યું કે જા અત્યારે જ બતાવી દે અને એ જેમ કહે તેમ જ કરજે. આપણ ને મમ્મીની વાતથી પણ નવાઈ લાગી કે આવું કેમ કહે છે ? પણ કોઈ પણ સવાલ કર્યા વગર આપણે ત્યાંથી નીકળી ગયા અને એ ગાયનેકોલોજિસ્ટ ને ત્યાં ગયા. એમણે રિપોર્ટ જોયા અને કહ્યું કે જુઓ હું તમને ડરાવતી નથી પણ એક સત્ય વાત છે એ કહું છું કે તમને થાઈરોઈડ નો પ્રોબ્લેમ છે અને આ પ્રોબ્લેમ હોય તો મોટે ભાગે કોઈ સ્ત્રી મા નથી બની શકતી. પણ અત્યારે તમે મા બનવાના છો. જો તમે ખરેખર બાળક ઈચ્છતા હોવ તો એ માટે તમારે મારી દરેક સૂચનાઓનું પાલન કરવું પડશે અને નિયમિત દવા કરવી પડશે. દવા કરવામાં કે આગળ જતા રિપોર્ટ કરાવવામાં કોઇ પણ બાંધછોડ કરી શકાશે નહીં. નહિતર એ તમારા કે બાળક માટે સારું ન હશે. હવે તમે નક્કી કરો કે તમે મારી દવા કરશો કે બીજા કોઈને બતાવવા જશો ? ને તમે કહ્યું કે ના અમે તમારી જ દવા કરીશું ને તમે જેમ કહેશો તેમ જ કરીશું. અને એમણે બે મહિનાની દવા લખી આપી અને કહ્યું કે બે મહિના પછી સોનોગ્રાફી રિપોર્ટ કરાવીને બતાવવા આવવું. અને ગામ રહો છો તો વધારે આવજાવ કરવી નહીં. દવા લેવા આવવા સિવાય ઘરની બહાર નીકળવું નહીં. આપણે ત્યાંથી ઘરે જવા નીકળી તો ગયા પણ આપણા દિલમાં ખુશીની સાથે એક બીક હતી કે મમ્મી આ ડોકટરની દવા કરવાની ના પાડશે તો શું કરીશું ? એમને કેવી રીતે સમજાવીશું ? આ જ અસમંજસમાં આપણે ઘરે પહોંચ્યા.