એ ભાઈ ઘરે આવ્યા. એટલે સ્વાભાવિક રીતે ચા નાસ્તો કરાવવો પડે. તમે પણ ઘરે હતા. પણ તમે એમની સાથે સારી રીતે વાત પણ ન કરી. ઉલ્ટાનું એમના ગયા પછી તમે મને એમ કહી દીધું કે આમ કોઈ આપણા ઘરે આવવું ન જોઈએ. જે ધંધા કરવા હોય તે બહાર કરવાન ઘરમાં નહીં લાવવાના. તમે જે આ શબ્દો બોલેલા એના પડઘા આજે વર્ષો પછી પણ મારા કાનમાં એમ જ છે. તમે જે બોલ્યા એનો અર્થ સીધો મારા ચારિત્ર્ય પર શંકાનો હતો. મેં તમને પૂછયું કે તમે જે આ બોલ્યા તેનો અર્થ ખબર છે તમને ? તમે એમ કહેવા માગો છો કે હું નોકરી કરવા નહીં પણ ખોટા કામ કરવા ઘરની બહાર જતી હતી ? જો એમ જ હોય તો લગ્ન પહેલાં તમે તપાસ તો કરાવી જ હશે ને ? કશેથી તમને મારા વિશે ખોટો અભિપ્રાય મળ્યો હતો ? કોઈએ મારા વિશે ખરાબ કહ્યું હતું તમને ? અરે, મેં કોલેજ ના ત્રણ વર્ષ પૂરા કર્યા પણ એક પણ છોકરા સાથે દોસ્તી નથી કરી. બસ પ્રેક્ટીકલ પૂરતું જ સાથે લેબોરેટરીમાં કામ કર્યું છે. અને આ પણ હું જ્યાં નોકરી કરતી હતી એ જગ્યાએ અમે ત્રણ છોકરીઓ સિવાય બીજા બધા છોકરાઓ છે એ તમને લગ્ન પહેલાથી ખબર હતી. મારા પપ્પાએ કે ઘરના કોઈએ કોઈ દિવસ મારા પર શંકા નથી કરી ને તમે એક જ ઝાટકે મને ન કહેવાના શબ્દો કહી દીધા. હું મારા પપ્પાનું અભિમાન છું. એમને દુઃખ થાય એવું મેં ક્યારેય નથી કર્યું ને તમે મને મારી જ નજરમાં નીચી પાડી દીધી. હું એ દિવસે ખૂબ જ રડી. પણ તમને એનાથી કોઈ ફરક ન પડ્યો. મને એ દિવસે જ મરી જવાનું મન થયું પણ મારી પાછળ મારા પપ્પાની શું હાલત થશે એ વિચારે હું મરી પણ ન શકી. મારા ઘરે કોઈની હિંમત ન હતી કે મને કંઈ પણ ન કહી શકે પણ અહીં તો તમે મારા પર જ સવાલ ઉઠાવી દીધો. હું જાઉં તો પણ ક્યાં જાઉં ? કોઈને કહેવાય પણ નહીં એવા શબ્દો તમે મને કહી ચુક્યા હતા. મને એવું લાગ્યું કે મારી નોકરી છૂટી ગઈ એટલે હવે આ ઘરમાં મારી કોઈ જરૂર નથી. તમે જે બોલ્યા એનો તમને બિલકુલ પસ્તાવો પણ ન હતો. એ પછી કંઈ કેટલાયે દિવસ હું ચૂપ રહી. પછી એક દિવસ મારા મમ્મી પપ્પા ઘરે આવ્યા જાણ કરવા અને મને લેવા માટે કે મારા કાકાની દિકરીના લગ્ન નક્કી કર્યા હતા અને પંદર દિવસમાં એના લગ્ન લેવાના હતા. તમે કે મમ્મીએ કોઈએ પણ એમ ન કહ્યું કે ના અત્યારથી નહીં લગ્નના પાંચેક દિવસ પહેલાં આવશે. બસ મને જવાનું કહી દીધુ. એવું લાગ્યું કે જાણે તમે લોકો મારાથી પીછો છોડાવવા માગતા હોય. હું મારા ઘરે ગઈ. ત્યાં લગ્નની તૈયારીઓમાં થોડા સમય માટે હું બધું જ ભૂલી ગઈ. તમે પણ લગ્નમાં આવ્યા હતા. લગ્ન પતી ગયા પછી હું તમારી સાથે ઘરે આવી ગઈ. ઘરે આવીને પાછું મને જાણે એમ લાગવા લાગ્યું કે હું પરાણે અહીં રહું છું. નોકરી શોધતી હતી પણ મને મળતી ન હતી. ઘરમાં મમ્મી મને એક પણ કામ કરવા દેતાં ન હતા. જાણે મને માનસિક રીતે તોડી રહ્યા હતા. બસ કામ કંઈ કરવાનું નહીં ને બે ટાઈમ મમ્મી રસોઈ બનાવે તે ખાઈ લેવાનું ને સૂઈ જવાનું. મને મારી જીંદગી જીવવા જેવી લાગતી જ ન હતી. ને મારી તબિયત ખરાબ રહેવા લાગી. મને ભૂખ લાગતી ન હતી. જેમ તેમ કરીને થોડું ખાતી. એટલે મમ્મીએ તમને કહ્યું કે તું આને દવાખાને બતાવી આવ. તમને પોતાને તો એમ થયું જ નહીં કે મને દવાખાને લઈ જવી જોઈએ પણ મમ્મી એ કહ્યું એટલે તમે તૈયાર થયા.