"કેમ ભાઈ? અમારી દોસ્તીમાં કોઈ ખામી દેખાઈ કે શું?" સ્કુલે જવા નીકળ્યાં અને મેં અંકિતને પુછી લીધું.
"કેમ આવું પુછે છે?" અંકિત જાણતાં અજાણ બની રહ્યો હતો.
"બસ એમ જ આતો અમારા કરતા પેલા વિશાલ ને વધારે મહત્વ મળી રહ્યું છે. અમારા જોડે જમવાને બદલે તું હવે એની સાથે હોય છે. અને બીજું ઘણું બધું."
"અરે એવુ થોડું હોય, એ તો હજી નવો મિત્ર બન્યો છે અને આપણે તો નાનપણના મિત્રો છીએ." તે પોતાનો બચાવ કરતા બોલ્યો એટલામાં જ અજયથી ના રહેવાયું એટલે તીખાં અવાજે બોલ્યો, "તો પછી આમ દુર કેમ થઈ રહ્યો છે?"
"અરે એવું કઈ નથી."
"જા હવે... અમે જાણે ગાડાં હોય તેમ તું બોલે છે. અલીગઢના રહેવાસી ધારતો લાગે કા! " અજય થોડો વધારે જ તીખો થઈ ગયો.
"ભાઈ જો મ... મારી લાઈફ છે અને તમે કોઈ મારા પિતા નથી કે મારે કોને મળવું અને કોની સાથે વાત કરવી એ નક્કી કરો. તમારી સાથે જેમ ગમતું હતું તેમ હવે તેની સાથે ગમે. લીમીટ..."
અંકિતના જવાબથી મને આગળ વાત કરવાનું યોગ્ય ન લાગતાં અજયને રોક્યો અને કઈ પણ ન કહેવા મનાવ્યો. કદાચ અમારી મિત્રતાની આ પહેલી તીરાડની શરુઆત હતી. આમને આમ સ્કુલ આવી ગઈ અને અમે બધાં નીચે ઉતર્યા.
એ વિશાલ કે જે આ ઝગડાનુ મૂળ હતો તે સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ગોરો વર્ણ, એકદમ ફીટ બોડી, હેન્સમ, દરેક છોકરીયોનો ક્રશ હતો. પારૂલ અમારી મિત્ર અને એ પારૂલનો ક્લાસમેટ હતો અને આ રીતે તેની અને અમારી ઓળખાણ થયેલી. વાતો તો ત્યાં સુધી આવતી કે એ ઘણી છોકરીયોનો ક્રશ પણ હતો અને ઘણીને દગો પણ દઈ ચુક્યો હતો. ખબર નહીં અંકિત તેનો મિત્ર કેવી રીતે બની ગયો! અમારી સાથે ઘણીવાર લન્ચ કરતો પણ તેના આવા સ્વભાવથી તે અમારો સારો મિત્ર ન બની શક્યો. ઘણીવાર મેં નોટીસ કર્યું હતુ કે તે પારુલ સાથે વધારે ક્લોઝ થતો. અને આજ કારણ હતું કદાચ તેનું અમારી નજીક આવવાનું તેવું મને હંમેશા લાગ્યાં કરતું.
બપોરનો સમય થતા જ બધા ગાર્ડનમાં આવી ગયાં વર્ષા અને હું લન્ચ કરતાં હતાં. તે આજે મારી ફેવરિટ સબ્જી ભીંડી લાવી હતી. આમ તો તેને ખાસ ન ભાવતી પણ મારા માટે જ તે લાવી હતી. આજે હું, વર્ષા અને ફક્ત અજય જ હતાં લન્ચ પાર્ટીમાં. અંકિત કદાચ ગુસ્સામાં હતો અને પારુલ પણ ન દેખાઈ નહીં. આ ક્રમ સમયની સાથે વધતો જ ગયો અને એક સમય એવો પણ આવ્યો કે અંકિત હવે ક્યારેય પણ અમારી સાથે જમવા ન બેસતો.
સમય વિતતા ક્યાં વાર લાગે છે! આમને આમ અમે ધોરણ અગિયારથી બારમાં ધોરણમા આવી ગયાં. આ એક વર્ષના ટૂંકા ગાળામાં તો અમારી મિત્રતા સાવ ડામાડોળ થઈ ગઈ હતી. સમય પણ અમારી સાથે રમત રમવા લાગ્યો હતો. આજ ગાળામાં એક ઘટના એવી ઘટી જેણે અમારી દોસ્તીની નાવને સાવ ડગમગાઈ દિધી. એકવાર પારુલની ગેરહાજરીમાં તેના બેગમાં રહેલ ડાયરી વર્ષાના હાથમાં આવી ગઈ. પારૂલ પાણીની બોટલ લઈને આવે ત્યાં સુધી વર્ષાને ટાઈમપાસ માટે કંઈ ન સુજતા એ ડાયરી અમસ્તાજ વાંચતી લાગી. ડાયરીના આડા અવળી પાના ફેરવતા જ તેની નજર જે પાના પર પડી એ વાંચતા જ તેની આંખો પહોળી થઈ ગઈ. એ પાના પર પારૂલે તેના વન સાઈડેડ લવ વિશે લખ્યું હતું. એ વન સાઈડેડ લવમાં બિજુ કોઈ નહીં પણ મારા નામનો ઉલ્લેખ હતો. પારૂલના પાછા આવતાની સાથેજ અચાનક ફાટેલ જ્વાળામુખી જેમ બન્ને વચ્ચે જોરની લડાઈ થઈ. હું પારુલને દુર કરુ કે વર્ષાને કઈ સમજમાં આવતું ન હતું. એક તરફ મારી બેસ્ટ ફ્રેન્ડ અને એક તરફ મારો પ્રેમ હતો. રસ્તા વચ્ચે બન્ને જંગલી બીલાડીઓ જેમ ઝગડી પડી. મેં અને અજયે બન્નેએ તેમને મહામહેનતે અલગ કર્યાં. ઝગડાની જાણ થતા જ અંકિત પણ આવી ગયો. ઘણાં સમય પછી તે અમારી નજીક આવ્યો હતો. આ ઘટના બાદ તો અમારી મિત્રતા વેર વિખેર થઈ ગઈ.
"યાર આ બધુ શું છે?" મને જેવી ડાયરીની અંદર રચાયેલ પ્રેમગાથાની જાણ થઈ કે મેં પારુલને પુછી લીધું.
"તો શું કરુ? પણ મે તને તો નથી કીધું કે તું મને પ્રેમ કર! તું વર્ષાથી ખુશ છે હું જાણું છું પ્લીઝ અત્યારે મને એકલી છોડી દે. મારે શું કરવુ એ હું નક્કી કરીશ આગળ પણ અત્યારે..." બે હાથ જોડી આટલું કહેતા તે ખુબ જ રડવા લાગી અને ત્યાથી ભાગી. હું તેને રોકી પણ ન શક્યો. અજય પારુલની પાછળ ગયો.
હું વર્ષાની પાસે ગયો, તે પણ રડી રહી હતી. "એ આવું કઈ રીતે કરી શકે? ખબર છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ તો પણ... છી યાર." તેણે રસ્તા વચ્ચે બાથ ભીડી લીધી.
"યાર પણ તેણે આપણને ક્યારેય નથી કિધું. અને તેનો વન સાઈડેડ લવ છે. આ તેની ફિલીંગ્સ છે તો આપણે કેવી રીતે કહી શકીએ?" હું વર્ષાને સમજાવતા બોલ્યો.
"એક કામ કર, તુ જા તેને જ સાચવ." અને તે મારાથી દુર ખસી ગઈ. તે પણ રડતા ભાગીને જતી રહી. વગર વાંકે હું તો સુડી વચ્ચે સોપારી બની ગયો.
મરણ પ્રસંગ જેવા મહેલમાં હોઈએ તેમ બધાં ચૂપચાપ બસમાં આડીઅવળી સીટે ગોઠવાયા હતાં. બસ ગામમાં આવતી હતી એટલે બધા પોતપોતાની રીતે બેસતા પણ કોઈ એકબીજા સાથે વાતુ ન કરતું બધાં વચ્ચે ફક્ત અજય હતો જે એક જ સમાધાન કરાવી શકતો હતો પણ તે પ્રયાસ પણ સફળ ન થયો. એક આ દિશામાં તો બિજો પેલી દિશામાં હતાં.