મેં મમ્મીને કહ્યું કે આજે મારી નોકરીનો છેલ્લો દિવસ હતો. મારી ઓફિસ બંધ થઈ ગઈ છે. એ દિવસે તમારી ઓફિસમાં બપોરની ડ્યુટી હતી એટલે તમે રાતે ૧૦.૩૦ વાગ્યે ઘરે આવે. ત્યારે આપણા ઘરે ફોન તો હતો નહીં અને એ જમાનામાં મોબાઈલ નું તો હજુ નામ નિશાન પણ ન હતું. એટલે મારી નોકરી વિશે તમને કહેવા માટે મારે રાત્રે તમે ઘરે આવો ત્યાં સુધી રાહ જોવાની હતી. પણ મમ્મીને તો પગાર આપ્યો એટલે કહેવું જ પડ્યું કે હવે મારી ઓફિસ બંધ થઈ ગઈ છે. આ સાંભળીને મમ્મી ત્યારે તો કંઈ પણ ન બોલ્યા પરંતુ પછી બહાર ઓટલા પર બેસીને એટલું બધું બોલ્યા કે આખા ફળિયામાં બધાને ખબર પડી ગઈ કે મારી નોકરી છૂટી ગઈ. બધા વારાફરતી આવીને એમને સમજાવતા કે હવે બોલવાનું બંધ કરો, વહુનો જરા વિચાર કરો. પણ એ તો કોઈનું કંઈ સાંભળતા જ ન હતા. હું ઘરમાં બેસીને રડતી હતી કે હવે આ પરિસ્થિતિ કેવી રીતે સંભાળું ? મને એ દિવસે મમ્મી જે બોલ્યા સાંભળીને ખાતરી થઈ ગઈ કે તમે મારી સાથે લગ્ન ફક્ત મારી નોકરી જોઈને કર્યા હતા. તમને લોકોને ઘરમાં દર મહિને પગાર લાવીને આપે એવી વહુ જોઈતી હતી. પણ મારો પગાર બંધ થઈ ગયો. હવે હું શું કરું ? મારાથી તો ઘર છોડીને પપ્પાના ઘરે પણ ન જવાય નહીંતર પપ્પાને દુઃખ થાય. હું જ્યારથી મારી ઓફિસ બંધ થવાની છે ખબર પડી ત્યારથી બીજી નોકરી શોધતી જ હતી. પણ અત્યાર સુધી ન મળી. અને મને એમ લાગ્યું કે કદાચ ત્યારનું મમ્મીને કહી દીધું હોત તો એમને આઘાત ન લાગતે ને કદાચ આ બધું જે બહાર ઓટલા પર બેસીને બે થી ત્રણ કલાક મને બોલ્યા એ ન બોલ્યા હોત. પણ હું આ પરિસ્થિતિ સંભાળી શકતી ન હતી. મને સમજ જ નહોતી પડતી કે હું શું કરું ? તમે રાત્રે આવ્યા. મમ્મી સૂઈ ગયા હોય એમ પથારીમાંથી ઉઠ્યા જ નહીં અને મેં તમને થાકીને આવ્યા હોય કોઈ પણ વાત કરી નહીં. બીજા દિવસે સવારે તમે મને ઘરે જોઈ એટલે પૂછ્યું કે ઓફિસ ન ગઈ ત્યારે મેં તમને કહ્યું કે હવે નથી જવાનું. આ સાંભળીને તમને પણ આઘાત તો લાગ્યો ને તરત જ તમે પૂછયું કે મમ્મીને કહ્યું ? મેં હા પાડી. એટલે તમે બોલ્યા કે મમ્મીએ કશું કહ્યું નહીં ? મેં ના પાડી. હું શું કહતે તમને કે મમ્મી મને આખા ફળિયાવાળા સાંભળે એ રીતે મને ખૂબ બોલ્યા. પણ મેં ના કહ્યું. કહીને તમને હું દુખી કરવા નહોતી માગતી. હું ચૂપ જ રહી. પણ તમે નાહી ધોઈને પરવારીને બહાર ઓટલા પર બેઠા ત્યારે બાજુવાળા કાકીએ તમને બધું જ કહી દીધું. અને એમ પણ કહ્યું કે આટલું બહું થવા છતાં તારી વહુ એક પણ શબ્દ તારી મમ્મી સામે ન બોલી. આ સાંભળી તમે અવાક થઈ ગયા કે આટલું બધું થઈ ગયું તો પણ મેં તમને કશું જ ન કહ્યું. તમે ઘરમાં આવીને મમ્મીને કહ્યું કે અરે, એક નોકરી છૂટી છે પણ બીજી શોધી લઈશું તું શું કામ ફિકર કરે છે ? એને તો કયારની ખબર પડી ગયેલી એટલે એણે બીજી બે ત્રણ જગ્યાએ નોકરી માટે વાત કરી જ છે. મળી જશે બીજી નોકરી. આમ તમે મમ્મીને આશ્વાસન આપ્યું હતું. મારી નોકરી છૂટી એના પંદરેક દિવસ પછી મારી ઓફિસમાં કામ કરતાં એક ભાઈ એમની પત્ની સાથે આપણા ઘરે આવ્યા હતા. આપણા ગામથી આગળ એક મહાદેવનું મોટું મંદિર છે ત્યાં જવા માટે. તમે પણ ઘરે જ હતા. એ તો મંદિરે જતાં રસ્તામાં એમણે આપણા ગામનું નામ વાંચ્યું ને એમને યાદ આવ્યું કે હું અહીં જ રહું છું એટલે ઘર પૂછતાં પૂછતાં આપણે ત્યાં આવ્યા.