રાતની મેચ હતી. આઠ વાગ્યે ચાલુ થયેલી. બનેવી મેચ જીતી ગયા હતા. એેટલે તેઓ એમના ઘરે જતા પહેલા આપણા ઘરે આવ્યા. ઘરે મમ્મી પપ્પાને મળીને એ નીકળી ગયા. પપ્પા ખૂબ ખુશ હતા કે મારા જમાઈ આપણા ગામમાં આવીને ફાઈનલ મેચ જીતી ગયા. આ બધું પૂરું થતા લગભગ બે વાગી ગયા. બીજા દિવસે તમારે સવારે વહેલા નોકરીએ જવાનું હતું એટલે લગભગ સાડાચાર વાગ્યે તો આપણે ઊઠી પણ ગયા. તમે નોકરીએ ગયા પછી હું ફરી સૂઈ ગઈ કારણ કે મારે એ દિવસે સરકારી નોકરી માટેની પરીક્ષા આપવા જવાનું હતું. પણ એકાદ કલાકમાં જ મમ્મીએ બૂમ પાડી કે જલ્દી નીચે આવ પપ્પાને કંઈ થઈ ગયું છે. હું નીચે આવી, મેં જોયું કે પપ્પા પથારી માં સૂતેલા હતા અને એમના શરીરમાં કંઈ હલચલ ન હતી. મેં બાજુમાં કાકાને બૂમ પાડી, એ લોકો આવ્યા અને ડોકટર બોલાવવા કહ્યું પણ મમ્મીએ કહ્યું કે ડોકટર બોલાવવાનો કંઈ અર્થ નથી એમના શરીરમાં જીવ જ નથી. તમે સગા સંબંધીને ફોન કરી દો. કાકાએ પહેલાં તમને ફોન કર્યો અને પછી બીજા બધા સગાંઓને ફોન કર્યા. આપણા એક કુટુંબના ઘરે એ દિવસે લગ્નની માટલી આવવાની હતી તો મમ્મીએ કહ્યું કે એ લોકોના ઘરે ફોન ન કરતા. બાજુવાળા કાકાએ કહ્યું પણ ખરું કે આપણા કુટુંબી કહેવાય એમને કહેવું તો પડે પણ મમ્મી ન માન્યા. અને એ કુટુંબી વગર પપ્પાના અંતિમ સંસ્કાર થઇ ગયા. સાંજ થતા પેલા કુટુંબીના ઘરે થી ફોન આવ્યો કે તમારા ઘરેથી કોઈ કેમ ન આવ્યું ? ત્યારે એમને જાણ કરી કે આપણા પપ્પાનું અવસાન થયું છે અને અંતિમ સંસ્કાર પણ પતી ગયા છે આ સાંભળીને એ લોકોને ઘણું દુઃખ થયું અને એમ પણ કહ્યું કે તમે અમને જાણ કેમ ન કરી ? અમે લગ્નની માટલી આવતી અટકાવી દેતે. તમે આ ખોટું કર્યું. પણ આપણી પાસે આનો કોઈ જવાબ ન હતો કારણ કે મમ્મીએ કહ્યું હતું. પપ્પાના અવસાનના નવમા દિવસે એ લગ્ન હતા એટલે મમ્મીએ કહ્યું કે બીજા દિવસે સૂતક કાઢી નાખવું અને એમ જ થયું. બીજા બધા આપણા સંબંધીઓએ ના પાડી કે આવી રીતે ન થાય પણ મમ્મી કોઈનું કંઈ પણ સાંભળવા તૈયાર ન હતા એ જેમ કહે તેમ જ કરવાનું એમ કહી દીધું. અને એમ જ કરવું પડ્યું. પપ્પાના બારમા તેરમાની વિધિ પતી ગઈ કોઈ પણ કુટુંબી ન આવ્યું. બધી વિધિ પતી ગયા પછી મારી ઓફિસ ચાલુ થઈ ગઈ. પણ હું ત્યાં ગઈ એટલે મને ખબર પડી કે એક બે મહિનામાં આ ઓફિસ બંધ થાય છે એટલે મને જરા ધ્રાસકો પડ્યો કે ઓફિસ બંધ થઈ જશે તો ઘરમાં શું થશે ? મેં તમને આવીને વાત કરેલી કે કદાચ મારી ઓફિસ બંધ થઈ જાય એવું લાગે છે. તમે થોડીવાર કશું બોલ્યા નહીં પછી કહ્યું કે અત્યારે મમ્મીને વાત ન કરીશ. જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી જા અને બીજી નોકરી શોધતી રહેજે. હું રોજ ઓફિસ જતી પણ દિલમાં એક ધ્રાસકો રહેતો કે આજે કહી દેશે કે કાલથી ઓફિસ બંધ છે તો ઘરે આવીને શું કહીશ ? મેં મારા ઘરે પપ્પાને વાત કરી તો એમણે કહ્યું આપણે બીજી નોકરી શોધી લઈશું. પણ એમ કંઈ તરત નોકરી થોડી મળી જાય. ને એક જ મહિનામાં મને ઓફિસમાંથી કહી દીધું કે કાલથી ઓફિસ બંધ છે અને જે પગાર નીકળતો હતો તે આપી દીધો. મેં ઘરે આવીને મમ્મીને પગાર આપ્યો તો મમ્મીએ પૂછયું કે કેમ આમ અડધા મહિને પગાર આવ્યો ? મેં મમ્મીને કહ્યું કે કાલથી મારી ઓફિસ બંધ થઇ જાય છે. આજે મારી નોકરીનો છેલ્લો દિવસ હતો.