"સિંગલ મધર"
( ભાગ -૧૬)
કિરણ પર મેઘના મેડમનો ફોન આવે છે.
એ કિરણના વખાણ કરીને કહે છે કે આપણે એક જ જ્ઞાતિના છીએ. મારી નાની બહેન માટે તમે યોગ્ય લાગો છો.
મેઘના મેડમ..
જો તમે એ બાબતે તૈયાર હોય તો તમારી મધર સાથે વાતચીત કરું અને પછી આપણે આવતા રવિવારે વધુ વાતચીત માટે મળીએ.
કિરણ..
મને ખબર છે કે તમે મારી મમ્મીને ઓળખો છો. અને આપણે જ્ઞાતિના છીએ. ને તમારે નાની બહેન કાવ્યા છે એ મને ખબર નહોતી. તમે જ્ઞાતિના વંશાવલી માં ઉંમર લખી જ નહોતી તેમજ ફોટા પણ કોઈ સાતમા આઠમામાં ભણતી માસૂમ છોકરીનો મૂક્યો હતો.
મેઘના મેડમ હસી પડ્યા.
હા..એ વાતનું જ દુઃખ છે. મેં એને ઘણી વખત કહ્યું કે તારી પ્રોફાઈલ સુધારી કાઢ. હવે તો ઓનલાઈન સુધારો થાય છે ત્યારે એણે મારી વાત ઉડાડી દીધી હતી અને કહ્યું કે હજુ મારી ઉંમર જ ક્યાં છે.આજકાલની છોકરીઓ આ કારણે જ રહી જાય છે. તમારા જેવા સુશીલ છોકરો ગુમાવી બેસે છે.પણ હું એવું ના થાય એટલે જ તમારી વાત કરી હતી. એણે તમારી પ્રોફાઇલ જોઈ છે તેમજ શાદી ડોટ કોમ પર પણ. એ કદાચ તમને રિક્વેસ્ટ મોકલશે. તો તમારો વિચાર હોય તો કહો. હા..પણ તમારા મધર સાથે પણ વાત કરવી છે.
કિરણ..
જુઓ.. હું તમારી વાત બાબતે વિચાર કરીશ. તમારી બહેનની પ્રોફાઈલ જોઈને તમારો કોન્ટેક્ટ કરીશ. મને યોગ્ય લાગશે તો આપણે વધુ વાતચીત કરીશું પણ આવતા રવિવારે તો નહીં જ. હું સામાજિક કામે રોકાયેલો છું. મમ્મી સાથે પછી વાત કરાવીશ. મમ્મી હમણાં પડોશીના ઘરે ગઈ છે. મમ્મી આવે એટલે હું તમારા વિશે જણાવીશ. આપની બહેન બાબતે વિચાર કરીને ચોક્કસ જવાબ આપીશ.
આટલું બોલીને કિરણે કોલ કટ કર્યો.
કિરણની બહેન વ્યોમા હસી પડી.
મમ્મી, ભાઈની લોટરી લાગી છે.અત્યાર સુધી કોઈ છોકરી ઘાસ નાંખતી નહોતી.હવે તો ભાઈને ઘી કેળા અને બાસુંદી.
કિરણ..
તને મારી મજાક સુઝે છે? હમણાં ચોટી પકડીને ઘરની બહાર કાઢીશ. એ તું છે જે કોઈ છોકરો જલ્દી પસંદ કરતી નથી. તું આ ઘરમાંથી વિદાય થાય પછી જ મારા લગ્નનાં યોગ છે. હવે જલ્દી મનન ને મળ પછી પાકું કરીએ. ને તું હા પાડી દેજે. એકતાને રાખવાની જવાબદારી છે જ. પછી તારી મરજી.
વ્યોમા..
હા.. હું એને મળવાની છું. પણ હજુ લગ્ન પહેલા જ નાની બેબીની જવાબદારી મને ફાવે નહીં પછી અમારી લાઈફનું શું? અમારે મોજશોખ કરવાના નહીં. એ બરાબર સમજણી થઈ જાય ત્યાં સુધી એની કાળજી લેવી પછી સ્કૂલમાં જાય એટલે લેવા મૂકવાની જવાબદારી. જો સ્હેજ ચૂંક થઈ જાય તો ઝંખના દીદી સંભળાવે. ના..બા ના.. હું ના સંભાળી શકું એટલે જ મનન સાથે વાત કરવા માંગુ છું. મનન જવાબદારી લેવા માંગે છે. તો પછી ઝંખના દીદી ની જવાબદારી નું શું? સિંગલ મધર તરીકે જીવી ને ખુમારી રાખે છે તો એ સાચવે. અમે રાખીએ એટલે એ બીજું મેરેજ કરીને મોજશોખ કરે અને અમારે વૈતરું કરવાનું એ પણ મનન ના માથાભારે બનેવીની બેબીને સાચવવાની.
આ સાંભળીને કિરણની મમ્મીને આંચકો લાગ્યો.
એ અવાચક બની.
કિરણને પણ બહેનની વાત સાંભળીને હતપ્રભ બની ગયો.
શું બોલવું અને શું ના બોલવું.
હવે આને કેવીરીતે સમજાવું. આમ જોઈએ તો એની વાત સાચી નથી અને ખોટી પણ નથી. રાકેશ માથાભારે છે. જો મનન એનો સામનો કરવા તૈયાર થયો હોત તો ઝંખના માટે આ દિવસો ના આવતા.
કિરણ..
વ્યોમા,આપણી મમ્મી પણ સિંગલ મધર તરીકે આપણો ઉછેર કર્યો હતો.એ વખતે આપણને મામા સિવાય કોઈએ મદદ કરી નહોતી. ઝંખના મેડમ પણ સિંગલ મધર છે. હું એમ નથી કહેતો કે તું એમની જવાબદારી લે પણ તારા વિચારો સાંભળીને મને આઘાત લાગ્યો છે. સિંગલ મધર કોને કહેવાય એ તને બરાબર ખબર પડી નથી.
માતાનો પ્રેમ અમૂલ્ય છે, શક્તિનો સ્ત્રોત ઘણો છે,
એકલા રસ્તે ચાલતી નારી,પરંતુ નિરાશાથી દૂર છે.
સિંગલ મધરનો પ્રવાસ, કઠિન પણ ગૌરવપૂર્ણ,
તેમની શક્તિ, સંઘર્ષ, યાદ રાખવા જેવો છે.
-----------
વ્યોમા..
પણ ભાઈ જવાબદારી તો બેબીની માતાની હોય એના ભાઈની ના હોય. મનન જો આવા બંધન રાખશે તો કોઈ છોકરી એની સાથે મેરેજ નહીં કરે. પણ હું એને પ્રેમ કરું છું. શું કરવું એ મને સમજાતું નથી. તમે જ ઝંખના મેડમ ને સમજાવો ને. એમની સાથે મુલાકાત કરીને મનન અને મારી વાત કરો તો સારું.
કિરણની મમ્મી આ બધું સાંભળી રહી હતી.
એ બોલી..
તને એવું લાગતું હોય વ્યોમા તો બીજો છોકરો ગોતી કાઢ. આપણી નાતમાં ઘણા છે. મનુભાઈ, અશોકભાઈ અને પરેશભાઈના છોકરાઓ છે. તું કહેતી હોય તો આજે જ પરેશભાઈ સાથે વાત કરું. આમ તો એક વખત એમણે તારી ઉંમર અને અભ્યાસ પૂછ્યો હતો. મને લાગે છે કે એમને એમના છોકરા માટે વાતચીત કરવી છે. ને આ મેઘના મેડમને હું ઓળખું છું. એના મામાને પણ ઓળખું છું.આપણે કિરણ માટે મેઘના ની બહેન માટે જ વાત કરીએ તો. એ કાવ્યા નાનકડી હતી ત્યારે જોઈ હતી. એ ઢીંગલી જેવી દેખાતી હતી. અત્યારે કેવી છે એ ખબર નથી. છતાં આપણે મેઘના મેડમને મળીને વાતચીત કરીએ તો ખોટું નથી. તું કેમ બોલતો નથી કિરણ.
વ્યોમા હસી પડી.
બોલી..
પહેલો વારો ભાઈનો. મારે હમણાં મેરેજ નો વિચાર નથી.
કિરણની મમ્મી.આમ ને આમ છોકરીઓ મોટી ઉંમર સુધી કુંવારી રહી જાય છે. અમારા જમાનામાં એક છોકરાની માતા બની હતી. તમે લોકો પ્રેમમાં પડીને જીવન બગાડી રહ્યા છો. પ્રેમ કરવામાં વાંધો નથી.તૈ પછી મનનની વાત માનવામાં શું વાંધો છે. સમય જતાં ઝંખના પણ સમજી જશે. એ માતા છે એના બાળક વગર રહી શકવાની નથી. કિરણની વાતો ઉપરથી ખબર પડી કે ઝંખનાને એની બેબી વ્હાલી છે એટલે તો એ ટેન્શનમાં રહે છે. તમે બંને સમજતા નથી. હું તમારા બંનેની વાતો સાંભળીને થાકી છું. હું તો જાઉં છું સુવા માટે. એ ઘડી ભર ભજનો યાદ કરતી કરતી ઉંઘી જવાની છું.
આટલું બોલીને કિરણની મમ્મી બીજા રૂમમાં જતા રહ્યા.
મમ્મી ના ગયા પછી કિરણ અને વ્યોમા ચૂપચાપ બેસી રહ્યા.
થોડીવારમાં વ્યોમા બોલી.
એક રીતે હું અને મનન એક થઈ શકીએ.
કિરણ.
પણ તું મનનની વાત માનતી નથી.
વ્યોમા..
પણ બની શકે. હમણાં તમે કહ્યું હતું કે તમને એકતા ગમે છે. ક્યૂટ છે અને ઈચ્છા એને દત્તક લેવાની છે.
કિરણ..
હા.. કહ્યું હતું પણ ખાલી. એમ કોઈ પોતાની બેબીને અજાણ્યાને સોંપે?
વ્યોમા..
ના સોંપે એ મને ખબર છે પણ તમે ઝંખના અને મનન સાથે મુલાકાત ગોઠવો પછી હું તમારા માટે પ્રયત્ન કરીશ.
કિરણ..
એટલે તું શું કહેવા માંગે છે?
( વધુ હવે પછીના ભાગમાં)
- કૌશિક દવે