"સિંગલ મધર"
(ભાગ -૩)
સિંગલ મધર ઝંખના હાઈસ્કૂલમાં જોબ કરતી હોય છે.
આચાર્યની સૂચના મુજબ નબળા સ્ટુડન્ટના વાલીઓને ઈમેલ કરે છે. જેમાં રૂહી નામની સ્ટુડન્ટનો રિપોર્ટ બીજા કોઈના ઈમેલ પર જતો રહે છે.
હવે આગળ....
ઝંખનાનો છેલ્લો પિરિયડ પુરો થતા જ આચાર્ય ઝંખનાને એમની કેબિનમાં બોલાવે છે.
ઝંખના કહે છે કે બધાને ઈમેલ કરી દીધા છે.
આચાર્ય કહે છે કે હવે તમારે આ બધા ઈમેલના જવાબ ચેક કરવાના છે. વાલીઓએ આપણે મોકલેલું ફોર્મ ભર્યું છે કે નહીં એ અત્યારે જોઈ લો.. અને જેણે ના મોકલ્યું હોય એને આવતી કાલે સવારે ફરીથી ઈમેલ કરી દેજો. પરમ દિવસે એ બધા વાલીઓને હાઈસ્કૂલમાં બોલાવવાના છે.
આ સાંભળીને ઝંખનાને થયું કે બેબી એકતા બિમાર છે ને હવે આ કામ કરીશ તો એક કલાક મોડું થશે.
ઝંખના આચાર્યને કહે છે કે આવતીકાલે સવારે એ બધું ચેક કરશે અને ફરીથી ઈમેલ કરી દેશે. એની બેબી બિમાર છે એટલે ઘરેથી ફોન હતો. મારે જલ્દી ઘરે જવું જોઈએ. હાઈસ્કૂલનો મારો ટાઈમ પૂરો થવા આવ્યો છે.
આચાર્ય ઝંખનાની મુશ્કેલી સમજી જાય છે.
કહે છે કે બેબીની દવા કરાવજે. જો બેબીને આવતીકાલે સારું ના હોય તો રજા લેજે પણ મને ફોન કરજે. હું કામ બીજાને સોંપીશ.
સારું કહીને ઝંખના જલ્દી ઘરે જવા રવાના થાય છે.
------
એક સરકારી ઓફિસ..
સાંજનો સમય..
સાંજે ઓફિસ સ્ટાફ થોડી વાતો કરતા હતા.
એક મહિલા કર્મચારી બોલી.. આજનું પેપર જોયું? આજકાલ મહિલાઓ પર અત્યાચાર વધી ગયા છે. ભણેલા ગણેલા લોકો પણ બાકી નથી.મારી વાત કરું તો ઘરમાં મારું ચાલતું નથી. મારી સાસુની આખો દિવસ ટોક ટોક હ
છે. એ વખતે એવું લાગે કે ઓફિસમાં હોઉં તો સારું.
એ વખતે કિરણ બોલ્યો.. પેપરમાં એક લેખ છે.. સિંગલ મધર વિશે.. એક સિંગલ મધરને કેટ કેટલી તકલીફો વેઠીને પોતાના સંતાનને મોટા કરે છે. અને એ સંતાન મોટા થયા પછી પોતાની મધરનું ધ્યાન આપતા નથી.અને વૃધ્ધાવસ્થામાં મધરને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે.
કિરણને એની મમ્મી યાદ આવી ગઈ.
મમ્મીએ પપ્પાના મૃત્યુ પછી મને અને મારી બહેનને કેટલી બધી તકલીફો વચ્ચે ઉછેર્યા હતા. પપ્પાના મૃત્યુ સમયે હું પાંચમામાં અભ્યાસ કરતો હતો. મમ્મી હજુ પણ અમારી કેર કરે છે.
આટલું વિચારે છે એટલામાં કિરણના મોબાઈલ પર એક ઈમેલ મેસેજ આવે છે.
કિરણ મોબાઈલ જુવે છે.
ઈમેલ કોઈ હાઈસ્કૂલમાંથી હતો.
કોઈ જીવન પ્રભાત હાઈસ્કૂલ..
અરે પણ હું એ હાઈસ્કૂલમાં ભણ્યો નથી કે પછી પછી મારી બહેન પણ ભણી નથી. ઈમેલ વાંચવો જ નથી. ભૂલથી ભળતા નામે મોકલી દીધો લાગે છે.
કિરણ ઓફિસમાં કામે લાગી જાય છે.
ઘરે બાઈક પર જતો હતો એ વખતે માર્કેટમાં એક મહિલા હાંફતી એના બાઈક સાથે ટકરાઈ જાય છે. એ મહિલાના હાથમાં એક નાનકડી બેબી હોય છે.
કિરણ એમને ઉભા કરીને સોરી બોલે છે. એ મહિલા અને બેબીને વાગ્યું નહોતું. કિરણ એ બેબીને અડે છે તો એનું શરીર ગરમ હોય છે. પૂછપરછ કરતાં ખબર પડે છે કે બેબીને તાવ છે એટલે ડોક્ટરને બતાવવા જાય છે. એ મહિલા બતાવે છે કે એ બેબીની દાઈમા છે.
કિરણ નજીકના દવાખાને લઈ જાય છે.
ડોક્ટરને બતાવીને બેબીની દવા લે છે.
મહિલા અને બેબીને રિક્ષામાં બેસાડીને એમના ઘરે મોકલે છે.
એટલામાં કિરણના મોબાઈલ પર ફરીથી ઈમેલ મેસેજ આવે છે.
કિરણને ઘરે જવામાં મોડું થતું હતું.
છતાં જુવે છે તો એ જીવન પ્રભાત હાઈસ્કૂલથી મેસેજ હતો.
કિરણ મેસેજ વાંચતો નથી. નક્કી કરે છે કે આવતીકાલે સવારે હાઈસ્કૂલ સમયે જ આચાર્યને મળું છું.
ઝંખના જલ્દી જલ્દી ઘરે આવે છે.
એ વખતે ઘણું મોડું થઈ ગયું હતું.
ઘરે આવીને જુએ છે તો બેબી એકતા રમતી હોય છે.
હાંફળી બનીને ઝંખના બેબીને ઉંચકી લે છે.
જુવે છે તો એને તાવ હોય એવું લાગતું નથી.
દાઈમા ઝંખનાને કહે છે કે બેબીને તાવ હતો એટલે ડોક્ટરને બતાવવા ગઈ હતી એ વખતે એક યુવાને અમને મદદ કરી હતી.અને ઘરે આવવા માટે રિક્ષા કરી આપી હતી.
ડોક્ટર ની સૂચના મુજબ દવા આપી હતી અને હવે તાવ નથી.
દાઈમા ડોકટરે આપેલી દવાઓ ઝંખનાને આપે છે અને ઘરે જવા માટે રજા લે છે.
--------
ઘરે આવીને કિરણ પોતાની મમ્મી અને બહેનને એના પર આવેલા ઈમેલ વિશે કહે છે.
એટલે એની બહેન હસે છે.
મમ્મી કહે છે કે એટલે જ તને કહું છું કે તું જલ્દી લગ્ન કરી લે. આ તું કંઈ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ જોઈને મને કહે કે કોઈ મેસેજ કે સારી છોકરી હોય તો કહે. જ્યોતિષ કહેતા હતા કે તારા ભાગ્યમાં જલ્દી મેરેજ યોગ છે અને પહેલું સંતાન સુખ જલ્દી છે. હવે મારે જ ઉતાવળ કરવી પડશે. તું આખો દિવસ મોબાઈલ પર વેબ સિરિઝ જોયા કરે છે.ને જ્યારે જોઉં ત્યારે ગેમ રમતો હોય છે. તારા જીવન માટે પણ ધ્યાન આપ. તારા કરતાં તારી બહેન સમજું છે. એણે તરત જ કોઈ શાદી ડોટ કોમ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. એણે તો છોકરાઓનું લિસ્ટ બનાવી દીધું છે પણ એને મુંજવણ થયા કરે છે. કયો સારો છોકરો હશે? તું જલ્દી એક્ટિવ થઇ જા. હવે હું પણ કેટલા દિવસ કાઢીશ. વહુનું મોઢું જોઈને ભગવાનના ઘરે જાઉં.
કિરણ કહે છે કે મમ્મી તમે સો વર્ષ જીવવાના છો. મેં ઓનલાઇન જ્યોતિષ એપ પર જોયું છે. હવે સારી છોકરીઓ જોવાનું ચાલુ. હજુ સુધી કોઈ યોગ્ય છોકરી મળતી નથી. તમને ખબર છે કે જે છોકરી મને પસંદ હતી એ છોકરીની કોઈ અમીર છોકરા સાથે સગાઈ થઈ ગઈ હતી.
કિરણની મમ્મી કહે છે કે હા.. મને ખબર છે.તમે બંને પ્રેમ કરતા હતા પણ એણે તને દગો કર્યો હતો. એ ધન દોલત જોઈને બીજે જતી રહી હતી. એ સારું થયું કે એ જતી રહી. આપણા ઘરમાં એવી છોકરી પોસાય નહીં. તમને બંનેને એકલા હાથે કેવીરીતે મોટા કર્યા છે એ હું જ જાણું છું.
કિરણ:-' હા.. મમ્મી.મને ખબર છે. આજે જ તમારા જેવા એક સિંગલ મધર વિશે ન્યૂઝ પેપરમાં વાંચ્યું હતું. સંઘર્ષ જ જીવન છે. હિંમત હારવી નહીં. ધીરજ રાખવી. સામાજિક ટીકા ટિપ્પણી થી દૂર રહેવું તેમજ મગજ શાંત રાખવું. આ બધા ગુણો તમારામાં છે. હું જલ્દી એક સારી છોકરી શોધી કાઢીશ.'
----------
બીજા દિવસે ટીચર ઝંખના હાઈસ્કૂલમાં જાય છે.
ફરીથી ઈમેલ કરવા માટે બેસે છે. એ વખતે હાઈસ્કૂલના ફોન પર રીંગ વાગે છે.
ઝંખના નજીક હોવાથી ફોન ઉપાડે છે.
સામેથી..
હેલ્લો જીવન પ્રભાત હાઈસ્કૂલ?
હા.. બોલો.તમે વાલી બોલો છો? શું કામ છે? આચાર્યનું કામ હોય તો થોડી રાહ જુવો. હું કોલ ટ્રાન્સફર કરું છું.
ઝંખના એટલી ઉતાવળમાં બોલી હતી કે સામે વાળી વ્યક્તિ કોણ છે એ પૂછવાનું ભૂલી ગઈ હતી.
એટલામાં આચાર્ય રૂમમાં દાખલ થયા. ઈશારાથી પૂછ્યું કે કોણ છે?
ઝંખનાને આજ જોઈતું હતું.
મનમાં બબડી.
હાઈસ્કૂલમાં આવેલા ફોન રિસિવ કરવાનું મારું કામ નથી.
ફોન આચાર્ય ને આપી દીધો.
હેલ્લો કોણ બોલો છો? હું આચાર્ય બોલું છું.
સામેથી..
હું કિરણ બોલું છું. મારા ઈમેલ પર તમે ભૂલથી બે વખત ઈમેલ મોકલ્યો હતો.
આચાર્ય..
જુઓ જે પેરન્ટસના સંતાનો અભ્યાસમાં નબળા હોય છે એ બધાને જાણ કરતો ઈમેલ કર્યો છે. ને બીજો ઈમેલ રિમાઇન્ડર છે.ને આવતી કાલે તમારે હાઈસ્કૂલમાં આવવાનું છે.
( વધુ આવતીકાલે)
- કૌશિક દવે