"સિંગલ મધર"
( ભાગ -૧)
સવારથી ઝંખના ગુસ્સે થઈ હતી.
બબડી.. હું એકલી મારી દીકરી ને કેવી રીતે સંભાળું.એણે તો મને છુટાછેડા આપી દીધા હતા. ફોન કરું છું તો પણ ફોન ઉપાડતો નથી. સાવ અતડો અને મેઢો છે. મને પણ પસંદ નહોતો. માંડ માંડ બે વર્ષ ચલાવી લીધું.
દીકરી એકતાના જન્મ પછી તો ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા હતા.
સાસુ સસરાને દીકરી એવી એ ગમતી નહોતી. ને એમની વાત કરાય નહીં. એ ભટકતા રામ.
એક વખત રંગે હાથ પકડી લીધા હતા
ને પછી મેં છુટાછેડાની માંગણી કરતા તરત જ અમે છુટા પડી ગયા.
પણ એકતા મને વ્હાલી હતી.
મને એમ કે એકતાને મારી પાસેથી છીનવી લેશે પછી મારા જીવનમાં જીવવાનો આશરો રહેશે નહીં.
પણ જે થયું એ સારા માટે થયું હતું.
ગ્રેજ્યુએટ હતી ને પછી બીએડ કરીને ટીચર તરીકે જોબ મળી ગઈ હતી.
પણ હું કોના પર ગુસ્સો કરું છું.જે મારે કરવાનું છે એ કરવાનું છે.
એકતા પર? ના..ના..
એકતાને સાચવવા માટે એક બાઈ રાખી છે.
એકતા હવે બે વર્ષની થઈ છે. થોડી ઘણી સમજણી.
મમ્મી પપ્પા વચ્ચે વચ્ચે ઘરે આવતા હતા.
મમ્મી કહેતી હતી કે આખી જિંદગી કેવી રીતે કાઢીશ? તું બીજા લગ્ન કરી લે. એકતા સાથે સ્વીકારી લે તો ઠીક છે નહિંતર એકતાને અમે રાખીશું.
પણ એકતા મારી વ્હાલી દીકરી.
એને છોડતા જીવ ના ચાલે.
ને કોઈ બીજો એનો પિતા બનીને સાચવશે એની કોઈ ખાતરી ખરી?
દીકરી માટે પણ એકલા જીવવું પડશે. સિંગલ મધર તરીકે.
એક દિવસ ઝંખનાની મમ્મી એક યુવાન માટે વાત કરી. એ યુવાન પણ એકલો હતો ને સમજદાર. એકતાને સ્વીકારી લેવા તૈયાર હતો પણ ઝંખના કોઈ જોખમ લેવા માંગતી નહોતી.
ભાઈ છે પણ નાનો છે.હજુ એ હમણાં જ ગ્રેજ્યુએટ થયો છે.
જો હું લગ્ન કરું ને એકતાને મમ્મી પાસે રાખું તો ભાઈને કોઈ છોકરી ના આપે.
આપણો સમાજ હવે લાગણી વિહિન થતો જાય છે.
કૌટુંબિક સંબંધો તૂટતાં જાય છે.
બસ એટલે જ એક સિંગલ મધર તરીકે જ એકતાનું યોગ્ય પાલન પોષણ કરવું છે. એને એના પગ પર ઉભી રહે સાથે સાથે ખુમારી સાથે ..
હાઈસ્કૂલ જવાનો સમય થઈ ગયો હતો
ઝંખના તૈયાર થઈ ને એકતાને બાય બાય કરતી હતી એ વખતે એકતા કાલું કાલું બોલી.. મમ્મી..
ઝંખના એ એકતાને પોતાના ખોળામાં લઈને વ્હાલ કર્યુ.
દાઈ બહેનને જરૂરી સૂચના આપી ને ઝંખના હાઈસ્કૂલ જવા નીકળી.
હાઈસ્કૂલ જતા જ આચાર્યે ઝંખનાને અગત્યનું કામ સોંપ્યું.
પહેલો પરિયડ નહોતો લેવાનો.
ફર્સ્ટ સ્ટાન્ડર્ડના વિધ્યાર્થીઓનો રિપોર્ટ તૈયાર કરવાનો તેમજ નબળા સ્ટુડન્ટના પેરેન્ટસને એ માટે જાણ કરવાનું હતું.
ઝંખના માટે આ કામ કંટાળા જનક લાગતું હતું.
બબડી..
આના કરતાં મારો ક્લાસ હોત તો સારું હતું.
બધી તૈયારી કરીને આવી હતી.
આ કામમાં માથું ચડી જવાનું છે.
થોડીવારમાં ઝંખનાએ રિપોર્ટ તૈયાર કરી દીધો.
હાશ.. કરીને બેઠી અને પાણી પીધું.
એટલામાં પ્યુન આવ્યો.
બોલ્યો
ઝંખના મેડમ,પ્રિન્સીપાલ મેડમે કહ્યું છે કે સ્ટુડન્ટ્સ ના રિપોર્ટ તૈયાર કરી દીધા? એની એક નકલ આપવા માટે કહ્યું છે તેમજ જેના રિપોર્ટ સારા નથી એના વાલીઓને તાત્કાલિક જાણ કરવાની છે. ને બે દિવસ પછી એમને હાઈસ્કૂલમાં બોલાવવાના છે.
ઝંખના કંઈ ના બોલી.
એક રિપોર્ટ તૈયાર કરીને આપી દીધો.
પ્યુને સ્ટુડન્ટ્સના વાલીઓના ઈમેલ લિસ્ટ કાઢીને ઝંખનાને આપ્યું.
પ્યુનના ગયા પછી તરતજ ઝંખના પર આચાર્યનો ફોન આવ્યો.
બીજો પિરિયડ લેવા જવાનું નથી. કામ પુરુ કરવાનું છે. એક બીજી મેડમે અડધી રજા લીધી છે એ તમારો પિરિયડ લેશે અને તમારે બપોર પછીનો એમનો પિરિયડ લેવાનો છે. ને હા.. જેના રિપોર્ટ સારા નથી એના વાલીઓને ઈમેલ પર જાણ કરી દો.
કોલ કટ થતાં ઝંખના બબડી..
આ આચાર્ય પણ ખરા છે. બીજાનું કામ પણ મને સોંપે છે.
હવે મારું માથું દુઃખવા આવ્યું. ચા પીવાની ઈચ્છા છે પણ અત્યારે ચા પીવા જવાશે નહીં.
એટલામાં ઝંખના પર ઘરેથી દાઈ બહેનનો ફોન આવ્યો.
બેબી એકતા બહુ રડે છે. એણે સ્હેજ જ ખાધું છે.એનું શરીર સ્હેજ ગરમ છે કદાચ તાવ આવતો હોય એવું લાગે છે. તમે બતાવેલી દવા આપી દીધી છે. તમને જાણ માટે ફોન કર્યો છે.
એક સિંગલ મધરને કેટલું બધું ટેન્શન હોય છે.
ઝંખનાને એકતાની ચિંતા થવા લાગી.
પણ હાઈસ્કૂલમાં કામ પતાવવું પડશે.
અડધો દિવસ પૂરો થવા આવ્યો છે. મારે અડધી રજા લેવી જોઈએ.
કામ બીજાને આપશે અથવા આવતીકાલે આવીને પુરું કરીશ.
ઝંખના આચાર્યની કેબિનમાં ગઈ.
બેબી બિમાર છે એવું કહીને અડધા દિવસની રજા માંગી.પણ અગાઉ થી બીજા ટીચરે રજા લીધી હોવાથી રજા મળી શકે એમ નથી. કામ પુરુ કરવાનું છે.ને પિરિયડ પણ લેવાનો છે.
ઝંખનાને ગુસ્સો આવતો હતો પણ મગજ શાંત રાખ્યું.
જો હું કામ નહીં કરું તો મારી સામે એક્શન લેશે.બીજી હાઈસ્કૂલમાં જલ્દી જોબ મળશે નહીં. ઘર પણ ચલાવવાનું છે તેમજ જવાબદારી પણ.
એટલામાં ઝંખના પર ફોન આવ્યો.
ઓહ.. રાકેશ.. હવે મને યાદ કરે છે? છુટાછેડા લીધા છે પછી શું કામ હશે? મારી બેબી એકતા છીનવવા માંગતો હશે?આ પુરુષ જાત જવાબદારી સ્વીકારી લેવા માટે તૈયાર થતા નથી.
એક બાપડી સ્ત્રી જ બધું સહન કરી લે છે કારણકે એ સહનશીલ હોય છે એની સહનશક્તિ વધુ હોય છે.
ફોન ઉપાડુ કે ના ઉપાડુ, કંઈ બબાલ કરશે તો!
( સિંગલ મધર એટલે સમાજની ટીકા ટિપ્પણીનો ભોગ જ બનવાનું? ઝંખનાના એક્સ પતિદેવ શું કહેવા માંગે છે? જાણવા માટે વાંચો મારી ધારાવાહિક વાર્તા ' સિંગલ મધર ')
- કૌશિક દવે