"સિંગલ મધર"
( ભાગ -૭)
ખોટા મળેલા ઈમેલ માટે કિરણ હાઈસ્કૂલમાં જાય છે.
ઝંખના મેડમ ને કહે છે કે એને ખોટો ઈમેલ મળ્યો છે. એ રૂહીના ફાધર નથી.
હવે આગળ..
ઝંખના મેડમ કિરણ સામે જોઈ રહ્યા.
આ માણસ જલ્દી બોલતો કેમ નથી?
એ વખતે મેઘના મેડમ પણ કિરણને જોઈ રહ્યા હતા.
મેઘના મેડમ ને લાગ્યું કે આ યુવાનને ક્યાંક જોયો છે. યાદ નથી આવતું.
કિરણ:-' જુઓ ઝંખના મેડમ મને ખબર પડી કે આપ ટેન્શનમાં રહો છો એટલે કદાચ ઈમેલ કરવામાં ભૂલ કરી હશે. હું હમણાં તમારી ઘરેલુ મામલો નહીં કહું.પણ રૂહીના રિપોર્ટ બાબતે કહેવા માંગુ છું. હું રૂહીના ફાધર નથી કે એનો અંકલ નથી કે મામા પણ નથી. હું રૂહી નામની કોઈ બેબીને જાણતો નથી. આપે મોકલેલા ખોટા ઈમેલ માટે જ મળવા આવ્યો છું. એક વખત ખોટો ઈમેલ આવ્યો હોત તો હું અહીં સુધી ના આવતો પણ આપના તરફથી ફરીથી ઈમેલ આવ્યો હતો.એટલે મને થયું કે રૂહીના પેરન્ટ્સ માટે અગત્યનું છે. જો હું આપને રૂબરૂ મળું તો જ ખુલાસો કરી શકું. નહિંતર રૂહીના પેરન્ટ્સને આવતી કાલની મીટીંગ વિશે ખબર પડે નહીં તેમજ એના નબળા રિપોર્ટ બાબતે પણ. હું આપના સ્ટુડન્ટનું હિત સચવાય એ માટે જ આવ્યો છું.'
કિરણ જલ્દી જલ્દી બોલી ગયો
કિરણને તરસ લાગી હતી. એણે એની બેગ માંથી પાણીની બોટલ કાઢીને પાણી પીધું.
એ દરમિયાન મેઘના મેડમ ને લાગ્યું કે આ યુવાન ચોક્કસ સાચું કહે છે. એણે રૂહીના ભલા માટે જ ધક્કો ખાધો છે. પણ આ યુવાનને જોયો હોય એવું લાગે છે.
ઝંખના મેડમ ને આચાર્ય એ કહેલી વાત યાદ આવી.
વિચાર કરવા લાગી કે આજના સમયમાં પણ આવા યુવાનો હોય છે? હવે એ શું કહે છે એ જોવું પડશે. એ પહેલાં મારે રૂહીની મધર નો ફોન નંબર જોઈ લેવો પડે તેમજ ઈમેલ પણ.
કિરણે પોતાને મળેલો ઈમેલ બતાવ્યો.
અને કહ્યું કે હું અન મેરિડ છું. પછી મારે કોઈ સંતાન જ ના હોય. તમારે સાબિતી જોઈતી હોય તો બતાવું. મારી જ્ઞાતિની ઓનલાઇન વંશાવલી છે. એ ઉપરાંત મેં શાદી ડોટ કોમ પર પણ મેરેજ માટે મારો બાયોડેટા મોકલ્યો છે.
મેઘના મેડમે કિરણે બતાવેલો ઈમેલ જોયો.
પછી ઝંખના ને કહ્યું કે રૂહીની મધર નું નામ તેમજ ઈમેલ ચેક કરી જો.
ઝંખના મેડમે ચેક કર્યું
ને બોલ્યા..ઓહ.. મારી જ ભૂલ થઈ છે. રૂહીની મધર નું નામ કિરણ છે.ને ઈમેલ પણ જુદો છે. બસ એક નંબર ઉલટસુલટ છે એટલે ભૂલ થઈ છે.
ઝંખના મેડમ ને પોતાની ભૂલ સમજાઈ.
એને થયું કે આ ભલો યુવાન છે. એ ખોટી રીતે હેરાનગતિ પામ્યો છે. મારે માફી માંગવી પડશે. ને રૂહીની મધરને ફોન કરીને આવતીકાલ ની મીટીંગ વિશે કહેવું પડશે.
પણ આ યુવાન મારી એકતાને કેવી રીતે જાણે? મારે દાઈ બહેનને ફોન કરીને કહેવું પડશે કે કોઈ અજાણ્યાને મળવું નહીં તેમજ ખાનગી વાતો કહેવી નહીં.
ઝંખના મેડમે કિરણની માફી માંગી.
બોલી કે તમે આચાર્ય ને કોઈ એવી વાત ના કહેતા જેથી મારી જોબને હાનિ થાય. હું ટેન્શનમાં હતી.
આ સાંભળીને કિરણના મુખ પર સ્મિત આવી ગયું.
બોલ્યો:-' ઓકે.. ઝંખના મેડમ. ભૂલ થઈ જાય.તમને ટેન્શન છે એ ખબર પડી હતી.પણ કોઈ સ્ટુડન્ટનું હિત જોવું જરૂરી છે.
મેઘના મેડમ ને કિરણ વિશે જાણવાની તાલાવેલી હતી.
એના માતાપિતા કોણ હશે? આ યુવાનને જોયો છે પણ યાદ આવતું નથી. ને આ યુવાન અપરણિત છે એવું કહે છે. જ્ઞાતિ ની વંશાવલી પણ મોબાઈલ પર રાખે છે. શાદી ડોટ કોમ પર એનો બાયોડેટા છે. આવો પ્રમાણિક યુવાન જો મારી નાની બહેન માટે મળી જાય તો કેવું સારું.
એના માટે બહુ પ્રયત્નો કર્યા પણ મેળ પડતો નથી.
આ યુવાન કદાચ મારી બહેન કરતા પાંચેક વર્ષ મોટો હશે.તો પણ શું..આની તપાસ કરવી જોઈએ.
મેઘના મેડમ થી રહેવાયું નહી.
જાણી જોઈને બોલ્યા..
યુવાન.. તારી વાત પર ભરોસો છે જ . છતાં તું આવ્યો છે તો તારો બાયોડેટા બતાવ જેથી અમને સંતોષ થાય કે તું અપરણિત છે. તારી જ્ઞાતિની વંશાવલી કે પછી શાદી ડોટ કોમ પરનો બાયોડેટા. કદાચ આ બાબતે હું પણ તને મદદ કરી શકું.
ઝંખના હસી પડી.
બોલી.. મેઘના મેડમ ચેક કરીને શું કરશો.એ આચાર્ય ને ફરિયાદ કરશે તો? હું રૂહીની મમ્મીના સાચા ઈમેલ પર ઈમેલ કરું છું. ને મારા મોબાઇલ પરથી વોટ્સએપ મેસેજ કરું છું.
મેઘના મેડમ.. તો સારું ને.. કિરણ આચાર્ય પાસે જશે તો એને પણ ફાયદો છે. પણ મને સંતોષ થાય એટલે કહ્યું.
કિરણ હસી પડ્યો..
મેડમ કોઈ યોગ્ય પાત્ર હોય તો કહેજો.મારો મોબાઈલ નંબર મોકલું?
મેઘના મેડમે સ્મિત કર્યું.
હા..હા.. ચોક્કસ.મને તારો સ્વભાવ ગમ્યો. એક ફ્રેન્ડ તરીકે મને તારો નંબર મોકલજે.
મારો મોબાઈલ નંબર લખી આપું છું પણ પહેલા તું તારો બાયોડેટા બતાવ.
કિરણે શાદી ડોટ કોમ પરનો પોતાનો બાયોડેટા બતાવ્યો.
મેઘના મેડમ અને ઝંખના મેડમે કિરણનો બાયોડેટા જોયો.
મેઘનાની નજર એના માતાપિતાના નામ પર હતી.
કિરણની માતાનું નામ રમા બહેન વાંચીને એને કંઈક યાદ આવી ગયું.
ઓહ..આ સિંગલ મધર રમાબહેનનો સન છે.
બાયોડેટા સરસ છે.. છોકરો પણ સરસ છે. છતાં અત્યાર સુધી કેમ પરણ્યો નથી? અઠ્ઠાવીસ વર્ષ તો પૂરા થયા. ઝંખના મેડમ કદાચ એકાદ વર્ષ મોટી હશે.ના..ના..સરખી ઉંમરના જ છે. ને આ મારી જ્ઞાતિનો છે. ને મને ખબર જ ના રહી?
મેઘના મેડમ:-' ઓહ.. એટલે તું રમા બહેનનો સન છે? ને તારે એક નાની બહેન છે. તારી મમ્મીએ સિંગલ મધર તરીકે તમને મોટા કર્યા છે.
કિરણ ને નવાઈ લાગી.
આ મેઘના મેડમ મારી મમ્મીને ઓળખે છે?
કિરણે સ્મિત કર્યું.
બોલ્યો..હા.. મારી મમ્મી એ અમને સારા સંસ્કારો આપીને મોટા કર્યા છે. મારી બહેન નાની છે પણ બહુ નાની નથી. એના માટે પણ એક સારો યુવાન જોઈ રહ્યા છીએ.
આ સાંભળીને ઝંખના મેડમના કાન સરવા થયા.
ઝંખના મેડમે રૂહીની મમ્મી ને ઈમેલ કરી દીધો તેમજ વોટ્સએપ મેસેજ પણ કરી દીધો.
ઝંખના મેડમ:-' શું તમે જોબ કરો છો કે બિઝનેસ? આ સમયે તમે જોબ પર હોવા જોઈએ કે પછી બિઝનેસ સ્થળ પર.
કિરણ:-' હું સરકારી ઓફિસમાં જોબ કરું છું. પણ.. પણ આજે ખાસ આ કામ માટે અડધા દિવસની રજા લીધી હતી.પણ હવે લાગે છે કે આખા દિવસની રજા મૂકવી પડશે.
( મેઘના મેડમ શું કરશે? શું કિરણ આચાર્યને મળવા જશે? વધુ જાણવા માટે વાંચો ' સિંગલ મધર')
- કૌશિક દવે