એક દિવસ હું મારા ઘરે ગઈ હતી. ત્યાં પપ્પાએ મને અચાનક જ પૂછ્યું કે તું ખુશ છે ને સાસરામાં ? મેં હા પાડી. કે હા હું ખુશ છું. કોઈ તકલીફ નથી. તો પપ્પાએ કહ્યું તારા સાસુ મને મંદિરમાં મળ્યા હતા. એમણે કહ્યું કે તમારી છોકરી રોજ રડે છે એને લઈ જાવ તમારા ઘરે. તમને ખબર હશે કે મમ્મી મહિનામાં એકવાર વહેલી સવારે શહેર જતા અને માર્કેટમાંથી જરૂરી સામાન લઈ આવતા અને સાથે એ મંદિરે પણ જતાં જ્યાં પપ્પા વર્ષોથી રોજ સવારે જાય. એમ જ એક દિવસ મમ્મી પપ્પાને મળી ગયા હશે ને આવી વાત કરી. મેં પપ્પાને કહ્યું કે ના એવું કંઈ નથી હું ખુશ જ છું. ને હું પછી ઘરે આવી ગઇ. મને રસ્તામાં વિચાર આવ્યો કે જે વાત તમને નથી ખબર એ મમ્મીને કેવી રીતે ખબર પડી. પણ પછી મને યાદ આવ્યું કે હું રોજ ડાયરી લખું છું. પણ એ તો ઉપર આપણા રુમમાં પલંગની નીચે હોય. એનો મતલબ એવો થાય કે મમ્મી આપણી ગેરહાજરીમાં ઉપર જતા હોય અને એ ડાયરી વાંચતા હોય. આ વિચારે તો મને અંદરથી એક્દમ હલાવી દીધી. કે આ કેવું ? એમનું શું કામ ઉપર આપણા રુમમાં જવાનું ? જાય તો ડાયરી શું કામ વાંચે ? આ બધું મને એકદમ જ વિચિત્ર લાગ્યું. મેં તમને વાત કરી તો તમે મને એમ કહી દીધું કે તારે ડાયરી લખવાનું શું કામ છે ? ને લખે છે તો રુમમાં કેમ મૂકે છે ? તમે એમ તો ન કહ્યું કે હું મમ્મીને પૂછીશ કે પછી તેં શું લખ્યું છે મને વંચાવ પણ સીધું એમ જ કહી દીધું કે તું શું કામ લખે છે ? જરા સરખું પણ એમ ન વિચાર્યુ કે એવી કેવી વાત છે જે હું તમને નથી કહી શકતી અને લખું છું. બિલકુલ એમ ન કહ્યું કે તારે લખવાની જરૂર કેમ પડી ? તું મને કહી દે તારા મનમાં જે હોય તે. પણ ના તમે તો મને એ કરવાની જ ના પાડી દીધી. એ દિવસે મને એમ થયું કે મારી કોઈ પણ વાતથી તમને ફરક પડે છે કે નથી પડતો. હું ખુશ છું દુઃખી છું કંઈ પણ કોઈ દિવસ પૂછયું જ નહીં. અરે, લગ્ન પછીનો મારો પહેલો જન્મદિવસ પણ ભૂલી ગયા તો પણ મેં તમને કંઈ ન કહ્યું. એ તો હું જ્યારે મમ્મી પપ્પાને પગે લાગીને નોકરીએ ચાલી ગઈ ને પછી તમે સાંજે ઓફિસથી પાછા આવ્યા ત્યારે મમ્મીએ તમને કહયું હતું ત્યારે તમને યાદ આવ્યું ને પછી સાંજે હું ઘરે આવી ત્યારે તમે મને કહ્યું કે મને તો એવું બધું કંઈ યાદ રહે નહીં એટલે ખોટું ની લગાડવાનું. મને એવું લાગ્યું કે મારે ફક્ત અહીં તમે લોકો કહે તેમ રહેવાનું છે અને પગાર આવે તે લાવીને તમને આપી દેવાનો છે. મને એ દિવસે ખૂબ રડવું આવ્યું. પણ મને તો રડવાની પણ છૂટ ન હતી નહીંતર મમ્મી ફરી મારા પપ્પાને કહી દેતે કે તમારી છોકરીને લઈ જાવ. મારે તો મારા પપ્પાને કંઈ દુઃખ આપવું જ ન હતું એટલે આ બધું જેમ ચાલે તેમ ચાલવા દીધું. બસ ડાયરી લખવાની બંધ કરી દીધી. હવે હું અંદરોઅંદર ઘૂંટાતી રહેતી. આ બધામાં એક વસ્તુ સારી હતી કે ભાઈ નોકરીએ જતો હતો ને પપ્પાને હવે કોઈ ટેન્શન ન હતું. તમે પણ એક બે વાર મારી સાથે મારા ઘરે રોકાવા આવેલા ને તમને ભાઈ, જીજાજી બધા સાથે ગમેલું પણ ખરું. એટલે મને એમ થતું કે તમે કદાચ ગામમાં રહ્યા છો એટલે આવી નાની નાની ખુશીઓથી તમને કંઈ ફરક નથી પડતો.