ઘરે આવ્યા પછી મમ્મીએ કહ્યું બેન માટે મેથીના લાડુ બનાવવાના છે તો તમે સામાન લઈ આવો. આપણે સામાન લેવા શહેરમાં ગયા અને મેં રસ્તામાં તમને કહ્યું કે આપણે શહેરમાં જતાં જ છીએે તો મારા ગળાના દુખાવા માટે દવા લેતા જઈએ. બનવા સંજોગ એવું થયું કે સામાન લેવામાં વાર લાગી અને દવા લેવામાં પણ વાર લાગી. એટલે ઘરે પહોંચતા અંધારું થઈ ગયું. આમ પણ આપણે બપોર પછી નીકળ્યા હતા એટલે સાંજ પડવી સ્વાભાવિક હતી પણ જરા વધારે મોડું થઈ ગયું. આપણે ઘરે પહોંચ્યા ને જોયું કે માસી માસાજી રહેવા આવ્યા છે. આપણે હજી એમને ખબર અંતર પૂછીએ એ પહેલાં તો મમ્મીએ ખીજવાવાનું ચાલું કરી દીધું. કેમ મોડું થયું એમ તો ન પૂછયું પણ ક્યાં ભટકવા ગયા હતા, ચાર દિવસ ઘરમાં રહેવું પડયું એમાં આવી રીતે કહ્યા વગર નીકળી પડવાનું ? પિયર ગયા હશે શું રહી ગયેલું ત્યાં જયા વગર... ને બીજું ઘણું બધું. મમ્મીનું એ વર્તન જોઈને હું તો એકદમ હેબતાઈ ગઈ હતી ને તમને પણ આ રીતે એમનું કારણ જાણ્યા વગર બોલવું ગમ્યું ન હતું. પણ મમ્મીની સામે તમે કંઈ પણ ન બોલ્યા એટલે હું તો બોલું જ કેવી રીતે ? મેં શાંતિથી કંઈ પણ બોલ્યા વગર કામ ઘરના કામ પતાવી દીધા. એક પણ શબ્દ સામે બોલી ન હતી ને સૂવા ચાલી ગઈ હતી. તમે સૂવા આવતી વખતે મમ્મીને એમ કહ્યું કે હું કાલે ઓફિસ જઈશ નહીં ગળામાં દુખે છે તેના ટેસ્ટ કરાવવા જવાનું છે. બીજા દિવસે સવારે હું ઉઠી, ને ચૂપચાપ ઘરના કામ કર્યા કર્યું. ધીરે રહીને માસી રહ્યા હતા તેમણે પૂછયું ક્યારે બતાવવા જવાનું છે ? ને મેં એમને કહ્યું કામમાંથી પરવારીને જઈશું. પછી માસીએ કહ્યું કે ઘરે કહીને જવું હતું ને કે તારા પિયર જઈને આવશે, કોઈ ના થોડું પાડતે. મેં એમને કહ્યું મારા પિયર તો અમે ગયા જ ન હતા પણ સામાન લેવામાં વાર લાગી ને દવાખાનું રસ્તામાં આવતું હતું અને મને ચાર દિવસથી ગળામાં દુખતું હતું એટલે દવા લેવા ઊભા રહ્યા પણ ત્યાંય અમને વાર લાગી. આ સાંભળીને માસી પછી કંઈ ન બોલ્યા. આપણે પરવારીને દવાખાને ગયા, બધા ટેસ્ટ કરાવ્યા જેના રિપોર્ટ બે દિવસ પછી આવ્યા અને એમાં લખ્યું હતું કે મારું થાઇરોઇડ એકદમ વધી ગયું છે. દવા ચાલુ કરી દીધી. હું નોકરીએ જતી અને આવીને મમ્મીને કહેતી કે તમે આખો દિવસ બેન સાથે થાકી જતાં હશો, સાંજની રસોઈ હું બનાવું પણ મમ્મી હંમેશા ના પાડતા. માસીએ એક બે વાર મમ્મીને કહ્યું તું વહુને કંઈ ન કરવા દઈને માથે ચડાવી રહી છે. એને થોડું કામ સોંપી દે પણ મમ્મી કાયમ ના જા પાડતા. કે ના કામ તો હું જ કરીશ. એ નોકરી કરે છે એનાથી ઘરના કામ ન થઈ શકે. આ સાંભળીને મને દુખ થયું કે તમે મને કામ આપો જ નહી તો તમે કેવી રીતે કહી શકો કે મારાથી કામ ન થઈ શકે. મારા ઘરે તો લગભગ બધા જ કામ હું કરતી. પણ મમ્મીની વાતનો વિરોધ કોણ કરે ? એટલે ચાલવા દીધું એ જેમ કહે તેમ. બેનના દિકરાને રમાડતા રમાડતા હવે મારા મનમાં પણ મા બનવાની ઈચ્છા જાગવા લાગી. આપણા લગ્નને આઠેક મહિના થઈ ગયા હતા પણ મને મારા મા બનવાના કોઈ લક્ષણ દેખાતા ન હતા. હું મારી મુંઝવણ આપણા રુમમાં પલંગ નીચે એક ડાયરી મૂકેલી હતી તેમાં લખતી. લગભગ રોજ જ લખતી. આખા દિવસમાં જે થયું હોય તે બધું લખતી. તમને ખબર ન હતી. કારણ કે તમે ઊંધી જાવ પછી હું લાઈટ ચાલુ કરીને લખતી પણ તમારી ઊંઘ એવી કે તમને કંઈ જ ખબર ન પડતી.