Single Mother - 12 in Gujarati Moral Stories by Kaushik Dave books and stories PDF | સિંગલ મધર - ભાગ 12

Featured Books
Categories
Share

સિંગલ મધર - ભાગ 12

"સિંગલ મધર"
( ભાગ -૧૨)

આચાર્ય ઝંખના મેડમને બોલાવે છે.અને એમને ઘરે જવાની રજા આપતા કહે છે કે એક સિંગલ મધરને જીવન જીવવું કપરું હોય છે. માટે તમે બીજું લગ્ન કરવાનું વિચારી લો.

ઝંખના મેડમ...
તમે મને રજા આપી એટલે આપનો ખૂબ આભાર માનું છુ. તમારી સલાહ પર હું વિચાર કરીશ. હાલમાં તો બેબીને સહીસલામત રહી શકે એવી ગોઠવણ કરીશ. કદાચ આવતીકાલે આવી નહીં શકું. હું આપને એ માટે એડવાન્સમાં ફોન કરીશ.

આચાર્ય..
ગુડ..પણ થોડા દિવસ માટે તમારા મધરને તમારી પાસે બોલાવી લો. ઘણી વખત બોલવું આસાન હોય છે પણ જ્યારે પરિસ્થિતિ સામે આવે છે ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ.. પછી આપણને કંઈ સુઝતું નથી.‌જો તને મારી કોઈ પણ મદદની આશા હોય તો હું તને મદદ કરીશ. એક એન.જી.ઓ. માં મારી ઓળખાણ છે,જે તને મદદરૂપ થશે. સાથે એક બીજી સલાહ પણ છે. મારી એક ફ્રેન્ડ ડાયવોર્સ યુવતીઓ ના ફરીથી મેરેજ થાય એ માટે વોટ્સએપ ગૃપ ચલાવે છે તેમજ એ માટે મદદરૂપ થાય છે. તું વિચારી જોજે. ફેંસલો તારે જલ્દી લેવો જોઈએ કારણકે તું દેખાવડી છે તેમજ હજુ યુવાન છે. આ સમય જ છે કે તારે યોગ્ય યુવાન શોધી કાઢવો જોઈએ. તું આવતીકાલ ના તારા ક્લાસ માટે ચિંતા કરીશ નહીં. હું એ માટે વ્યવસ્થા કરીશ. જરૂર પડશે તો હું ક્લાસ લેવા જઈશ.

ઝંખના મેડમ..
થેંક્યું મેડમ. આપની સલાહ આપી એ સારી છે. હું એ બાબતે વિચાર કરીશ. તેમજ મારી મધર સાથે ચર્ચા કરીને જ નિર્ણય કરીશ. હજુ મારા ભાઈ માટે પણ યોગ્ય યુવતી જોવાની છે. એટલે ભાઈને બોજો આપી શકાય નહીં. ઈશ્વરની કૃપા હશે તો બધું સારું થઇ જશે. જરૂર પડે તમારી સલાહ તેમજ મદદ લઈશ. તો હું જઈ શકું?

આચાર્ય..
ઓકે..

ઝંખના મેડમના ગયા પછી આચાર્ય વિચારવા લાગ્યા.
એક સ્ત્રીને કેટલી‌ બધી જવાબદારી ઓ હોય છે. પાછું આ ઝંખના સિંગલ મધર છે. જીવન બહુ ટફ રહેવાનું છે. હવે મારે શ્વેતા માટે વિચારવું પડશે. દરેક વખતે એ ના પાડે છે. એમ સારા છોકરાઓ હાથમાંથી જતા રહે છે. આ હમણાં આવ્યો હતો એ યુવાન કિરણ માટે તપાસ કરવી પડશે. એનો ફોન નંબર મેળવવો પડશે પણ કેવી રીતે? હું એને જાણતી નથી. એ કોઈ સરકારી ઓફિસમાં જોબ કરે છે. હવે ઘરે જઈને બહેન સાથે વાત કરીને તપાસ કરીશ.
-------
ઝંખના મેડમ ઘરે પહોંચી.
ઝંખના મેડમને વહેલાં ઘરે આવેલા જોઈને દાઈ બહેનને નવાઈ લાગી. પણ એને માનસિક શાંતિ થઈ.

ઝંખનાએ દાઈ બહેન પાસેથી વિગતવાર માહિતી લીધી. સવારે જે બન્યું હતું એ દાઈ બહેને કહ્યું.
આ સાંભળીને ઝંખનાને રાકેશ પર ગુસ્સો આવી ગયો.
ઝંખનાએ વિચાર્યું કે રાકેશને ફોન કરીને ખખડાવી નાખું. પણ હમણાં ફોન કરવો નથી.
પહેલા હું મમ્મીને ફોન કરીને જાણ કરું. મમ્મીને થોડા દિવસ માટે બોલાવું.

ઝંખનાએ એની મમ્મીને ફોન કરીને રાકેશે કરેલા ખરાબ વ્યવહાર બાબતે કહ્યું તેમજ યુવાન કિરણે બેબીને એની પાસેથી બચાવી હતી. મમ્મીને વિનંતી કરી કે તમે પપ્પા સાથે થોડા દિવસ માટે મારી પાસે રહેવા આવી જાવ.
-----



ઝંખનાની મમ્મી ચિંતામાં પડી જાય છે
અને કહે છે કે સારું હું થોડા દિવસ માટે આવીશ. વધુ રહું તો સમાજ ટીકા ટિપ્પણી કરે કે છોકરીના ઘરે જ ધામો નાખ્યો છે. છોકરી કમાણી કરે છે એટલે એના રૂપિયા પર તાગડધિન્ના કરવા દોડી ગયા છે. છોકરાના કમાવાના ઠેકાણા નથી. આવું ઘણું બોલે એટલે સમાજના ડરના કારણે વધુ દિવસ રહી શકવાની નથી. હું એકલી આવું તો તારા પપ્પા અને તારા ભાઈને જમવાની તકલીફ પડે.

ઝંખના..
સારું મમ્મી, તમે પપ્પા સાથે રહેવા આવી જાવ. શક્ય હોય તો ભાઈને પણ લેતા આવજો. મારે ભાઈનું થોડું કામ છે. એના કામકાજ તેમજ એની કેટલીક વિગતો પૂછવી છે. તમે બધા આવશો તો હું નિશ્ચિત બનીશ. સમાજનો ડર રાખવો નહીં ‌ કેટલાક લોકો સમજદાર હોય છે તો કેટલાક લોકોને ટીકાઓ કરવાની ટેવ પડી છે.મારા કેસમાં મારે એકલીએ મારા સાસરિયાં સામે પડવું પડ્યું હતું.એ વખતે સમાજના મોભાદાર લોકો દેખાયા નહોતા.

ઝંખનાની મમ્મી..
સારૂં અમે આવતીકાલે આવીશું. પણ હું આવું ત્યારે તારા ભાઈ બાબતે પણ ચર્ચા કરવી છે. એ હમણાંથી થોડો ખોવાઈ ગયેલો લાગે છે. એ મને કંઈ કહેતો નથી. તું એની બહેન છે તો પૂછી જોજે.

ઝંખના..
સારું મમ્મી.

આટલું બોલીને કોલ કટ કર્યો.

ઝંખના બબડી..
હાશ..થોડા દિવસ તો ચિંતા ઓછી. પણ આચાર્યે કહેલી વાત પર વિચાર કરવા જેવો છે. આચાર્યની ફ્રેન્ડનો સંપર્ક કરવો પડશે. દિકરીને બીજા કોઈને સોંપવી નથી. મારી સાથે મારી દિકરીને સ્વીકારી લે એવો યુવાન જોઈએ. 

શું હું મારો બાયોડેટા શાદી ડોટ કોમ પર રજીસ્ટર કરાવું. એમાં ડાયવોર્સ લખવાનું છે. જે સાચું હોય એ લખવું. કોઈને અંધારામાં રાખવા નથી.

આટલું વિચારીને ઝંખનાએ શાદી ડોટ કોમ પર પોતાનો બાયોડેટા રજીસ્ટ્રેશન કરાવી દીધો.
પછી એ સર્ચ કરાવા લાગી. પણ તેને કોઈ યોગ્ય યુવક દેખાયો નહીં.
પછી વિચાર્યું કે પછી બીજા બાયોડેટા જોઈશ. હમણાં બેબી તરફ ધ્યાન આપું.
-------------
ખુશ થઈને કિરણ સાંજે ઘરે પહોંચી ગયો.
આજે તો સાહેબ પણ મારા કામના કારણે ખુશ થઈ ગયા હતા.
હાઈસ્કૂલમાં પણ કામ પૂરું કરી દીધું. હવે મારે મારા જીવન પ્રત્યે ગંભીર બનવું પડશે.

ઘરમાં આવીને કિરણે એની મમ્મીને હાઈસ્કૂલમાં બનેલી બધી વાતો કરી.

કિરણની મમ્મી બોલી.
હું તને પહેલેથી કહેતી હતી કે તું મેરેજ કરી લે. હું પણ સિંગલ મધર તરીકે જીવી હતી. હવે તો તમે બંને મોટા બની ગયા છો. મારું જીવન તમારા આશરે જ છે. હવે તારી વહુ જોવાની ઈચ્છા છે. તારી બહેનના લગ્ન થઈ જાય એટલે ગંગા નાહ્યા.

કિરણ..
સારું મમ્મી.. હવે હું આજથી એ બાબત પર ગંભીર બની ગયો છું.મને લાગે છે કે મેઘના મેડમ આપણી નાતના છે. એ કદાચ તમને ફોન કરશે.ઓહ.. પણ એમની પાસે તમારો નંબર નથી કે પછી મારો ફોન નંબર પણ નથી. આવતી કાલે હાઈસ્કૂલમાં ફોન કરીને એમનો ફોન નંબર લેવો પડશે.

એટલામાં કિરણના મોબાઈલની રીંગ વાગી.
જોયું તો એની ફ્રેન્ડ મીનુંનો કોલ હતો.
કિરણ બબડ્યો..
હવે શું છે? એણે મને દગો કર્યો અને હવે કોલ કર્યા કરે છે. શું કામ હશે? કામ વગર ફોન કરે જ નહીં.
----
આસાન નથી સિંગલ મધર તરીકે જીવવું,
જવાબદારીઓનો ભાર, મનમાં રહી જીવવું.
સમાજના શબ્દો, ટીકાઓની વાતો,
ખુદને સંભાળી, સહન કરવાની શક્તિની આ વાતો.


પોતાના સંતાનની, સંભાળ રાખવાનો ભાર,
પ્રેમ અને કાળજી, આપવી પડે છે દિલદાર.
શિક્ષણ, સંસ્કાર, ભવિષ્યની ચિંતા,
એકલવાયા પ્રવાસમાં, દિલને શાંતિ આપવી.
( વધુ હવે પછીના ભાગમાં)
- કૌશિક દવે