મેં રડવાનું બંધ કરી દીધું. થોડી વારમાં જાન પણ આવી ગઈ ને બધા જાન આવકારવા ચાલ્યા ગયા. મારી પાસે ફક્ત દાદી હતા. પણ વાડીમાં જાણે નીચેથી કોઈના લડવાનો અવાજ આવતો હતો પણ કંઈ ખબર પડતી ન હતી. થોડીવારમાં મારા કાકાની છોકરી આવી મારી પાસે મેં એને પૂછ્યું શું થયું કેમ નીચેથી ખૂબ અવાજ આવતો હતો તો એણે કહ્યું કે જાન તો આવી ગઈ પણ તમારા એક કાકા ને વ્યવસ્થા અધૂરી લાગી એટલે થોડી બોલાચાલી થઈ ગઈ. આ વાત જાણીને હું ફરી રડવા લાગી. મને મારા પપ્પાની ફિકર થતી હતી. આગલા દિવસે જ એમના ધબકારા અને પ્રેશર વધી ગયા હતા. લગ્ન માં કંઈ અડચણ આવશે તો એમની તબિયત બગડશે એની મને ચિંતા હતી. મારા દાદી મારા કાકાની છોકરીને ખીજવાયા કે તારે આ વાત અહીં આવીને કરવાની શું જરૂર હતી ? તને આનો સ્વભાવ તો ખબર છે. એના પપ્પાની વાત આવે ત્યાં એ કંઈ સહન ન કરી શકે ખબર તો છે પછી કેમ આ વાત અહીં કરે છે ? એટલામાં મારી બેન ને જીજાજી આવ્યા. એમણે કહ્યું કંઈ નથી થયું બધું બરાબર છે. નીચે લગ્નની વિધિ શરૂ થઇ ગઈ છે. પણ એ જ સમયે મને ઠંડી લાગીને તાવ આવી ગયો. તાત્કાલિક અમારા ફેમિલિ ડોકટરને બોલાવ્યા અને મને દવા આપી લગભગ અડધો કલાકમાં તો તાવ ઉતરી ગયો. એમણે કહ્યું લગ્નની દોડધામ અને થાકને લીધે આમ તાવ આવી જાય. વાંધો નહીં હવે સારું થઈ જશે. આ બધું થતાં રાત પડવા લાગી એટલે પપ્પાએ તમારા બેનના સસરાને પૂછયું કે જાન તો જમવાની વાર લાગશે અમે અમારા ગામ જવાવાળા સગાઓને જમાડી દઈએ ? ને એમણે હા પાડેલી. એટલે લગ્ન પહેલાં અમારા સગા જમીને ચાલ્યા ગયા. ત્યાર પછી લગ્નની વિધિ શરૂ થઈ. પણ પછી જાન જમાડવાનો સમય થયો ત્યારે પીરસવાવાળું કોઈ ન હતું એટલે પપ્પાનું ટેન્શન વધી ગયું પણ એ સમયે હું જ્યાં નોકરી કરતી હતી એ ઓફિસનો સ્ટાફ હાજર હતો. આગળ કહ્યું એમ મારી ઓફિસમાં બધા છોકરાઓ જ હતા. ને એ લોકોએ પપ્પાને કહ્યું તમે ફિકર ના કરો અમે બધું સંભાળી લઈશું. ને એ લોકોએ આખી જાન ખૂબ સારી રીતે જમાડી. કોઈને કંઈ પણ તકલીફ ન પડવા દીધી. ને પછી એ બધા લગ્ન પૂરા થયા ત્યાં સુધી રોકાયા હતા. ને જાન વિદાય થઈ એટલે કે મારી વિદાય પછી એમણે પપ્પાને વાડી ખાલી કરવામાં પણ મદદ કરી હતી. આપણા લગ્ન થઈ ગયા. વિદાય થતી વખતે હું ખૂબ રડી. મને પપ્પાની ખૂબ જ ફિકર હતી. ભાઇને કહ્યું તું ડાહ્યો થઈ જજે અને પપ્પાને સાચવજે. જીજાજી એ કહ્યું તું શું કામ ફિકર કરે છે અમે બધા છીએ ને. મને વધારે રડવું એ વાતનું પણ આવ્યું કે મારા પપ્પાએ એમના બેન બનેવી અને ભાઈ માટે લગભગ બધું જ કર્યું હતું. એમને જ્યારે જરૂર પડી પપ્પા એ એમને હંમેશા મદદ કરી હતી. પણ આજે મારા લગ્નમાં કોઈ પણ પપ્પાની મદદ માટે હાજર ન હતું. મારી વિદાય સુધી પણ મારા ફોઈ ફુઆજી રોકાયા ન હતા. લગ્નમાં આવેલ મહેમાનની જેમ તેઓ પણ જમીને નીકળી ગયા હતા. પપ્પાને જયારે સૌથી વધારે એમની જરૂર હતી ત્યારે કોઈ પણ ત્યાં હાજર ન હતું. મારી વિદાય વખતે બસ મારા મમ્મી - પપ્પા, કાકા - કાકી, એમના સંતાનો અને મારો ભાઈ, બેન - બનેવી અને મારી ઓફિસનો સ્ટાફ બસ આટલા જ હતા. તમારે ત્યાંથી કોઈએ પપ્પાને પૂછયું કે તમારા બેન બનેવી કેમ નથી તો પપ્પાએ કહી દીધું કે મારા બનેવીની તબિયત સારી નથી રહેતી એટલે એ લોકો નીકળી ગયા. એમના સંતાનો પણ રોકાયા ન હતા. અને આપણે લગ્ન કરીને તમારા ઘરે એટલે કે મારા સાસરે આવી ગયા આમ એટલે લખું છું કે લગ્નના ત્રીસ વર્ષ પછી પણ મને તમારી મમ્મીએ પારકી ગણી છે એની સાબિતી હમણાં તમારી સામે જ એમણે આપી પણ તમારાથી મારી તરફેણમાં એક શબ્દ પણ ન બોલાયો.