એ ગરબાની રાત મને ખૂબ લાંબી લાગી. કારણ કે છેલ્લા ચાર વર્ષથી મેં ગરબા રમવાનું છોડી દીધું હતું. મને દરેક જૂની વાતો એ રાતે ફરી યાદ આવી ગઈ. બીજા દિવસે હું ઘરે આવી ગઈ. મને કંઈ ગમતું ન હતું. હું ફરી જાણે ચાર વર્ષ પહેલાના દિવસોમાં જીવી રહી હતી. પણ હું વધારે એ રીતે રહી શકું એમ ન હતું. અને ફરી હું વર્તમાનમાં આવી ગઈ. થોડા દિવસમાં તમારો જન્મ દિવસ આવ્યો. મારા ઘરેથી તમને ભેટ તરીકે બ્રેસલેટ આપ્યું હતું. તમે મને ફરી એ દિવસે તમારા ઘરે લઇ ગયા. ત્યાંથી આવતા રસ્તામાં તમે મને એક ખેતરમાં લઈ ગયા અને ફરીથી ત્યાં મારી મરજી પૂછ્યા વિના સંબંધ બાંધ્યો. આ વખતે પણ મને આ વસ્તુ ગમી જ ન હતી પણ મારી પાસે ના પાડવાનો કોઈ રસ્તો જ ન હતો. ફરી પાછી એ જ દર્દ માં હું ઘરે આવી. મારાથી આ સહન ન થતું હતું. પણ કોને કહું કંઈ સમજ જ પડતી ન હતી. ફરી બીજા દિવસે મારી સહેલી સાથે વાત કરી. એણે મને કહ્યું તારે એમને કહેવું જોઈએ ને કંઈ થઈ જશે તો જવાબ કેવી રીતે આપીશું ઘરમાં ? મેં કહ્યું મારાથી કંઈ બોલાતું જ નથી. બસ જેમ કહે તેમ કર્યા કરું છું. તો મારી સહેલીએ મને કહ્યું તું એમની સાથે જવાનું બંધ કરી દે. મેં કહ્યું એ શક્ય નથી. હવે તો દિવાળી આવે છે અને અમારામાં પહેલી દિવાળીએ સાસરે ચાંદીના દીવા મૂકવાનો રિવાજ હોય છે. એટલે મારે જવું તો પડશે જ. એટલે એણે કહ્યું તો તારે ના પાડવાની હિંમત રાખવી પડશે. મેં કહ્યું જોઈએ આગળ શું થાય છે તે. દીવા મૂકવા આવતા પહેલાં પણ તમારી મમ્મીને મારા પપ્પાએ પૂછયું હતું કે જે વ્યવહાર કરવાનો હોય તે કહી દેજો અમને કંઈ ખબર ન પડે. અને મમ્મીએ જેમ કહ્યું હતું તેમ જ મારા પપ્પાએ કર્યું. દિવાળી વીતી ગઈ. પણ આ વખતે હું ઘરે રહેવા આવી હતી તો પણ તમારા તરફ્થી એવી કોઈ માગણી ન હતી એટલે મને હાશકારો થયો. પણ ફરી મમ્મીએ મને કહ્યું આપણે તારા માટે મંગળસૂત્ર લઈશું અને બંગડી લેવી પડશે તો તું તારું માપ આપી જજે. વળી, એમ કહે કે તારા પપ્પાએ બંગડી કરાવી હોય તો આપણે બીજું કંઈ કરાવી દઈશું. એટલે મેં એમને કહ્યું કે મારા પપ્પાએે તો સોનાનો સેટ, બંગડી અને કંગન કરાવ્યા છે. એટલે પછી કહે તો આપણે અત્યારે ખાલી મંગળસૂત્ર કરાવીએ પછી કોઈ પ્રસંગ આવે ત્યારે બીજું કંઈ કરાવી દઈશું. મેં તો ભોળા ભાવે એમને કહી દીધું પણ આગળ કહ્યું તેમ એમની વાત કઢાવવાની આ રીત હતી. પછી હું ઘરે આવી ગઈ. ઘરે આવીને ત્યાં જે વાત થઈ હતી તે મમ્મીને કરી. કાકી પણ ત્યાં જ હતાં. એેમણે કહ્યું તને ખબર ન પડી પણ એ બીજું કંઈ કરાવવાના જ ન હતા મંગળસૂત્ર સિવાય. એમણે આ રીતે વાત કરીને જાણી લીધું તારી પાસે કે તને અહીંથી શું આપવાના છે. મને એ વાત એમની ત્યારે ખોટી લાગી હતી. પણ એ સાચા હતા. થોડા જ સમયમાં લગ્ન હતા. જેમ લગ્નનો દિવસ નજીક આવતો હતો એમ મને ગભરામણ થતી હતી. અમારા ઘરેથી તમારા ઘરે કંકોત્રી મોકલવાની હતી એટલે તમારી સાથે તમારી મમ્મીએ કહેવડાવ્યું હતું કે કંકોત્રી સાથે જે સોનાની વસ્તુ લીધી છે તે પણ મોકલજો એ અમે ઘરેણું ચઢાવવા આવીશું ત્યારે લઈ આવશું. આવો જ રિવાજ છે. અમને તો ખબર હતી નહીં અને અમે તો એમણે જેમ કહ્યું તેમ જ કર્યું. ભાઈ કંકોત્રી લઈને ગયો ત્યારે એની સાથે મારા કાકાના બે દિકરાઓ પણ ગયા હતા. એ દિવસથી મારી સહેલી મારી સાથે ઘરે રહેવા આવી ગઈ હતી. ભાઈ ઘરેથી નીકળ્યો પછી હું ખૂબ જ રડી. હવે નક્કી જ હતું કે મારે લગ્ન કરવાના છે.