હું ઘરમાં કંઈ બોલતી ન હતી. મને હવે ડર લાગતો હતો કે તમે લગ્ન ની ના ન પાડી દો ? એટલામાં આપણા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. મને થોડી હાશ થઇ. તમે મળવા આવેલા તમારી રજાના દિવસે. એટલે મને શાંતિ થઈ કે હવે તમે લગ્ન માટે ના ન પાડો. લગ્નની તારીખ નક્કી થઈ એટલે લગ્નની ખરીદી પણ શરૂ થઈ ગઈ. તમારા ઘરેથી એક દિવસ મમ્મી, બેન ને કાકી આવ્યા હતા મારા માટે સાડી લેવા. મને પણ બોલાવેલી પસંદ કરવા. આ વખતે પણ એવું જ થયું. મેં જે પસંદ કરી તે ન લીધી અને બેને જે નક્કી કરી મારા માટે તે લીધી. પાંચ સાડી લીધેલી પણ બધી જ બેન ની પસંદગીની. ફરી મેં એ જ થવા દીધું જેમ એ લોકોએ કહ્યું. એ દિવસે બેનનું કોઈ ઘરેણું રીપેર કરવા આપેલું તે લેવામાં હજી બે ત્રણ કલાક વાર હતી એટલે મેં એમને કહ્યું ઘરે ચાલો પછી સમય થાય ત્યારે લઈને નીકળી જજો. અને એ લોકો ઘરે આવેલા. ઘરે બા, મમ્મી, કાકી બધા જા હતા. હું અને મમ્મી એમના માટે નાસ્તો બનાવવા રસોડામાં ગયા એટલે કાકી એમની સાથે વાત કરવા બેઠા. બા પણ ત્યાં જ હતા. ઘણી વાતો કરી એ લોકોએ. એ લોકોના ગયા પછી મારા કાકીએ મને કહ્યું કે તારી નણંદ જો નજીક હોય ને તો તારા સાસુ સવાર સાંજ એને રાંધીને મોકલાવે એવું છે. સાચવજે તું. મને ખબર ન પડી કે એ શું કહેવા માગે છે. મેં થોડીવાર વિચાર્યુ પણ કંઈ ન સમજાયું એટલે એ વાત ત્યાં જ છોડી દીધી કે જા જે હોય તે અત્યારે શું કામ વિચારવાનું ? ને પછી શ્રધ્ધ શરૂ થયા. તમારા ઘરેથી કહેવડાવ્યું હતું કે દાદીના શ્રાધ્ધ માટે મારે ત્યાં જવાનું છે અને તમે લેવા આવ્યા હતા. એ દિવસે તમારી મમ્મીએ મને કહ્યું હતું કે ઉપર તમારા માટે રુમ તૈયાર કરાવવાનો છે તો પલંગ ને કબાટની ડિઝાઇન તમે લોકો નક્કી કરીને કહી દેજો તો લગ્ન પહેલાં બનાવડાવી દેવાય. ત્યારે મેં એમને કહ્યું હતું કે પલંગ ને કબાટ તો પપ્પા કોઈક જગ્યાએ નક્કી કરી આવ્યા છે એટલે તમે શું કામ કરાવવાના ? આ તમારી મમ્મીની એક રીત હતી મારા ઘરેથી પપ્પા શું આપવાના છે એ જાણવાની. મને ખૂબ મોડેથી ખબર પડી. મેં કહ્યું ને કે મને દુનિયાદારી ખબર જ ન હતી. દરેક વ્યક્તિ મારા માટે સારી જ હતી. કોઈના મનમાં કપટ પણ હોય એ મને મારી જીંદગીના પચાસમા વર્ષે ખબર પડી. આ તો પલંગ અને કબાટની વાત થઈ. પછી નવરાત્રિ આવી. તમારે ત્યાં બાજુમાં કાકાને ત્યાં પેઢીના જવારા વવાય. એટલે મને કહ્યું હતું કે એક દિવસ નવરાત્રિમાં અહીં આવજે એ દિવસે આપણે માતાજીનો પ્રસાદ ધરાવીશું. અને મારી રજાના આગલા દિવસે તમે મને લઈ ગયા હતા. હું તો નવરાત્રિના ઉપવાસ રાખતી એટલે જમવાનું તો હતુ નહીં ને બીજું કંઈ હું ખાતી ન હતી. એટલે ઘરે આવીને મેં પ્રસાદની ને બીજી તૈયારી કરી. ને રાત્રે બધા ફળિયામાં ગરબા ગાવા ભેગા થયા. પણ ગરબા શરૂ થતાં જ મને મામાનું ગામ ને એમની યાદો આવવા લાગી. મારી આંખમાં પાણી ભરાવા માંડ્યા અને હું ગરબામાંથી નીકળીને પાણી પીને આવું છું કહી ઘરમાં ચાલી ગઈ અને પાછળના ભાગે જઈને ખૂબ રડી. જ્યારે મને લાગ્યું કે હવે મારી આંખમાંથી પાણી નહીં આવે ત્યારે હું ગરબા ગાવા પાછી આવી. મમ્મીએ પૂછ્યું પણ ખરું કે ખૂબ વાર લાગી તો મેં કોઈક બહાનું બનાવી દીધું અને ગરબા રમવા માંડી.