હું આખા રસ્તે વિચારતી હતી કે તમને ડર લાગે છે કે હું તમને તમારા માતા પિતાથી અલગ કરી દઈશ. એટલે જ એ સિવાય બીજી કોઈ વાત ન કરી. આપણે ગામ તમારા ઘરે પહોંચ્યા. તમારા ઘરે તો તમારા માતા પિતા સિવાય કુટુંબીઓ અને આખા ફળિયાના લોકો હતા. હું તો જોઈને નવાઈ પામી કે આ બધું શું છે ? પછી તમે કહ્યું કે અહીં તો આવું જ ચાલે. કોઈ એક ઘરની ખુશી હોય તો બધા જ એમાં સામેલ હોય. મને એમાં કંઈ વાંધો ન હતો પણ જતા પહેલાં તમે એકવાર કહ્યું હોત કે આવું હશે તો મને આવો આંચકો ન લાગતે. ઘરમાં બેઠા પછી બધાએ મને કંઈ ને કંઈ પૂછવાનું શરૂ કર્યું. મેં જવાબ તો આપ્યા પણ એવું લાગ્યું કે જે તમે કે તમારા મમ્મીએ મને પૂછવાનું હતું એ બહારના લોકોએ મને પૂછયું. વચ્ચે એક બે વખત મેં તમારું નામ લઈને વાત કરી તો ફળિયાના એક દાદીએ કહી દીધું કે અહીં નામ લઈને વાત ન કરવાની. અમારે ત્યાં તો આવું કંઈ હતું નહીં. મને કહેવાનું મન થઈ ગયેલું કે એમાં શું થઈ ગયું? પણ તમે ઈશારાથી મને ન બોલવાનું કહ્યું એટલે હું ચૂપ રહી. થોડીવાર ત્યાં રોકાયા પછી તમે મને મારા ઘરે મૂકી ગયા. આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક મારા મગજમાં એમ જ હતું કે લગ્ન નથી કરવા. અને હું માંદી પડી. એટલી બધી માંદી પડી કે મારી આંખ ખૂલતી જ ન હતી. બસ હું સૂઈ જ રહેતી ને બબડાટ કર્યા કરતી હતી કે મારે લગ્ન નથી કરવા. ત્યારે જ તમારી બેનની દિકરીને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ રમત રમત માં દાણો ગળી ગઈ હતી જે એના ગળામાં ફસાઈ ગયો હતો અને ઓપરેશન કરવું પડ્યું હતું. એટલે તમને ખબર જ ન કરેલી હું બિમાર છું. લગભગ સાતેક દિવસ મને એવું ને એવું રહ્યું હતું. અમારા ફેમિલિ ડોકટરની દવા લીધી પણ કંઈ ફેર પડતો ન હતો. અને પછી કોઈએ મારા પપ્પાને કહ્યું કે એને કોઈ સાઇકોલોજિસ્ટ ને બતાવો. પપ્પાની ઈચ્છા ન હતી પણ મારી તબિયતમાં કંઈ ફેર જ હતો એટલે પપ્પા મને એક સાઈકોલજિસ્ટ ને બતાવવા લઈ ગયા. મને કંઈ ભાન જ ન હતું. ડોકટરે મારા પપ્પાને કહ્યું કે તમે આની કોઈ મિત્રને પૂછયું કે આ આવું કેમ બોલે છે ? પપ્પાએ ના પાડી. તો એમણે કહ્યું કે એની મિત્રને બોલાવો હું વાત કરું. પપ્પાએ મારી મિત્રને બોલાવી ને એને પૂછયું કે એવી કોઈ વાત છે જે તમે જાણતા હોવ અને અમને ન ખબર હોય. મારી મિત્ર જાણતી હતી પણ એ કંઈ કહી શકે એમ ન હતી કારણ કે મેં એને કહ્યું હતું કે મારા ઘરમાં કોઈને પણ કોઈ દિવસ કંઈ પણ ખબર ન પડવી જોઈએ નહીંતર પપ્પા દુખી થઈ જશે જે મારાથી સહન ન થાય. અને મારી મિત્ર એ ફક્ત એટલું જ કહ્યું કે ના એવું કંઈ હતું નહીં પણ એ પહેલેથી જ લગ્ન કરવાની ના પાડતી હતી. એટલે ડોકટરે પછી અમુક દવાઓ લખીને અમને ઘરે મોકલી આપ્યા. આ એ દિવસો હતા જે દરમિયાન શું થયું મને કંઈ જ ખબર ન હતી. પછીથી બેન અને ભાઈએ મને કહ્યું હતું ત્યારે ખબર પડેલી કે આવું બધું પણ થયું હતું. ડોકટરને ત્યાંથી આવ્યા પછી પપ્પાએ મને પાસે બેસાડીને કહ્યું હતું કે તારે કેમ લગ્ન નથી કરવા ? પણ મને કંઈ ખબર જ હતી. હું શું જવાબ આપું હું ભાનમાં જ ન હતી. પણ એટલી વારમાં પપ્પાની આંખમાંથી આંસું આવવા માંડ્યા. પપ્પા રડતા હતા અને એ સમયે મને કંઈક ભાન આવ્યું ને મેં પપ્પાને પૂછયું શું થયું ? તમે કેમ રડો છો ?