મામાએ મમ્મીને એમ પણ કહ્યું કે શહેરમાં પણ તો એના માટે છોકરો મળશે જ ને ગામમાં કેમ લગ્ન કરાવવા છે ? પણ મમ્મી પણ પપ્પા જે કહે તે જ કરતી એટલે એણે પણ કોઈ વાંધો ન ઉઠાવ્યો. મામાએ મને કહ્યું કે તું ના પાડ. ગામમાં કેમ લગ્ન કરવા છે ? પણ મને વિચાર આવેલો કે તમે મારા પગ પર ડાઘા જોયા પછી પણ તૈયારી બતાવી છે મતલબ તમે સારા જ છો. અને પપ્પાએ બધું જોઈને પછી જ વાત આગળ ચલાવી હોય એટલે ના પાડવાનું કોઈ કારણ મારા તરફથી હતું જ નહીં. એટલે મામાએ હારી થાકીને વાત પડતી મૂકી. તમે ઘરે આવ્યા તમારા બનેવી સાથે. તમારા બનેવીને બધા ઓળખતા હતા એટલે બધા એ વાત કરી. થોડી ઔપચારિક વાતો કરીને તમે નીકળી ગયા. બે ચાર દિવસ પછી તમારા તરફથી કહેણ આવ્યું કે તમે મને તમારા દાદીને મળવા જવા માંગો છો. પપ્પાએ હા પાડી. ને તમારી રજાના દિવસે તમે આવ્યા મને લેવા માટે. હું તૈયાર થઈ તમારી સાથે નીકળી. મને એમ જ હતું કે તમે મને તમારા ગામ લઈ જશો. પણ તમે તો અમે જ્યાં રહેતાં હતાં ત્યાંથી નજીક જ એક ઘરે લઈ ગયા. ત્યાં એક દાદી હતા અને બીજા તમારા ફોઈ. ત્યાં લઈ જઈ તમે મને કહ્યું કે આ મારા દાદી અને ફોઈ છે. મને તો એવી ખબર હતી કે તમે ગામ રહો છો પણ આ લોકો તો શહેરમાં અમારી નજીક જ રહે છે. મારા મનમાં અનેક સવાલો ઊભા થયા પણ પૂછવાની હિંમત ન કરી કારણ કે કદાચ પપ્પાને ખબર હોય અને એમણે મને વાત ન કરી હોય એવું બને એમ મેં વિચાર્યુ. ત્યાંથી નીકળીને તમે મને મારા ઘરે મૂકીને નીકળી ગયા. મમ્મીને પણ નવાઈ લાગી કે ગામ જઈને આટલું જલ્દી કેવી રીતે આવી જવાય. પણ તમે હતા એટલે મમ્મીએ કંઈ પૂછયું નહીં પણ તમારા ગયા પછી તરત જ મને પૂછ્યુ કે તમે ના ગયા કેમ પાછા આવી ગયા ? ને મેં મમ્મીને કહ્યું કે અમે તો નજીકમાં જ એક ઘર છે ત્યાં એમના દાદી અને ફોઈ રહે છે ત્યાં જઈ આવ્યા. એ લોકો ગામ નથી રહેતા. મમ્મીને પણ આ બાબતે કોઈ જાણ ન હતી. એટલે અમે પપ્પાના ઘરે આવવાની રાહ જોઈ. પપ્પા આવ્યા પછી પપ્પાને પૂછયું તો એમણે કહ્યું કે હા એમને ખબર છે. હકીકતમાં છોકરાના એટલે કે તમારા દાદાએ બે લગ્ન કરેલા. પહેલી પત્નીના બે દિકરા એટલે તમારા પિતા અને કાકા જે વર્ષોથી અમેરિકામાં રહે છે. અને બીજી પત્ની ની એક દિકરી જેને હું મળીને આવી. પહેલી પત્નીના મૃત્યુ પછી એમણે બીજા લગ્ન કરેલા અને એ લોકો શહેરમાં જ રહેતા હતા. એટલે હું જેને મળીને આવી એ તમારા સાવકા દાદી અને ફોઈ હતા એ મને ખબર પડી ગઈ. પણ પપ્પાએ આ વિશે મને કે ઘરમાં કોઈને પણ વાત ન કરેલી. મમ્મી જરા પપ્પા પર ગુસ્સે થયા કે તમારે પહેલાં આ કહેવું જોઈતું હતું ને. આપણે સંબંધ બાંધવાની ના ન પાડીએ પણ આને એટલે કે મને ઘર વિશે પૂરી માહિતી હોવી જોઈએ. પપ્પાએ કહ્યું એમાં શું થઈ ગયું? મને પણ થયું કે કંઈ નહીં જે હોય તે શું ફરક પડે છે ? અને મેં કંઈ કહ્યું નહીં. પછી થોડા દિવસ પછી તમે ફરી કહેવડાવ્યું કે હવે તમે મને ગામ લઈ જશો તમારા પપ્પાને મળવા માટે. ને પપ્પાએ હા પાડી. મારા ઘરેથી તમારા ઘરે પહોંચતા લગભગ ચાલીસ જેટલી મિનિટ થયેલી. પણ એ ચાલીસ મિનિટમાં તમે મને એક પણ વખત એમ ન પૂછેલું કે તને શું ગમે કે શું ન ગમે ? પણ આખા રસ્તે એક જ વાત કર્યે રાખેલી કે મારી મમ્મીએ જીવનમાં ખૂબ દુઃખ જોયા છે એટલે જીવનમાં ક્યારેય પણ એની સામે કશું બોલતી નહીં. ઘરમાં તો મમ્મી જે કહેશે તે જ થશે. બસ આવું જ બધું તમે બોલ્યા કરેલું. મને એમ લાગ્યું કે તમને એવું હશે કે હું શહેરમાં મોટી થઈ છું એટલે કદાચ તમને તમારા માતા પિતાથી અલગ કરી દેવા એવી બીક હશે એટલે આવું કહ્યું.