આગળના ભાગમાં આપણે જોઈ ગયા કે ધનરાજ શેઠ શ્રાપિત ધન વેચવા જાય છે આગળ.....
પછી ધનરાજ શેઠ બે-ત્રણ વેપારીઓ પાસે પોતાના દાગીના બતાવવા જાય છે. જ્યાં સારો ભાવ મળે છે, ત્યાં દાગીના વેચી દે છે. ત્યારબાદ, થોડાક રૂપિયા વેપારમાં રોકે છે, પોતાનું ઘર સુધારે છે અને પત્ની તથા છોકરાઓને ઘરે તેડાવી લે છે.શેઠનો ધંધો સારો ચાલવા માંડે છે, પણ છોકરાઓ દિવસે-દિવસે તોફાની અને ઉધત થતા જાય છે. ધનરાજ શેઠની પત્ની, કુમુદબેન, ધીમે-ધીમે બીમાર થવા લાગે છે. અચાનક એક રાતે ઘુવડ પાછું આવે છે અને તેમના છાપરાએ બેસે છે. ઘુવડ ઘરના ઉપર જોર-જોરથી બોલવા લાગે છે – "ઘુ... ઘુ... ઘુ..."શેઠ ઘણી કોશિશ કરે છે. પથ્થર ફેંકે છે, માણસોને ઉપર ચડાવી ઉડાડવા પ્રયત્ન કરે છે, પણ ઘુવડ પાછું ફરીને ત્યાં જ બેસી જાય છે. જાણે કે તે પક્કો નિર્ણય લઈને આવ્યું હોય – "એકનો જીવ લઈને જ જઇશ!"તે જ રાત્રે, કુમુદબેનનું અવસાન થઈ જાય છે. બીજે દિવસે સવારે, જ્યારે કુમુદબેનના પાર્થિવ શરીરને બહાર લઈ જવામાં આવે છે, ત્યારે ઘુવડ ગોળ-ગોળ ચક્કર મારવા લાગે છે અને પછી ઊડી જાય છે. સૌ એ દ્રશ્ય જોઈને અચંબિત રહી જાય છે.ધનરાજ શેઠ હવે સમજી જાય છે કે આ ધન શાપિત છે. "આ ધનને લીધે મેં મારી પત્ની ગુમાવી," તે વિચાર કરે છે. એટલે, ધનરાજ શેઠ તે ધનને કારખાનાની જમીનમાં એક ઠેકાણે દાટી દે છે અને નિશાની માટે એક લાલ પથ્થર તેના ઉપર ચણી નાખે છે.કુમુદબેનના મરણને હજી બે-ત્રણ મહિના જ થયા હોય, પણ ઘરમાં કોઈ સંભાળવાનો ન હોવાથી બધી જવાબદારી ધનરાજ શેઠની મોટી દીકરીના માથે આવી જાય છે.આ જોઈ ધનરાજ શેઠની બહેન તેને સલાહ આપે છે – "ભાઈ, તું બીજા લગ્ન કરી લે. જેથી છોકરાઓ પણ સંભળી જશે અને તું પણ ઘરનું સુખ જોઈ શકીશ."શેઠ ગંભીર વિચાર કરે છે અને છેલ્લે બીજા લગ્ન કરી લે છે. નવી પત્ની, વસુધા, સંસ્કારી અને સજ્જન હોય છે. તે ત્રણેય બાળકોને સાચવી લે છે.થોડા સમય પછી, વસુધાને એક નાની દીકરી થાય છે, જેનું નામ ‘ફૂલ’ રાખે છે. શેઠ હવે પોતાના ધંધામાં ફરીથી મગન થઈ જાય છે. મોટી દીકરીને પરણાવી દે છે. બંને દીકરા ભણતા હોય છે, પણ મોટો દીકરો ભણવામાં રસ ન રાખે.દરરોજ શેઠ પાસે તેની કોઈ-ને-કોઈ ફરિયાદ આવે – "તમારો મોટો દીકરો સ્કૂલમાં માથાકૂટ કરે છે!" શેઠ કંટાળી જાય છે. એક દિવસ ગુસ્સે ભરાય અને બંને દીકરાઓને ગોળના ઝાડ નીચે ઊંધા લટકાવી લાકડીએ મારવાનું શરૂ કરે છે...વસુધાને હવે સમજાય છે કે ધનરાજ શેઠ ઘણા ક્રૂર થઈ ગયા છે. “આટલી સખત સજા બાળકો માટે યોગ્ય નથી,” તે મનોમન વિચારે છે, પણ શેઠનો ગુસ્સો જરા પણ ઓસરતો નથી.થોડા જ દિવસ પછી, વસુધાને અચાનક પેટમાં તીવ્ર દુખાવો શરૂ થાય છે. શેઠ તરત જ હોસ્પિટલમાં દાખલ કરે છે. ડોક્ટરો ઓપરેશન કરે છે, પણ ભૂલથી એક નસ કપાઈ જાય છે, અને વસુધા કાયમ માટે પથારીવશ થઈ જાય છે.હવે ઘરની તમામ જવાબદારી ધનરાજ શેઠ પર આવી પડે છે. શેઠ મનોમન વિચારે છે. મોટો દીકરો ભણવામાં રસ રાખતો નથી, અને નાનો દીકરો રોજ નવી શરારત કરતો રહે છે.એક દિવસ શેઠના સ્કૂલે ફોન આવે – “તમારા નાના દીકરાએ બીજી સ્કૂલના છોકરાને માર માર્યો છે!”શેઠનો પારો ફરી એકવાર ચડી જાય છે. તે ઘેર આવે છે અને વનરાજસિંહ, તેના નાના દીકરાને, પકડીને ગોળના ઝાડ નીચે ઊંધો લટકાવી દે છે. લાકડીઓના પ્રહારો ફરીથી શરૂ થાય છે.સંપૂર્ણ પાડોશી એકઠા થાય છે. “શેઠ, છોડી દો, છોકરો લોહી-લુહાણ થઈ ગયો છે!”અટકાવવાના પ્રયત્ન છતાં, શેઠ કોઈની એક સાંભળતો નથી. આખરે, નાની દીકરી ફૂલ, પાણીનો ગ્લાસ લઈને આવે છે અને તેના પિતાને કહે છે –“બાપુજી, ભાઈને આટલું કેમ માર્યું? એનો શું વાંક હતો?”શેઠ એક ક્ષણ માટે સ્થિર થઈ જાય છે. આંખમાં પાણી આવી જાય છે. તે ધીરેકથી ગ્લાસ ફરીથી દીકરીના હાથમાં મૂકી દે છે અને ધીમા અવાજે ફક્ત એટલું કહે છે – “મારો જ વાંક છે...”