અમે મામાના ઘરેથી નીકળી ગયા. હું ખુશ હતી કે એ મને જોવા મળ્યા. વળી, એ પણ ખાતરી થઈ કે એમને દશેરાના દિવસની મારી વર્તણૂક નું ખોટું નથી લાગ્યું. જો એવું કંઈ હોતે તો એ મામાના ઘરે આવીને બેસતે જ નહીં. હવે મને એમ લાગવા માંડયું કે એમને પણ હું ગમું જ છું. આમ જ વિચારતાં વિચારતાં અમે ઘરે આવી ગયા. પાછું બધું જેમ ચાલતું હતું એમ ચાલવા લાગ્યું. મારું અને મારા ભાઈનુ રિઝલ્ટ આવી ગયું. હું પાસ થઈ ગઈ પણ ભાઈ ફરી પાછો નાપાસ થયો. એણે ફરી પરીક્ષા આપવાની ના પાડી. પણ પપ્પાએ કહ્યું કે દસમું ધોરણ તો પાસ કરવું જ પડે. નહીંતર ક્યાંય નોકરી પણ ન મળશે. જેમતેમ એને પરીક્ષા આપવા સમજાવ્યો. એ જ સમયગાળામાં ખબર પડી કે બેનને સારા દિવસો જાય છે. એટલે બધા ખુશ હતા. બેનના સાસરામાં પણ સારું હતું. બધા બેનની ખૂબ કાળજી રાખતા હતા. એવામાં ઉત્તરાયણ આવી. મમ્મીએ કહ્યું થોડો સામાન છે મામાને ત્યાં આપવાનો તે આપી આવ. મારે તો ફક્ત મામાને ત્યાં જવાનું બહાનું જ જોઈતું હોય. હું અને મારા કાકાની છોકરી ગયા. ઉત્તરાયણ હતી એટલે બધા ઉપર અગાસીમાં પતંગ ચગાવતા હતા. હું અને મારા કાકાની છોકરી પણ અગાસી પર ગયા. મામા સાથે પતંગ ચગાવવા લાગ્યા. મને ખબર ન હતી કે એ ક્યાં રહે છે ? એટલે હું મામાના ઘરની અગાસી પરથી ચારેબાજુ નજર ફેરવતી હતી. આમ તો એમના માસીનું ઘરની અગાસી મામાના ઘરની બાજુમાં જ પડે પણ એ ત્યાં ન હતા. હું એમને શોધતી હતી. પણ બધી જ અગાસી પર બધા ચઢેલા હોય એટલે જલ્દી થી ખબર જ ન પડે કે એ ક્યાં હશે ? એમનું ઘર ક્યાં છે એ પણ તો હું જાણતી ન હતી. પણ એ જે બાજુથી આવતા હતા એ બાજુની બધી અગાસી પર હું નજર ફેરવવા માંડી. તો ઘણું દૂર એક એપાર્ટમેન્ટની અગાસી પર મને લાગ્યું કે એ જ છે. મેં મામાને પૂછયુ કે પેલો કયો એપાર્ટેમેન્ટ છે ? મામાએ એ એપાર્ટમેન્ટનું નામ કહ્યું અને પછી બોલ્યા કે એમના બે ત્રણ મિત્રોએ એમાં ફ્લેટ લીધો છે. મેં તેમના નામ પૂછ્યાં તો એ નામોમાં એમનું પણ નામ હતું. વળી મામા બોલ્યા જો ત્યાં અગાસી પર એ લોકો દેખાય છે. મેં તો એમને જોઈ જ લીધા હતા. હું ખુશ થઈ ગઈ. મને એમ લાગ્યું કે જાણે મારો જ ફ્લેટ લીધો હોય. કોઈવાર તો મને પોતાને વિચાર આવતાં કે હું ગાંડી છું. કોઈ દિવસ એમની સાથે વાત તો કરી નથી ને પોતાની જાતને એમની સાથે જોડ્યા કરું છું. પછી અમે ઘરે આવી ગયા. ફરી ભાઈની દસમાં ધોરણની પરીક્ષા આવી. હું એને કહેતી કે મારી પાસે બેસ હું થોડું ભણાવું તને. પણ એ માનતો ન હતો. ને વગર વાંચ્યે એણે ફરી દસમા ધોરણની પરીક્ષા આપી. એનું રિઝલ્ટ શું આવશે અમને બધાને ખબર હતી. અને ખરેખર એ ફરી પાછો નાપાસ થયો. પછી તો એણે ના જ પાડી કે હવે એ પરીક્ષા નહીં જ આપે. બેનના શ્રીમંતની વિધિ થઈ ગઈ હતી અને એ અમારા ઘરે રહેવા આવી ગઈ. મારું એડમીશન હું જ્યાં ભણતી હતી ત્યાં જ કોલેજમાં થઈ ગયું. એ વખતે પણ મને વિચાર આવ્યો કે શું હજી પણ એ અહીં આવતા હશે ? મને ફરી પાછા જોવા મળશે ? અને જો એ ફરી પાછા મને મળશે અને મારી નજીક આવશે મારી સાથે વાત કરવા તો હું શું કરીશ ?