રવજી અને સવજીએ કરેણના ફૂલોની માળાઓ વડે ટ્રેક્ટર શણગાર્યું હતું. ડ્રાઈવર સીટની પાછળ આસન બનાવીને બાબાને બિરાજમાન કરવામાં આવ્યો હતો. આગળ ઢોલ નગારા અને શરણાઈવાળા સુરીલા સાજ બજાવતા હતા. પાછળ રવજી સવજીના કુટુંબની સ્ત્રીઓ ભગવાનના ગીતો ગાતી હતી. એ સ્ત્રીઓ પાછળ અડધા ગામના લોકો ચાલી રહ્યા હતા. પાદરમાંથી બાબાના સામૈયાનું આ સરઘસ ગામની મુખ્ય બજારે નીકળ્યું હતું. ના છૂટકે તખુભા, હુકમચંદ અને બીજા લોકો પણ સરઘસમાં જોડાયા હતા. પાદરેથી પંચાયત સુધી આ રસાલો લાવવાનો હતો. ભાભા છાતી કાઢીને સૌથી આગળ ચાલી રહ્યા હતા.
બાબાની ના હોવા છતાં ભાભાના કહેવાથી રવજી સવજીએ બાબાનું ભવ્ય સ્વાગત કરવાનું મહાપુણ્ય કમાઈ લેવાનું નક્કી કર્યું હતું.
ચંચો, જાદવો અને બીજા જે કોઈ બાબાના શત્રુઓ હતા એ પણ સરઘસમાં કંઈક નવીન બનવાની રાહ જોતા જોતા જોડાયા હતા. મંગળ ગીતો ગાતી સ્ત્રીઓના ટોળામાં દરેક શેરીમાંથી નવી સ્ત્રીઓ ઉમેરાતી હતી. બાબાનો જયજયકાર પણ થઈ રહ્યો હતો. ટેમુ ટ્રેક્ટર હાંકવા બેઠો હતો.
ગામના છોકરાઓ ઢોલના તાલે નાચી રહ્યા હતા. ભાભાની ઈચ્છા પૂરી થઈ રહી હતી.
પંચાયતમાં આવીને આ સરઘસ સભામાં ફેરવાયું. ચોગાનમાં બનાવેલા સ્ટેજ પર મહાનુભાવોને બેસાડવામાં આવ્યા. જેમાં તખુભા, હુકમચંદ, વજુશેઠ, ભાભા, રવજી સવજી અને પોચા માસ્તર મુખ્ય હતા. લાભુ રામાણી કાર્યક્રમનું સંચાલન કરવા આવી પહોંચ્યા હતા. સ્ટેજની વચ્ચોવચ બાબાને સિંહાસન જેવી ખુરશી પર બેસાડવામાં આવ્યો.
ઓડિયન્સમાં પુરુષો અને સ્ત્રીઓ જમીન પર પાથરેલા પાથરણા પર બેસી ગયા. જે લોકોને બાબા પર જરાય પ્રેમ નહોતો એ ચંચો અને જાદવો, રઘલો અને ઓધિયા જેવા લોકો પાછળ ઊભા ઊભા બાબા વિશે જેમતેમ બોલી રહ્યા હતા.
"ભાઈઓ અને બહેનો..આપણા ગામમાં આજે આ અનેરો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને આપ સૌ કામકાજ છોડીને આટલી મોટી સંખ્યામાં બાબા મહારાજના સ્વાગત સમારંભમાં ઉપસ્થિત રહ્યા છો એ જોઈને આપણા ગામની એકતામાં ચાર ચાંદ લાગી ગયા છે. આ ગામ જ એવું છે કે મારી જેવા બહારગામથી આવેલા લોકોને પણ અહીંથી જવાનું મન થતું નથી..."
ડો. લાભુ રામાણીએ કાર્યક્રમની શરૂઆત કરતા કહેવા માંડ્યું.
"તું સુ લેવા ગામ મેકીને નથી જાતો ઈની અમને ખબર્ય સે...!" જાદવો હળવેથી બોલ્યો. એ સાંભળી ચંચો તરત હસ્યો. "ઓલી નરસ સંપાની બડલી થય જાય તો બીજે દી આ દાગતર ઉપડી જાય હો..!"
પાછળ ઊભેલી આ ટોળકીમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. સ્ટેજ પર બેઠેલો બાબો એ લોકોને ડોળા કાઢીને તાકી રહ્યો.
"તો દોસ્તો આપણા ગામમાં બિરાજમાન તત્વજ્ઞાની અને મહાન પુરાણી એવા ત્રિભુવનભાભાના ઘેર પુત્રરૂપે અવતરેલા દેવી અંશ જેવા બાબાલાલ આજે શાસ્ત્રોમાં નિપુણ બનીને ગામના પામર જીવોનો ઉદ્ધાર કરવા માટે કટિબદ્ધ થયા છે.."
"બોલો...બાબાશંકર શાસ્ત્રીજીની જેય...'' ટેમુએ જોરથી બાબાની જે બોલાવી. પણ સભાએ જોઈએ તેવો પ્રતિસાદ આપ્યો નહિ. એટલે ટેમુએ બમણા જોરે ફરી જે બોલાવી. આ વખતે સભાની પાછળ ઊભેલા ટોળામાંથી કોઈએ રાડ પાડી...
"અલ્યા ભગવાનની જે બોલાવ્ય તો કોક બોલે. આ બાબલાનો ડાબલો તો ખાલી ખખડે સ.."
સભામાં હસહસ થઈ ગઈ. ભાભા ગુસ્સે થઈને ખુરશીમાંથી ઊભા થયા. લાભુ રામાણી સભાને કંટ્રોલ કરવા આગળનું વક્તવ્ય શરૂ કરે એ પહેલાં ભાભાએ ડોકટરના હાથમાંથી માઈક લઈને બોલ્યા, "જુઓ ગામવાસીઓ કેટલાક દુષ્ટ અને પાપી આત્માઓ દરેક સારા કામમાં વિઘ્ન નાખશે જ. આ કળિયુગમાં તો શું સતયુગમાંય પાપીયા તો હતા જ ને! ઋષિમુનિઓ જ્યારે યજ્ઞ કરતા ત્યારે રાક્ષસો એ યજ્ઞ ઓલવી નાંખવા આવી ચડતા. પણ એ દુષ્ટોનો આખરે સર્વનાશ જ થયો ને? પ્રભુ શ્રીકૃષ્ણ પોતે જ ભગવાન હતા તો પણ એમના સમકાલીન દુર્યોધન જેવા અનેક પાપીયા એમને ઓળખી નહોતા શક્યા. એટલે એમનો નાશ થયો કે નહીં? જે પુણ્યશાળી આત્મા હોય એ જ પ્રભુને ઓળખી જાય છે. એવા વિદુર જેવા ભક્તોને ત્યાં પચાસ પકવાન છોડીને ભાજી ખાવા ભગવાન પહોંચી જાય છે. પણ જે સદંતર અંધ છે એ ક્યારેય પરમતેજ પામી શકતા નથી. માટે પાછળ જે દુષ્ટ, નીચ અને અધમ પાપીયા ઊભા છે એ શાસ્ત્રોનું જ્ઞાન લઈને આવેલ મારા પુત્ર પંડિત બાબાશંકરને ડબલું કહીને મહાપાપ વ્હોરી રહ્યા છે. એ દુષ્ટ આત્માઓ ભગવાન સત્યનારાયણના અંશ એવા બાબાને ઓળખી શકવા અસમર્થ છે. હું એ પાપી, નીચ અને અધમ કક્ષાએ ઉતરી ગયેલા દુષ્ટાત્માઓને માફ કરું છું. મારો પુત્ર તોફાની હતો પણ એ તો એની લીલાઓ છે. ખુદ ભગવાન શ્રી કૃષ્ણ કંઈ ઓછા તોફાની હતા? પણ જેને જ્ઞાનની દ્રષ્ટિ નથી, જેણે સાચા દિલથી ભગવનને ભજયા નથી, જે સંસારની સાણસીમાં સલવાયેલા છે, જેની બુદ્ધિ ઢોર કરતા જરા પણ ચડિયાતી નથી, જેને માણસ કહેવો એ સમગ્ર માણસજાતનું અપમાન કરવા બરાબર છે એવા પાપીયા કે જે સભામાં બેસીને જ્ઞાનનું અમૃતપાન કરવાને બદલે બાબાના ઉપાલંભ રૂપી શ્વાનમૂત્ર પી રહ્યા છે એમને હું માફ કરું છું..!"
ભાભાએ બે હાથ માથા પર લઈ જઈ જોરથી તાળી પાડી. ક્રોધભર્યા લોચનો વડે ફરી એકવાર જાદવા, ચંચા વગેરે પર દ્રષ્ટિપાત કરીને તરત બેસી ગયા.
ભાભાના વક્તવ્યથી સભામાં સોપો પડી ગયો. જે લોકો બેઠેલા હતા એ બધા પાછળ ઊભેલી ટોળકી તરફ જોવા લાગ્યા. ચંચો તરત જ છેલ્લી લાઈનમાં બેસી ગયો. એ જોઈ જાદવો પણ બેઠો. એકપછી એક મોં સંતાડીને બેસવા લાગ્યા. જેને નહોતું બેસવું એ સભા છોડીને ચાલ્યા ગયા. જાદવો બેસી ગયો એટલે રઘલો તરત સભામાંથી નીકળી ગયો.
ભાભાના વક્તવ્યનો પ્રભાવ જોઈ ડોક્ટરે માઈક સંભાળતા કહ્યું, "ખૂબ ખૂબ ધન્યવાદ ભાભાને. આપણે સૌ ભાભાને જોરદાર તાળીઓથી વધાવી લઈશું. એમણે જે કહ્યું છે એ આપણે જરૂર ધ્યાનમાં લેવા જેવું અને સમજવા શીખવા જેવું છે. પાછળ ઊભેલા ગામના અસામાજીક તત્વોને ભાભાએ માફ કરી દીધા એ ભાભાની મહત્તા છે. હવે આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ પ્રવચન કરવા તાજા જ શાસ્ત્રી બનીને પધારેલા બાબાજીને હું વિનંતી કરીશ કે આપની લીલાઓ વિશે, આપે કરેલા પરાક્રમો વિશે અને આપે પ્રાપ્ત કરેલ જ્ઞાન વિશે અમને સૌને જણાવો. આપ ભાભાના માનવા મુજબ પોતે ભગવાનનો અવતાર છો કે નહીં એ પણ સ્પષ્ટ કરી જ નાંખજો. અને જો ભગવાન હોવ તો એકાદ ચમત્કાર પણ ભલે થઈ જતો." કહી ડોક્ટરે સભાને જોરથી પૂછ્યું, "કેમ બરાબરને ગ્રામજનો?"
"દાગતર સાયેબ બરોબર કેય સે.." કેટલાક અવાજો ઉઠ્યા. કોલાહલ વધે એ પહેલાં બાબો ઊભો થયો.
ડોકટર પાસેથી માઈક લઈને બાબો આંખો બંધ કરીને બે હાથ જોડી કંઈક શ્લોક ગણગણ્યો. પછી બંને હાથની હથેળીઓ આંખો પર દાબી.
હાથ હટાવીને ધીરેથી આંખો ખોલીને સભા પર એક નજર ફેરવી. બાબો શું બોલે છે એ સાંભળવા ગામલોકો આતુર હતા.
"મંચ પર બેઠેલા આદરણીય વડીલો
તથા મારા સ્વાગત સન્માન માટે ઉપસ્થિત રહેલા આપ સૌ ગ્રામજનો.
મારા પિતાજીએ લાગણીવશ થઈને મને ભગવાનનો અંશ કહ્યો છે. એ એટલા માટે સત્ય છે કે આપણે સૌ ભગવાનના જ અંશ છીએ. જીવ અને શિવ કંઈ નોખા નથી હોતા. તમારા દરેકની અંદર પરમાત્માનો જ અંશ છે. એટલે દરેક જીવ, શિવ છે.
મારા પિતા હંમેશા ભગવાન સત્યનારાયણની સેવા પૂજા કરતા રહ્યાં છે એટલે એમને મારી અંદર પરમ તત્વ દેખાય છે કારણ કે તેઓ જ્ઞાની અને ભક્તિભાવથી પરિપૂર્ણ કક્ષાએ પહોંચેલા મહાત્મા છે.
હું કાશીએ જઈ વિદ્યાભ્યાસ કરીને આવ્યો છું તેથી શાસ્ત્રી છું એ સાચું, પણ એ પહેલાં આપ વડીલોનો દીકરો, યુવાનોનો મિત્ર, બહેનોનો ભાઈ અને બાળકોનો ગુરુ છું. હું કોઈ મહાન શાસ્ત્રી હોવાનો દાવો કરતો નથી. મેં બાળસહજ જે તોફાન મસ્તી કર્યા એને કારણે ગામના જે કોઈ વ્યક્તિઓને તકલીફ થઈ હોય એમની હું આજ જાહેરમાં માફી માંગુ છું. આજ પછી ભાભાએ જે કર્મકાંડનો મહાયજ્ઞ આ ગામમાં પ્રગટાવ્યો છે એની જવાબદારી હું ઉપાડી લેવાનો છું. એ યાદ રાખજો કે ક્યારેય કોઈને ગેરમાર્ગે દોરીશ નહી."
બાબો પ્રવચન આપવા ઊભો થયો કે તરત ટેમુ સભાની પાછળ ચાલ્યો ગયો. બાબાને ડબો કહેનાર સભાની પાછળ ઊભેલી ટોળકીમાં જ હોવો જોઈએ એનો અંદાજ ટેમુને હતો જ. લગભગ ચંચાએ અવાજ બદલીને રાડ પાડી હોવી જોઈએ એમ સમજતો ટેમુ ચંચા પાછળ જઈને બેઠો. જાદવો અને બીજા કેટલાક ત્યાં બેઠા હતા. બાબાને સાંભળીને સભામાં શાંતિ છવાઈ ગઈ. લોકો અહોભાવથી બાબાને તાકી રહ્યા હતા.
"અલ્યા આ બાબલો તો બવ ગનાનની વાતું કરે સે. મેં ઈને બે દી પેલાં નાણીયાના ખેતરમાંથી બાર્ય નીકળતા જોયો'તો. ખેતરમાં જ્યો ઈ વખતે દાઢી હતી. ઈ નકલી હતી. બાર્ય નીકળીને ઈને ટેમુડાની એઇટીની ડીકીમાં ઈ દાઢી નાખી દીધી'તી. આ બાબલો ભલે મોટી મોટી વાતું કરે પણ ઈ નો ઈ જ સે." જાદવો ચંચાને કહી રહ્યો હતો.
"મને તો ખબર્ય જ સે. મને ને આ ઓધાભાયને પસાડીન વ્યો જ્યો'તો.
ટેમુડાની દુકાને હું ઈને કેવા જ્યો, તો મનફાવે ઈમ બોલતો'તો. અતારે વળી ડાયનો થાય સે." ચંચાએ કહ્યું.
"ઈ મીઠીયાનો ટેમુડો પણ ઓસીનો નથી..બાબલો જાણે ભગવાન હોય ઈમ ઈની જે બોલાવતો'તો. કોઈ બાપેય નવરીનો નથી ઈની જે બોલવા..''
જાદવા અને ચંચાની વાતો સાંભળીને ટેમુ ઉશ્કેરાયો. બાબો જ્યારે એની ભૂલો બદલ જાહેરમાં માફી માંગી રહ્યો છે ત્યારે આ બેઉ એની નિંદા કરી રહ્યા હતા. ચંચાના ડેબામાં એક ગડદો ઠોકવાનું ટેમુને મન થયુ પણ એણે મગજ પર કાબુ રાખ્યો. કારણ કે અત્યારે એમ કરવાથી સભામાં હોહા મચી શકે તેમ હતી. બાબાનો સન્માન સમારંભ બગડી જાય અને બાબો વધુ બદનામ થાય એવું એ ઈચ્છતો નહોતો.
"વહાલા ગ્રામજનો.. આપણે સૌ માનવીનો અવતાર ધરીને આ પૃથ્વી પર આવ્યા છીએ તો આપણું જીવન પણ માનવીને છાજે એવું હોવું જોઈએ. એકબીજાની ઈર્ષા કર્યા વગર સૌની ખુશીમાં ખુશ રહેવું જોઈએ. વડીલોને માન સન્માનના અધિકારી છે એમના ચરણોમાં હંમેશા વંદન હોવા જોઈએ. સ્ટેજ પર બેઠેલા દરેક વડીલો મારા માટે માનનીય છે. આપ સૌ પણ મારા માટે આદરપાત્ર છો. જ્ઞાન માણસ રૂપી દિવાનું તેજ છે, જ્ઞાનરૂપી પ્રકાશથી જીવનમાં વ્યાપેલું ગમે તેવું અંધારું દૂર થઈ જાય છે. માટે આપણે આપણા બાળકોને ભણાવવા જોઈએ. ગામની શાળાના આચાર્ય સાહેબ અત્રે સ્ટેજ પર ઉપસ્થિત છે ત્યારે એમને વિનંતી છે કે આપણા ગામની શાળામાં ભણતા દરેક બાળકોને સારું શિક્ષણ મળી રહે એ બાબતનું ધ્યાન તેઓ રાખે. જો કે આપણા પોચા સાહેબ આ બાબતમાં કાચું કાપતા નથી એ બદલ આપણે સૌએ એમનું તાળીઓથી અભિવાદન કરવુ જોઈએ." કહી બાબાએ તાળીઓ પાડી. એ જોઈ સભામાં પણ તાળીઓનો ગડગડાટ થયો.
"ગામની સુવિધાઓ જળવાઈ રહે એ માટે અત્રે સ્ટેજ પર ઉપસ્થિત વર્તમાન સરપંચ હુકમચંદજી આ પંચાયતનો વહીવટ સુપેરે ચલાવી રહ્યા છે. ભૂતપૂર્વ સરપંચ તખુભાની યોજનાઓ એમણે સારી રીતે આગળ ધપાવી છે. ભ્રષ્ટાચાર વિહીન વહીવટ થશે તો આપણા ગામની પ્રગતિ કોઈ રોકી નહિ શકે. જો કે આ બાબતમાં આપણા સરપંચ ચોખ્ખા જ હશે એમ સમજીને આપણે એમનું પણ અભિવાદન કરવું જોઈએ." કહી બાબાએ ફરી તાળી પાડી. ફરી સભામાં તાળીઓનો ગડગડાટ થયો.
બાબાએ ડો લાભુ રામાણી સામે જોઈ સ્મિત કર્યું. પ્રવચન આગળ ધપાવતા બાબો બોલ્યો, "ત્રીજી અને મહત્વની બાબત છે આપણા ગામનું આરોગ્ય! એ માટે વર્ષોથી આપણા ગામને પોતાનું જ ઘર સમજીને ગામલોકોની ખડે પગે સેવા કરનાર ડો લાભુ રામાણી પણ અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે. દર્દીઓની સેવાકાજે જેમણે રાત દિવસ જોયા નથી એવા લાભુ રામણીનું બહુમાન પણ આ પ્રસંગે કરવું જોઈએ.."
બાબાએ ફરી તાળીઓ પડાવી. સ્ટેજ પર બેઠેલા પોચા સાહેબ, હુકમચંદ, તખુભા અને ડો લાભુ રામાણી બાબાના વકત્વથી ખુશ થયા હતા.
"આ બાબલો બધાના વખાણ કરીને વા'લો થાય સે. દાગતર આ ગામમાં ચેવી સેવા કરે સે ઈની હંધાયને ખબર્ય સે. મારો બેટો ગયઢો થ્યો તોય ગુલાંટ તો ભૂલતો નથી. ઓલી નરસે પણ સાવ સરમ નેવે મૂકી સે." જાદવાએ ચંચા તરફ ડોકું લાબું કરીને કહ્યું.
"હુકમસંદ ચેવો વહીવટ કરે સે ઈની આખા ગામને ખબર્ય સે. સરકારમાંથી જેટલા રૂપિયા આવે ઈમાંથી નેવું ટકા બારોબાર ગળસાવી જાય સે. ગામને દેખાડવા દહ ટકાનું કામ કરે સે. મને હંધિય ખબર્ય સે. પોસો માસ્તર આખો દી પાન સાવ્યા કરે સે. ઈ સું તંબુરો ધિયાન દે સે? નિહાળમાં માસ્તરો ને માસ્તરાણિયું આખો દી વાતું કરે સે. સોકરાવને ભણવું હોય તો ભણે.. આમને તો પેલી તારીખ આવે એટલે ખાતામાં પગાર આવી જાય સે. અતાર લગીમાં કયો સોકરો ભણીને આગળ આયો ઈ કયો ને?" ચંચાએ કહ્યું.
"અને આ તખુભા..મારી ભેંસ ખાય જ્યા. ગામની ગટર પણ ખાઈ જ્યા'તા પણ ઈતો ભીંહ પડી અટલે સલેમાન સુધરી જ્યા સે. સો ઉંદયડા મારીને મીંદડી હવે હજ કરવા નીકળી સે. તભોભાભો પણ દૂધે ધોયેલો નથી..હવે આ ઈમનો પુતર મોટો સાસ્તરી થયને ગામને ઉઠાં ભણાવવા નીકળ્યો સે." જાદવો બોલ્યો.
ટેમુ એ બંનેની વાત સાંભળતો હતો. એ લોકોની વાત સાવ ખોટી પણ નહોતી. બહારથી ચોખ્ખો દેખાતો દરેક જણ અંદરથી ગોબરો હતો એ ટેમુ પણ જાણતો હતો. છતાં બાબા વિશે જાદવો અને ચંચો જે કહેતા હતા એ એનાથી સહન થતું નહોતું.
ટેમુએ મનોમન એ બેઉને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.
(ક્રમશઃ)