MANGAL - 14 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 14

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 22

    રાધા એ  રાત ભર બેસીને તે ફાઈલને લગભગ ચારથી પાંચ વખત વાંચી લી...

  • કર્મ બોધ

    કર્મ બોધ પતિ પત્ની અને તેનો દીકરો જમવા બેઠા. સાથે તેના દાદાજ...

  • વિવાનની વેદના

       વિવાનની વેદના વિવાન પાઠક  એક એવુ નામ કે જેની ફિલ્મ  રિલીઝ...

  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

Categories
Share

મંગલ - 14

મંગલ

Chapter 14 -- અજાણ્યા ટાપુ પર...

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :-

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ ચૌદમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે તોફાન અને ચાંચિયાઓ સામે લડતા લખમણકાકા મોતને ભેટે છે. દરિયામાં ખોવાયેલા મંગલનાં કોઈ સગડ મળતા નથી. તેનાં જાહેર કરાયેલા મૃત્યુંનાં સમાચાર તેનાં ઘરમાં રહેલી પત્ની અને મા ને હચમચાવી નાખે છે. શું મંગલ જીવિત હશે ? જો હા, તો કેવી હાલતમાં હશે ? જાણવા માટે વાંચો...

દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું ચૌદમું પ્રકરણ

મંગલ Chapter 14 -- અજાણ્યા ટાપુ પર...

Chapter 14 -- અજાણ્યા ટાપુ પર...

ગતાંકથી ચાલુ

ઉગમણી દિશામાંથી સૂર્ય સમુદ્રનાં પાણીને પોતાનો કેસરિયા રંગથી રંગી રહ્યો હતો. સમુદ્રનાં મોજાઓ ધસમસતા આવીને કિનારાની સુંવાળી રેતીને ભીંજવીને પાછા જતા રહેતા હતા. આ મોજાઓની સાથે એક યુવાન પણ અધ મરેલી હાલતમાં ઢસડાઈ આવ્યો હતો. દરિયાનાં ખારા પાણી તેનાં મોં પર આવીને ચાલ્યા જતા હતા. બેહોશીની હાલતમાં તે કેટલીય કલાકો સૂધી કિનારે પડ્યો રહ્યો. સૂર્ય હવે આકાશમાં ઉપર ચઢી ગયો હતો. તેનાં તેજ કિરણો યુવાનનાં મુખ પર પડી રહ્યા હતા. થોડી વાર પછી તેનાં શરીરમાં ચેતના ફરી વળી. આંગળીઓમાં થોડું હલનચલન થયું. પગમાં થોડી ચેતના આવી. બિડાયેલી પાંપણો ખૂલી.

એ યુવાન આગલા દિવસે કલાકો સૂધી સમુદ્રી તાંડવ સામે ઝઝૂમતા રહીને થાકેલો અને અહીં આ સુંવાળી રેતીએ તેને આશરો આપેલો. આપેલી. દરિયો ગાંડો બન્યો તો એ યુવાનનાં ઈરાદા પણ બુલંદ બન્યા. અસ્તિત્વનાં જંગ સામે એ સતત ઝઝૂમતો રહ્યો, પડતો રહ્યો. ક્ષણ ક્ષણ જીવન અને મરણ વચ્ચે ખરાખરીનો જંગ ખેલતો રહ્યો. દુનિયા માટે મરતો રહ્યો, ખુદ માટે જીવતો રહ્યો. દરિયાનાં ક્યાંય ઊંચે ઊછળતા પ્રવાહમાં પોતાનાં વહાણથી પળવારમાં ક્યાંય દૂર દૂર સૂધી તણાતો ગયો. મહાસાગરનાં પાણી તેને પોતાનામાં સમાવવા ક્યાંય સૂધી મથતા રહ્યા પણ આખરે આ જંગમાં આવડા વિરાટ મહાસાગરને એ યુવાનનાં બુલંદ ઈરાદા સામે માત મળી.

હા, એ યુવાન મંગલ હતો. સંકટો સામે ક્યારેય હાર ન માનનારો મંગલ, આફતો સામે ઝઝૂમનારો મંગલ. આફતો સામે લડવાની દ્રઢ ઈચ્છાશક્તિ અને સાહસવૃત્તિ તેનામાં હતી. ક્યાંય સૂધી તે જેમ ને તેમ પડ્યો રહ્યો. ઉઠવાની શક્તિ રહી ન હતી. હજુ કંઈ વિચારવાની કે સૂઝ બૂઝ રહી ન હતી. અર્ધ ચેતન અવસ્થામાં રેતી પર સૂઈ રહ્યો.

સૂર્ય મધ્યાહને તપી રહ્યો હતો. થોડો વખત એમ ને એમ પડ્યો રહ્યા પછી થોડી કળ વળતા ફરીથી વ્યવસ્થિત આંખો ખોલી આસપાsસની જગ્યાઓ પડ્યા પડ્યા જ જોઈ રહ્યો. દરિયાનાં મોજાઓ તેનાં મોઢા સૂધી આવી જતા હતા. ઊભા થઈ ત્યાંથી ખસવાની શક્તિ પણ જાણે હણાઈ ગઈ હતી. છતાં જેમ તેમ કરીને કોઈ મગરની જેમ હાથેથી આગળ વધી પેટથી ઢસડાઈને પગને થોડા પાછળ કરી રેતીમાં જ પાણીથી દૂર આગળ વધવાની કોશિષ કરી. અમુક અંતર સૂધી એમ ને એમ ઢસડાતા રહી કિનારા નજીક રહેલી નાળિયેરીની ઓથે બેસી ગયો.

મંગલે આસપાસ નજર ફેરવી. વિશાળ દરીયાકિનારો, નીલા પાણીનું ચોમેર સામ્રાજ્ય અને ખોબલે ખોબલે ઈશ્વરે બક્ષેલી સુંદરતા જાણે આ સ્થળને મળી હોય એવી જગ્યા હતી. દૂર દૂર દરિયામાં કોઈ લીલોછમ પર્વત કોઈ ટાપુમાં દેખાઈ રહ્યો હતો. જો કે દરિયો કિનારે ખાસ ઊંડો જણાતો ન હતો. તેણે પાછળ નજર ફેરવી. પાછળ થોડે દૂર કોઈ અડાબીડ જંગલ હોય એવું ભાસતું હતું. નાની નાની ટેકરીઓ શ્રેણીબદ્ધ ગોઠવાયેલી હતી. ટેકરીઓ પર લીલાછમ વૃક્ષો હતા. પક્ષીઓનાં કલબલાટ અને કિનારે અથડાતા દરિયાનાં મોજાનાં ઘેરા અવાજ સિવાય ચારેકોર નીરવ શાંતિ જ જણાઈ રહી હતી. મંગલ નાળિયેરી નીચે બેઠા બેઠા બાઘો બની આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં અચરજનો ભાવ હતો.

થોડું જોર કરીને ઉઠવાનો પ્રયત્ન કર્યો પણ પગ હજુ ખાસ સાથ આપતાં ન હતા. થોડું ઊભું થતાં જ જમીન પર તે ફસડાઈ પડ્યો. માથું ભારે ભારે લાગવા માંડ્યું. “આ કઈ જગ્યા છે ? હું અહીં કેવી રીતે ?” જાતે બબડવા લાગ્યો. મગજ પર જોર દઈને બધું યાદ કરવા લાગ્યો. આ જગ્યા પોતાનાં માટે સાવ અજાણી જ હતી. પોતાનાં જીવનમાં દરિયાઈ સફરમાં ક્યારેય આ જગ્યાએ પોતે ડગ માંડ્યા હોય એવું તેને યાદ ન હતું. સપાટ રેતી જાણે આજ સૂધી કોઈ મનુષ્યનાં પગલાથી અછૂત રહી હોય એમ કોઈ પગલાનાં નિશાન જોવા મળતા ન હતા. હવે થોડી શક્તિ આવતા તે નાળિયેરીનું થડ પકડી ઊભો થયો.

ધીમે ધીમે તેને બધું યાદ આવવા લાગ્યું. પોતાને બચાવવા જનાર પોતાનાં બાપ જેવા લખમણકાકાનું ચાંચિયાની ગોળી વાગવાથી થયેલ અકાળે મોત, ચાંચિયાઓ સાથેની અથડામણ, એ ભયંકર મેઘતાંડવ, એ તોફાન, એ દરિયાનાં ઊંચા ઊછળતા મોજાઓ અને તેમાં આ બધાની વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથતું પોતાનું એ વહાણ અને વહાણ પરનાં માણસો. ક્યાં ગયું વહાણ ? ક્યાં ગયા તેની ઉપર રહેલા એ માણસો ? પોતે તો વહાણ પરથી ફેંકાઈ ગયો હતો પણ એ પછી વહાણનું શું થયું હશે ? ચાંચિયાઓ તો તેમનાં અંજામે પહોંચી ગયા હતા પણ પોતાનું વહાણ ક્યાં હશે ? ક્યાંક દરિયો તો તેમને ભરખી નહીં ગયો હોય ને ? “એ વહાણ મારી જવાબદારી હતી. હું અહીં છું ને મારા વહાણનો કોઈ પત્તો જ નથી. ક્યાં છે ? કેવી હાલતમાં છે ? બધા જીવતા હશે કે કેમ ? છે પણ કે નહિ ? કંઈ ખબર નથી. કેવો બદનસીબ ખારવો છું હું !” એમ તે પોતાને દોષ દેવા લાગ્યો. એક વાર તો એને લાગી આવ્યું કે કદાચ ચાંચિયાઓને પહેલા જ પતાવી દીધા હોત તો લખમણકાકાનો જીવ તો ન જ જાત. પણ પોતે ત્યારે જે કર્યું હતું તે એ સમયને જોઈને જ કર્યું હતું. મંગલ બેબાકળો બન્યો અને મોટા અવાજે દર્દથી ચીસ નીકળી ગઈ. તે જોર જોરથી રડવા લાગ્યો પણ તેનું રૂદન સાંભળવાવાળું કોઈ ન હતું. થોડો સમય તે પોતે ત્યાં જ પડ્યો રહ્યો. ભયંકર જોખમો ખેડનારો એ દરિયાખેડું આજે નિ:સહાય, લાચાર સ્થિતિમાં આવી ગયો.

વહાણમાંથી ફેંકાઈ ગયા બાદ ઊંચી ઊંચી લહેરો સાથે સતત સંઘર્ષ કરતાં મંગલ દૂર દૂર સૂધી નીકળી ગયો હતો. વહાણ પણ થોડા સમય પછી દેખાવાનું બંધ થઈ ગયું. જીવનની અંતિમ ક્ષણો સાવ નજીક આવી ગઈ હતી. મૃત્યુ એકદમ સમીપ આવી ગયું હતું. પણ મંગલનાં નસીબમાં મૃત્યુ આટલું જલ્દી લખાયેલું ન હતું. કુદરતે તેની જાણે કસોટી લેવાની હોય તેમ તેને જીવિત રાખ્યો હતો. એક નાનકડી હોડી તોફાની સમુદ્રમાં હડસેલા ખાતી મંગલની નજરમાં આવી ગઈ. ડૂબતા ને તરણું જ પૂરતું હોય એમ નાનકડી પણ કટોકટીમાં કામ આવે એવી હોડી જોઈ મંગલે તેને પકડવા ભરપૂર પ્રયત્નો આદર્યા. જો કે આ કામ સરળ ન હતું. હોડી પણ એમ સરળતાથી હાથમાં આવે તેમ ન હતી. એકાદ વાર તો હાથમાં તેનો એક છેડો આવી ગયા હોવા છતાં છૂટી ગયો. મંગલે પોતાનું થાય તેટલું જોર અજમાવ્યું. માંડ કરીને હોડી હાથમાં આવી. મંગલે નધણીયાત હોડીનું સુકાન હાથમાં લીધું. કોણ જાણે હોડી કોની હશે ? આ તોફાને આ હોડી પરનાં સવાર કેટલા લોકોનો જીવ લીધો હશે ? પેલા પૂરમાં તણાતી કીડીને બચવા માટે એક પાંદડું પણ ઘણું થઈ પડે છે. મંગલ માટે આ હોડી તારણહાર સાબિત થઈ.

તે કલાકો સૂધી હોડીને અને પોતાને બચાવવા હવાતિયા મારતો રહ્યો. આવા તોફાનમાં તો ભલભલા મસમોટા જહાજો પણ જળસમાધિ લઈ લે તો પછી આ નાનકડી હોડીની શું વિસાત ? એ ભલા કેટલું ખેંચે ? પણ તેણે ખેંચી કાઢ્યું. પોતાનાં સવારનો જીવ બચાવવા પોતાનાં અસ્તિત્વનાં છેલ્લા શ્વાસ સૂધી લડી લીધું. એક ખારવા અને હોડી વચ્ચે આ જ સંબંધ છે. બંને જાણે એક બીજા માટે જીવે અને એક બીજા માટે મરે. ઉપરથી પડતા વરસાદનાં છાંટાઓ મંગલનાં શરીર પર જાણે કોરડો વીંઝતા હોય એમ લાગતા હતા. મંગલનાં કપડા શરીરે ચપોચપ ચોંટી ગયા હતા, જેથી આખું શરીર ભારે ભારે લાગી રહ્યું હતું. વીજળીનાં ચમકારાનાં ક્ષણિક પ્રકાશ સિવાય સર્વત્ર અંધકાર જ અંધકાર હતો. કુદરતે બિહામણું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

મંગલ હોડીમાં ભરાતું પાણી કાઢવા લાગ્યો. ક્યાંય સૂધી હોડીમાં ભરાઈ જતું પાણી ઉલેચવાનું ચાલુ રાખ્યું પણ વરસાદ કે તોફાન બંધ થવાનું નામ લેતા ન હતા. થોડી વાર માટે મંગલને લાગ્યું કે બસ ! હવે વધુ નહિ. પણ ત્યાં તેમને તેમનાં પોરબંદરનાં કાનજી વાઘેરનાં શબ્દો યાદ આવી ગયા : “એક સાચો ખારવો તોફાનની સામે ક્યારેય નમે નહિ. બસ, લડ્યા જ કરે, લડ્યા જ કરે. મરે પણ હારે નહી.” આ શબ્દો તેમને હંમેશા મુશ્કેલી સામે લડવા પ્રેરણા આપતા રહેતા. મંગલે હોડીનો સાથ છેલ્લા શ્વાસ સૂધી આપવાનું મન બનાવી લીધું. હવે તો આર યા પાર, કોઈ પણ સંજોગોમાં હાર ન માનવી. મંગલનાં ઈરાદા મજબૂત હતા પણ સતત લડતા રહેતા તેમનાં હાથ હવે થાક્યા હતા. તેમનું શરીર હવે સાથ આપી રહ્યું ન હતું. ઠંડીને કારણે શરીર આખું ધ્રુજવા લાગ્યું. હાથ એકદમ અક્કડ બનવા લાગ્યા. મંગલે મરણિયા બની પ્રયાસો ચાલુ રાખ્યા. હોડી પણ આવા તોફાનનો માર ખમી શકે તેમ ન હતી. કોઈ પણ સમયે હોડી તેનાં અંતિમ ચરણમાં આવી શકે એમ હતી અને મંગલ તે સારી પેઠે જાણી ચૂક્યો હતો. એવામાં તેની નજર સામે આવતી વિશાળ લહેર ઉપર પડી.

લહેરને કારણે હોડી ક્યાંય ઊંચે સૂધી ઊછળી ઉંધેકાંધ પટકાઈ. હોડી પલટી મારી ગઈ અને ભાંગીને લાકડાનાં કેટલાંય કટકાઓમાં વહેંચાઈ ગઈ. મંગલ ફરી ફેંકાઈ ગયો. મંગલનાં હાથમાં લાકડાનું એક મોટું પાટિયું રહી ગયું. હવે બસ આ જ એક સહારો રહ્યો હતો. ગમે તેમ કરીને આ સાગર તરી જવાનો હતો. છેક લગી તેણે આ પાટિયું પકડી રાખ્યું.

વરસાદ બંધ અને તોફાન ધીમે ધીમે બંધ પડ્યા. દરિયાએ પોતાની વિનાશક લીલા સંકેલવાની શરૂઆત કરવા માંડ્યું. મંગલ પાટિયા પર જ બેભાન જેવી હાલતમાં ક્યાંય સૂધી પડ્યો રહ્યો. અંતે તેને એક કિનારો મળ્યો. પોતે તો બચી ગયો હતો પણ આ અજાણી જગ્યા કઈ છે ? હજુ શરીરમાં થાક હતો એટલે વધુ તો ચાલી શકવાની શક્તિ તો હતી નહિ. પાસે પડેલા થોડા નાળિયેરનું પાણી પીને પોતાની તરસ અને ભૂખ છુપાવી. પોતાનાં ભીના કપડા કાઢી તડકામાં સૂકાવા મૂકી પોતે એકાદ વૃક્ષની છાયામાં આરામ કરવા ચાલ્યો ગયો. એક અજાણ્યા ટાપુ પર મંગલનો આ પહેલો દિવસ હતો. સાંજ પડવા આવી હતી. હજુ કોઈ માણસનાં પગલા આ બાજુ કેમ નહિ આવ્યા હોય એ વિચારે મંગલ ચડ્યો. અંધારું ગાઢ થવા લાગ્યું હતું એટલે ટાપુમાં અંદર જવાનો વિચાર બીજા દિવસ પર રાખ્યો. ઠંડીથી બચવા કાંચલીઓની છાયા બનાવી તેમાં રાત વિતાવવાનું નક્કી કર્યું.

‘સવાર પડતા જ ટાપુ પર કોઈ માણસોને મળી તેની મદદ વડે કોઈ વહાણની વ્યવસ્થા કરવી અને બને એટલી જલ્દી આ જગ્યાએથી પોતાની મૂળ જગ્યાએ જતું રહેવું’ એવું નક્કી કર્યું. પણ ત્યાં જ ‘અહીં કેવા માણસો રહેતા હશે ? પેલા આદિવાસીઓ જેવા તો નહિ હોય ને !’ એવા વિચારો પણ મનમાં ફરવા લાગ્યા. વિચારોની હારમાળામાં જ મંગલને ક્યારે ઊંઘ આવી ગઈ તેની જ ખબર ન રહી.

To be continued…

Wait for next part…