MANGAL - 13 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 13

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

મંગલ - 13

મંગલ

Chapter 13 -- મોતનાં વાવડ

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :-

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ તેરમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે વહાણને ચાંચિયાઓ કેવી રીતે ઝપટે લે છે. ચાંચિયાઓના આધુનિક શસ્ત્રો સામે મંગલ, વિક્રમ અને લખમણ નામનાં આધેડ વયનાં વહાણ પરનાં એક માણસ કેવી રીતે સામનો કરે છે તેનો આપણે પરિચય મેળવ્યો. સમુદ્રી તોફાનો વચ્ચે વહાણ બચી શકશે ? મંગલનું શું થશે ? જાણવા માટે વાંચો...

દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું તેરમું પ્રકરણ

મંગલ Chapter 13 -- મોતનાં વાવડ...

Chapter 13 -- મોતનાં વાવડ ગતાંકથી ચાલું...

મધરાત્રે ધાનીની આવી અચાનક ચીસ સાંભળી સાસુ લાખીબહેન સફાળે જાગી ગયા. તેઓ તરત જ બાજુમાં રહેલા ધાનીનાં ઓરડામાં દોડી ગયા. ધાનીનાં ચહેરા પર હજુ પણ ગભરામણ હતી. બારી અધખુલ્લી રહી ગઈ હતી. દરિયા તરફથી વાતો પવન બારી મારફતે ઓરડામાં ઠંડક પ્રસરાવી રહ્યો હતો. પણ આટલી ઠંડકમાં પણ ધણીનાં ચહેરા પર પરસેવો વળી ગયો હતો. ધાનીને આ રીતે જોઈ લાખીબહેન થોડી વાર માટે હતપ્રભ બની ગયા. તે સમજી શકતા ન હતા કે તેણે અચાનક સાવ આમ અડધી રાત્રે ‘મંગલ’ નાં નામની ચીસ શા માટે પાડી ? છતાં પણ મનમાં અનેક વિચારોએ તેમને ઘેરી વળ્યા. તેમણે ધાનીને માથે હાથ રાખીને પૂછ્યું, “ધાની, શું થયું ? આમ અચાનક ? કોઈ સપનું જોયું ?”

ધાની સમજી શકતી ન હતી કે શું થયું છે ? જે સપનું જોયું તે માત્ર સપનું જ હતું કે હકીકતમાં આવું બન્યું છે ? તેની આંખોમાંથી હજુ ગભરામણ દૂર થતી ન હતી. “મંગલ... માડી, મંગલને...” આગળ તે કશું બોલી શકી નહિ.

“મંગલને... ? શું થયું મંગલને...? ધાની, સપનું જ હશે. તું સૂઈ જા. મંગલને કંઈ થયું નહિ હોય.” લાખીબહેને થોડું આશ્વાસન આપતાં કહ્યું. પવન તોફાનનો સંકેત આપી રહ્યો હતો. જો કે આવા તોફાનો પણ ખારવાઓનાં મજબૂત કલેજાને ડગાવી શકતા નથી પણ આ સમયે તેનાં મનમાં પણ થોડી ગભરામણ થઈ પણ મનને મજબૂત રાખી, ધાનીને હિંમત આપી તેનાં ઓરડાની બારી બંધ કરી બાજુનાં ઓરડામાં ઢાળેલા ખાટલા પર સૂવા માટે નીકળી ગયા.

ધાનીને થોડી વાર પછી લાગ્યું કે કોઈ ખરાબ સપનું જ જોયું હશે. તે સૂવાનો પ્રયત્ન કરવા લાગી પણ વારંવાર તે સપનું હશે કે કોઈ ઘટના બની હશે તેની આશંકાઓ તેને ઘેરી વળવા લાગી. ત્યાં જ તેની નજર પોતાની બાજુમાં સૂતેલી સાત વર્ષની દીકરી કિંજલ પર પડી. આરામથી સૂતી કિંજલનાં માથા પર હળવેથી હાથ મૂકી, તેને ચૂમી અને તેનાં હાથ પર હાથ રાખી મનોમન પ્રાર્થના કરવા લાગી,”હે દરિયાદેવ, તમે જ અમારા માટે બધું છો. ખબર નહિ, આ સપનું જ છે કે... પણ જે હોય તે મંગલની રક્ષા કરજો.” બધી ચિંતાઓ દરિયાદેવને સોંપી તે સૂઈ ગઈ.

***

એક બાજુ ધાનીનાં મનમાં આશંકાઓનાં વાદળો ઘેરાયા હતા. કોઈ અશુભ ઘટનાઓ બનવાનો સંકેત તેમને મળી રહ્યો હતો. આશંકાઓ ખોટી ન હતી, એ અમંગળ ઘટનાઓનાં સંકેત ખોટા ન હતા. બે પ્રેમી હૈયાઓ એકબીજાથી કેટલોય સમય દૂર રહ્યા પછી પણ એકબીજાનાં હાલ જાણી શકે છે, એકબીજાનો અંદાજ મેળવી શકે છે. બીજી બાજુ આ જ આશંકાઓ સાચી ઠરી ચૂકી હતી. એ કાળરાત્રિએ બે બે સંકટોએ વહાણને ઘેરી લીધુ. મધદરિયે રહેલા વહાણ માટે એ દરિયાઈ તાંડવ ખતરનાક સાબિત થયું. એથી પણ વધુ ઘાતક પુરવાર થયું ચાંચિયાઓ સાથેનું યુદ્ધ. એ કાળમુખા ચાંચિયાઓ તો સૌ કમોતે મૂઆ. પણ આ ઘટનામાં સૌથી મોટી ખોટ જો ગઈ હોય તો એ હતા આધેડ ઉંમરનાં લખમણકાકાનું અકાળે મોત અને મંગલની જળસમાધિ.

“મંગલ ! આપણને બચાવવા તે કેટલો લડ્યો ! આવા માણસને સાવ આમ દરિયાદેવે પોતાનાંમાં સમાવી લીધો !” ભીની આંખે એક મોટી ઉંમરનાં માણસે કહ્યું.

એ માણસની વાત સાંભળી એક જુવાન બોલી ઊઠ્યો, “સારું સારું બોલો કાકા, મંગલભાઉને કાંઈ નથી થયું. એ બચી...” એટલું બોલતા તે અટકી ગયો. “આવડા ખતરનાક તોફાનમાં કોઈ કેવી રીતે બચી શકે ? આવડા વહાણ જેવડા ઊંચા ઊછળતા પાણીમાં કોઈ માણસ કેટલો સમય પોતાનો જીવ બચાવવા ટક્કર ઝીલી શકે ?” બીજી જ ક્ષણે મનમાં જ આવો વિચાર આવવા લાગ્યો. મંગલ દરિયામાં ખોવાયો હતો કે મૃત્યુ પામ્યો એની કોઈ ખાત્રી ન હતી. બસ, બધાને એટલી ખબર કે દરિયાએ પોતાનાંમાં મંગલને સમાવી લીધો છે.

વહાણ હજુ પણ તોફાનનો સામનો કરી રહ્યો હતો. મજૂર માણસોનાં હૈયાફાટ આક્રંદથી દરિયો ગૂંજી ઊઠ્યો. ગોળીઓથી ચારણી જેવા બની ગયેલા લખમણકાકાનું શબ વહાણની અંદર લઈ જવામાં આવ્યું. વહાણ હજુ દરિયામાં ડોલી રહ્યું હતું. વિક્રમે સુકાન સંભાળી તેને આ તોફાનમાંથી બહાર લઈ જવાનું નક્કી કર્યું. મહામહેનતે વહાણ કાબુમાં આવી રહ્યું હતું. તે મનોમન ભગવાનને વહાણ તથા બીજા મજૂર માણસોને બચાવી લેવાની વિનંતી કરવા લાગ્યો. થોડી કલાકો આમ ને આમ પસાર થઈ. કલાકો સૂધી એકલે હાથે તોફાન સામે બાથ ભીડી રહેલા વિક્રમ હવે થાક્યો હતો. તેની હિંમત જવાબ આપી રહી હતી. પણ થાકેલા શરીરે તેનું મન હજુ મક્કમ હતું. મન લડી લેવાનાં મૂડમાં હતું. દરિયો અગ્નિપરીક્ષા લઈ રહ્યો હતો. આ સામે ‘બસ હજી થોડી વાર’ એમ ખુદને દિલાસો આપ્યા કરતો હતો.

પવનની ગતિ હવે ધીમી પડવા લાગી. વરસાદ બંધ પડી ચૂક્યો હતો. પણ ત્યાં સૂધીમાં તોફાને કેટલોય વિનાશ વેર્યો હતો. દરિયાનું ભયાનક તાંડવ બંધ થયું. વહાણને પોતાનાં પેટમાં સમાવી લેવાની નેમ સાથે જાણે દરિયો ગાંડો થયો પણ મંગલને સમાવી સંતોષ માનવો પડ્યો. સવાર પડી. સૂર્યનું પહેલું કિરણ દરિયાનાં પાણી પર પડ્યું. શાંત પાણીને જોતા કોઈ કલ્પી પણ ન શકે કે આગલી રાત્રે તેમણે કેવો ઉધામો મચાવ્યો હશે. રાત્રે નગર આખામાં હાહાકાર મચાવનાર ચોર સવારે સજ્જનતાનું મહોરું પહેરી લે તેમ દરિયો આખી રાત હાહાકાર મચાવી સવાર પડતા શાંત થઈ ગયો હતો. આ જ દરિયાખેડુંઓની નિયતિ છે. આ જ દરિયાનો સ્વભાવ છે.

બધાએ થોડી રાહત અનુભવી. વિક્રમની સૂચનાથી સઢ ખોલાયો. લખમણકાકાનું શબ હવે વધારે સમય ટકી શકે તેમ ન હતું. હજુ કિનારો ઘણો દૂર હતો. ત્યાં પહોંચતા સૂધી તેને વહાણમાં રાખવું યોગ્ય નથી. એટલે તેની અંતિમવિધિ પણ પેલા મજૂર માણસોની જેમ જ દરિયામાં કરવાનું નક્કી થયું. વહાણ પર ગમગીનીનો માહોલ હતો. સૌની આંખો ભીની હતી. દરિયાનાં ખોળે જિંદગીનાં ઘણા ખરા દાયકાઓ વિતાવનાર એ આધેડ લખમણે અંતિમ શ્વાસ પણ એ દરિયામાં જ લીધા. આવા દરિયાપ્રેમીનું તો અંતિમ મુકામ દરિયો જ હોઈ શકે, જમીન નહિ. બધા મજૂર માણસો અને સુકાનીની હાજરીમાં લખમણકાકાને દરિયામાં પધરાવી અંતિમ વિદાય આપી.

બીજા દિવસે દૂરથી ઈરાનનો દરિયાકિનારો દેખાવા લાગ્યો. થોડા સમયમાં જ વહાણ ચાબહાર બંદરનાં કિનારે લાંગર્યું. વહાણમાંથી સોનું ભરેલ ભંડારો ખાલી કરવામાં આવ્યા. તોફાન તથા ચાંચિયાઓની ગોળીબારીને કારણે વહાણનાં જે ભાગ નુકસાન પામ્યા હતા તેની મરામત કરવામાં આવી. ત્યાનાં અધિકારીઓને ચાંચિયાઓ સાથેની અથડામણની વાત કરી. ચાબહાર બંદર ઓમાનનાં અખાતમાં આવેલું જેની દક્ષિણે જ સોમાલિયાની દરિયાઈ સીમાઓ સ્પર્શતી હતી. ઈરાનનાં સામાન્યત: બંદરો ખાસ પર્શિયન અખાત અને ઓમાનનાં અખાતમાં વધારે આવેલા હતા. તેઓ પણ ચાંચિયાગીરીથી સારી રીતે પ્રભાવિત હતા. વહાણની દુર્ઘટના અંગે ટાંગા બંદરે પત્ર મોકલી દેવામાં આવ્યો. વિક્રમે વહાણને અને બધાને સુરક્ષા પૂરી પાડવા માટે વચન માંગ્યું. ત્યાંની સરકાર તરફથી અમુક અંતર સૂધી વહાણને સુરક્ષા આપવાનું વચન આપ્યું.

ચાંચિયાગીરીથી ત્રસ્ત દેશોએ વેપારી વહાણો અને માણસોને લઈ જતા વહાણો કે જહાજોની સુરક્ષા માટે નૌકાદળનાં સશસ્ત્ર જહાજો દરિયામાં તરતા કર્યા હતા. કમનસીબે તે દિવસે આમાંથી એક પણ લશ્કરી જહાજ તેમની મદદ માટે આવી શક્યું નહિ. કદાચ મદદે આવી શકત પણ ખરા પણ ખરા સમયે તોફાન નડી ગયું. વહાણમાં ત્યાંથી અન્ય માલ સામાન ભરી તે ટાંગા બંદર તરફ રવાના થયું. છેલ્લી થોડી કલાકો દરમિયાન જે જે ઘટનાઓ બની હતી તેને કારણે વહાણ પર સૌ કોઈ હવે સજાગ બની ચૂક્યા હતા. જો કે વહાણથી અત્યારે થોડે અંતરે તેની સુરક્ષા માટે લશ્કરી જહાજો સજ્જ હતા.

થોડા દિવસોમાં વહાણ ટાંગા બંદરે લાંગર્યું. વહાણ પરથી આયાત કરાયેલ સામાન ઉતારી રોજિંદા કામ મુજબ મજૂરો વહાણ પરથી આયાત કરાયેલ સામાન ઉતારવાનાં કામમાં લાગી ગયા. વિક્રમે એક માણસ મારફતે શેઠ હરખચંદને તેમનું વહાણ પહોંચી ગયાનો સંદેશ પાઠવ્યો. બંદર પર બધું કામ પતાવીને વિક્રમ પેઢીએ આવ્યો.

શેઠ તેજ ગતિથી પેઢીમાંથી બહાર આવવા ગયા ત્યાં જ તેનો ભેટો વિક્રમ સાથે થઈ ગયો. દર વખત કરતાં તેમની ચાલમાં થોડી નરમાશ હતી અને મોં ફિક્કું હતું. શેઠને થોડું આશ્ચર્ય થયું. બધું બરાબર તો હશે ને ? વિક્રમ કશું બોલતો ન હતો. શેઠે થોડું નિરીક્ષણ કરી તેમનો ચહેરો વાંચી લીધો.

“વિક્રમ, કેમ શું થયું ? આમ સાવ નમાલો ચહેરો કેમ છે ? બધું બરાબર તો છે ને ?” શેઠે એકસાથે સવાલો પૂછી નાખ્યા.

“કદાચ શેઠને હજી સૂધી પત્ર મળ્યો નથી.” વિક્રમ મનમાં બબડ્યો. વિક્રમ શેઠની આંખોમાં આંખ મિલાવી શકતો ન હતો. તે કશું છુપાવી રહ્યો છે એવું શેઠને સમજતા વાર ન લાગી. તેણે તરત જ પૂછી નાખ્યું, “વિક્રમ, શું થયું છે ? કંઈક તો બરાબર થયું નથી. મંગલને પૂછવા દે. મંગલ... મંગલ... ક્યાં છે મંગલ ? વિક્રમ ! વિક્રમ, મંગલ ક્યાં છે ?” શેઠ બેબાકળા થવા લાગ્યા.

વિક્રમની આંખો ભીની થઈ ગઈ. એટલામાં ઈમરાન અને કરીમ પણ ત્યાં આવી ગયા.

“વિક્રમ ! આવી ગયા ? સફર કેવી રહી ? ક્યાં છે મંગલ ?” ઈમરાન બોલ્યો.

“મંગલ...” આટલું બોલતા વિક્રમે એક ડૂસકું ભરી લીધું.

“મંગલ...? શું થયું તેને ? ક્યાં છે તે ?” કરીમે ગંભીર થઈને પૂછ્યું.

વિક્રમે બધી વાતો માંડીને કહી. મંગલનાં ગાયબ થઈ જવાનાં સમાચાર આપ્યા ત્યાં જ શેઠ થોડી વાર તો અવાચક બની ગયા. વહાણ પરની બીનાએ બધાને શોકમાં ગરકાવ કરી દીધા. શેઠ હજુ પણ માની શકતા ન હતા કે પોતાનાં ખાસ મિત્ર લખમણ હવે જીવતા નથી. પોતાનાં દીકરાથી જેને વિશેષ માન્યો છે એ મંગલ પણ રહ્યો નથી. ઈમરાન અને કરીમ શેઠને સંભાળી રહ્યા હતા. એક બાપે પોતાનો કંધોતર ખોયો હોય અને પોતે જેવો વિલાપ કરે તેવો વિલાપ શેઠ હરખચંદ કરવા લાગ્યા. ત્રણેય તેને આશ્વાસન આપવા લાગ્યા.

“શેઠજી, મંગલ ખોવાયો છે. હજી તેનું શરીર મળ્યું નથી ત્યાં સૂધી તેમને મરેલો માની ન શકાય.” વિક્રમે કહ્યું.

વિક્રમનાં શબ્દોએ શેઠ માટે નવી આશાનો સંચાર કર્યો. ‘મંગલ જીવતો હશે’ એવી આશાએ હોઠે થોડું સ્મિત ફરક્યું પણ બીજી જ ક્ષણે ‘આવા તોફાની દરિયામાં કોઈ ગમે તેટલો તરવૈયો કેમ ન હોય, એનું શરીર કેટલો સમય ઝીંક ઝીલી શકે ?’ એવો વિચાર પણ આવ્યો. શેઠનું મોં તરત જ ઉદાસ થઈ ગયું.

“વિક્રમ, હું હમણા જ અહીંની સરકાર સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરું છું. તેની પાસેથી થોડી મદદ મેળવવાનો પ્રયત્ન કરું છું.” શેઠે કહ્યું.

“શેઠજી, એ તો કરો જ પણ એક વાર માટે મંગલનાં ઘરે પણ આ સમાચાર મોકલી દો. બીજા મારફતે તેમને સમાચાર મળે એનાં કરતાં આપણા તરફથી એક વાર જણાવવું સારું.” વિક્રમે સૂચવ્યું.

શેઠને એ સૂચન યોગ્ય લાગ્યું. ભારે હૈયે મંગલનાં અને લખમણનાં સમાચાર આપવા પત્ર લખવા મુનિમજીને કહ્યું. મુનીમજીએ પત્ર લખી રવાના કર્યો. પેઢીમાં શોકનું વાતાવરણ હતું. હજી થોડા દિવસો પહેલા જ જંગલમાંથી જ મંગલનાં આગમન સાથે કેવો જલસો હતો, કેવી ઉજાણી હતી. અને અત્યારે દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. પેઢીમાં ત્રણ ત્રણ મોત અને એકનું સંભવિત મોત બધાને રડાવી રહ્યું હતું. પણ આ સમાચાર હવે મંગલનાં ઘરે પહોંચવાનાં હતા. તેમનાં ઘરે તેમની એક વૃદ્ધ મા, એક પત્ની, એક દીકરી – ત્રણ ત્રણ સ્ત્રીઓએ આ માઠા સમાચાર સાંભળવાની તૈયારી રાખવાની હતી. “જેની સાથે તેનો લોહીનો સંબંધ છે તેનાં પર શું વીતશે ?” એવો વિચાર જ સૌને ગમગીન કરી જતો હતો.

***

આ વિરાટ મહાસાગરનાં બીજે છેડે પોરબંદર શહેરનાં ખારવા સમાજનાં વિસ્તારમાં આવેલા એ ઠીક ઠીક સારા કહી શકાય એવું થોડું પાકું બનાવેલું ઘર. આગળનાં ભાગમાં નાનકડી ઓસરી અને તેમાં આવેલ હિંડોળો. ઓસરીનાં એક ખૂણે રામદેવપીર મહારાજનો ફોટો મૂકેલો અને તેને ઘીનો દીવો કરેલો. કમાવવા માટે પરદેશની ધરતી પર “હું પાછો આવીશ ત્યારે બધા માટે કંઈક ને કંઈક લાવીશ” એવો વાયદો કરી ત્રણ સ્ત્રીઓને એકલી મૂકી નીકળી ચૂકેલો મંગલ તો ન આવ્યો પણ તેનાં મૃત્યુની અથવા તેની શક્યતાઓની એ કાળમુખી ચિઠ્ઠી આખરે પહોંચી ગઈ. ટપાલીએ આવીને લાખીબહેનનાં હાથમાં કવર મૂક્યું અને તરત નીકળી ગયો. લાખીબહેન તો ભણેલા નહિ એટલે કવર સીધું ધાનીનાં હાથમાં મૂક્યું અને વાંચવા કહ્યું.

ધાનીએ કવર પર સરનામું વાંચ્યું એટલે તરત જ તેની આંખો ચમકી. કેટલાંય દિવસ પછી મંગલની ચિઠ્ઠી આવી હતી. તેનાં મુખ પર સ્મિત આવી ગયું.

“અરે, એકલી એકલી હસ્યા જ કરીશ કે વાંચીશ પણ ખરા ?” લાખીબહેન બોલ્યા.

“અરે માડી, તમારા દીકરાની ચિઠ્ઠી છે. કેટલા બધા મહિનાઓ પછી આવી છે એની તમને ખબર છે ? છેલ્લે આવી હતી એને પણ દોઢેક વરસ ઉપર થઈ ગયું. હવે છેક આપણે યાદ આવ્યા.” ધાનીએ કહ્યું.

“અરે ! એ તો મારો દીકરો બહુ કામમાં હોય એટલે. જલ્દી જલ્દી વાંચ. શું લખ્યું છે ? ક્યારે આવવાનો છે ?” લાખીબહેનની અધીરતાનો અંત આવતો ન હતો.

“ખમ્મા ખમ્મા માડી. ખમ્મા કરો. વાંચું છું.” કવર તોડી ચિઠ્ઠીનાં વળ સીધા કરી ધાનીએ વાંચવાનું શરૂ કર્યું, “જત જણાવવાનું કે ટાંગા બંદરેથી હરખચંદ શેઠની પેઢીનું જે વહાણ ઉપડ્યું હતું તે મધદરિયે ચાંચિયાઓનાં કબજામાં આવી ચડ્યું હતું. જો કે આ ચાંચિયાઓને મંગલ તથા તેનાં સાથી સુકાની વિક્રમ, લખમણ અને બીજા મજૂરોએ તરત જ પોતાનાં કાબુમાં લઈ લીધા હતા...”

“જોયું ? મારો દીકરો છે મારો. કેવા પેલા ચાંચિયાઓને માર્યા ? આગળ વાંચ, આગળ વાંચ.” લાખીબહેન પોતાનાં દીકરાનાં પરાક્રમથી ખુશ થઈ અધવચ્ચે જ બોલી ઊઠ્યા.

ધાનીએ આગળ વાંચવાનું ચાલુ કર્યું,“એ દિવસે દરિયામાં ભયંકર તોફાન પણ આવ્યું અને અકસ્માતે બાનમાં લીધેલા ચાંચિયાઓએ વહાણમાં ઉત્પાત મચાવ્યો અને એમાં લખમણ, બે મજૂરો કમોતે મર્યા અને આ અથડામણમાં મંગલ ગાંડા થયેલા દરિયામાં...” ધાની આટલું વાંચી અટકી ગઈ.

લાખીબહેનનો ચહેરો થોડો ગંભીર બન્યો. “ધાની... ઓ ધાની... શું થયું ? વાંચ તો ખરો, મંગલ ગાંડા દરિયામાં...શું થયું ?” ધાનીને ઢંઢોળતાં તે બોલી ઊઠ્યા.

“માડી, મંગલ... આમાં લખ્યું છે કે મંગલ આ દરિયામાં પડી જતા ખોવાઈ ગયો છે. કોઈને ત્યાં મળ્યો નથી. કદાચ... તે હવે આપણી વચ્ચે...” ધાની આગળ બોલી ન શકી.

“ધાની...” લાખીબહેન ત્રાડૂક્યા. “આ સમાચાર ખોટા છે. મારો મંગલ જીવે છે.” લાખીબહેન રડી પડ્યા.

છાપાઓમાં અને ટી.વી. પર પણ આ સમાચાર છપાયા. ભારત સરકાર તરફથી થોડી શોધખોળ થઈ પણ કોઈ ખાસ પરિણામ ન મળ્યું. આમ પણ કોઈ સામાન્ય ખલાસી માટે વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા નહિ. મંગલનું મૃત શરીર પણ ક્યાંય હાથ આવ્યું નહિ. અંતે પેઢીમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. ઘરમાં કોઈએ છેલ્લી વખતે મંગલનું મોઢું પણ જોવાયું નહિ, એ વાતે બંને ખૂબ દુ:ખી થયા. મંગલનાં પાછા ફરવાની સંભાવનાઓ પણ હવે રહી ન હતી. પોતાનો દીકરો હવે પાછો નહીં ફરે એ વાત કમને લાખીબહેને સ્વીકારી લીધી. કિંજલનાં સવાલો “મારા બાપુ ક્યારે આવશે” ધાનીને કણાની જેમ ખૂંચતા હતા. દર વખતે કોઈ ને કોઈ બહાનું તે ધરી દેતી પણ ક્યાં સૂધી ? ક્યારેક ને ક્યારેક તો તેમને કહેવું જ પડશે. ધાની હજુ સૂધી મંગલનાં મૃત્યુને સ્વીકારી શકતી ન હતી. તેમને હજુ પણ ક્યાંક ને ક્યાંક આશાઓ હતી અને એ આશાને જોરે બાકીની જિંદગી વિતાવવાનું તેણે નક્કી કર્યું.

To be continued,

Wait for next part