MANGAL - 7 in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 7

Featured Books
Categories
Share

મંગલ - 7

મંગલ

Chapter 7 -- જંગલમાંથી પ્રસ્થાન

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :-

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસકથા – મંગલ નાં આ સાતમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે જોયું કે મંગલ કઈ રીતે પોતાના સાથીઓના જીવ બચાવે છે. આ સાહસમાં તે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે. પણ અંતે તે કોઈ પણ રીતે જોખમોમાંથી બહાર આવી જાય છે. ગયા પ્રકરણમાં આપણે જંગલી ગેંડાના આક્રમણ અને તે સામે મંગલની પ્રતિક્રિયાની આછેરી ઝલક મેળવી હતી. પણ અંતે શું ગેંડો મંગલનો જીવ લઈને જંપશે ? શું સરદારને બચાવવાનાં પોતાના પ્રયત્નો સફળ થશે કે નહિ ? શું આવશે મંગલનો અંજામ ?

આ મજેદાર રોમાંચક સાહસિક સફરને માણવાં વાંચતા રહો..

આફ્રિકાના જંગલની રોમાંચક સફરની આ રસપ્રદ કથાનું સાતમું પ્રકરણ મંગલ ચેપ્ટર – 7 - - જંગલમાંથી પ્રસ્થાન

મંગલ ચેપ્ટર – 7 – જંગલમાંથી પ્રસ્થાન

ગતાંક થી ચાલું...

ગેંડાનાં પ્રહારથી મંગલ જમીન પર ઘાયલ થઈને જમીન પર પડ્યો હતો. સરદારને તેણે અગાઉથી જ ધક્કો મારી દેતા તે વૃક્ષનાં પાછળના ભાગમાં દૂર જઈને પડ્યો હતો. બીજા બધા સાથીઓ તરત જ મંગલ ભણી દોડી ગયા. આદિવાસીઓ તીર કામઠા અને ભાલાઓથી એકસાથે ગેંડા ઉપર હુમલા કરવા લાગ્યા. ગેંડો પણ ખૂબ ઘાયલ થઈ ગયો. તે ઘાયલ અવસ્થામાં તરત જ ત્યાંથી દૂર ભાગી ગયો.

“ મંગલ... મંગલ... ” શામજીએ પોતાના ખોળામાં મંગલનું માથું લઈ તેણે હોશમાં લાવવાનો પ્રયત્ન કર્યો.

બીજા સાથીઓ પણ તેણે ફરતે વીંટળાઈ વળ્યા. મંગલના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. બધા ખૂબ ગભરાઈ ગયા. જ્યોર્જ અને જ્હોન તરત જ પાસે આવેલી નદી પાસે જઈ પોતાના એક સાધન વડે પાણી ભરી તરત જ મંગલ પાસે આવ્યા અને મંગલને પાણી પીવડાવવા લાગ્યા. મંગલે થોડા સમય પછી આંખો ખોલી પણ ઈજાને કારણે તે ઠીક રીતે ઊભો થઈ શકે તેમ ન હતો. તેણે તાત્કાલિક સારવારની જરૂર હતી પણ આ જંગલમાં ? કઈ રીતે ? કોઈને કંઈ પણ ગતાગમ પડતી ન હતી. થોડી વારમાં તે પાછો બેહોશ થઈ ગયો.

સરદારે પહેલી વાર જોયું કે કોઈ બહારનો માણસ પણ સારો હોઈ શકે છે. આજ સુધી પોતાને રંજાડનારા, અત્યાચાર કરનારા વિદેશીઓ જોયા હતા. આજે પહેલી વાર એવો વિદેશી જોયો જે પોતાનાં પ્રાણની બાજી લગાવી પોતાના પ્રાણ બચાવ્યા હતા એ પણ કોઈ પણ જાતનાં સ્વાર્થ વગર. સરદારનાં હૈયામાં પોતાના 'દેવારિકા' માટે પ્રેમ ઊભરાયો. તરત જ તેણે પોતાનાં આદિવાસીઓને હુકમ કરીને મંગલને લઈને તેની સારવાર કરવાનો હુકમ કર્યો. આદિવાસીઓ તરત જ વળગી પડ્યા. મંગલના સાથીઓ પણ તેનાં કામમાં મદદ કરવા લાગ્યા. બધા દુશ્મનાવટ ભૂલી ગયા હતા. બધાનું એક જ ધ્યેય , એક જ મિશન હતું – મંગલનો જીવ બચાવવાનું.

જંગલની પ્રાકૃતિક જડ્ડીબુટ્ટીઓ, વનસ્પતિઓના ગુણોને તો જંગલ અને પ્રકૃત્તિની નિકટમાં રહેનારા અને પ્રકૃતિને સમજનારા આદિવાસીઓ માટે ઓળખવા ખૂબ સરળ હતા. આજ સુધી આ પ્રાકૃતિક ખજાનો આદિવાસીઓની માલિકીનો હતો. અને તેના પર પોતાનો જ અબાધિત અધિકાર છે એમ તેઓ સમજતાં. બીજા કોઈને આ સ્વર્ગ જેવા જંગલમાં ઘુસવા દેતા નહિ. પણ મંગલ માટે બધા આદિવાસીઓએ પોતાનાં નિયમો નેવે મૂકી દીધા હતા.

કોઈ વનસ્પતિને વાટીને તેમાંથી ઔષધિઓ બનાવતા હતા તો કોઈ ખડેપગે તેની દેખરેખ રાખતા હતા. કોઈ આ જડ્ડીબુટ્ટીથી મંગલના જખમો ભરી રહ્યા હતા. તેના સાથીઓ આ લોકોની મદદ કરી રહ્યા હતા. જે ગઈ કાલ સુધી જાનના દુશ્મન હતા તે આજે પોતાનાં જીવનાં રક્ષણહાર બની ગયા હતા. સરદાર પણ આખો દિવસ ખાધા પીધા વગર બસ મંગલ પાસે બેઠો રહ્યો. સરદારની આંખોમાં પ્રેમનું ઝરણું વહી રહ્યું હતું. બધા મંગલના ઊઠવાની રાહ જોતા હતા. પણ મંગલના જખમ ભરાઈ ગયા પછી પણ મંગલ ભાનમાં આવતો ન હતો.

હવે સાંજ પાડવા આવી હતી. ધીમે ધીમે અંધારું થવા લાગ્યું હતું. મશાલો સળગવા લાગી. સરદારે કે કોઈ સાથીએ આખો દિવસ કઈ પણ ખાધું ના હતું. રાત્રે બે ચોકીદારો અને બે સાથીઓ મંગલની દેખરેખમાં ઝૂંપડાની અંદર હતા. રાત્રીનાં પહોરમાં મંગલની આંખો થોડી ખૂલવાનો પ્રયત્ન કરતી હોય એમ હલનચલન કરવા લાગી. એક ચોકીદારનું ધ્યાન તેની ઉપર ગયું. તરત જ તે આનંદમાં આવીને 'દેવારિકા' 'દેવારિકા' ના નામની બૂમો પાડવા લાગ્યો. બે સાથીઓ ઈમરાન અને સરમણ પણ આનંદમાં આવી ગયા. તેમણે તરત જ બીજા સાથીઓને જાણ કરી. સરદાર અને બધા સાથીઓ અંદર આવી ગયા.

આદિવાસીઓમાંથી એકે વનસ્પતિઓમાંથી તૈયાર ઔષધિ મંગલને પીવડાવી. મંગલને ધીમે ધીમે હોશ આવી રહ્યો હતો. તેના પગમાં હવે ચેતના આવી રહી હતી. મંગલે પૂર્ણ રૂપથી આંખો ખોલી. પોતાની સામે બધા આદિવાસીઓ અને સાથીઓ એકસાથે ઊભા છે. કોઈ આદિવાસી સરમણ પાસે ઊભો છે તો કોઈ જ્યોર્જ પાસે. બધાનાં મુખ પર પોતાનાં આરોગ્યને લગતી મંગલ કામના દેખાતી હતી. બધા જાણે એક જ જમાતના હોય એમ લાગતું હતું. કોઈ પરદેશી નહિ કોઈ આ દેશનું નહિ. બધા જ એક ધરતીમાં ના સંતાન. મંગલે આછેરું સ્મિત કર્યું. શામજીએ થોડો આગ્રહ કરી બધાને અને સરદારને જમવા વિનંતી કરી. બધા એક જ રસોડે જમ્યા.

ત્રણેક દિવસ પછી મંગલ થોડો સ્વસ્થ થયો. હવે તે હલનચલન કરી શકતો હતો. સરદારે મંગલ પાસે આવી માફી માંગી. જો કે બંનેના પ્રત્યાયનની ભાષા કોઈ સમજી શકે એમ ન હતા. પણ હૃદયનો ભાવ સમજવા ભાષાના માધ્યમની જરૂર નથી હોતી. ઈમરાન ઘણા સમય ત્યાં હતો એટલે તેઓની ભાષાને થોડી થોડી સમજી શકતો હતો. સરદારે મંગલનો આભાર માની ઘૂંટણ ટેકવી જમીન પર બેસી ગયો. બીજા આદિવાસીઓ પણ તેણે અનુસરી ઘૂંટણ ટેકવી માથું નમાવ્યું. મંગલ સરદારને ઊભા કરી ભેટી પડ્યો. બંનેના આંખમાંથી આંસુ આવ્યા. બધાનાં આંખમાં આંસુ હતા. મંગલે બીજાં કેદીઓને છોડી મુકવા વિનંતી કરી. ઈમરાને સરદારને પોતાને આવડે એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. થોડું વિચારી તેની વિનંતીનો સ્વીકાર કરવામાં આવ્યો.

બધા ખુશ થઈ ગયા. આજે સંકટમાંથી આ રીતે પાર ઊતરી જવાશે એવું તો કોઈ માની પણ શકતું ન હતું. દુશ્મનને પણ પ્રેમથી વશમાં કરી શકાય છે એવું બધાએ અનુભવ્યું. ચાર પાંચ દિવસ આરામ માટે મંગલને અને તેના સાથીઓને સરદાર પોતાનાં કબીલામાં લઈ ગયા. કબીલામાં સરદારે મંગલ અને તેનાં સાથીઓની બહાદૂરી વિષે ખૂબ પ્રશંસા કરી. રાત્રે ખૂબ જલસો કરવામાં આવ્યો. નાચગાન, આદિવાસી સ્ત્રી પુરુષોના પારંપરિક નૃત્યો બતાવવામાં આવ્યા. એક જંગલી અસંસ્કૃત પ્રજાની આગવી સંસ્કૃતિ આજે મંગલ અને તેનાં સાથીઓ સમક્ષ પ્રસ્તુત હતી.

“ હાશ, બચી ગયા. ભાઈ ! ભાઈ મંગલ, ખરેખર તમે ખૂબ બહાદૂર છો. પણ થોડા ના કરવાના સાહસ કરો છો એવું નથી લાગતું ?” કરીમે કહ્યું.

“ એમ કેમ ? ” મંગલે જરા આશ્ચર્યથી પૂછ્યું.

“ અરે જુઓ ને ! કોઈ ગેંડાની સામે યુદ્ધે ચડે ? અને એ પણ કોના માટે ? જે આપણા જાનના દુશ્મન હતાં એના માટે ? આ તો સારું છે કે તમને કઈ થયું નહિ. ”

“ આ આદિવાસીઓ પણ માણસ જ છે. આ જંગલ એમનું ઘર છે. જેમ આપણને આપણા ઘર પર કોઈ બહારનો આવી હુકુમત ચલાવે તે આપણને ગમે નહિ તે રીતે આ લોકોને પણ બહારના લોકોની દખલથી તકલીફ હોય છે. ” મંગલે કહ્યું.

“ હા, પણ આ બલિ ચડાવવી વ્યાજબી તો નથી જ ને ?” ઈમરાને પોતાની દલીલ કહી.

“ હા, એ તો વાજબી નથી. પણ આ લોકો ભણેલા નથી. થોડા અંધશ્રદ્ધાળુ છે. એટલે થોડા ખરાબ રિવાજો હોવાના જ. ” મંગલે કહ્યું.

મંગલે આગળ કહ્યું, "ના ભૂલો કે હું આજે તમારી સામે એની અંધશ્રદ્ધાને જ કારણે જીવું છું, નહીતર ક્યારનો બલિ ચડી ગયો હોત. ”

બધા હસી પડ્યા.

“ આ બલિ શા માટે ચડાવતા હશે ?” સરમણે પૂછ્યું.

“ કદાચ એનો રિવાજ પણ હોય અને કદાચ અન્ય કારણ પણ. જેમ આપણા દેશમાં અંગ્રેજો આવ્યા એમ આ આફ્રિકામાં પણ યુરોપની ગોરી પ્રજાઓએ પોતાના પગલાં પાથર્યા. યુરોપમાં બેઠા બેઠા આખા આફ્રિકાને પોતાની મિલકત હોય એમ વહેંચી તેની કુદરતી સંપતિની લૂંટફાટ કરવા લાગ્યા. આ લોકો જંગલમાં પ્રાણીઓ અને આદિવાસીઓને રંઝાડ કરવા લાગ્યા. એ લોકો, કોઈ આરબ વેપારી પેઢીઓ અને ત્યાં સુધી કે પહેલાની આપણી હાલારી પેઢીઓ પણ સસ્તી મજુરીના નામે ગુલામો રાખતા. ગુલામોનો વેપાર પણ થતો. આ ગુલામોને જંગલમાંથી લોખંડી બેડીઓમાં જકડી નિર્દયતાથી લાવવામાં આવતા. ભૂખ્યા, તરસ્યા બેહાલ તેઓ નરકની યાતના વિતાવતા. આ હિસાબે બહારની કોઈ વ્યક્તિ આદિવાસીઓ માટે દુશ્મનની નજરે જ જોવાય છે. ખાસ કોઈ ગોરી પ્રજાઓ જે આ કાળી હબસી પ્રજાઓ સાથે સારો માણસ જેવો વ્યવહાર પણ કરતી નથી. ” મંગલે પોતાની વાત પૂરી કરી.

“ ભાઈ, તમારી વાતમાં તો દમ છે. માણસ સ્વાર્થમાં માણસ સાથે માણસ જેવો વ્યવહાર નથી કરતો એનું આ પરિણામ. ” સરમણે કહ્યું.

વાતો પૂરી કરી બધા પોતાની છાવણીમાં સુઈ ગયાં. સવાર થતાં જ મંગલે સરદાર પાસે જવાની રજા માંગી. મંગલે અને તેના સાથીઓએ પોતાના બચાવમાં પેલા ચોકીદારોને મારવા બદલ તેનાં પરિવારજનો અને સરદાર સમક્ષ માફી માંગી.

થોડી વાર તો આખી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો. પણ અંતે મૃત પામેલ આદિવાસીઓના પરિવારજનોએ ભારે હૈયે બધા સાથીઓને માફ કર્યા. સરદારે બધાને પોતાનાં કબીલા વતી ભેટ આપી અને આખા રસ્તે પોતાનાં રક્ષણ માટે થોડા હથિયારો પણ આપ્યા. બધા સાથીઓએ ત્યાંથી પ્રસ્થાન કર્યું.

થોડા આદિવાસીઓ પણ અમુક રસ્તા સૂધી તેની સાથે આવ્યા. સરદાર પણ તેની સાથે સાથે ચાલતો હતો. થોડે દૂર સૂધી આ લોકો તેમની સાથે રહ્યા. નદી આવ્યા પછી તેઓને એક ખાસ પ્રકારનાં લાકડામાંથી બનાવેલ હોડી આપી સમા છેડે પહોંચી શકાય એ રીતની વ્યવસ્થા કરી આપી. બધા આદિવાસીઓની મહેમાનગતિથી પ્રભાવિત થઈ ગયા. બધાને છેલ્લા રામ રામ કરી તેઓ હોડીમાં બેઠા અને સામે પાર પહોંચ્યા.

“ એક વાત તો છે આ આદિવાસીઓને જેટલા જંગલી આપણે માનતા હતા તેટલા જંગલી તેઓ છે નહિ. ” શામજીએ ચાલતા ચાલતા કહ્યું.

“ હા, એ વાત તો છે. જો કે તેની સભ્યતાનો પરિચય આપણને પેલા ગેંડાને કારણે થયો. જો એ મંગલને મારત નહિ તો આપણે બધા મુશ્કેલીમાં મુકાઈ જાત. ” મશ્કરીના સૂરમાં સરમણે કહ્યું.

“ આપણે તો એ ગેંડાનો આભાર માનવો જોઈએ, નહિ ? ” કરીમે કહ્યું.

બધા હસી પડ્યા. ઘણા સમયનાં તણાવભર્યાં માહોલમાંથી બધા આજે કંઈક રાહત અનુભવતા હતા. એ જોઈને મંગલ પણ હસી પડ્યો. જો કે મંગલને થયું કે આ વાત ખોટી નથી.

બધાની સાથે મંગલ ચાલતો હતો ત્યાં જ ફરીથી એ જ અવાજ તેનાં કાનમાં સંભળાયો, “ જે થાય છે તે સારા માટે થાય છે. ” મંગલે આજુબાજુમાં જોયું પણ તે ન હતી. બસ તેનો અવાજ જ હતો. મનોમન તેણે કહેલા આ વાક્યને યાદ કરી તેનો આભાર માની મંગલ પણ આગળ ચાલવા લાગ્યો.

To be Continued….

Wait for Next Part….