વીરાના કાંડા પર રાખડી બાંધુ ને
મારા હૈયામાં બાળપણ છલકે...
જૂના ફોટાઓ રંગીન બની જાય
અને ફરીથી ભોળપણ છલકે...
ભાઈ-બેનીનો પ્રેમ આજ મલકે...
છુટ્ટા છવાયા ઝાપટાની જેમ
હવે મળવાનું થાય બહુ ઓછું
હસવાનું થાય પણ, પાસે બેસીને
હવે રડવાનું થાય બહુ ઓછુ
પહેલાંના દિવસોની ક્યાં છે નિરાંત?
આજે ઓચિતુ વડપણ છલકે...
ભાઈ-બેનીનો પ્રેમ આજ મલકે...
કંકુ ચોખાથી કરું ચાંદલો કપાળ પર
રાખડી બાંધીને કરું રક્ષા
ઈશ્વરને કહેવું છે ઝાઝીના કરશો
મારા ભાઈની પરીક્ષા
લઉં છું ઓવારણાં ત્યાં બારણે આવીને
આંખોનું આંગણ છલકે...
ભાઈ-બેનીનો પ્રેમ આજ મલકે...