આજે શહેરના નાકે રમતાં બાળકો ક્યારનાય દાદાની રાહ જોઈને ઉભા રહ્યા હતા,દાદા રોજ આ સમયે મંદિરે દર્શન કરવા આવતા ત્યારે તેમનાં ઝભ્ભાના ખિસ્સામાંથી જુદીજુદી ભાતની ચોકલેટો કાઢીને બાળકોને આપતા સાથે જ ત્યાં આસપાસ ફરતાં કુતરા અને ગાયોને રોટલી કે બિસ્કીટ નાખતા.
આજે ઘણો સમય થઈ ગયો પણ દાદા દેખાતા ના હતા,બધા જ બાળકો નિરાશ મુખે ઘર તરફ જવા જતા જ હતા ત્યાં કોઈએ તેમને અટકાવ્યા. ઉભા રહો,બેટા,જરા,ઉભા રહો,,,
આ સૌમ્યા નો અવાજ હતો તેને બાળકોની પાસે જઈને બધાં જ બાળકો ને ચોકલેટ આપી.
બાળકો એ સૌમ્યા પાસે થી ચોકલેટ તો લઈ લીધી પરંતુ દરેકનાં એક જ પ્રશ્ન હતો કે,
આજે દાદા કેમ ચોકલેટ આપવા ના આવ્યા?
સૌમ્યા ની આંખોમાં થોડા આંસુ ભરાઈ આવ્યા અને કહ્યું, બેટા તે હવે નહીં આવે તે ઘણાં જ દૂર ચાલ્યા ગયા છે!હા, પણ મને તે કહેતા ગયાં છે કે તમારા જેવા બાળકોને રોજ ચોકલેટ કે કંઈક ભેંટ આપજે, રસ્તે રઝળતાં પશુને રોટલી કે બિસ્કીટ આપજે,
તેમની ખુશી મારી અંતિમ ઈચ્છાની પૂર્તિ હશે,તેમજ તારા જીવનમાં પણ ખુશીની ક્ષણો લાવશે.