#Love
“પ"થી પ્રેમ તો થઈ જાય છે, એમાં કોઈનો કોઈ વાંક ખરો? એ ક્યાં સમય જુએ છે, સંજોગ જુએ છે! સામેવાળાની કઈ વાત તમને જ કેમ આટલી ગમી ગઈ એ પણ ક્યાં સમજાય છે ક્યારેય!
બસ એક લાગણી, દિલમાંથી વહ્યા કરે છે જે એવા આનંદ, એવી મસ્તીથી મન તરબતર કરી દે કે એને શબ્દોમાં વર્ણવવા કોઈ શબ્દ ના મળે! ક્યારેક આંખોમાંથી આંસુ વહી રહ્યાં હોય અને હોઠોં પર સ્મિત હોય. ક્યારેક દિલ રડી રહ્યું હોય અને બીજી જ પળે કોઈ પણ કારણ વગર અદભૂત ખુશી અનુભવતું હોય. કારણ વગર ગુસ્સો આવી જાય અને કારણ વગર પ્રેમ ઉભરાઈ જાય!
“પ"થી પ્રેમનો શિકાર તો જે થયા હોય એ જ જાણે એ પાગલપન! ક્યારેક એવું પણ થાય કે તમે જેના નામે આખી જિંદગી કરી દો એને એનો સહેજ માત્ર અણસાર પણ ના હોય. શું ફરક પડે છે? તમે ક્યાં જાણીને કે કોઈ શરત રાખીને પ્રેમ કર્યો હતો, કર્યો છે!
“પ"થી પ્રેમ એટલે એક ઉડતું, પાણી ભરેલું વાદળ જે જ્યારે પણ તમને એની અંદર ભલે થોડીક ક્ષણો માટે જ સમાવીને પસાર થઈ જાય...તમને ભીંજવી જાય! એ પળ જ એવી અલૌકિક હોય જેમાંથી આપણે વારંવાર પસાર થવાની ઈચ્છા રાખીએ અને વિધિની વિચિત્રતા અહીંયા જુઓ, તમારો એ વાદળ ઉપર જરાય કંટ્રોલ નથી! એ ક્યારે આવે, ક્યારે જતું રહે, તમને ભીંજવે ના ભીંજવે કશું જ તમારી મરજી મુજબ નથી થતું...તમે બસ રાહ જોયા કરો ક્યારેક નિયતિ તમારી ઉપર મહેરબાન થાય તો થાય!
ક્યારેક કોઈ ગીતની પંક્તિ તમે સાંભળો અને તમારા દિલમાં કંઇક હલચલ મચી જાય, ક્યાંક કોઈને જોઈને કોઈની યાદ આવી જાય! કોઈ વાર્તા વાંચીને કે કોઈ કિસ્સો સાંભળીને, ક્યારેક વરસાદનું એક ઝાપટું કે ક્યારેક ઠંડી હવાની એક લહેર તમને ખુશ કે ઉદાસ કરી જાય છે. વીતેલી ક્ષણો યાદ આવી જાય એ તો નોર્મલ વાત થઈ, જે ક્યારેય નથી બન્યું એવું કશુંક પણ યાદ આવી જાય...“પ"થી પ્રેમમાં પડેલા માણસને જમાનો પગલમાં એમ જ થોડો ગણે છે!
ચાલો આજે એક સરસ ગીત સાથે આ પોસ્ટની પૂર્ણાહુતિ કરું, તમને પણ કંઇ યાદ જરૂર આવી જશે જો તમારા ઉપર નિયતિ મહેરબાન થઇ હશે અને “પ"થી પ્રેમ નામના બહેરૂપિયાનો તમારા જીવનમાં પ્રવેશ કરાવ્યો હશે...🌹
લગી આજ સાવન કી ફીર વો ઝડી હૈ...
લગી આજ સાવન કી ફીર વો ઝડી હૈ!
વહી આગ સીને મેં ફિર જલ પડી હૈ...
વહી આગ સીને મેં ફિર જલ પડી હૈ!
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏