કે’વાય ઘર, પણ ઘર નથી બસ એટલું
દિવસો જ છે, અવસર નથી બસ એટલું
ઈચ્છા અપેક્ષા લાગણી સંબંધ ખુદ
શેનું ય કંઇ વળતર નથી,બસ એટલું
છે આમ તો જાહોજલાલી બહુ છતાં
માણસપણું સધ્ધર નથી,બસ એટલું !
શું ખોલવી ખાતાવહી સંબંધની ?
એમાં કશું સરભર નથી,બસ એટલું
મુશ્કેલ છે મળવું કશા કારણવગર
'ને કારણો પગભર નથી,બસ એટલું !
વકરી રહ્યો છે સ્વાર્થનો લૂણો બધે
ભીંતો હવે નક્કર નથી,બસ એટલું
છે સામ્ય કેવળ એટલું અહીં સર્વમાં
મન કોઇનાં મનહર નથી,બસ એટલું !