બેવડા સંદર્ભ લઇ આવીશ નહીં
કોઇ અડધા અર્થ લઇ આવીશ નહીં
આવ એની ના નથી એ દોસ્ત! પણ
લાગણીમાં ફર્ક લઇ,આવીશ નહીં
છે, હજૂ સંબંધ ભારોભાર છે
ક્યાંય વચ્ચે ગર્વ લઇ આવીશ નહીં
હું ઉજવણાનાં વિચારે મગ્ન છું
રક્તરંજિત પર્વ લઇ આવીશ નહીં
વેદના વિસ્તારવી સારી નથી
તું કણસતાં મર્મ લઇ આવીશ નહીં
જે સહજ છે એજ નભતું હોય છે
કોઇ અવળા તર્ક લઇ આવીશ નહીં !
હું ય બેઠી છું ભૂલાવીને બધું
તું, જુનાં સંપર્ક લઇ આવીશ નહીં !