આંગણાં લોભામણાં લોભાવશે
સાવ ખુલ્લા બારણાં લોભાવશે
વીંટળાશે સાદ,પડઘા થઇ પછી
નામ પણ થોડાઘણાં લોભાવશે
ભેળિયારો ભાંગવા આરે હશે
ત્યાં,જુનાં સંભારણાં લોભાવશે
છૂટવા મથશે છતાં નહીં છૂટ તું
સગપણોનાં તાતણાં લોભાવશે !
હા અને ના બેયનાં કિસ્સા,અને
છેવટે નિભાવણાં લોભાવશે
જેમ કરશે આંખઆડા કાન તુ
એમ,નવતર માંગણાં લોભાવશે !
તું ભલે ભૂલી જવા તત્પર થયો
કોઇનાં ઓવારણાં લોભાવશે