અહીં માપદંડ અલગ છે દરેકનો
વારંવાર એમા સાબિત થવાનું મને માન્ય નથી
અધમુવા સંબંધને રોજ રોજ
આળસ મરોડી જગાડવાનું મને માન્ય નથી
કોઈના મનનાં પાંજરામાં એનું ગમતું પંખી બની
એ બોલે એમ બોલવાનું મને માન્ય નથી
જીદે ચડેલી ઈચ્છાઓ પંપાળી
આમ અમથુ અમથુ મરકવાનું મને માન્ય નથી
અસ્તિત્વનો કક્કો ભૂલી, પેન ને પાટી લઇ
ભણી ગયેલું ફરી ભણવાનું મને માન્ય નથી
બધે હા માં હા ભણી, ઠીક ઠીક કહી ને
આમ ઠીક રહેવાનું મને માન્ય નથી..!!
- Nikee