ક્યાંક હા તો ક્યાંક ના જીવ્યા હશું
કેટલી સંભાવના જીવ્યા હશું ?
બાદ કરતાં એક-બે અપવાદને
મોટેભાગે સામના જીવ્યા હશું
છે કસબ રાવણના સઘળાં હસ્તગત
રામ તો બસ નામના જીવ્યા હશું !
કોઇ રીતે થઇ શક્યા નહીં તૃપ્ત,બસ
એકધારી કામના જીવ્યા હશું
આમ નહીં તો આમ, વેંચાતાં રહ્યાં
ફેર કેવળ દામના જીવ્યા હશું
આજ આખી વેડફી નાંખ્યા પછી
સ્વપ્ન, સધ્ધર કાલના જીવ્યા હશું !
હાથવેંતે હોય એ મીઠી ગણી
અર્થ ખાટી દ્રાક્ષના જીવ્યા હશું !