દીવા તળે અંધાર છે સંભાળજે
'ને વાયરો ખૂંખાર છે સંભાળજે
જોયા કરે છે વાટને ઓછી થતી
ખુદ કોડિયું લાચાર છે સંભાળજે
પાડોશમાં રહેતા તમસ પરિવારને
અજવાસ માથે ખાર છે સંભાળજે !
સંપર્કમાં રહેજે સ્વયં સાથે સતત
રસ્તો ય ખાંડાધાર છે સંભાળજે
લૂંટી શકે છે બહારવટિયા,સ્વાર્થના
'ને માર્ગ પણ સૂનકાર છે સંભાળજે
તારી હયાતી શ્વાસની મોહતાજ છે
તારા સિમિત અધિકાર છે સંભાળજે !
તું એકલો યાચક નથી એની કને
બીજા ઘણાં પરિવાર છે સંભાળજે !