ખરતી નથી કલગી કદી,પીછાં ખરી જશે
નોખા હશે તે છેવટે, નોખા તરી જશે !
જાહોજલાલી હોય તો, ઉભરાય આંગણે
નબળા સમયમાં એય,પોબારા કરી જશે !
હર કોઇ સામે પીઠના વ્રણ, આમ ન ધરો
ઉપચારના ઓઠા તળે, મીઠ્ઠું ભરી જશે !
ઠરતો નથી દીવો ય જેની ફૂંકથી, અહીં
દાવો કરે છે, સૂર્ય એનાથી ઠરી જશે !
એવું નથી કે માત્ર કાંટા હોય ઘાતકી
ફૂલો ય છંછેડાય તો , ઝખ્મો ધરી જશે !
સારી નથી આગળ થવાની તીવ્ર ઘેલછા
રહી જાય પગલા સ્થીર,'ને રસ્તો સરી જશે !