મન ઉઘાડું પાડવું ભારે પડ્યું
જાતને રંજાડવું ભારે પડ્યું
એ અલગ છે કે હવે જાહેર છે
સત્યને સંતાડવું ભારે પડ્યું
વહી ગયું સઘળું સમયના વ્હેણમાં
એક લીલું ઝાડવું ભારે પડયું
એ હતાં ત્યારે હતું, છે એજ ઘર
આજ એ ઉઘાડવું ભારે પડ્યું
એક આળી રગ બધાથી છાવરી
દોસ્તને દેખાડવું ભારે પડ્યું !
પાધરૂં આવી જ ઊભું આંગણે
મૃત્યુને બહુ ભાંડવું ભારે પડ્યું !
શ્વાસનું બહાનું ધરી, છટકી ગયો
જીવને, જીવાડવું ભારે પડ્યું ?