Gujarati Quote in Blog by ANKIT PRAJAPATI

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"છેવટ નું એક સફરજન"

એક સત્યઘટના પર આધારિત હૃદયસ્પર્શી પ્રસંગ | ૧૩ ડિસેમ્બર, ૨૦૧૬
મિત્રો, આ એક વાસ્તવિક પ્રસંગ છે, જે મેં ૧૩ ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ મારી ડાયરીમાં નોંધ્યો હતો. આજે વિચાર્યું કે આ પ્રસંગને માત્ર મારી ડાયરીનાં પાનાંઓ પૂરતો સીમિત રાખવાને બદલે આપ સૌની સમક્ષ રજૂ કરું. આ પ્રસંગે મારા અંતરપટ પર જે અમીટ છાપ છોડી છે, એ જ અનુભૂતિ આજે તમારી સાથે વહેંચવા માગું છું.
“જ્યારે કોઈ દુઃખી કે ગરીબ માણસને જોઈને તમારા હૃદયમાં તેના પ્રત્યે સહેજ પણ સહાનુભૂતિ જાગે, ત્યારે સમજવું કે ઈશ્વરે તમને મનુષ્ય બનાવીને કોઈ ભૂલ કરી નથી.”
દરેક માણસના હૃદયમાં ક્યાંક ને ક્યાંક દયા અને કરુણાની લાગણી છુપાયેલી હોય જ છે. પરંતુ જ્યારે એ લાગણીને વ્યક્ત કરવાનો સમય આવે, ત્યારે જો એ બહાર ન આવે તો એનો અર્થ શો? જોકે, એને બહાર લાવવાનો પ્રયત્ન કરવા કરતાં યોગ્ય સમયે એ લાગણી આપમેળે પ્રગટ થાય, એ વધુ યોગ્ય લાગે છે. આમ પણ, સમય અને સંજોગોને અનુરૂપ દયા-કરુણાની ભાવના પ્રગટ થવી એ માનવીની સ્વભાવગત વૃત્તિ છે.
આવો જ એક પ્રસંગ હું અહીં વર્ણવવા માગું છું.
થોડા સમય પહેલાં મારા એક સ્નેહીજન બીમાર હોવાથી સાંજના સમયે હું તેમના ખબરઅંતર પૂછવા જતો હતો. વિચાર્યું કે સાથે ફળ વગેરે પણ લઈ જાઉં. રસ્તામાં એક જગ્યાએ બાઈક ઊભું રાખીને હું ફળ ખરીદવા ગયો.
ત્યાં મેં એક વૃદ્ધ વ્યક્તિને જોયા. તેમનો દેખાવ સાવ સામાન્ય હતો. શરીરે ઝભ્ભો અને લેંઘો પહેરેલો, માથે લાલ રંગનો રૂમાલ વીંટાળેલો અને હાથમાં ગામડાના વડીલો હટાણે જતી વખતે લઈ જાય એવી કાપડની એક થેલી હતી. તેમના ચહેરા પરથી તેઓ સજ્જન વ્યક્તિ હોય એવું મને લાગ્યું.
મેં જોયું કે એ સજ્જન વૃદ્ધ, લારીવાળા ભાઈ પાસેથી ફળ ખરીદી રહ્યા હતા. તેઓ ઘણા સમયથી જુદાં-જુદાં ફળોના ભાવની પૂછપરછ અને રકઝક કરી રહ્યા હતા. અંતે તેમણે રૂ. ૬૦ના ભાવે ૫૦૦ ગ્રામ સફરજન ખરીદ્યાં. પરંતુ પછી તેમને ખ્યાલ આવ્યો કે તેમની પાસે પૂરતા પૈસા નથી. હવે શું કરવું?
થોડી વાર પછી તેમણે ખરીદેલાં સફરજનોમાંથી લારીવાળા ભાઈને કહ્યું, “મારે તો બસ એક જ સફરજન જોઈએ છે. એના કેટલા રૂપિયા થશે?”
લારીવાળા ભાઈએ જવાબ આપ્યો, “ત્રીસ રૂપિયા.”
મને લાગ્યું કે એ વૃદ્ધ માટે ત્રીસ રૂપિયા પણ ઘણી મોટી રકમ હતી . તેમ છતાં તેમણે પોતાના ખિસ્સામાંથી ત્રીસ રૂપિયા કાઢીને લારીવાળા ભાઈને આપી દીધા.
આ દરમ્યાન મેં તે ભાઈ પાસેથી મેં કેટલીક નારંગી અને સફરજન પણ ખરીદ્યા.
ફળ ખરીદતાં-ખરીદતાં મારી નજર સતત એ સજ્જનના ચહેરા પર હતી. હું તેમના મનોભાવને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેમના અંતરની ઊંડાઈમાં છુપાયેલું કોઈક દુઃખ, કોઈક મજબૂરી જાણે ધીમે-ધીમે મારી સામે પ્રગટ થઈ રહી હતી.
મને દુઃખ એ વાતનું થયું કે હું એ વૃદ્ધની લાગણીઓને કદાચ સમજતો હોવા છતાં તેમના માટે કંઈ જ કરી શક્યો નહીં.
હું જ્યારે ફળ ખરીદી રહ્યો હતો, ત્યારે એ વૃદ્ધ મારી સામે જોઈ રહ્યા હતા. કદાચ તેઓ વિચારતા હશે કે, “મારે તો એક સફરજન ખરીદવાનાં પણ ફાંફાં છે અને આ ભાઈ કેટલાં બધાં ફળ ખરીદી રહ્યો છે!”
સાચું કહું તો, તેમણે ખરીદેલઉં પેલું એક સફરજન પણ પાછું આપી દેવાનો તેમનો વિચાર હતો એવું મને લાગ્યું. પરંતુ મને આટલાં બધાં ફળ ખરીદતો જોઈને કદાચ તેમને પણ પોતાનાં કોઈ વહાલાં પૌત્ર કે પૌત્રીની યાદ આવી હશે એવું મને લાગ્યું અને કદાચ એ પરિસ્થિતિ જોતા એવું સહજપણે વિચારવું કઈ ખોટું નથી.
અને અંતે, એ સજ્જન વૃદ્ધે માત્ર એક સફરજન લીધું.
એ દિવસે મેં માત્ર કેટલાક ફાળો જ ખરીધ્યા નહોતા પણ ; માનવજીવનની એક એવી વાસ્તવિકતા જોઈ હતી, જે મારી અંદર ઊંડે સુધી ઊતરી ગઈ.
તે રાત્રે હું લગભગ ખૂબ મોડે સુધી જાગતો રહ્યો. વારંવાર એ દૃશ્ય મારી આંખો સામે જીવંત થતું રહ્યું. મારું મન આત્મગ્લાનિથી ભરાઈ ગયું. વારંવાર એક જ વિચાર આવતો રહ્યો કે, “કાશ! મેં ખરીદેલાં બધાં જ ફળ હું એ વૃદ્ધને આપી શક્યો હોત!”
જોકે, એ સમયે એક ક્ષણ માટે એવો વિચાર મારા મનમાં આવ્યો પણ હતો. પરંતુ પછી મને થયું કે, આમ કરવાથી ક્યાંક તેમના સ્વાભિમાનને ઠેસ તો નહીં પહોંચે ને? કદાચ મારા આ વર્તનથી તેમની કોઈ લાગણી દુભાય તો? આ જ વિચારમાં અટવાઈને હું કંઈ જ કરી શક્યો નહીં.
ક્યારેક કોઈની મદદ કરવાની ઇચ્છા હોવા છતાં આપણે યોગ્ય રીતે મદદ કરી શકતા નથી. કારણ કે એક તરફ આપણું હૃદય આપણને મદદ કરવા પ્રેરે છે, તો બીજી તરફ સામેની વ્યક્તિના સ્વાભિમાન અને લાગણીઓનો વિચાર આપણને રોકી દે છે.
કોઈની ગરીબી જોઈને દયા આવવી સહેલી છે, પરંતુ તેની મજબૂરીને સમજતાં-સમજતાં તેના સ્વાભિમાનનું જતન કરવું એ સાચી માનવતા છે.
આખી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે કલ્પના કરી શકીએ કે એ વૃદ્ધનો કોઈ નાનકડો પરિવાર હશે. પરિવારમાં તેમનું કોઈ વહાલું પૌત્ર કે પૌત્રી હશે. જેમ દરેક નાનું બાળક સાંજ પડે ત્યારે દાદા કે પપ્પા પોતાના માટે કંઈક લાવશે એવી આશાએ આતુરતાથી રાહ જોતું હોય છે, એમ કદાચ એ વૃદ્ધ માટે પણ કોઈ વહાલું બાળક ઘરે તેમની રાહ જોઈને બેઠું હશે.
કદાચ એ જ બાળકના નિર્દોષ ચહેરાની કલ્પના કરીને તેમણે એ એક સફરજન ખરીદ્યું હશે. કદાચ તેમના મનમાં પણ એવો જ વિચાર આવ્યો હશે કે ઘરે જઈને પોતાના વહાલા પૌત્ર કે પૌત્રીને આ સફરજન આપશે તો તેના ચહેરા પર કેટલી ખુશી છવાઈ જશે!!!
આવી કલ્પના કરવી કંઈ અતિશયોક્તિ નથી. કારણ કે ઘણી વાર માણસ પોતાની જરૂરિયાતો અને ઇચ્છાઓને બાજુ પર રાખીને પોતાના સ્વજનોના ચહેરા પર સ્મિત લાવવા માટે જીવતો હોય છે.
અને કદાચ એ વૃદ્ધે ખરીદેલું એ એક સફરજન તેમના માટે માત્ર એક ફળ નહોતું; એ તો પોતાના વહાલા બાળક પ્રત્યેના પ્રેમની એક નાનકડી ભેટ હતી.
આજે પણ જ્યારે હું એ પ્રસંગને યાદ કરું છું, ત્યારે મનમાં અનેક વિચારો ઊભા થાય છે. કેટલાય એવા પ્રસંગો આપણા જીવનમાં બનતા હોય છે, જે આપણને ઘણું બધું શીખવી જાય છે. જરૂર હોય છે માત્ર યોગ્ય દૃષ્ટિકોણ કેળવવાની.
અને ક્યારેક તો આ જ દૃષ્ટિકોણ આપણા જીવનનો ઉદ્દેશ્ય બદલી નાખે છે. પછી ભલેને પ્રસંગ સારો હોય કે ખરાબ, જો આપણે તેમાંથી કંઈક શીખીએ તો એ અનુભવ આપણા જીવનને વધુ સમૃદ્ધ બનાવી શકે છે.
જ્યારે પણ તમને એવું લાગે કે મારા જીવનમાં તો બહુ જ તકલીફો છે, નોકરીમાં ખૂબ કામ છે, કામ કરતાં-કરતાં થાકી જવાય છે, વેતન ઓછું છે કે જીવનમાં અનેક મુશ્કેલીઓ છે, ત્યારે આવા કોઈ સ્વાભિમાની વૃદ્ધ કે કોઈ અન્ય માણસ ની મજબૂરીને એક વાર સમજવાનો પ્રયત્ન કરજો.
કદાચ તેમની પરિસ્થિતિને જોઈને તમને તમારા અનેક પ્રશ્નોના જવાબ મળી જશે. તમને એ પણ સમજાશે કે જીવનમાં આપણી પાસે જે કંઈ છે, તેની કદર કરવી કેટલી જરૂરી છે.
આપણે ઘણી વાર આપણી પાસે શું નથી, તેના વિશે વિચારવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણી પાસે શું છે, તેનો વિચાર કરવાનું જ ભૂલી જઈએ છીએ.
આપણી પાસે પૂરતું ભોજન છે, માથે છત છે, કામ કરવાની તક છે અને જીવન જીવવા માટે અનેક સગવડો છે. પરંતુ ઘણી વાર આ બધું આપણને એટલું સહજ લાગે છે કે તેનું મહત્ત્વ જ સમજાતું નથી.
બીજી તરફ, કોઈ વ્યક્તિ પોતાની નાનકડી ઇચ્છા પૂરી કરવા માટે પણ કેટલી મથામણ કરતી હોય છે!
જીવનની સાચી સમૃદ્ધિ આપણી પાસે કેટલું છે તેમાં નહીં, પરંતુ આપણી પાસે જે કંઈ છે તેની કદર આપણે કેટલી કરીએ છીએ તેમાં રહેલી છે.
છેલ્લે એટલું જ કહીશ કે આ બધું સમજ્યા પછી ઈશ્વર પ્રત્યેની આપણી પ્રાર્થના પણ કદાચ બદલાઈ જશે. ઈશ્વર પાસે માત્ર વધુ ને વધુ મેળવવાની ઇચ્છા રાખવાને બદલે, જે મળ્યું છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું મન થશે.
અને હૃદયમાંથીઅપોઅપ જ ઉદ્ગાર સરી પડશે:
“હે પ્રભુ! તેં મને ઘણું બધું આપ્યું છે. જેની પાસે નથી, તેને પણ તું આપ. અને તેં મને જે કંઈ આપ્યું છે, તેનો ઉપયોગ હું બીજા કોઈના હિત માટે કરી શકું એવી સદબુદ્ધિ અને સદ્વૃત્તિ મને આપ.
હે પ્રભુ! તેં મને જે કંઈ આપ્યું છે, એ બધું તારું જ છે. તારી આ અમૂલ્ય ભેટોનો ઉપયોગ તારા જ બીજા સંતાનોના હિતાર્થે થાય, એ જ તારા પ્રત્યેની મારી સાચી ભક્તિ છે.”
અને અંતમાં, ગુજરાતી ભાષાની એક સુંદર પંક્તિ રજૂ કરવાનું મન થાય છે:
“જીવન અંજલિ થાજો, મારું જીવન...”
આજે આપણી પાસે જે કંઈ છે, તે માત્ર આપણા પૂરતું જ સીમિત ન રહે, પરંતુ તેનો લાભ બીજાં લોકોને પણ મળી રહે એવી ભાવના આપણા સૌના હૃદયમાં જાગે.
આપણા જીવનમાં પરસ્પર પ્રેમ, સહાનુભૂતિ, કરુણા અને મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ઈશ્વરકૃપાથી સતત વહેતું રહે, તો આપણું જીવન ઉપવન ની જેમ ખરેખર ખીલી ઊઠે.
કારણ કે અંતે, જીવનની સાચી સાર્થકતા માત્ર પોતાના માટે જીવવામાં નહીં, પરંતુ બીજાના જીવનમાં પણ થોડી ખુશી, થોડી આશા અને થોડો પ્રકાશ પાથરવામાં રહેલી છે.
કદાચ એ વૃદ્ધના જીવનમાં હું એ દિવસે કંઈ ખાસ કરી શક્યો નહીં, પરંતુ તેમણે "છેવટના એક સફરજન" માટે કરેલ સંઘર્ષે મને જીવનભર યાદ રહે એવો એક પાઠ શીખવ્યો કે ક્યારેક એક નાનકડું સફરજન પણ માનવતાનો સૌથી મોટો અર્થ સમજાવી જાય છે.
ખરું ને?

Gujarati Blog by ANKIT PRAJAPATI : 112040761

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now