English Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વોટર ડાઉઝિંગ (Water Dowsing)

​ડાઉઝિંગ તરીકે ઓળખાતા જે ગૂઢ કસબ વડે અમુક લોકો ફાંટાવાળા સળિયા કે સૂકી ડાળખી વાપરી ભૂગર્ભજળના ભંડારો શોધી કાઢે છે, તેમાં શું કંઈ ચોક્કસ વિજ્ઞાન રહેલું છે?
​આ કસબ ખૂબ જૂનો હોવો જોઈએ, કેમ કે આજે મળી આવતો તેનો પ્રથમ લેખિત ઉલ્લેખ 15મી સદીના જર્મન સ્કૉલર જ્યોર્જિયસ એગ્રીકોલાએ તેના પુસ્તકમાં સવિસ્તાર કર્યો હતો. કેટલાક જર્મન કરિશ્માબાજો ત્યારે હાથમાં અંગ્રેજી Y આકારની ડાળખી પકડીને હળવા પગલે જમીન પર ચાલતા હતા અને પગ જેવો ભૂગર્ભજળ ધરાવતી ભૂસપાટી પર મંડાય કે તરત ડાળખીમાં થતો હિલચાલનો સંચાર જોતાં પાતાળપાણીનું સ્થાન ખબર પડી આવતું હતું. એગ્રીકોલાના બયાન મુજબ ખોદકામ પછી મીઠા પાણીનો ભંડાર મળી પણ આવતો હતો.
​ડાઉઝિંગની અગર તો ડિવાઇનિંગની આ કથિત ગૂઢ કળા બીજા ઘણા દેશોમાં પણ મધ્યયુગ દરમિયાન ખૂબ વ્યાપક હતી. ઉદાહરણ તરીકે 13મી સદીના અંત ભાગમાં અને 14મી સદીના આરંભે યુરોપના મહાન મુસાફર માર્કો પોલોએ તેના એશિયન પ્રવાસ વખતે અમુક કળાબાજોને Y આકારે ફંટાયેલી સૂકી ડાળખી વડે ડાઉઝિંગ કરતા જોયા હતા અને તે ડાળખીના આધારે ક્યાંક ભૂગર્ભજળ મળી આવ્યાના પ્રસંગોનું રોચક વર્ણન પણ તેણે પોતાના સફરનામામાં કર્યું હતું.
​અર્વાચીન યુગની વાત કરો તો ડાઉઝિંગની કળાને સમર્થન આપતા હોય તેવા નમૂનારૂપ પ્રસંગો ઘણા છે. દા. ત. પહેલા વિશ્વયુદ્ધ પછી બ્રિટનના પાટનગર લંડનમાં કેન્સિંગટન ગાર્ડન અને હાઇડ પાર્ક ખાતે બગીચા ખીલવવા પાણીના અવિરત સપ્લાયની જરૂર પડી ત્યારે અલ્બર્ટ લેમ્બર્ટ નામના વૉટર ડાઉઝરે અંડરગ્રાઉન્ડ ઝરાનો પત્તો લગાડી આપ્યો. એન્જિનિયરોએ ત્યાં જ ટ્યુબવેલ નાખ્યા, એટલે ધારાબંધ પાણી આવવા લાગ્યું.
​ચેકોસ્લોવેકિયાની સરકારે 1961માં ત્યાંના ખેતરો માટે સિંચાઈનું ભૂગર્ભજળ શોધવા વૉટર ડાઉઝિંગના કેટલાક જાણકારોને રોક્યા હતા અને તેમણે અનેક જગ્યાએ ભૂગર્ભજળનું પગેરું કાઢી આપ્યાનો દાવો ખુદ સરકારે પોતાની સત્તાવાર યાદીમાં કર્યો હતો. કેનેડાની સરકારે પણ એ જ રીતે તેના બ્રિટિશ કોલંબિયા રાજ્યમાં અંડરગ્રાઉન્ડ પાણીની તલાશી માટે એવલિન પેનરોઝ નામના ઓસ્ટ્રેલિયન વૉટર ડાઉઝરને રોકી હતી.
​સેરિડોન બનાવતી સ્વિસ ફાર્માસ્યુટિકલ કંપની હોફમેન-લા રોશે વર્ષો પહેલાં મુંબઈ નજીક થાણા વિસ્તારમાં ફેક્ટરી સ્થાપવાનું નક્કી કર્યું ત્યારે પાણીપુરવઠા અંગે ખાતરી કરવા તેણે પોતાના કાયમી સ્ટાફ પરના બે વૉટર ડાઉઝરોને થાણા મોકલ્યા હતા. અમેરિકામાં કન્સ્ટ્રક્શનનો ધંધો ચલાવતી અનેક કંપનીઓ એવી છે કે જેઓ બહુમાળી મકાનનો પાયો નાખતા પહેલાં અંડરગ્રાઉન્ડ પાણી (એટલે કે ખડકોની ભીતરી પોલાણ) માટે વૉટર ડાઉઝરો પાસે એ જગ્યાનું ચેકિંગ કરાવવાનું ચૂકતી નથી.
​1971ના ભારત-પાક યુદ્ધ વખતે ભારતીય વાયુસેનાએ રાજસ્થાન મોરચે રણવિસ્તારની ઍરબેઝને રાતોરાત અપ-ટુ-ડેટ બનાવવાનું થયું ત્યારે રેતીના પટ નીચે પાણીના સ્રોતની ખોજ માટે સ્થાનિક વૉટર ડાઉઝરને બોલાવવામાં આવ્યો હતો અને તેના સફળ કાર્યને ઍર ચીફ માર્શલ પી. સી. લાલે તેમના પુસ્તકમાં બિરદાવ્યું હતું.
​ડાઉઝિંગની પદ્ધતિ
​ડાઉઝિંગ માટે વર્ષો પહેલાં જે પદ્ધતિ વપરાતી તેમાં આજે બહુ ફરક પડ્યો નથી. ડાઉઝિંગનો કથિત જાણકાર પોતાના હાથમાં Y અથવા V આકારની ફાંટાવાળી સૂકી ડાળખી કે સળિયો પકડે છે, જેને અંગ્રેજીમાં dowsing rod (ડાઉઝિંગ રૉડ) કહે છે. બંને છેડા પર તે ડાબા-જમણા હાથના પંજા વડે મજબૂત નહીં, પણ જરા હળવી પકડ જમાવે છે. ક્યારેક ફક્ત અંગૂઠા તેમજ આંગળી વચ્ચે દરેક છેડાને માત્ર અડકતી રીતે દાબી રાખે છે. હાથ સહેજ લંબાવેલી સ્થિતિમાં રહે છે. આ જાતના પૉઝ વખતે Y નો કે V નો નીચલો ટેરવો આગળ તરફ મંડાય છે.
​ડાઉઝિંગનો જાણકાર ત્યાર બાદ ધીમા પગલે ચાલવાનું શરૂ કરે છે. નીચે જ્યાં ભૂગર્ભજળનો પથારો ફેલાયેલો હોય ત્યાંની જમીન પર વૉટર ડાઉઝર જેવો પસાર થાય કે તરત ડાળખી કે સળિયો ચાકગતિએ પૂરા જોશમાં ફરવા માંડે છે. કોઈ વાર તો એવા સમયે ડાઉઝરને એટલો ઝાટકો વર્તાય છે કે તેનું આખું શરીર હચમચી જાય છે. ડાઉઝિંગ રૉડ તરીકે વપરાયેલી ડાળખીને કે સળિયાને મજબૂતીપૂર્વક પકડી ન લેવાય અગર તો સાવ છોડી ન દેવાય ત્યાં સુધી તેની ગુલાંટબાજી અટકતી નથી.
​એકાએક ચાકગતિ પેદા થવાનું રહસ્ય શું?
​આમાં કમાલ V કે Y આકારના સાધનનો નથી, પરંતુ ડાઉઝરના ઓચિંતા સંકોચન પામતા સ્નાયુઓનો છે. એક મંતવ્ય અનુસાર કશુંક ન સમજાતું પરિબળ ડાઉઝરના હાથમાં તાણ પેદા કરે છે, માટે તેના હાથને એ વખતે હિસ્ટિરીયા ચડે છે. સ્નાયુઓના ખેંચાણને લીધે તેઓ સતત ધ્રૂજારી અનુભવે છે અને તે ધ્રૂજારી ડાઉઝિંગ રૉડને જીમનાસ્ટિક્સના દાવ ખેલવા મજબૂર કરે છે. આ રીતે મૂવમેન્ટનો સંચાર થયાનો મતલબ એ કરાય છે કે ત્યાં ભૂગર્ભમાં જળભંડાર હોવો જોઈએ.
​વૈજ્ઞાનિક પરીક્ષણ અને જેમ્સ રેન્ડીનો પડકાર
​હવે મૂળભૂત સવાલ — વિજ્ઞાનના નામે ખપાવી દેવાતી ડાઉઝિંગની કળાને હકીકતે વિજ્ઞાન સાથે નિસ્બત કેટલી?
​દુનિયામાં ડાઉઝિંગનો ચલણ છેલ્લાં પાંચસો વર્ષ દરમિયાન કદાચ એટલા માટે વધતું ગયું કે વિજ્ઞાને કદી ભૌતિકશાસ્ત્રના નિયમોને અનુલક્ષીને તેની કસોટી લીધી નહીં. આથી જ્યારે 1975માં ડાઉઝિંગના અમેરિકન જાણકારોની સંખ્યા 2,500 ના આંકડે પહોંચી અને 1976માં બ્રિટને અનાવૃષ્ટિ વેઠ્યા પછી ત્યાં ડાઉઝિંગ રૉડ 3.50 પાઉન્ડના દરે મોટે પાયે વેચાવા મંડ્યા, ત્યારે આવા ગૂઢ વિષયો અંગેની સ્થાપિત માન્યતાઓ સામે ઝુંબેશ ચલાવતા જેમ્સ રેન્ડી નામના તર્કવાદી વૈજ્ઞાનિકે ઓસ્ટ્રેલિયા ખાતે ડાઉઝિંગનું નાટ્યાત્મક પરીક્ષણ ગોઠવ્યું.
​તેમણે એક ઇનામી સ્પર્ધા રાખી, જેના માટે પોતાની અંગત કમાણીના 10,000 ડૉલર હોડમાં મૂક્યા અને બીજા 40,000 ડૉલર ફંડફાળા દ્વારા મેળવી કુલ 50,000 ડૉલરનું ઇનામ જાહેર કર્યું. સફળ ડાઉઝિંગ માટે પંકાયેલા કુલ 11 જણા પોતાનો કરિશ્મા બતાવવા મેદાનમાં આવ્યા.
​આ દાવેદારો સમક્ષ બે પડકારો હતા:
​જેમ્સ રેન્ડીએ જમીનમાં ફક્ત 25 સેન્ટિમીટર નીચે દર થોડા અંતરે પહોળી સાઇઝના કુલ 10 લાંબા પાઇપ ડાટાવ્યા હતા. એક જ પાઇપની અંદર પાણી વહેતું હતું; બાકીના ખાલી હતા.
​લાકડાના 10 છૂટાછવાયા બૉક્સ પણ ડાટવામાં આવ્યા હતા. એક બૉક્સમાં નગદ સોનાની પાટ હતી; બાકીના ખાલી હતા. સ્થાનિક બેંકે 22,000 ડૉલરના મૂલ્યવાળી પાટ જેમ્સ રેન્ડીને પ્રયોગ માટે લોન પર આપી હતી. (ડાઉઝિંગના ઉપાસકો પાતાળપાણી ઉપરાંત સોનું, લોખંડ, એલ્યુમિનિયમ વગેરે ખનિજો શોધી કાઢવાનો પણ દાવો કરતા હોય છે.)
​ઇનામી કસોટીમાં ભાગ લેતા દરેકે પાણી ધરાવતા પાઇપનું અને સોનાની પાટ ધરાવતા બૉક્સનું સ્થાન પિનપૉઇન્ટ કરી બતાવવાનું હતું. જેમ્સ રેન્ડીએ દરેકને 10 ટ્રાયલ આપવાનું ઠરાવ્યું. ઇનામને પાત્ર બનવા માટે જે-તે ડાઉઝરે પાઇપનું અને બૉક્સનું સ્થાન આઠ વખત સચોટપણે ચીંધી દેખાડવું પડે; એટલે કે સફળતાનો દર 80% હોવો જોઈએ. કોઈ ચોક્કસ ટાઇમ લિમિટ ન હતી. ઉમેદવારો ડાઉઝિંગ રૉડ પણ તેમને પસંદ હોય એ આકાર-પ્રકારનો વાપરી શકે તેમ હતા.
​જેમ્સ રેન્ડીએ વારાફરતી અકેકની ટ્રાયલ અલગથી લીધી. કોઈ ડાઉઝર તેની ટ્રાયલ પછી બીજા ડાઉઝરને હિન્ટ ન આપી શકે એ માટે જેમ્સ રેન્ડીએ દરેક ટ્રાયલના અંતે પંપ વડે પાણીને અગાઉ કરતાં જુદા પાઇપમાં વહેતું કર્યું એટલું જ નહીં, પરંતુ સોનાની પાટવાળા બૉક્સનું સ્થાન પણ બદલતો રહ્યો.
​પરીક્ષણનું પરિણામ
​ફાઇનલ રિઝલ્ટ જેમ્સ રેન્ડીની ધારણા કરતાં ખાસ જુદું ન આવ્યું. ડાઉઝરોની સફળતાનો આંક ફક્ત 12% જેટલો સાબિત થયો. ડાઉઝિંગ રૉડ ન વાપરતી અને ડાઉઝિંગનો કક્કો ન જાણતી વ્યક્તિના કેસમાં પણ 10% નો આંક તો સંભાવના (probability) ના સિદ્ધાંત પ્રમાણે સહેજે બેસે, કેમ કે પાઇપ તથા બૉક્સ 10 હતા અને ટ્રાયલ પણ 10 હતી.
​પરિણામે એમ કહી શકાય કે જેમ્સ રેન્ડીએ યોજેલી લિટમસ ટેસ્ટમાં ડાઉઝરોને તેમનો ડાઉઝિંગ રૉડ ફક્ત 2% જેટલો જ ફળ્યો હતો અને કદાચ માત્ર સંજોગોવશાત્ એવું બન્યું હતું. ટૂંકમાં, કોઈ ડાઉઝર જેમ્સ રેન્ડીના હસ્તે પચાસ હજાર ડૉલરનું ઇનામ મેળવી શક્યો નહીં.
​વિજ્ઞાન શું કહે છે?
​પરિણામ ન મળવાના વૈજ્ઞાનિક કારણ માટે બહુ શોધખોળ કરવી પડે તેમ નથી. નજરે ન દેખાતા પદાર્થની હાજરી કહી આપતા બે મુખ્ય પરિબળો વિદ્યુતચુંબકત્વ અને ગુરુત્વાકર્ષણ છે.
​અમુક વૉટર ડાઉઝરોના દાવા પ્રમાણે ભૂગર્ભમાં વહેતું પાણી આકાશી વાદળોના પરસ્પર અથડાતા ભેજકણોની માફક વિદ્યુતચુંબકત્વ પેદા કરે છે અને તે વિદ્યુત ચાર્જ હાથના સ્નાયુઓ દ્વારા પરખાય ત્યારે તેઓ ધ્રૂજવા માંડે છે. આ દાવામાં પહેલું ગાબડું તો એ કે ઘણાખરા સ્થળોએ ભૂગર્ભજળ વહેતું નથી; બંધિયાર તળાવ જેવું સ્થિર પડ્યું હોય છે. એટલે તેમાં વિદ્યુત ચાર્જ પેદા થવો શક્ય નથી. અને રખે થાય તોપણ તેમાં એટલી ક્ષમતા ન હોય કે ખડકોને ભેદી તે ભૂસપાટી સુધી પહોંચે અને હાથના સ્નાયુઓને હચમચાવી નાખે.
​વિદ્યુત જેવો જ નબળો કેસ ચુંબકત્વનો છે. પાણીને ચુંબકત્વ સાથે કશી લેવાદેવા નથી. પાણીની હાજરીને લીધે પૃથ્વીના કુદરતી ચુંબકત્વમાં કે ગુરુત્વાકર્ષણમાં સ્થાનિક રીતે કશો ફેર પડતો નથી. પરિણામે હાથના સ્નાયુઓને ચુંબકત્વનો કે ગુરુત્વાકર્ષણનો પ્રભાવ જણાય એ વાત માનવા જેવી નથી.
​હાથ શા માટે ધ્રૂજે છે અને પાણી શા માટે મળી આવે છે?
​આ બધા તર્કોને વિજ્ઞાન તરીકે સ્વીકારી લેવાય તો સરવાળે બે સવાલો બાકી રહ્યા:
​ભૂગર્ભજળની ખોજ કરતા ડાઉઝરના હાથ એકાએક શેને લીધે હચમચવા માંડે છે?
​ડાઉઝિંગ દ્વારા બધા નહીં તો ઘણાખરા કેસોમાં ભૂગર્ભજળનો સમૃદ્ધ ભંડાર સાચેસાચ મળી આવવાનું કારણ શું?
​1. હાથનું ધ્રૂજવું (આઇડિયૉમોટર ઍક્શન):
વૈજ્ઞાનિકોના મતે હાથને જણાતો તીવ્ર કંપન આઇડિયૉમોટર ઍક્શન (ideomotor action) નામની માનસિક-કમ-શારીરિક ક્રિયાને આભારી છે. 1930 ની આસપાસ પ્રાયોગિક અખતરાઓ વડે સાબિત કરાયું તેમ, સભાન મનમાં ફરી ફરીને આવતો કશીક હિલચાલનો વિચાર છેવટે સ્નાયુમાં અનૈચ્છિક રીતે એવી હિલચાલ જન્માવે છે, જેના માટે ચોક્કસ જાતનો સભાન પ્રયત્ન કરવો પડતો નથી. વિચાર જ તેના માટે પૂરતો છે — અને તે વિચાર ડાઉઝરોના મગજમાં જડતાપૂર્વક ઠસી ચૂક્યો હોય છે.
​2. પાણી મળી આવવાની સંભાવના:
રહ્યો સવાલ ડાઉઝિંગ દ્વારા વારંવાર લાગતી ભૂગર્ભ જળભંડારની લૉટરીનો, તો એમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. ધરતીના મીઠા પાણીનો 98% જથ્થો ભૂસપાટી પર નહીં, પણ ભૂગર્ભમાં સમાયેલો પડ્યો છે. નદી-નાળાંમાં અને સરોવરોમાં 1,26,700 ઘન કિલોમીટર પાણી છે, જ્યારે અંડરગ્રાઉન્ડ પાણીનો સ્ટૉક 95,00,000 ઘન કિલોમીટર જેટલો એટલે કે લગભગ 75 ગણો વધારે છે.
​કોઈ એવું સ્થળ ભાગ્યે જ હોય કે જ્યાં ટ્યુબવેલ નાખ્યા બાદ પાણી હાથ ન લાગે! માટે વૉટર ડાઉઝિંગના કહેવાતા જાણકારોનો દાવો કે આગાહી ઘણીખરી વખત સાચી પડે એ દેખીતું છે.
​અને આ આગાહી ખોટી એ વખતે પડે છે જ્યારે અમેરિકાના જેમ્સ રેન્ડી જેવા પરીક્ષક આવા જાણકારોને પાઇપમાં વહેતા પાણીની ભાળ મેળવવાનું કહે અને તેઓ પચાસ હજાર ડૉલરનું ઇનામ ગુમાવી બેસે છે.

English Blog by Gautam Patel : 112039380
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now