"હુકમ તો અમારા નામે જ થાય છે" - ગઝલ
વરસાદ પડે તો સૌને ઘરમાં રહેવાનું કહેવાય છે,
ને અમને જ કાદવ ખૂંદવાનું ફરમાન થાય છે.
ઉપરથી એક મેસેજ આવે છે, હવામાં વહેતો જાય છે,
અહીં નીચે અમારી હાજરીનો હિસાબ પુરાય છે.
બાળક કહે પપ્પા આજે ન જવાય છે,
પણ બાપના ખભે તો આખી શાળાનો ભાર મુકાય છે.
એસી કેબીનમાં બેસી જે તસવીરોમાં દેખાય છે,
એમના એક હુકમે અમારા કપડા તરબોળ ભીંજાય છે.
'ગુરુ દેવો ભવ' એ તો પુસ્તકમાં જ ગવાય છે,
બાકી જ્યાં જોખમ છે ત્યાં પહેલા અમને જ મોકલાય છે.
અમે પૂછતા નથી કે આ કોના માટે લખાય છે,
જેને વાગવાનું છે એને તો આપોઆપ સમજાય છે.
શિક્ષણ ગયું તેલ લેવા, એ વાત હવે ક્યાં છુપાય છે?
કાગળ ભરાય છે, ફોટા પડાય છે, ને કામ પૂરું બતાવાય છે.
કહો છો ફરજ છે એમ કહીને વાત ઉડાવાય છે,
અમે અહીં ભીંજાય ને ત્યાં તમારી "સ્વયમ્'ભૂ" વાહવાહી થાય છે.
અશ્વિન રાઠોડ - "સ્વયમ્'ભૂ"