જીવનનો સૌથી મોટો ભ્રમ એ છે કે આપણે સફળતાને માત્ર જીત સાથે અને મહાનતાને માત્ર શક્તિ સાથે જોડી દઈએ છીએ. પરંતુ પ્રકૃતિ આપણને કંઈક અલગ જ શીખવે છે. નદી પોતાની તાકાતથી નહીં, પરંતુ સતત વહેતી રહેવાની ધીરજથી પથ્થરને કાપે છે. એ જ રીતે મનુષ્ય પણ એક જ દિવસમાં મહાન બનતો નથી ,વર્ષો સુધીના નિઃશબ્દ સંઘર્ષ, અસંખ્ય નિષ્ફળતાઓ, ત્યાગ, ધીરજ અને પોતાના કર્તવ્ય પ્રત્યેની અડગ નિષ્ઠા તેને મહામાનવ બનાવે છે.
જીવનમાં એવો સમય દરેકના જીવનમાં આવે છે, જ્યારે માણસ તૂટી જાય છે પણ ભાગી શકતો નથી. ત્યારે તેને માત્ર થંભીને પોતાની જાતને ઘડવી પડે છે. કદાચ ઈશ્વર એ જ ક્ષણોમાં આપણું ભાગ્ય આપણું વ્યક્તિત્વ લખી રહ્યા હોય છે.
ભગવાન શ્રીકૃષ્ણનું સમગ્ર જીવન આ સત્યનો જીવંત પુરાવો છે. તેમણે ગોકુલ મથુરા છોડી અને દ્વારિકા વસાવી, કારણ કે કર્તવ્ય તેમના માટે વ્યક્તિગત સુખ કરતાં હંમેશાં મોટું હતું. ઘણા લોકો પૂછે છે “દુનિયાને માર્ગ બતાવનાર પોતાની દ્વારિકાને કેમ ન બચાવી શક્યા?” પરંતુ કદાચ એ જ શ્રીકૃષ્ણનો સૌથી ઊંડો સંદેશ હતો. તેમણે શીખવ્યું કે સર્જન જેટલું જ વિસર્જન પણ પ્રકૃતિનો ધર્મ છે. જે જન્મે છે તે એક દિવસ પરિવર્તિત થાય છે જે રચાય છે તે એક દિવસ વિલીન પણ થાય છે. આ સત્યથી કોઈ ઉપર નથી.
એટલે જો આજે જીવન આપણને થંભાવી રહ્યું હોય, તો તેને હાર ન માનશો. કદાચ આ વિરામ જ આપણી સૌથી મોટી તૈયારી છે. “અશક્ય” શબ્દ માત્ર મૂર્ખોના શબ્દકોશમાં જ મળે છે, કારણ કે ઇતિહાસ હંમેશાં તેઓ જ લખે છે, જેઓ સંઘર્ષની આગમાં પણ પોતાના ધર્મ, પોતાના મૂલ્યો અને પોતાના સપનાઓને જીવંત રાખે છે.
તેથી કર્તવ્યના માર્ગ પર અડગ રહો, ધીરજને પોતાનો સાથી બનાવો અને સમય પર વિશ્વાસ રાખો, કારણ કે…
“सर्वोत्तमम् अद्यापि आगमिष्यति।”
સર્વશ્રેષ્ઠ હજુ આવવાનું બાકી છે….