લાગણીનો તૂટતો સેતુ -
માનવી સમયની વ્યસ્તતામાં પરિવારને પૂરતો સમય આપી શકતો નથી. પહેલાના સમય કરતા ટેક્નોલોજી વધુ, સુવિધાઓ પણ વધુ, ઘરે ઘરે સ્ત્રીઓ માટે ઘર કામ માટે બહેનો પણ રાખવા લાગ્યા છતાં સમય નથી રહેતો!! અચરજ થાય ને.. પહેલાના સમયમાં પણ ચોવીસ કલાક જ રહેતા અને આજ પણ ચોવીસ કલાક જ છે છતાં પહેલાના લોકો પરિવારને સમય પૂરતો આપી શકતા પણ આજે સુવિધાઓ અપાય છે પણ વ્યક્તિગત હાજરી અપાતી નથી. માનવીની આર્થિક પ્રગતિ તો ખૂબ થઈ પણ પરિવાર વચ્ચેનો લાગણીનો સેતુ તૂટવા લાગ્યો. વફાદારી, વિશ્વાસ, નિઃસ્વાર્થ પ્રેમ હવે પરિવારમાં પણ જોવા મળતા નથી.
પરિવારના સભ્યો પણ એટલું જ મહત્વ આપે છે જેટલું આપણે એને ઉપયોગી બનીએ. વડીલો પણ ટેવાઈ ગયા છે. એ પણ બાળકોના જીવનમાં દખલગીરી કરતા નથી, અપેક્ષાઓ ઓછી રાખે છે. જેમ ઘર મોટા થતા ગયા મનમાં મહેકતા સંબંધ ફ્કત નામના જ રહ્યા.
આપણી સંસ્કૃતિ બદલવા લાગી. પરિવર્તન બધામાં જરૂરી છે એ સાચું પણ પરિવારના સભ્યો વચ્ચે રહેલ લાગણીમાં આવું પરિવર્તન શું યોગ્ય છે? વ્યક્તિ કોઈપણ હોય લાગણી વિનાનું જીવન જીવી શકતો નથી, બહાર લાગણી માટે પ્રયાસો કરવા એથી ઉત્તમ કે જે સ્નેહીજનો પરિવારના છે એમને માટે સમય આપવો. દિવસનો એક કલાકનો સમય એમની સાથે ગાળવો, એ સમય ટીવી, મોબાઈલ કે લેપટોપ નહી પણ વ્યક્તિગત હાજરી આપી આપણા પરિવારને સમય આપવો. ફ્કત આટલો જ બદલાવ લેવાથી દરેક વ્યક્તિ જે પોતાના મનનો ઉભરો બહાર ઠેલવે છે એ એવું કરતું અટકશે, ઘરના સભ્યોના પરસ્પર સંબંધ વધુ ગાઢ થશે. અજાણ્યા લોકોમાં વેડફાતો સમય પરિવાર માટે આપવાથી મન પણ પ્રફુલિત રહેશે. ખરું ને?
- ફાલ્ગુની દોસ્ત