" ખોવાયેલો ખજાનો" પ્રેરકવાર્તા
- નયના વિરડીયા ✍️
બહુ સમય પહેલાની વાત છે. અરબ સાગરના કિનારે એક નાનકડું મછવારાઓનું ગામ હતું આ ગામમાં “વીર” નામનો છોકરો રહેતો હતો. ગામના લોકો દરિયાને માત્ર રોજી-રોટી માટે જોતાં, પણ વીર માટે દરિયો એક રહસ્ય હતો. એને હંમેશા જ લાગતું કે દરિયાની અંદર કંઈક એવું છુપાયેલું છે જે તેની જિંદગી બદલી દેશે.
એક દિવસ દરિયા કિનારે એને એક જૂનો નકશો મળ્યો. કાગળ પીળો પડી ગયો હતો અને તેના પર એક “X” નું નિશાન હતું. વીરને તરત જ વિચાર આવ્યો કે નક્કી આ કોઈ મોટા ખજાના સુધી પહોંચવા માટે નો નકશો જ છે.આવો મોકો મળે અને કોઈ ચુપચાપ બેસી રહે એવું ક્યારેય થયું છે?
વીરે તરત જ નક્કી કરી લીધું કે તે ખજાનો શોધીને જ રહેશે.
તે નાની હોડી લઈને દરિયામાં નીકળી પડ્યો. દિવસો સુધી તે તરતો રહ્યો. ભૂખ, તરસ અને ભય… બધું સહન કરતો ગયો. આખરે તે નકશામાં દર્શાવેલા ટાપુએ પહોંચી ગયો.
ટાપુ શાંત હતો, બહુ જ શાંત. જાણે ત્યાં કોઈ વર્ષોથી આવ્યું જ ન હોય.
વીરે “X” ની જગ્યા ખોદવાની શરૂઆત કરી. થોડા સમય પછી, તેને લાકડાનું એક બોક્સ મળ્યું. બોક્સ જોતા જ તેનું હૃદય જોરદાર ધડકવા લાગ્યું “હવે તો હું દુનિયા નો સૌથી ધનિક માણસ બની જઈશ,” અનેક સપનાઓએ પાંખો ફફડાવી આલીશાન ઘર બનાવીશ,હાથી, ઘોડા,નોકર,ચાકર ની સેના ઘરના આંગણામાં ઉભી હશે અને શાહી ઠાઠ થી પોતે એ મહેલ જેવા ઘરમાં રહેશે. વિચારોના વરસાદ સાથે તેણે બોક્સ ખોલ્યું.
પણ અંદર શું હતું?
સોનાં-ચાંદી નહીં…
રૂપિયા પૈસા પણ નહિ...
જય,ઝવેરાત કે મિલ્કતો નો ઉલ્લેખપત્ર પણ નહિ...
પણ એક જૂનું દર્પણ.
વીર ગુસ્સે ભરાઈ ગયો. “આ શું મજાક છે?” એ ચીસો પાડવા લાગ્યો વેરાન ટાપુ માં તેની ચીસો શાંત બની વિખેરાય ગઈ
પણ જ્યારે તેણે દર્પણમાં પોતાનો ચહેરો જોયો, ત્યારે તેને સમજાયું કે તે પહેલાં જેવો રહ્યો જ નથી. એની આંખોમાં હવે ભય નહોતો, પરંતુ આત્મવિશ્વાસ હતો. એની અંદર એક નવી શક્તિ જન્મી હતી. દરિયો ખેડવાનો અનુભવ હતો.
ત્યારે જ તેને સમજાયું…
ખજાનો સોનામાં નહોતો, ખજાનો તો એની અંદર હતો.